લોકસભાની ચૂંટણીમાં મલ્લિકા સારાભાઈના પ્રવેશ સાથે ગુજરાતના રાજકીય ચિત્રમાં એક ગુણાત્મક પરિમાણ ઉમેરાયું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, વાસ્તવકથન માત્ર છે.
એક નૃત્યવિદ અને વળી રંગકર્મીને નાતે મલ્લિકાનો પાટલો જરૂર જેને 'સેલિબ્રિટિ' કહેવાનો ચાલ છે એમની પંગતમાં પડે છે. પણ ચૂંટણી લડવાના નિર્ણયને એક 'સેલિબ્રિટિ'ની કૌતુકકથા અગર કોઈ 'ક્યુરિયો આઇટમ' માત્ર તરીકે જોવું તે ખંડદર્શન બની રહેશે ; કેમ કે તાજેતરનાં વર્ષોમાં એ એક કર્મશીલ તરીકે ઉભરેલાં છે, અને તે પણ એવા કર્મશીલ તરીકે, જેણે રાજકીય ભીંસનો સીધો સામનો કરવો પડ્યો હોય.
મલ્લિકા બેલાશક કોઈ પક્ષના ઉમેદવાર નથી. ૧૯૮૪માં રાજીવ ગાંધીએ કૉંગ્રેસના ઉમેદવાર થવા વિશે એમને પૂછ્યું હતું ત્યારથી વખતોવખત કૉંગ્રેસ તરફથી દાણો નહીં ચંપાતો રહ્યો હોય એમ માનવાને કારણ નથી. તેમ, ભાજપે પણ એની વિસ્તરણ વસંત વેળાએ પોતાની છાબ આવા વ્યક્તિત્વના પુષ્પે સોહે એ માટે કોશિશ કરી જ હશે. પણ 'લોકોના અવાજ' તરીકે ચૂંટણી લડવા ઇચ્છતાં મલ્લિકા માટે પક્ષીય ઉમેદવાર તરીકે સંકોડાઈને બહાર પડવું કદાચ શક્ય જ નહોતું.
વારુ, આ 'લોકોનો અવાજ' તે શું, તમે પૂછશો. જે બધા મિત્રોએ એમને પોતાના અવાજરૂપે જોયા – જે હવે 'ફ્રૅન્ડ્ઝ ઑફ ડેમોક્રસી' તરીકે ઓળખાય છે – એમના નિસબતનાં ક્ષેત્રો સમજવા જેવાં છે. મલ્લિકા પ્રેસને સરસ કહ્યું કે મેંગલોરમાં ઝનૂની ચેષ્ટાનો ભોગ બનેલી મહિલાઓ હોય કે નંદીગ્રામના વંચિતો કે પછી યવતમાળના ખેડૂતો અગર તો કંધમાલમાં કોમી આતંકથી હાણ વેઠનારાઓ, આ સૌનો 'અવાજ' બની રહેવાની મારી કોશિશ હતી, છે અને રહેશે. જોઈ શકાશે કે ગાંધીનગર (ગુજરાત)થી સાંસદ બનવા ઇચ્છતા આ ઉમેદવારને આખા દેશ અને અઢારે વરણથી ઓછી કોઈ નિસબત ખપતી નથી.
હાલના રાજકરણ બાબત એમના પક્ષે એ એક ટિપ્પણી જ લેખાશે કે, "હું તે સૌ લોકોનો સાથ ઇચ્છું છું કે જેઓ ધિક્કારના, ભાગલાના અને પ્રજાવર્ગોને બાદ રાખતા ( એકસ્લુઝિવિસ્ટ ) રાજકારણના વિરોધીઓ હોય." આ પ્રકારના વિઘાતક અને વિષાક્ત રાજકારણનો મોખરો અત્યારે તો ભાજપે સંભાળેલો છે, એ જો ૧૯૯૨ પછી દેશને તો ૨૦૦૨ પછી સવિશેષપણે ગુજરાતને કહેવાપણું ન હોય. ગુજરાતના ઘટનાક્રમમાં જે થોડા પણ અવાજો બહાર આવ્યા – મુખ્ય પ્રવાહના પક્ષને નાતે કૉંગ્રેસ પણ જ્યારે ઓછી અને પાછી પડી રહી હતી ત્યારે બહાર આવ્યા – એમાંનું એક નામ મલ્લિકાનું છે. હજુ નમો નેતૃત્વ અને રાજ્ય સરકાર સામેની એમની અરજી સર્વોચ્ચ અદાલત સમક્ષ ઊભી પણ છે.
આ સરકારે અને સત્તાપક્ષે (જેના એક સાંસદ કબૂતરબાજ તરીકે ઝળક્યા છે, એણે) ખોટી રીતે મલ્લિકાને પજવવામાં કશું બાકી રાખ્યું નથી. ભળતો કેસ ઊભો કર્યા પછી વાવટો વીટીં લેવાની ફરજ પડી હશે, પણ એ આખો ગાળો રહ્યો તો ભારે ભીંસનો જ.
તે વખતના વડાપ્રધાન વાજપેયી અનુગોધરા બનાવોને પગલે 'રાજધર્મ પ્રબોધન' માટે રાજ્યની મુલાકાતે આવ્યા ત્યારે સેક્યુલર ભૂમિકાએથી કામ કરનાર કેટલાક લોકોએ એમની મુલાકાત માગી હતી, પણ તે પૈકી આ લખનાર સહિત કેટલાયની મંજૂર થયેલી મુલાકાત સ્થાનિક તંત્રે કોઈક રીતે લગભગ છેલ્લી ઘડી સુધી દાબી રાખી હતી. મુલાકાત બાબતે ખબર નહીં પડતાં હું પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે બહારગામ ગયો ત્યારે આવ્યા પછી જાણવા મળ્યું હતું કે છેવટે મલ્લિકાએ – મલ્લિકા બીઇંગ મલ્લિકા – ધરાર મુલાકાતપ્રવેશ મેળવી કહેવા જેવું બધું જ કહ્યું હતુ. પણ એક નોંધપાત્ર વિગત એ છે કે આ પ્રવેશની પૂર્વ ક્ષણોમાં રાજ્યના એક પ્રધાને 'તેમને જોઈ લઈશું' એમ મલ્લિકાને અને મિત્રોને ધમકી રૂપે કહ્યું હતું. ત્યારે હાજર બટુક વોરાએ આ વિગતની, પછીથી, 'નિરીક્ષક'માં પ્રગટપણે નોંધ પણ લીધી હતી. હાલ એ પૂર્વમંત્રી એવા હોદ્દે છે કે એમને વિવાદમાં ન ખેંચવા જોઈએ. એથી હું એમનું નામ લેતો નથી.
આમ તો, ધિક્કાર-ભાગલા-બાદબાકીના રાજકારણનો વિરોધ કરતા સૌ લોકોનો, બહોળી ને જાડી રીતે કહીએ તો સઘળાં 'સેક્યુલર' પરિબળોનો સાથ ને સહકાર આ અપક્ષ ઉમેદવારે ઇચ્છ્યો છે. ભાગલાવાદી રાજકારણના મુખ્ય બળરૂપ ભાજપ સામેના મતો ન વહેંચાય તેમ ઇચ્છનારા સૌને માટે લોકશાહીની લડતમાં જોડાવાનું આ ખુલ્લું ઇજન છે. રાજેશ ખન્નાથી માંડીને ગાભાજી ઠાકોર જેવા ઉમેદવારોને લડાવતી આવેલી કૉંગ્રેસ માટે ખરું જોતાં આ બરના અને એકદમ ધોરણસરના અપક્ષ ઉમેદવારને ટેકો કરવાનું અઘરું ન હોવું જોઈએ.
સવાલ જોકે એ છે કે કૉંગ્રેસ પક્ષ પોતાની ભૂમિકા સ્વરાજની વડી પાર્ટી તરીકે નવા સંજોગોમાં જનતાનાં સૌ બળોના મોરચાના હરાવલ દસ્તા રૂપે જુએ છે કે પછી નકરા ઇલેક્શન એન્જિન અને સુવાંગ સત્તાભોગી તરીકે. ૨૦૦૨માં ગુજરાતના ઘણા મોટા કર્મશીલ સમુદાયે, ભાજપ સામેના વિકલ્પ લેખે કૉંગ્રેસ પરત્વે લગભગ કોરા ચેકની હદે સહકારનું વલણ દાખવ્યું હતું. સાતે વરસે શરીરના કોષ બધા બદલાઈ જાય છે એમ કહેવાય છે. પણ કૉંગ્રેસ પોતાની ટૂંકનજરી ટિકિટવહેંચણી અને ટિકિટવેચાણથી ઊંચે ઊઠવા ઇચ્છતી હોય એવાં કોઈ ચિહ્ન આજની તારીખે તો જણાતાં નથી.
ખરું જોતાં, ગુજરાતની ચૂંટણી તવારીખની થોડી પણ ખબર હોય તો કૉંગ્રેસને નવેસર ને જુદેસર વિચારતાં કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. સદા અપક્ષ ચુંટાતા રહેલા ઇન્દુલાલ યાજ્ઞિક ૧૯૭૨ની છેક મધ્યસત્ર નહીં તોપણ મુદતવહેલેરી ચૂંટણીમાં અમદાવાદથી અપક્ષ તરીકે જ ઊભા રહ્યા હતા, પણ કૉંગ્રેસ એમને સાથ અને પ્રતીક ( સિમ્બોલ ) આપતાં સંકોચ કર્યો નહોતો. આજીવન અપક્ષ ભૂમિકાએ રહેલા પુરુષોત્તમ ગણેશ માવળંકરને પણ ૧૯૭૭માં જનતા પક્ષનો સાથ અને પ્રતીક મળી રહ્યાં હતાં. ૨૦૦૯માં કૉંગ્રેસને પક્ષે આવી કોઈ સમજ દાખવવા બાબતે ટાંચું પડતું જણાતું હોય તો તે એક કરપીણ કમનસીબીથી ઓછું કાંઈ જ નથી.
અલબત્ત, મતો ન વહેંચાય તે માટે આવો અભિલાષ સેવતે છતે, છેવટે તો, અપક્ષ લડત એ જ મુખ્ય મુદ્દો છે ; કેમકે રીઢા રાજકારણીઓ વચ્ચે અને રાબેતાશાઈ રાજકરણ વચ્ચે નાગરિકની પોતાની તસુ ભોંય ( સ્પેસ ) બચવી અને બનવી જોઈએ. નાગરિક જમીનને રાજકીય ધોવાણમાંથી બચાવી નવસાધ્ય કરવાની, વિપળવાર પણ વહેલી નહીં એવી એક મથામણ તરીકે મલ્લિકાની ઉમેદવારીનું સવિશેષ મહત્ત્વ છે.
નાગરિકની પોત્તીકી જમીનની આ લડાઈ માટે તેમ આવી ઉમેદવારીનું મહત્ત્વ બીજા/ત્રીજા અવાજને વાસ્તે પણ છે. કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અંતર છે, જરૂર છે. ખાસ કરીને પૂરા કદની કોમવાદી રાજનીતિને ધોરણે બંને વચ્ચે ઓછાવત્તો ભેદ અવશ્ય છે. પણ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનું જે વિશ્વદર્શન વધુ ને વધુ લોકોને હાંસિયામાં હડસેલતું ચાલે છે એમાં તો આ બેઉ ભાગિયા છે. કોઈ ત્રીજો અવાજ, નાગરિકની પોત્તીકી સ્પેસ, એની તાકીદ આ સંજોગોમાં સાફ છે.
સામાન્યપણે કોઈ એક વ્યકતિગત ઉમેદવારી બાબતે આટલી નુક્તેચીની, તેમાં પણ તરફેણ, અહીં આ હદે કરવાની ન હોય. પણ ગુજરાતમાં જે એક વિકલ્પ ખોજ જારી છે, અને બહોળો વર્ગ કૉંગ્રેસના વિકલ્પની શોધમાં પોતાની પ્રથમ પસંદગી નહીં એવા ભાજપ ભણી વખાનો માર્યો ખેંચાયો છે ત્યારે એક ત્રીજા બળની યુગમાંગના એંધાણ અને પ્રતીક તરીકે મલ્લિકા નિમિત્તે આટલી ચર્ચા છેડવી મુનાસીબ ધાર્યું છે.