નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.

દુનિયા પાસે અત્યારે કદાચ સમય નથી એ યાદ કરવાનો કે આજથી બરાબર 75 વર્ષ પહેલાં સાથી રાષ્ટ્રો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં વિજયી થયાં હતાં અને 75 વર્ષ પહેલાં 30મી એપ્રિલે હિટલરે પોતાના જીવનનો અંત આણ્યો હતો. આપણે આપણા કામકાજમાં એટલા વ્યસ્ત છીએ કે આપણને એ યાદ ના આવે કે બ્રિટિશ સિપાહી પિટર કૂમ્બ્ઝે બર્જન-બેલ્સેનના કૉન્સન્ટ્રેશન કેમ્પમાં ગોંધી રાખવામાં આવેલા લોકોને મુક્ત કર્યા હતા, ત્યારે તેને ખબર પડી હતી કે ત્યાંના યહૂદીઓ અને બીજા કેદીઓ ટાઈફોઈડના મોટા રોગચાળાનો ભોગ બન્યા હતા. કૂમ્બ્ઝે નોંધેલું કે દરરોજ કમ-સે-કમ 300 લોકો મૃત્યુ પામતા હતા અને અંદર 10,000થી વધુ શબ એકઠાં થઈ ગયાં હતાં. જે સિપાહીઓએ શબને દફનાવ્યાં તેમની પાસે હાથમોજાંનું રક્ષણ પણ નહોતું. જે દિવસે ભારતને તાળું દેવાનાં ત્રણ અઠવાડિયાં ટેકનિકલી પૂરાં થાય છે, તેના બરાબર 75 વર્ષ પહેલાં એ બન્યું હતું.
યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.
બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.
કામુનો વિષય પશ્ચિમી યુરોપનો ફાસીવાદ હતો, તો ઓર્વેલનો વિષય હતો સોવિયેત સંઘનો એકહથ્થુ સત્તાધારી સામ્યવાદ. તેમની વાર્તામાં તેમણે હેતુપૂર્વક વિવિધ પશુ પાત્રોના સંઘને ‘યુનિયોં દ રિપ્યુબ્લિક સોસિયાલિસ્ત એનિમાલ’ નામ આપ્યું, જેને મિતાક્ષરીમાં યુ.આર.એસ.એ. એટલે કે ‘ઉર્સા’ કહેવાય. લેટિનમાં ‘ઉર્સા’ એટલે રીંછ, જે સાંસ્કૃતિક પરિભાષામાં રશિયાનું પ્રતીક છે. તેમણે તો આર્થર કોસ્લરને લખ્યું પણ હતું કે ફ્રેન્ચ અનુવાદ “રાજકીય કારણોસર” વિલંબ પડ્યો છે. (કોસ્લરને પણ ઓર્વેલની જેમ જ આપખુદ શાસનોમાં ઔચિત્ય અને માનવીય સન્માન પર થતા હુમલાઓ માટે ભારે ધિક્કાર હતો.) ઓર્વેલ 1903માં જન્મ્યા હતા અને 1950 સુધી જીવ્યા. કામુ બરાબર દસ વર્ષ પછી, 1913માં જન્મ્યા હતા, અને ઓર્વેલના ગયા પછી બીજાં દસ વર્ષ જીવ્યાં. માત્ર યોગાનુયોગ, બીજું શું! પણ એ યોગાનુયોગ નથી કે બંનેને સાથે મેળવીએ તો ફાસીવાદ અને કોઈ પણ પ્રકારના આપખુદ શાસનનો સામનો કરવાની એક સંપૂર્ણ કાર્યપદ્ધતિ મળે છે. કામુએ પ્રતિકાર માટેનો એક દાર્શનિક આધાર આપ્યો છે, જે તેમણે ‘ધ મિથ ઓફ સિસિફસ’ (1942) નામના નિબંધમાં ઘણી પ્રભાવશાળી રીતે રજૂ કર્યો છે. ઓર્વેલે આપણને આપખુદ શાસનોને ખુલ્લા પાડવા પૂરી શબ્દાવલિ આપી છે : બિગ બ્રધર, થૉટ પોલીસ, થૉટ ક્રાઈમ, મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ-લવ-પીસ-પ્લેન્ટી, મૅમરી હોલ, ડબલ થિન્ક અને ન્યૂસ્પીક જેવા શબ્દો તેમણે જ પ્રયોગમાં લીધા અને હવે તે સૌ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયા છે.
આ વસંતે જ્યારે આપણો દેશ અને દુનિયા ‘પેન્ડેમિક’ સ્તરના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છે, જ્યારે સાહિત્યે રાજકારણનું શ્રેષ્ઠ ફોરેન્સિક એનાલિસીસ (અપરાધવિજ્ઞાની પૃથક્કરણ!) રજૂ કર્યાને 75 વર્ષ થયાં છે, ત્યારે વિશ્વભરમાં લોકશાહીની મંજૂરી લઈને આવેલી સરમુખત્યારશાહીઓનાં વાદળ છવાયાં છે. આ વસંતે કદાચ આપણી પાસે એ યાદ કરવાનો સમય નહિ હોય કે માત્ર પોણી સદી પહેલાં દુનિયાએ આ બધું જોયેલું જ હતું. વર્ષ ૨૦૨૦ની આપણી દુનિયા જ્યારે વિચારના વિષાણુઓનો અને તેના ચેપમાંથી બહાર આવતી હિંસાનો સામનો કરી રહી છે, ત્યારે સમય છે એ યાદ કરવાનો કે કામુ અને ઓર્વેલની પેઢીને એ જ વસ્તુનો વધુ કઠોર સ્વરૂપમાં સામનો કરવો પડ્યો હતો અને છતાં તેમણે હિમ્મતપૂર્વક કલમ પકડીને માનવવિચારને વધુ સમૃદ્ધ કર્યો હતો.
ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!
(“ધ ટેલિગ્રાફ” 09 એપ્રિલ 2020)
અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા
e.mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 12 ઍપ્રિલ 2020
![]()


1924ની સાલ, સપ્ટેમ્બર મહિનો. સમાચાર આવ્યા કે રવીન્દ્રનાથ ટાગોર પેરુ દેશ જતાં રસ્તામાં આર્જેન્તીનાના અમારા મહાનગર બ્યુએનોસ આયરેસમાંથી પસાર થવાના છે. મેં ‘ગીતાંજલિ’ અંગ્રેજીમાં વાંચી હતી; એ પહેલાં તો આન્દ્રે જીદે કરેલો ફ્રેન્ચ અનુવાદ અને એક સ્પૅનીશ અનુવાદ પણ હું માણી ચૂકેલી. કવિનું આવું આગમન અમારે માટે એક મોટો પ્રસંગ હતો; મારે પોતાને માટે તો એક લાખેણો અવસર હતો.
દલપતરામનો જન્મ ૧૮૨૦માં, નર્મદનો ૧૮૩૩માં, એટલે દલપત-નર્મદ વચ્ચે ઉંમરમાં ૧૩ વર્ષનો ફેર. બંને એકબીજાને પહેલી વાર મળ્યા મુંબઈમાં. ૧૮૫૯ના મે મહિનાની ૨૮મી તારીખે. અલબત્ત, એ પહેલાં બંને એકબીજાનાં નામ અને કામથી પરિચિત. એ જ અરસામાં નર્મદે પૂના જવાનું ઠરાવ્યું હતું. પણ કેટલાક મિત્રો તેને ચીડવવા લાગ્યા કે ખરી વાત તો એ છે કે દલપતરામથી ગભરાઈને તમે પૂના ચાલ્યા જવાના છો. બસ, પૂના જવાનું કેન્સલ!