Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, ગાંધીજીનું મગજ ખોલીએ …

વિશાલ ભાદાણી|Opinion - Opinion|3 May 2021

‘ન્યુરો-એન્લાઈટન્મેન્ટ-યુગ’માં આપનું હાર્દિક સ્વાગત છે!

વાત છે પહેલી ઑગસ્ટ ૧૯૬૬ની. સ્થળ છે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીની અગાસી. ચાર્લ્સ વ્હીટમેન નામનો એક “સજ્જન” પોતાની બંદૂક લઈને યુનિવર્સિટીના ૧૪ લોકોને મારી નાખે છે. અનેક લોકોને ઘાયલ કરે છે. ઘેરથી નીકળતા પહેલાં તેણે પોતાની મા અને પત્નીને પણ મારી નાખ્યાં. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું! ત્યાં સુધી કે ટાઈમ મેગેઝીને તેના કવર-પેજ પર આ વ્યક્તિનો ફોટો છાપ્યો. અંતે પોલીસે તેને ઠાર માર્યો. આ વર્તનનું કોઈ ખાસ કારણ? એ તપાસવા માટે પોલીસે એક ઇન્વેસ્ટીગેશન હાથ ધર્યું. પડોશીઓને ચાર્લ્સ વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું એ તો એકદમ સજ્જન માણસ હતો અને કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો નથી કર્યો. અને અમારાં પડોશીઓના કૂતરાને પણ એ ફરવા લઈ જતો, એટલો માયાળુ માણસ હતો. પોલીસે એનું ઘર તપાસ્યું તો એમને ચાર્લ્સની ડાયરી મળી જેમાં એણે લખ્યું હતુંઃ “છેલ્લા કેટલાક સમયથી મારી અંદર શું ચાલી રહ્યું છે એ સમજાતું નથી. મને ઢંગધડા વગરના વિચારો આવે છે અને ખૂબ માથું દુઃખે છે. હું કંઇક એવું કરી બેસું કે જે મારે ન કરવું જોઈએ તો હું એવું ઇચ્છું છું કે મારાં મગજની autopsy કરવામાં આવે અને જોવામાં આવે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ.” આ કામ માટે એણે ત્રીસ હજાર ડોલરનો ચેક પણ ડાયરીમાં મૂકેલો. ત્યાર બાદ એની ઇચ્છા પ્રમાણે તેના મગજનો ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો અને જે પરિણામ આવ્યું એ સૌ માટે આશ્ચર્યજનક હતું. ચાર્લ્સના મગજમાં મોટી ગાંઠ હતી. મગજના જે ભાગમાં ગાંઠ હતી તેને amygdala કહેવાય છે જે આપણામાં રહેલા ગુસ્સા, હિંસા, ભય વગેરે જેવા ભાવોનું નિયંત્રણ કરે છે. એટલે એણે જે હત્યાઓ કરી તેને માટે એના મગજના amygdalaમાં જે ગાંઠ હતી તે જવાબદાર હતી એવું તારણ નીકળ્યું!

આ ઘટનાથી ગુનાખોરી અને હિંસાને સમજવાના અનેક રસ્તાઓ ખૂલી ગયા. હવે ધારો કે તે દિવસે ચાર્લ્સને પકડીને તેના મગજની ગાંઠ દૂર કરવામાં આવી હોત અને એના મગજનું amygdala ફરી નૉર્મલ થયું હોત તો શું તેના પર કેસ થવો જોઈએ, એને સજા થવી જોઈએ? બીજો પ્રશ્ન શું કોઈ પણ વ્યક્તિ આવી બીમારીનો હવાલો દઈને કંઈ પણ કરી શકે? અને વળી, આપણે હિંસાનું કારણ બીમારી છે જ એવું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકીએ? આવા પ્રશ્નો પણ બહુ ચર્ચાયા. પણ, એક વાત તો સાબિત થઈ ગઈ આપણે માનીએ કે ન માનીએ પણ આપણા બધા જ ભાવો, પ્રેમથી લઈને ઈશ્વરમાં શ્રદ્ધા સુધીનું બધું જ આપણા મગજમાં રહેલા કોષોના પરસ્પર વ્યવહારોની જ નીપજ હોય છે. એટલે“પ્રેમ” કે “ઈશ્વર પરની શ્રદ્ધા” પ્રગટાવનારા કોષોને આપણે બહારથી નિયંત્રિત કરી શકીએ તો કોઈ પણ માણસની ભાવાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ પર ધાર્યો પ્રભાવ પાડી શકાય!

ન્યુરોલોજીમાં જે સંશોધન થઈ રહ્યું છે તેનાથી માનવમનનાં અનેક રહસ્યો સામે આવી રહ્યાં છે અને અત્યાર સુધી જે black-box કહેવાતું એવું માનવ મન હવે વાંચી અને ઉકેલી શકાય છે. Functional Magnetic Resonance Imaging (FMRI) અને Event Related Potentials (ERP) દ્વારા બહારના વાતાવરણમાં જે કંઈ પણ થાય છે તેની માનવ મગજ પર ક્યાં અને કેવી અસર થાય છે એ જાણી શકાય છે. સંશોધનોનો લાભ લેવામાં સૌથી આગળ કોર્પોરેટ જગત હોય છે અને ઘણાંખરામાં તો તેનું સીધું રોકાણ જ હોય છે, કારણ કે જેટલા વધુ ગ્રાહકોને આકર્ષી શકાય એટલો વધુ નફો મળે! એટલે ‘neuro-marketing’ અને ‘FOMO’ (Fear Of Missing Out) જેવા શબ્દો આજે ખૂબ જ જાણીતા બન્યા છે. ધીમે ધીમે માણસનું મગજ hack કરવાની જાણે કે હરીફાઈ ચાલી છે અને કોઈને ય એનો કોઈ જ વાંધો નથી. ટી.વી. અને ઈન્ટરનેટમાં જે પ્રકારે કોર્પોરેટ અને પોલિટિકલ માર્કેટિંગ કરવામાં આવે છે તેમાં ન્યુરોલોજીનો ઉપયોગ કરીને આપણી ખરીદી કરવાની અને મત આપવાની નિર્ણયશક્તિને આરામથી “હાઈજેક” કરી લીધી છે.

આપણે ન્યુરોલોજી-સંશોધનમાં એવા તબક્કે આવીને ઊભા છીએ કે જ્યાંથી આપણે માનવ-વર્તન માટે જવાબદાર મગજના જે તે કોષને બરાબર જાણી રહ્યા છીએ. એટલે અત્યારે સુધી જે બીમારીઓ પકડાતી જ નહોતી અને જે અસાધ્ય લાગતી હતી તેની સારવાર શક્ય બની છે. Bionic આંખ અને Prosthetic પગ વડે લોકોનું દિવ્યાંગપણું ઘટ્યું છે. માનવ સ્વભાવ પ્રમાણે આપણે જે વસ્તુ જાણી લઈએ પછી એને નિયંત્રિત કરવાની સહજવૃત્તિ હોય છે. એટલે આપણે ન્યુરોલોજી અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ને સાથે જોડીને માનવ-વર્તનને બહારથી નિયંત્રિત કરવાની દિશામાં એટલા આગળ નીકળી ગયા છીએ કે આપણે હવે બહુ જલદી વિચારોને સીધા જ સ્ક્રીન પર જોઈ શકીશું (વધુ જુઓ Moran Cerf)! તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ મોબાઈલ પર જોવા માટે તૈયાર છો ને? જીવનમાં ન્યુરોલોજી બધાં જ પાસાઓ આટલી હદે ઊંડી અસર કરી રહ્યું છે ત્યારે આવા યુગને ‘ન્યુરો-એન્લાઈટન્મેન્ટ-યુગ’ કહીએ તો વાંધો આવે?

આ દિશામાં આગળ વધીએ એટલે આપણને Neuroethics નામની એક આખી વિદ્યાશાખા મળે છે જેમાં માણસ જે કંઈ નૈતિક મૂલ્યોને લગતા નિર્ણયો લે છે તેની પાછળ મગજની કઈ બાયોલોજી અને કેમિસ્ટ્રી કામ કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. લાઈ-ડિટેકટર કેવી રીતે કામ કરે છે એ આપણે જાણીએ છીએ. હવે ન્યુરોલોજી, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને બાયો-સાયન્સીસ સાથે મળીને આપણને મૂલ્ય કેળવણીમાં ચોક્કસ મદદ કરી શકે તેમ છે. શરૂઆતમાં કોઈ રોગની સારવાર તરીકે શોધાયેલ દવાને આગળ જતાં “અન્ય” હેતુઓ (better than well) માટે વાપરવાનો ઇતિહાસ જાણીતો છે. જેમ અમુક પ્રકારનાં ડ્રગ્સ લેવાથી શારીરિક ક્ષમતાઓમાં વધારો કરીને રમતવીરો મેડલ જીતી શકે એમ જ અમુક પ્રકારનાં ડ્રગ્સ લેવાથી માણસની નૈતિક નિર્ણય લેવાની ક્ષમતામાં પણ અસર પહોંચાડી શકાય. દુનિયાભરમાં જે સત્તા અને રાજકારણ એક સમયે કોલસાની ખાણોને લગતા વ્યવસાયોમાં હતાં, ખનીજ તેલના કૂવા-ધારકો પાસે હતાં એ જ અને એથી અનેકગણાં વધારે અત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે છે.

શું મગજમાં દવા ભરીને તેની પાસેથી અમુક પ્રકારનું કામ લેવું યોગ્ય છે? આ નૈતિક પ્રશ્ન બહુ થોડો સમય જ નૈતિક રહેશે. મિલિટરીમાં આના ફાયદાઓ દેખાવા લાગ્યા છે. અમેરિકામાં આજે ૪૦,૦૦૦ લોકોના મગજમાં ચીપ ફીટ કરેલી છે. આ બધા લોકોને કોઈને કોઈ બીમારી સામે લડવામાં આ ચીપ મદદ કરે છે. પણ, જો એવી ખબર પડે કે ચીપનાં અમુક ફંક્શન બદલવાથી આપણા સૈનિકોને શરીરિક પીડાનો અનુભવ જ ન થાય તો એ નિર્ણય લેતાં કેટલી વાર! (અત્યાર સુધી જે ફિલ્મોમાં થતું એ હવે હકીકત થઇ શકે!) આપણી દુઃખદ યાદોને ભૂલવા માટેની દવા(Propranolol)ને તો FDA માન્યતા મળેલી છે!!

આ જ ન્યુરોલોજીનો ઉપયોગ કરીને મૂલ્ય-કેળવણી કેવી રીતે કરવી જોઈએ તેનાથી આપણે યોજનો દૂર છીએ! જે વિજ્ઞાનનો ઉપયોગ કરીને માણસને જે તે વસ્તુ ખરીદવા એની જાણ બહાર મજબૂર કરવામાં આવે છે અથવા તો જે તે પાર્ટીને મત આપવા માટેની તેની માનસિકતાને તૈયાર કરવામાં આવે છે એ જ વિજ્ઞાનનો ઉપયોગ સારા કામ માટે ન થઈ શકે? મૂલ્ય-કેળવણીમાં આપણે નિષ્ફળ શા માટે જઈએ છીએ તેના ઘણાં કારણો છે જેમાંનુ એક મૂલ્ય અને મગજના કોષો વચ્ચેના આંતરસંબંધો વિશેનું આપણું અજ્ઞાન છે. પણ, હવે જ્યારે આ અજ્ઞાનનું જ્ઞાન થયું છે ત્યારે તેનો માર્ગ શોધવો રહ્યો.

સસ્તન પ્રાણીઓ અને ન્યૂરોલોજી

સામાન્ય રીતે એવું માનવમા આવે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ અને પરંપરાઓ માણસમાં મૂલ્યો રોપે છે. પણ શું એ સાચું છે? પૅટ્રિશિયા ચર્ચલેન્ડના પુસ્તક ’બ્રેઈન-ટ્રસ્ટ’માં દલીલ કરવામાં આવી છે કે ધર્મો પહેલાં આપણું મગજ મૂલ્યોની સમજ ધરાવતું હતું. આ વાતને થોડી વ્યવસ્થિત સમજવા માટે આપણે ઈવોલ્યુશનરી બાયોલોજીમાં જવું પડશે. થોમસ લેવીસ નામના માનસશાસ્ત્રી (Neurologist) જણાવે છે કે સરીસૃપ જીવો અને સસ્તન જીવોમાં જે તફાવત છે એમાં સૌથી મોટો અનુકંપાનો છે. એટલે કે સરીસૃપો ઈંડાં મૂકે છે અને એ ઈંડાં બચ્ચાં બને ત્યાં સુધીની તેની મુખ્ય જવાબદારી હોય છે. એકવાર ઈંડામાંથી બચ્ચાં નીકળી જાય પછી માતાપિતાની જવાબદારી ઘણી ઘટી જાય છે. પણ સસ્તન જીવો જે બચ્ચાંને જન્મ આપે છે એમને પ્રકૃતિએ વિશેષ જવાબદારી આપી છે. બચ્ચાંને જન્મ આપ્યા બાદ તેઓએ એમની સુરક્ષા, ખોરાક, પ્રેમ, વાતચીત તેમ જ અમુક અંશે શિક્ષણની જવાબદારી ઉઠાવવાની હોય છે. આમાં પ્રેમ અને સુરક્ષાની વચ્ચે ‘અનુકંપા’ આવે છે. આમ, એક સસ્તન જીવ તરીકે માણસમાં અનુકંપા સહજ છે. સસ્તન જીવોને સમૂહમાં રહેવા માટે કેટલાક વણલખ્યા નિયમો પાળવા પડતા હોય છે. પ્રત્યેક સસ્તન માટે પોતાના સમાજમાં રહેવું એ અનિવાર્ય બની જાય છે કેમ કે તો જ એ ટકી શકે છે. એટલે એણે જો પોતાના સમાજમાં રહેવું હોય તો એ સ્વીકારવું પડે કે મારી બહેન કે મારો ભાઈ મારો ખોરાક નથી! હાથીઓમાં પણ આપણે ઘણાં વિશેષ મૂલ્યો જોઈ શકીએ છીએ. જેમ કે જૂથના કોઈ પણ હાથીનું મૃત્યુ થાય તો આખું ય જૂથ ત્રણ દિવસ સુધી એ જગ્યાએ જઈને ઊભા રહે છે. માણસ, એક સસ્તન પ્રાણી તરીકે સામાજિક પ્રાણી છે અને એના મગજની કુદરતી ડિઝાઇન જ એવી છે કે જે એને સામૂહિક-જીવન માટે જરૂરી એવાં મૂલ્યો સહજ પાળે છે.

અત્યારે મૂલ્યો ધોવાઈ રહ્યાં છે એવી એક ફરિયાદ છે પણ એ માત્ર સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે છે. કારણ કે માણસને વ્યક્તિવાદી જીવનશૈલી વધુ માફક આવતી જાય છે જે ખરેખર તો તેની કુદરતી ડિઝાઇનથી વિરુદ્ધ છે. સ્વતંત્રતા (સ્વચ્છંદતા વાંચવું) અને અધિકારોને નામે માણસ પોતાના એકલા માટે એવી બાબતો પસંદ કરે છે જે સમૂહ માટે હાનિકારક હોય છે. આ અર્થમાં ’ફરજ’ના અર્થમાં ધર્મ આધારિત વર્તવું એ આપણું વધુ સાહજિક વર્તન છે કેમ કે એમાં સમૂહનો વિચાર છે.

હવે માણસના મગજ અને મૂલ્યો વચ્ચેનાં સંબંધને વધુ વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. ન્યૂરોલોજી એમ કહે છે કે માણસ બે રીતે મૂલ્ય-વિષયક નિર્ણયો લે છેઃ ૧) વૃત્તિસહજ – સસ્તન પ્રાણી તરીકે તુરત લેવાતા નિર્ણયો અને ૨) તર્કસહજ – ધર્મ અથવા શિક્ષણ દ્વારા શીખીને તાર્કિક રીતે વિચારીને સમય લઈને લેવાતા નિર્ણયો. આપણને પ્રશ્ન થાય કે આ બેમાંથી કઈ રીતે નિર્ણય કરવામાં આવે તો બહુજન હિતાય નિર્ણયો લઇ શકાય? હાર્વર્ડના જોશુઆ ગ્રીન નામના એક પ્રોફેસરે એક સરસ પ્રયોગ કર્યો. પચાસ વ્યક્તિઓને નેચર કૅમ્પ માટે એક ટાપુ પર લઇ જવામાં આવ્યાં. એક દિવસ સૌને ત્યાંના આદિવાસીઓને મળવા લઇ જવામાં આવ્યા. પછી એમને કહેવામાં આવ્યું કે આ લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણના ગંભીર પ્રશ્નો છે; શું તમારામાંથી કોઈ આમને થોડું પણ દાન આપી શકો? એટલે પચાસમાંથી લગભગ ત્રીસેક લોકોએ તરત હાથ ઊંચા કર્યા. આવા જ બીજા જૂથને એક સેમિનાર હૅાલમાં બેસાડીને એ જ આદિવાસીઓના જીવન વિષે વિસ્તારથી સમજાવવામાં આવ્યું અને અંતે કહેવામાં આવ્યું કે આ લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણના ગંભીર પ્રશ્નો છે; શું તમારામાંથી કોઈ આમને થોડું પણ દાન આપી શકો? જે લોકોને દાન આપવું હોય એ હૉલની બહાર એક ફોર્મ છે એ ભરી દેજો. તો પચાસમાંથી માત્ર સાત જણાએ દાન આપવાની તૈયારી બતાવી. આનો અર્થ એ થયો કે માણસ આજે પણ  વૃત્તિસહજ જે નિર્ણયો કરે છે તે વધુ અસરકારક છે અને તર્ક-સહજ નિર્ણયો ઓછા કરે છે. વિચારીને પગલાં ભરવાં જોઈએ એ મૂલ્ય-વિષયક નિર્ણયોમાં ખોટું સાબિત થાય છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આપણા મગજમાં એક ખાસ જગ્યા છે (સર્કિટ) જે આપણાં મૂલ્યોને લગતા નિર્ણયો કરે છે. આપણે સાચું બોલીશું કે ખોટું, કોઈને છેતરીશું કે મદદ કરીશું, દાન દઈશું કે નહીં, બીજાની પીડા જોઈને આપણને અનુકંપા થશે કે નહીં, ખોટું કર્યા પછી પસ્તાવો થશે કે નહીં અને ન્યાયિક સમાજ-જીવન માટે આપણે શું કરીશું આ બધાનો જ્યાં ફેંસલો થાય છે એને કહે છે Right Temporal Parietal Junction. ગાંધી-મૂલ્યોને ન્યરોલોજીના પરિમાણથી જોઈ શકાય? ગાંધીવાદીઓ આમ કેટલા સહમત થાય એ પ્રશ્ન છે પણ તો આ વાત અનેક દરવાજાઓ ખોલી શકે તેમ છે.

એટલે હવે વાત, ગાંધીમૂલ્યો અને ન્યૂરોલોજીની

ગાંધીજી જે મૂલ્યોને જીવ્યા એમાંનું એક છે અનુકંપા-તાદાત્મ્ય (Empathy). અન્યાયની લાગણીનો મને જેવો અનુભવ થાય છે એવો જ અનુભવ બીજાને પણ થતો હોય છે એ ભાવે દક્ષિણ-આફ્રિકામાં સત્યાગ્રહનાં મંડાણ થયાં. જો મારાં ભાઈ-ભાંડુઓ પાસે પૂરતાં કપડાં ન હોય અને હું અમલદારી ઠાઠવાળાં કપડાં પહેરું એ બરાબર ન કહેવાય. આ અનુકંપામાંથી નીપજતા વિચારો છે. માત્ર ગાંધીજી જ નહીં આપણે પણ અન્યનું દુઃખ જોઇને ક્ષણવાર વત્તી-ઓછી માત્રામાં દ્રવી તો જઈએ જ છીએ. અન્ય પ્રત્યેની અનુકંપા, એમને મારાથી દુઃખ ન પહોંચાડાય એવો અહિંસાનો ભાવ પણ એમાં કામ કરે છે.

હજુ વધુ આગળ સમજીએ તો મગજના (હૃદયના નહીં!) જે કોષો અનુકંપા પેદા કરે છે તેને Mirror Neurons કહેવાય છે જે આપણામાં અન્ય પ્રત્યે સહાનુભૂતિ જગાડે છે. આ મિરર ન્યૂરોન્સની શોધ ઈટાલીમાં થઇ છે. અન્યને પીડામાં જોઈને આપણી આંખની કોર ભીની થવી, એના માટે કશુંક કરવું અને સમાજના લોકોને અમુક પીડાઓ ભોગવી જ ન પડે તેના વિશે સતત મંથન કરવું એ જો એક મૂલ્ય તરીકે આપણે બાળકોમાં કેળવવું હોય તો મિરર ન્યૂરોન્સને હેતુપૂર્વક છંછેડ્યા વગર શક્ય નથી. કુદરતે આ ન્યુરોન્સ આપ્યા છે પણ તે ન્યુરોન્સ સતત સક્રિય રહે અને કુંઠિત ન થઇ જાય તેવું વાતાવરણ સર્જન કરવું પડે અને એવી પ્રવૃત્તિઓ બનાવવી પડે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાર્યરત મૂળ ભારતીય ન્યુરોલોજીસ્ટ એવા ડૉ. વી.એસ. રામચંદ્રન આ મિરર ન્યૂરોન્સને ‘ગાંધી-ન્યુરોન્સ’ કહે છે! શું ગાંધીજીના મગજમાં રહેલાં મિરર ન્યૂરોન્સ વધારે સક્રિય હતા એમ કહી શકાય? ગાંધીજીના મગજમાં રહેલા મિરર ન્યૂરોન્સ ખૂજ જ સક્રિય રહેતા તો એની પાછળ કેવાં ન્યુરોલોજિકલ કારણો અને પરિબળો જવાબદાર હતાં? શું એમની ખોરાક/ઉપવાસ પદ્ધતિ જુદી હતી? કે એમનું વાંચન અને મનન વિશેષ હતું? શું એમની ઈશ્વર પરની શ્રદ્ધાએ એમાં કોઈ ભૂમિકા ભજવી હશે?

બીજું ગાંધી-મૂલ્ય છે ‘સત્ય’. દર્શકે એક વેધક સવાલ પૂછેલો છેઃ ‘સત્યમેવ જયતે’ને ઇતિહાસ અનુમોદન આપે છે? આપણે જરા જુદા સંદર્ભમાં પૂછીએ કે શું જીવ-વિજ્ઞાન અને ઉત્ક્રાંતિ સત્યને અનુમોદન આપે છે કે પછી સત્ય એક સાંસ્કૃતિક ખ્યાલ છે? ગાંધીજીએ સત્યના જે પ્રયોગો કર્યા તેને ન્યુરોલોજી કેવી રીતે જુએ છે એ તપાસ ઘણું અજવાળું પાથરી શકે. સત્ય સાથે અહિંસાનો પણ વિચાર કરવો રહ્યો. કુદરતમાં માણસ સિવાયના મોટા ભાગના જીવોમાં ‘હિંસા’ નૈતિક પ્રશ્ન ન રહેતાં જીવન ટકાવી રાખવા માટેનો નિર્વિકલ્પ માર્ગ છે. તો એક માણસ બીજા માણસ પ્રત્યે હિંસક બને છે ત્યારે તેના મગજના ક્યા ભાગમાં કેવી અસર થાય છે એ જાણીને આવા માણસો ક્યારે ક્યારે અને કેવી કેવી હિંસા કરી શકે તેનો નકશો ન બનાવી શકાય? ‘સર્વોદય’ અને ‘સત્યાગ્રહ’ જેવા શબ્દો બોલીએ, સમજીને બોલીએ, એમાં વિશ્વાસ રાખીએ, એના માટે પ્રયત્નો કરીએ, લોકોને એના વિશે જાગૃત કરીએ ત્યારે આપણા મગજના ક્યા ભાગમાં કેવી અસર થાય છે એ એમ.આર.આઈ. અને ઈ.આર.પી. જેવી ટેક્નોલોજી દ્વારા જોઈએ તો કેવું?

શિક્ષણ જગતમાં વારંવાર જે વાક્યપ્રયોગ થાય છે એ છેઃ “આપણે સારો માણસ બનાવવો જોઈએ.” આપણે પ્રામાણિકતાથી, આ ઉદેશ્યની સફળતા વિશે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે હજારો શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓના ધ્યેયમંત્રમાં મનુષ્યત્વ ઉજાગર કરવાની વાત હોય છે. એક સાદી સમજ પ્રમાણે આવાં ધ્યેય-મંત્રોમાં મોટા ભાગનાં ગાંધી-મૂલ્યો આવી જાય છે. આવાં મૂલ્યોને આત્મસાત કરવા માટે આખી જીવનશૈલી બદલવી પડે. પણ, ગાંધીવિચાર આધારિત જીવનશૈલી આપણે અપનાવી શકતા નથી ત્યારે આપણે ન્યુરોલોજી પાસે જવું જોઈએ અને આપણાં ધ્યેયમંત્રોને સાધવા માટે કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી વિદ્યાર્થીઓના મગજમાં જ ફેરફાર થાય (જેમ અત્યારે સોશિયલ મીડિયા કરી રહ્યું છે તેમ) અને તેના પર હકારાત્મક અસર પહોંચાડી શકાય તેનું એક વ્યાપક આયોજન માગવું જોઈએ.

આમ કરવા જતાં જે કેટલાક પ્રશ્નો ઝાંખા ઝાંખા દેખાય છે તે નીચે પ્રમાણે છેઃ

• આપણે સત્ય જ બોલીએ એવી ગોળીઓ (કોઈપણ આડ અસર વગરની) બજારમાં મળે તો આપણે આપણાં સંતાનોને ખવરાવીએ?

• સરકાર શાળા/કૉલેજનાં બધાં જ બાળકોને આવી ગોળી લેવાની ફરજ પાડી શકે?

• તમારાં કારખાનાં/સંસ્થાઓમાં ચોરીના બનાવો ન બને તે માટે તમે તમારા કર્મચારીઓને ચોરી ન કરે તેવી ગોળીઓ ફરજિયાતપણે (એકાદ ઇન્સેન્ટીવ સાથે) ખવરાવો ખરા?

• જો ગાંધીજી હોત તો આવી ગોળીઓનો વિરોધ કરત કે સમર્થન આપત? કેવી રીતે?

• શું સામાજિક પ્રશ્નો ઉત્ક્રાંતિનો ભાગ નથી?

• ભવિષ્યમાં માનવવર્તનને નિયંત્રિત કરતી આવી ગોળીઓ (તેનું સ્વરૂપ ગોળીને બદલે મોબાઈલ એપ્લિકેશન કે અન્ય ટેક્નોલોજીનું પણ હોઈ શકે) નહીં જ આવે એવું ખાતરીપૂર્વક કહી શકાય?

શુ અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના ન્યુરોલોજિકલ આધારો છે? વારંવાર સત્યાગ્રહ કરનારનું બ્રેઈન-સ્કેન કરીએ તો કેવું દેખાય? પોતાની ભૂલો નિખાલસતાથી સ્વીકારતા બાપુના મગજનો કયો ભાગ એમને એવું કરવા પ્રેરતો? પોતે કહેલી બે વાતોમાં વિરોધાભાસ લાગે તો છેલ્લે કહેલી વાતને અંતિમ ગણવી એવું કહેતા બાપુ શું ન્યુરોપ્લાસ્ટિસિટીનું ઉદાહરણ હતા? આઇન્સ્ટાઇનના મગજની જેમ આપણે બાપુનું મગજ સાચવ્યું હોત તો આમાંનું ઘણું જાણી શકાત, ખરું ને?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 11-13

Loading

3 May 2021 admin
← માનવતાનું પુષ્પ ડૉ. જીવરાજ મહેતા
સિવિલ સર્વિસ : જાગીર મટી જવાબદાર બને →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved