ગાંધીજીની માતૃભાષા વધુ સરળ બનશે, વધુ લોકો તેને વાપરતા થશે તો ગાંધીજીને આનંદ જ થશે
આજે [24 ઑગસ્ટ 2019] વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.
એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય તે ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી. મરવા પડી શકે તેમ નથી.
પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી ભાષાની સ્થિતિ રાતી રાયણ જેવી છે. હા, જેનો ઈલાજ કરવો પડે એવી માંદગી તો છે. રોજેરોજના વ્યવહારમાંથી બોલાતી ગુજરાતી ભાષાની બાદબાકી થઇ નથી, થવાની નથી. પણ જે માંદગી છે તે લખાતી, છપાતી અને વંચાતી ગુજરાતી ભાષાની છે. આજે આપણી પ્રજાનો એક ઘણો મોટો વર્ગ એવો છે જે ગુજરાતી બોલે અને સમજે છે ખરો, પણ લખવા-વાંચવામાં તેનો ઉપયોગ ઓછોમાં ઓછો કરે છે. અને આ પરિસ્થિતિ માટે માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાથી કામ નહિ સરે. હા. અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે, પણ તે મુંબઈમાં અને ગુજરાતનાં થોડાં મોટાં શહેરોમાં. તે સિવાયનાં સંખ્યાબંધ ગામોમાં, ગામડાંઓમાં તો હજી ગુજરાતી માધ્યમ જ મુખ્ય અને મહત્ત્વનું છે. અને શહેરોમાં કે બીજે જે વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલતાં હોય તેમને પણ ગાળો દેવાથી કશો અર્થ સરવાનો નથી. કારણ ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે, વ્યવહારુ પ્રજા છે. એટલે જેમાં લાભ થશે એમ લાગતું હોય તે કામ પહેલું કરશે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી નોકરી-ધંધામાં ખરેખર લાભ થાય છે કે નહિ એ ચર્ચાનો વિષય હોઈ શકે. પણ અંગ્રેજીમાં જેને ‘પરસેપ્શન’ કહે છે તે તો એવું છે કે લાભ થાય છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં ગુજરાતી ન જાય એવું બને નહિ. સિગરેટ કે દારુ હાનીકારક હોવા છતાં તેને વિશેના એક યા બીજા પરસેપ્શનને કારણે લોકો તેનું સેવન કરે છે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમનું પણ સેવન કરે છે. એટલે ઘણી મોટી સંખ્યાના લોકો આજે લખાતી-વંચાતી ગુજરાતી ભાષાથી દૂર થતા જાય છે.
જે લોકો દૂર ગયા છે તેમને પાછા નજીક લાવવા માટે શું કશું જ થઇ શકે તેમ નથી? આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આ માટે પહેલ કરવી પડે ગુજરાતી ભાષા લખનાર અને છાપનાર લોકોએ. સંસ્કૃતની એક ઉક્તિ કહે છે કે જેવો ભાષક તેવી ભાષા, જેવો બોલનાર તેવી બોલી. એટલે પહેલી વાત તો એ કે લખાતી-છપાતી ગુજરાતી ભાષા તેના બોલનારને પોતીકી લાગે એવી હોવી જોઈએ. એટલે કે બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે બહુ મોટું અંતર હોવું ન જોઈએ. એક દાખલો: રોજિંદી બોલચાલમાં આપણે છાપું શબ્દ જ વાપરીએ છીએ, વર્તમાનપત્ર કે અખબાર શબ્દ નહિ. કોઈ પણ ગુજરાતી ઘરમાં ‘આજે છાપાં મોડાં આવ્યા’ એમ જ બોલશે. વર્તમાનપત્ર કે અખબાર મોડું આવ્યું એમ નહિ બોલે. પણ આપણા ઘણા ભણેશરીઓ લખતી વખતે સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ હજી રાખે છે. રોજિંદા વ્યવહારમાં પણ વપરાતા અંગ્રેજી શબ્દોની આભડછેટ પાળે છે. આજની તારીખે પણ આપણા એક પ્રતિષ્ઠિત લેખક ‘સીડી રોમ’ને બદલે બોલવા-લખવામાં ‘ઘનાંકિતા’ જેવો કૃત્રિમ, ઉપજાવી કાઢેલો સંસ્કૃત શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે. પણ અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાના જે શબ્દો આપણા લોકોએ તેમના રોજિંદા વ્યવહારમાં અપનાવ્યા છે તેનાથી લખાતી ભાષા કેટલો વખત દૂર રહી શકશે? અંગ્રેજી ભાષા દિવસે દિવસે વધુ સમૃદ્ધ, વધુ પ્રચલિત થતી જાય છે એનું એક કારણ એ છે કે દર વર્ષે જુદી જુદી અનેક ભાષાના શબ્દોને તે અપનાવતી રહે છે. ઓક્સફર્ડ અને વેબસ્ટર જેવી પ્રતિષ્ઠિત ડિક્ષનરીઓ આવા શબ્દોની યાદીઓ બહાર પાડે છે. અને તેમાં ગુજરાતી સહિતની ભારતની ભાષાઓના શબ્દો પણ હોય છે જ. આજે હવે કિન્ગ્ઝ કે ક્વીન્સ ઇંગ્લિશનો આગ્રહ ભાગ્યે જ કોઈ રાખે છે. ઓક્સફર્ડ ડિક્ષનરી ઉથલાવતાં આજે તેમાં દાદાગીરી, બાપુ, સૂર્ય નમસ્કાર, ગુલાબ જાંબુ, ચમચા, નાટક, ચૂપ, જેવા ભારતીય ભાષાઓના અનેક શબ્દો જોવા મળશે. પણ આપણા કેટલાક કહેવાતા ભાષાભક્તો અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. (અલબત્ત, તેમનાં પોતાનાં સંતાનો ઇંગ્લન્ડ-અમેરિકામાં ભણતાં હોય છે.) પણ જો લખાતી-છપાતી ગુજરાતી ભાષાને લોકો સુધી લઇ જવી હોય તો આવું બાપના કૂવામાં ડૂબી મરવાનું વલણ બદલવું પડશે.
ગુજરાતી ભાષામાં લેખન કરવાથી આજે ઘણા ડોકટર, વકીલ, વૈજ્ઞાનિક, અને અન્ય વ્યવસાયના લોકો દૂર રહે છે તેનું એક કારણ છે તેની ખૂબ જ ગૂંચવણભરી જોડણીની વ્યવસ્થા. ગુજરાતી ભાષાનો પ્રમાણભૂત જોડણીકોશ મનાય છે એ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં જોડણીને લગતા કુલ ૩૩ નિયમ આપ્યા છે! અને લગભગ દરેક નિયમમાં પાછા અપવાદ નોંધ્યા છે! હવે તમે જ કહો, આ ૩૩ નિયમ અને તેના અપવાદ કેટલાને યાદ રહે? એ યાદ રાખીને કેટલા લોકો લખી શકે? એટલે આ અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. જેમ કે ૩૩ નિયમમાંનો પહેલો જ નિયમ કહે છે: ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.’ આનો સીધો સાદો અર્થ એ થયો કે તમે ગુજરાતીમાં લખો તે પહેલાં તમને સંસ્કૃત ભાષા અને તેનું વ્યાકરણ આવડતાં હોવાં જોઈએ! પણ આજે કેટલા ગુજરાતીઓ એ જાણે છે? આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે. મરાઠી શુદ્ધ લેખનના નિયમોમાં આ અંગે ઘણી સરળતા જોવા મળે છે. ઘણાખરા સંસ્કૃત શબ્દોને પણ મરાઠી ‘શુદ્ધ લેખન’ના નિયમો લાગુ પડે છે. જેમ કે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, ‘કવિ’, ‘રવિ’ નહિ. કારણ મરાઠી શુદ્ધ લેખનનો એક નિયમ છે કે શબ્દને અંતે આવતો ઈકાર હ્રસ્વ નહિ પણ દીર્ઘ જ લખવો. અને કવિ કે રવિમાં દીર્ઘ ઈ લખાય છે તેથી મરાઠી કવિઓ નથી મરવા પડ્યા કે નથી રવિ (સૂરજ) મરાઠીભાષીઓ પર રોષે ભરાતો. ગુજરાતીમાં પણ આપણે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો લખતી વખતે આપણી રીતે જ તે શબ્દો લખીએ છીએ. જેમ કે કોઈ અંગ્રેજ બચ્ચો ‘ટિકિટ’ કે ‘પ્લમ્બર’ બોલતો નથી. તેનો અંગ્રેજી ઉચ્ચાર ‘ટિકેટ’ અને ‘પ્લમર’ થાય છે. પણ આપણે આ શબ્દો એ રીતે લખતા નથી. ગુજરાતીમાં જે રીતે બોલાય છે તે રીતે જ લખીએ છીએ. તો પછી સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવી એવો દુરાગ્રહ શા માટે? દરેક ગુજરાતીને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એમ આપણે માનીએ છીએ? દાદી પાસેથી વારસામાં મળેલાં સોનાનાં ઘરેણાં આપણે વેચી ન નાખીએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે, જમાનાની માગ પ્રમાણે, એનાં ઘાટઘૂટ તો બદલી જ શકીએ ને?
પણ ના. કારણ? ૧૯૨૯માં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારથી આજ સુધી તેને પહેલે પાને ગાંધીજીનું એક વાક્ય છપાતું આવ્યું છે: “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” કમનસીબે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો છે કે આ કોશમાં જે નિયમો છાપ્યા છે, જે જોડણી આપી છે તે જ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી જેમનાં તેમ રાખવાનાં છે. તેમાં કશો ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કરાય નહિ. પણ હકીકતમાં અહીં ગાંધીજી અરાજકતાનો વિરોધ કરે છે, સ્વેચ્છાચારનો વિરોધ કરે છે, દરેક જણ મનમાની રીતે લખે તેનો વિરોધ કરે છે. ભાષામાં સહજ અને સ્વાભાવિક રીતે આવતા પરિવર્તનનો વિરોધ કરતા નથી. ગાંધીજી જેવો ડાયનેમિક માણસ કદી પરિવર્તનનો વિરોધ કરે ખરો? બીજો કોઈ ઉપાય નથી એવી ખાતરી થતાં જેણે દેશના ભાગલા પણ સ્વીકાર્યા, એ માણસ ભાષા અને જોડણીમાં ક્યારે ય કશું બદલી શકાય જ નહિ એવું કહે? ના. ગાંધીજીની માતૃભાષા ગુજરાતી વધુ સરળ બનશે, વધુ લોકો તેને લખતાં, વાંચતાં, બોલતાં, સમજતાં થશે તો ગાંધીજીને તો આનંદ જ થશે. ગાંધીજીને આનંદ થાય એવું આપણે કરીશું? ક્યારે? એવું કરવાનો નિર્ધાર કરવા માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કરતાં વધુ રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?
xxx xxx xxx
e.mail : deepakbmehta@gmail.com
![]()


ગાંધીયુગના સમર્પિત સર્જક સુન્દરમ્ની પ્રમુખ ઓળખ તો કવિ તરીકેની છે. છતાં વાર્તાકાર તરીકે તેમનું પ્રદાન પણ વિશેષ નોંધપાત્ર અને મહત્ત્વનું છે. પ્રવાસલેખક, નાટકકાર અને સાધક તરીકે પણ તેમની પ્રતિભા વિશેષ ખીલી છે. અધ્યાત્મના યાત્રી સુન્દરમ્ના સાહિત્યસર્જનના કેન્દ્રમાં છે 'માણસ'. માણસમાં પડેલી માનવતાની શોધ એ એમનાં કાવ્યો અને ટૂંકીવાર્તાઓનો વિષય છે. માણસના આંતરમનમાં ઝાંખતી એમની રચનાઓ ગાંધીયુગનો નવોન્મેષ ગણી શકાય. માણસની ખૂબીઓ અને ખામીઓ, તેની ગતિ અને તેની આસપાસના પરિવેશથી રચાતા Psychological fieldનું ચિત્રણ સુન્દરમ્ બખૂબી કરે છે. માણસ વિશેની માન્યતા, માણસના સમીકરણ યુગેયુગે બદલાતા રહે છે. વીસમી સદીનો માણસ એકવીસમી સદીમાં આવી ગયો, પરંતુ એવું ઘણું બધું એણે ગુમાવી દીધું જેનો ખ્યાલ સુધ્ધા તેને નથી ! અસ્તિત્વની લેબરિન્થમાં અટવાતો માણસ પોતાની ઓળખ માટે ઝાંવા નાખી રહ્યો છે. કદાચ એટલે જ સુન્દરમે કહ્યું હશે કે – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું'. કવિ તરીકે સુન્દરમ્ પોતાની કાવ્ય રચનાઓમાં માનવ્યનો મહિમા તો કરે જ છે. પરંતુ ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેઓ માણસના મનનું Psycho-analysis કરી માણસના આંતરમનને ઊંડાણથી પરખે છે.
નગદ સૌન્દર્ય અને નકરા વાસ્તવના વાર્તાકાર છે સુન્દરમ્. ગ્રામજીવનનું સૌન્દર્ય અને નિર્દોષપણાની સાથે સાથે એની કુત્સિતતા અને કુટિલતાને પણ કલાત્મક રીતે આલેખનાર સુન્દરમ્ 'લાલ મોગરો' વાર્તામાં ગ્રામજીવનના યથાર્થને જુદી પરિપાટી પર રજૂ કરે છે. જાતીય વિષયોને આલેખતી સુન્દરમ્ની વાર્તાઓનું કથાબીજ જીવનની તરસ કે તૃષા પર આધારિત હોય છે. 'લાલ મોગરો' એ જ કથાબીજ પર રચાયેલી વાર્તા છે. પૂર્વે 'ખોલકી અને નાગરિકા' સંગ્રહમાં 'કૂતરાં' શીર્ષકથી પ્રગટ થયેલી આ વાર્તાને પ્રાણીપ્રેમ દર્શાવતાં 'ધોળા ગલૂડિયાનું નામ 'મોગરો' પાડીને વાર્તાકાર પોતે કવિ તેની પ્રતીતિ કરાવે છે .' ( પૃ. ૭૦ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) એટલું જ નહિ 'લાલ મોગરો' જેવું યથાર્થ શીર્ષક પણ આપે છે.
બારાખડી ભણતું બાળક ક કમળનો કે ક કલમનો, ખ ખલનો કે ખ ખડિયાનો, ગ ગણપતિનો કે ગ ગધેડાનો એમ શીખે છે, પણ ળ અને ણ એ બે વર્ણો પાસે એ અટકી જાય છે. એને કહેવામાં આવે છે, ળ અને ણ કોઈના નહીં. ળ કોઈનો નહીં સ્મૃતિમાં દૃઢપણે જડાઈ જાય છે. ળ કોઈનો નહીં — ની શીખ બાળમાનસને ગોઠતી નથી, એનાથી સ્વીકારાતી નથી એટલે તે ચિત્તમાં ઘૂંટાતી રહી એને જંપવા નથી દેતી.
પ્રસ્તાવનામાં જ કહેવાયું છે કે બાળપણમાં પિતરાઈ ભાઈઓ કવિને ળળળળળ કહીને ચૂપ કરી દેતા ત્યારે તે ળની એમને દયા આવતી અને સાથોસાથ તેની તાકાતનો પણ પરચો થતો. જે નિર્દોષ પણ દમનકારી બાળચેષ્ટા હતી તે આગળ જતાં તેમને અવળા ખપમાં આવી. અંદર અને બહારથી આવતા અને ચૂપ કરવા મથતા તમામ અવાજોનો, તમામ પરિબળોનો પ્રતિકાર કરવા એ જ ળ વહારે આવ્યો! આમ ળળળ … એ પ્રતિકારનો શબ્દ છે, ચૂપ ન થવાની હઠનો શબ્દ છે. એ આક્રોશભર્યો ઓછો અને વિનયપૂર્વકનો હઠાગ્રહ ઝાઝો છે. પ્રતિષ્ઠા પંડ્યા અંદર અને બહારથી આવતા તમામ અવાજો પ્રત્યે સભાન છે અને પ્રતિકાર માટે સ્પષ્ટ છે. એમનાં કાવ્યોએ તમામ વિશેષણમાં ઘણું બધું સમાવ્યું છે. ચૂપ કરી દેવા પ્રવૃત્ત માત્ર બાહ્ય — સામયિક કે સામાજિક કારણો જ જો હોત તો એમના પ્રતિકારનો શબ્દ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરનારો શબ્દ બન્યો હોત, ઝુંબેશનો સ્વર બન્યો હોત. એમ બન્યું હોત તો ભાવક તરીકે આપણને મર્યાદિત રસ જ પડ્યો હોત, કદાચ કવિને પણ. પ્રતિષ્ઠા પંડ્યાનાં કાવ્યોમાંથી પસાર થતાં લાગે છે, અનુભવાય છે કે એમને ચૂપ કરવા મથતાં, ચૂપ કરતાં જતાં અંતરબાહ્ય તમામ પરિબળો અને કારણોથી એ સભાન અને પૂરતાં સભાન છે. જેમ બાહ્ય કારણો અનેક છે તેમ જ આંતર કારણો — સંસ્કારનાં, ઉછેરનાં, સ્ત્રી હોવાનાં, રોજિંદાપણાનાં, સહજીવનનાં, ભયનાં, આકાંક્ષાઓનાં, અપેક્ષાઓનાં, હતાશાનાં, કંટાળાનાં એમ અનેક છે અને તે સઘળાં કવિના શબ્દને ચૂપ કરવા ઉત્સુક છે, ઉદ્યમી છે અને ત્યારે કવિને એ તમામને ળળળ … કહેવું છે, એમણે કહ્યું છે. એમને ઉત્તેજિત અને આનંદિત કરી મૂકતી આ એમની નાનકડી જીત છે; કોઈને ય હરાવ્યા વિનાની. આ કવિતા ચળવળની ન હોઈ, મુક્તપણે વિહરે છે અને ભાવકને પણ સહૃદયતાપૂર્વક નિમંત્રે છે! એમની કવિતામાં આપણને રસ પડે છે, આપણો રસ જળવાઈ રહે છે.