શું કહીશું એને વિશે, સિવાય કે બાળ વરુણ (ઉંમર વરસ ૨૯ માત્ર) પણ એક રાજકરણી છે અને કાચી ઉંમરે તરુણ થવાની લાયમાં કરુણ નહીં એટલો કરપીણ ફેજ એ બરકી બેઠો છે. રણરંગમાં આવીને ભઈલાએ કહી તો નાખ્યું કે "યહ પંજા નહીં હૈં, યહ કમલ કા હાથ હૈ… ગલે કો કાટ દેંગે ચુનાવ કે બાદ." વળી આદેશ આપ્યો કે " અપને ગાંવોંમેં જાઓ ઔર હલ્લા કરો કિ સારે હિંદુ એક તરફા હો જાઓ, છેત્ર કો પાકિસ્તાન હોને સે બચાઓ." સાફ અને સરલ કાર્યનકશો પણ આ ભાષણમાં આંકી આપ્યો હતો, " અગર કોઈ આદમી આપકો થપ્પડ મારે, તો સાલે કા હાથ કાટ દો કિ કિસીકો ફિર થપ્પડ નહીં માર સકે બાદમેં… અગર કિસીને, કિસી ગલત તત્ત્વ કે આદમીને કિસી હિંદુ પર હાથ ઉઠાયા.. તો મૈં ગીતાકી કસમ ખાકે કહતા હૂં કિ મૈં ઉસ હાથ કો કાટ ડાલૂંગા."
બેશક, પીલી ભીત પંથકમાં બળાત્કારના કિસ્સા બન્યા છે અને પ્રચારભાષણમાં એનો સંદર્ભ વરુણ ગાંધીને અભિપ્રેત હોઈ શકે છે. પણ પોતાના હરીફ મુસ્લિમ ઉમેદવારને એ ઓસામા બીન લાદેન સાથે સરખાવે છે અને તે પછી આ બધા ધન્યોદ્ગારો સરી આવે છે એ જોગસંજોગ સહેજે કમ સૂચક નથી જ નથી.
અને અજબ જેવી, રાજકરણીને સહજ રિઢાઈથી તેમ કવિલાયક માસૂમિયતથી વરુણ કહે છે કે આ તો ડૉક્ટર્ડ યાને ઘાલમેલીકૃત સીડી છે. મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈન, બેઉ બચાડા ભાજપી મુસ્લિમો ( ૨૦૦૨ ગુજરાત ટાંકણે થોડો વખત તો દિલ્હી દફતરેય શોધ્યા નહોતા જડતા, તે ) વરુણ ગાંધીના ભાષણ સામે જાહેરમાં વિરોધ દર્જ કરાવી ચૂક્યા છે અને 'આવું ભાજપની રાજકીય સંસ્કૃતિમાં નથી' એવી રાબેતરટણા પણ દોહરાવી ચૂક્યા છે. કેન્દ્રીય ભાજપ અલબત્ત 'ડૉક્ટર્ડ સીડી' તરેહના વરુણનામની જિકર સાથે લગભગ છૂટી પડે છે અને કહે છે કે તંત્રે તપાસ હાથ ધરી છે તે મુજબ ઘટતું થશે. બીજા શબ્દોમાં, વડાપ્રધાન પદના દાવેદારથી માંડીને પક્ષપ્રમુખ સહિત કોઈમાં વરુણ ગાંધીને આ ક્ષણે સ્વીકારવાનું કે નકારવાનું સાહસ નથી.
બધા જ હેવાલો અને બધાં જ ચિહ્નો, વરુણ ખરેખાત આમ બોલ્યાનું સૂચવે છે ત્યારે જાગતી પહેલી લાગણી તો વિષાદની – એક હદ લગી તો કેવળ વિષાદની – છે. એક કાળે જેણે ઠાવકા ઉદ્ગારોથી ઠીક પ્રવેશ કીધો હતો અને નાબાલિગ છતાં બાલિગ હોઈ શકવાની આશા સંપડાવી હતી, તે આ વરુણ ? ક્યારેક એણે 'સોનિયા કાકી'ની વ્યક્તિગત ટીકાથી પરહેજ કરી હતી અને 'કોંગ્રેસ માટે એ ખાસ જહેમત ઉઠાવી રહ્યાંની' પ્રગટ નોંધ લીધી હતી, પણ સાથે રૂડી કેવિયેટ જોડી હતી- 'અલબત્ત, વાજપેયીજીના અનુભવ સાથે એમની કોઈ સરખામણી નથી.'
આ વરુણને નાગપુરના કાર્યક્રમમાં અગ્રસ્થાને આરૂઢ કરવાની કોશિશ સાથે સંઘ નેતૃત્વે ભાજપ શ્રેષ્ઠીઓ સમેત એવો પણ સંકેત એક તબક્કે આપવા ચાહ્યો હતો કે આ આવતી કાલનો ચહેરો હોઈ શકે છે. કદાચ, 'ફ્રૉમ ધ ફર્સ્ટ ફેમિલી' અને 'રૉયલ બ્લુ બ્લડ' તરેહનાં વંશવાદી ખેંચાણોના માહોલમાં વરુણ ફિરોઝ ગાંધી નામનું એવું જ વંશીય ગોપુચ્છ વૈતરણી પાર કરાવી શકે એવી અપરિભાષિત આશાનું તત્ત્વ પણ એમાં કામ કરતું હશે.
જોકે, વચગાળામાં વરુણે એમ તો પોત પણ પ્રકાશ્યું હતું. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે વરસોવરસ કટોકટીવિરોધી દિવસ ઉજવાય છે એ વખતે સંજય ગાંધીના દીકરા તરીકે તમને શું લાગે છે ત્યારે એમનો જવાબ, સપાટ સમજની દૃષ્ટિએ લાજવાબ હતો :" મારાં દાદીએ (ઇંદિરા ગાંધીએ) અને પિતાએ (સંજય ગાંધીએ) દિલગીરી પ્રગટ કરી હતી, અને લોકોએ એમને ચૂંટણીમાં શિકસ્ત પણ આપી હતી." પછી ઉમેર્યું હતું કે "આજે દેશમાં હું જ્યાં જાઉં છું, ત્યાં જોઉં છું કે લોકો એમને (સંજય ગાંધીને) એક અધૂરા રહી ગયેલ સ્વપ્નના દ્રષ્ટા તરીકે જુએ છે. હું ઇચ્છું કે એમનાં આદર્યાં અધૂરાં ન રહે તે માટેનું કામ કરતી મંડળીના લોકો પૈકી એક હું પણ બની રહું.
સંજય ગાંધીનાં કયાં આદર્યાં ને કેટલાં અધૂરાં એ ચર્ચામાં તો આપણે નહીં જઈએ. જાતકમાણીની એકમાત્ર પ્રવૃત્તિ મારુતિની હતી જે સરકારે સંભાળી લઈ કુટુંબને અક્ષરશ: બોજમુક્ત કર્યું હતું. તે સિવાયની પ્રવૃત્તિઓ શાહ પંચને ચોપડે ભરપુર ચડેલી છે. તે વિશે (જેમ જગમોહન વિશે) ભાજપે શું કહેવાનું છે તે આપણે જાણતા નથી.
દરમ્યાન, બને કે ઉત્તર પ્રદેશ ભાજપના અગ્ર ચહેરા તરીકે ઊપસવાની ગણતરીએ વરુણે આ કવાયત કરી હોય ; કદાચ, પોતાના મતવિસ્તારમાં હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવું જીતવા માટે જરૂરી લાગ્યું હોય ; પણ અત્યારે તો એમણે ભારતીય દંડસંહિતા મુજબ ૧૫૩ એ (કોમી હિંસાની ઉશ્કેરણી) અને ૧૮૮ (કલમ ૧૪૪ના ભંગપૂર્વક ગેરકાયદે ટોળે મળવું), આ બે કલમો સાથેના પોલીસ એફઆઈઆરનો તેમજ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ના ભંગ સબબ ચૂંટણી પંચની નોટિસનો મુકાબલો કરવાનો છે.
'એડવાન્ટેજ રાહુલ' હોઈ શકતી આ પરિસ્થિતિ ભાજપને વાસ્તે વસમી હોય એ સમજી શકાય એમ છે. પણ આપણી ચિંતા પંદરમી લોકસભા માટેના સંક્રાન્તિકાળમાં નંદવાઈ શકતા યુવા નેતૃત્વને અંગે છે. શરૂમાં જેમના પ્રયાસો 'યુવરાજની ભારતખોજ' લેખે ક્યુરિયો આઇટેપમાં ખપતા હતા, એ રાહુલ છેલ્લા દોરમાં અસરકારકપણે ઊભરી રહ્યા જણાય છે. તાકડે વરુણનો આ ફેજ, એની સામે વિરોધ અને વિકલ્પરૂપે, રાહુલ ગાંધીની જે સહોપસ્થિતિ અંકિત કરે છે તે નિ:શંક સૂચક હોઈ શકે છે.
![]()


થોડા વખત પહેલાં પદ્મપુરસ્કાર એનાયત કરવાના સમારંભનો ભાગ બીજો યોજાઇ ગયો. હવે દેશનાં મંત્રીમંડળોની જેમ પદ્મપુરસ્કૃતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે જનરલ નોલેજમાં તેમનાં નામ ગોખાતાં નથી. કેટકેટલાં યાદ રાખવાં! જેને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળતી હોય એવાં છાપાં પુરસ્કારવિજેતાઓની આખી યાદી સુદ્ધાં છાપતાં નથી. આ એક વાત.
તેમની સાથેની વાતચીતમાંથી બીરેનને જાણવા મળ્યું કે પદ્મપુરસ્કારોનો સમારંભ યોજાય તેના આગલા દિવસે આખા સમારંભનું ‘ડ્રેસ રીહર્સલ’ યોજાય છે. (‘ડ્રેસ રીહર્સલ મારો શબ્દ છે) તમામ પુરસ્કાર-વિજેતાઓએ ફક્ત સમારભમાં જ નહીં, રીહર્સલમાં આવવું પણ ફરજિયાત છે. તેમાં ગેરહાજર રહેવા માટે ઘણા સમય પહેલાં અને યોગ્ય કારણ આપીને જાણ કરવી પડે. નકલી સમારંભમાં સન્માનનીય પુરસ્કૃતોને શીખવવામાં આવે છે કે રાષ્ટ્રપતિ સમક્ષ કેવી રીતે પેશ આવવું, ક્યાંથી ચાલીને જવું, ક્યાં વળવું… નકલી સમારંભમાં રાષ્ટ્રપતિની જગ્યાએ બીજો કોઇ અફસર બેઠો હોય.
દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ આદરણીય છે, પણ એ રાજા કે વાઇસરોય નથી. એ પ્રભુના નહીં, પ્રજાના પ્રતિનિધિ છે. તેમની ગરીમાની આટલી બધી ચિંતા હોય, તો પોતાના પ્રદાન બદલ સન્માનિત થવા આવેલા લોકોની ગરીમાનું શું? રાષ્ટ્રપતિ સમક્ષ કેમ લળવું ને કેમ વળવું એ શીખવ્યા વિના તેમને જરૂરી હોય એટલી સૂચનાઓ અંગત રીતે કે ફોન પર આપીને સીધા સમારંભમાં બોલાવી ન શકાય?