રતિલાલ બોરીસાગર
સૂક્ષ્મ હાસ્ય માટે વિખ્યાત હાસ્યલેખક અને અભ્યાસનિષ્ઠ વિદ્વાન વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
રતિલાલ બોરીસાગર
સૂક્ષ્મ હાસ્ય માટે વિખ્યાત હાસ્યલેખક અને અભ્યાસનિષ્ઠ વિદ્વાન વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
શું કહીશું એને વિશે, સિવાય કે બાળ વરુણ (ઉંમર વરસ ૨૯ માત્ર) પણ એક રાજકરણી છે અને કાચી ઉંમરે તરુણ થવાની લાયમાં કરુણ નહીં એટલો કરપીણ ફેજ એ બરકી બેઠો છે. રણરંગમાં આવીને ભઈલાએ કહી તો નાખ્યું કે "યહ પંજા નહીં હૈં, યહ કમલ કા હાથ હૈ… ગલે કો કાટ દેંગે ચુનાવ કે બાદ." વળી આદેશ આપ્યો કે " અપને ગાંવોંમેં જાઓ ઔર હલ્લા કરો કિ સારે હિંદુ એક તરફા હો જાઓ, છેત્ર કો પાકિસ્તાન હોને સે બચાઓ." સાફ અને સરલ કાર્યનકશો પણ આ ભાષણમાં આંકી આપ્યો હતો, " અગર કોઈ આદમી આપકો થપ્પડ મારે, તો સાલે કા હાથ કાટ દો કિ કિસીકો ફિર થપ્પડ નહીં માર સકે બાદમેં… અગર કિસીને, કિસી ગલત તત્ત્વ કે આદમીને કિસી હિંદુ પર હાથ ઉઠાયા.. તો મૈં ગીતાકી કસમ ખાકે કહતા હૂં કિ મૈં ઉસ હાથ કો કાટ ડાલૂંગા."
બેશક, પીલી ભીત પંથકમાં બળાત્કારના કિસ્સા બન્યા છે અને પ્રચારભાષણમાં એનો સંદર્ભ વરુણ ગાંધીને અભિપ્રેત હોઈ શકે છે. પણ પોતાના હરીફ મુસ્લિમ ઉમેદવારને એ ઓસામા બીન લાદેન સાથે સરખાવે છે અને તે પછી આ બધા ધન્યોદ્ગારો સરી આવે છે એ જોગસંજોગ સહેજે કમ સૂચક નથી જ નથી.
અને અજબ જેવી, રાજકરણીને સહજ રિઢાઈથી તેમ કવિલાયક માસૂમિયતથી વરુણ કહે છે કે આ તો ડૉક્ટર્ડ યાને ઘાલમેલીકૃત સીડી છે. મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈન, બેઉ બચાડા ભાજપી મુસ્લિમો ( ૨૦૦૨ ગુજરાત ટાંકણે થોડો વખત તો દિલ્હી દફતરેય શોધ્યા નહોતા જડતા, તે ) વરુણ ગાંધીના ભાષણ સામે જાહેરમાં વિરોધ દર્જ કરાવી ચૂક્યા છે અને 'આવું ભાજપની રાજકીય સંસ્કૃતિમાં નથી' એવી રાબેતરટણા પણ દોહરાવી ચૂક્યા છે. કેન્દ્રીય ભાજપ અલબત્ત 'ડૉક્ટર્ડ સીડી' તરેહના વરુણનામની જિકર સાથે લગભગ છૂટી પડે છે અને કહે છે કે તંત્રે તપાસ હાથ ધરી છે તે મુજબ ઘટતું થશે. બીજા શબ્દોમાં, વડાપ્રધાન પદના દાવેદારથી માંડીને પક્ષપ્રમુખ સહિત કોઈમાં વરુણ ગાંધીને આ ક્ષણે સ્વીકારવાનું કે નકારવાનું સાહસ નથી.
બધા જ હેવાલો અને બધાં જ ચિહ્નો, વરુણ ખરેખાત આમ બોલ્યાનું સૂચવે છે ત્યારે જાગતી પહેલી લાગણી તો વિષાદની – એક હદ લગી તો કેવળ વિષાદની – છે. એક કાળે જેણે ઠાવકા ઉદ્ગારોથી ઠીક પ્રવેશ કીધો હતો અને નાબાલિગ છતાં બાલિગ હોઈ શકવાની આશા સંપડાવી હતી, તે આ વરુણ ? ક્યારેક એણે 'સોનિયા કાકી'ની વ્યક્તિગત ટીકાથી પરહેજ કરી હતી અને 'કોંગ્રેસ માટે એ ખાસ જહેમત ઉઠાવી રહ્યાંની' પ્રગટ નોંધ લીધી હતી, પણ સાથે રૂડી કેવિયેટ જોડી હતી- 'અલબત્ત, વાજપેયીજીના અનુભવ સાથે એમની કોઈ સરખામણી નથી.'
આ વરુણને નાગપુરના કાર્યક્રમમાં અગ્રસ્થાને આરૂઢ કરવાની કોશિશ સાથે સંઘ નેતૃત્વે ભાજપ શ્રેષ્ઠીઓ સમેત એવો પણ સંકેત એક તબક્કે આપવા ચાહ્યો હતો કે આ આવતી કાલનો ચહેરો હોઈ શકે છે. કદાચ, 'ફ્રૉમ ધ ફર્સ્ટ ફેમિલી' અને 'રૉયલ બ્લુ બ્લડ' તરેહનાં વંશવાદી ખેંચાણોના માહોલમાં વરુણ ફિરોઝ ગાંધી નામનું એવું જ વંશીય ગોપુચ્છ વૈતરણી પાર કરાવી શકે એવી અપરિભાષિત આશાનું તત્ત્વ પણ એમાં કામ કરતું હશે.
જોકે, વચગાળામાં વરુણે એમ તો પોત પણ પ્રકાશ્યું હતું. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે વરસોવરસ કટોકટીવિરોધી દિવસ ઉજવાય છે એ વખતે સંજય ગાંધીના દીકરા તરીકે તમને શું લાગે છે ત્યારે એમનો જવાબ, સપાટ સમજની દૃષ્ટિએ લાજવાબ હતો :" મારાં દાદીએ (ઇંદિરા ગાંધીએ) અને પિતાએ (સંજય ગાંધીએ) દિલગીરી પ્રગટ કરી હતી, અને લોકોએ એમને ચૂંટણીમાં શિકસ્ત પણ આપી હતી." પછી ઉમેર્યું હતું કે "આજે દેશમાં હું જ્યાં જાઉં છું, ત્યાં જોઉં છું કે લોકો એમને (સંજય ગાંધીને) એક અધૂરા રહી ગયેલ સ્વપ્નના દ્રષ્ટા તરીકે જુએ છે. હું ઇચ્છું કે એમનાં આદર્યાં અધૂરાં ન રહે તે માટેનું કામ કરતી મંડળીના લોકો પૈકી એક હું પણ બની રહું.
સંજય ગાંધીનાં કયાં આદર્યાં ને કેટલાં અધૂરાં એ ચર્ચામાં તો આપણે નહીં જઈએ. જાતકમાણીની એકમાત્ર પ્રવૃત્તિ મારુતિની હતી જે સરકારે સંભાળી લઈ કુટુંબને અક્ષરશ: બોજમુક્ત કર્યું હતું. તે સિવાયની પ્રવૃત્તિઓ શાહ પંચને ચોપડે ભરપુર ચડેલી છે. તે વિશે (જેમ જગમોહન વિશે) ભાજપે શું કહેવાનું છે તે આપણે જાણતા નથી.
દરમ્યાન, બને કે ઉત્તર પ્રદેશ ભાજપના અગ્ર ચહેરા તરીકે ઊપસવાની ગણતરીએ વરુણે આ કવાયત કરી હોય ; કદાચ, પોતાના મતવિસ્તારમાં હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવું જીતવા માટે જરૂરી લાગ્યું હોય ; પણ અત્યારે તો એમણે ભારતીય દંડસંહિતા મુજબ ૧૫૩ એ (કોમી હિંસાની ઉશ્કેરણી) અને ૧૮૮ (કલમ ૧૪૪ના ભંગપૂર્વક ગેરકાયદે ટોળે મળવું), આ બે કલમો સાથેના પોલીસ એફઆઈઆરનો તેમજ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ના ભંગ સબબ ચૂંટણી પંચની નોટિસનો મુકાબલો કરવાનો છે.
'એડવાન્ટેજ રાહુલ' હોઈ શકતી આ પરિસ્થિતિ ભાજપને વાસ્તે વસમી હોય એ સમજી શકાય એમ છે. પણ આપણી ચિંતા પંદરમી લોકસભા માટેના સંક્રાન્તિકાળમાં નંદવાઈ શકતા યુવા નેતૃત્વને અંગે છે. શરૂમાં જેમના પ્રયાસો 'યુવરાજની ભારતખોજ' લેખે ક્યુરિયો આઇટેપમાં ખપતા હતા, એ રાહુલ છેલ્લા દોરમાં અસરકારકપણે ઊભરી રહ્યા જણાય છે. તાકડે વરુણનો આ ફેજ, એની સામે વિરોધ અને વિકલ્પરૂપે, રાહુલ ગાંધીની જે સહોપસ્થિતિ અંકિત કરે છે તે નિ:શંક સૂચક હોઈ શકે છે.
ઓણ આંબેડકર જયંતી, એમના સૌ ચાહકો, પ્રશંસકો અને કૃતજ્ઞતાવિનત લોકો માટે કદાચ કંઈક જુદી જ અનુભૂતિ અને આહ્વાન લઈને આવે છે.
એક તો, જયંતીનો આ અવસર ચાલુ ચૂંટણીઝુંબેશે આવેલો છે, અને એમાં પણ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીપદે માયાવતી વિરાજેલાં છે. સૌથી વધુ લોકસભાસભ્યોને ચૂંટનાર ઉત્તર પ્રદેશમાંથી આ વખતે માયાવતીના બહુજન સાંસદો મોટી સંખ્યામાં હોવાના છે. તેથી કૉંગ્રેસ-નીત યુપીએ (વત્તા કથિત ચોથો મોરચો) અને ભાજપ-નીત એનડીએ સિવાયના વિકલ્પાર્થીઓમાં માયાવતીનો પાટલો આગળના ક્રમે પડવાનો છે. બને કે તેઓ વડાપ્રધાનપદ માટેના વિકલ્પો પૈકી એક હોઈ શકે છે, અને આમ પણ વડાપ્રધાનપદની શરતે એમણે પોતાની સેવાઓ ખુલ્લંખુલ્લા ઑફર કરેલી છે.
શરૂમાં જે એક જુદી અનુભૂતિની વાત કરી તે આ સંદર્ભમાં હતી. દલિતની દીકરી દેશના વડાપ્રધાનપદે પહોંચી શકે એવી મજબૂત સંભાવના, પોતે એક ખયાલની રીતેય કેવી તો રોમહર્ષક છે! પરંતુ, આ અનુભૂતિ જે આહ્વાને ભરેલી અને ભારેલી છે એનો ખરો ને પૂરો ખયાલ માયાવતીના ચાહકો અને ટીકાકારોને કદાચ નયે હોય. આંબેડકર-કલ્પી દલિત રાજનીતિ કેવળ અને કેવળ લાભાર્થીઓની નહોતી. હકભેર નાગરિકમાં સ્થપાતા સમતા-સિપાહી તરીકે એમણે એ દલિત કર્મશીલને જોયો હતો જેને એમણે શિક્ષિત-સંગઠિત-સંઘર્ષશીલ બનવાની આરતભરી અપીલ અને આગ્રહી અનુરોધ સતત કર્યો હતો. આજે માયાવતી બેલાશક માયાવતીઉપમ શૈલીએ, ઉત્તર પ્રદેશમાં મજબૂત અને નવી દિલ્હીમાં મજબૂર (બહુજન સમર્થન પર ટકેલી) સરકાર માટે મથી રહ્યાં છે ત્યારે દેશહિતૈષી સૌ આંબેડકરની આ શીખના અને એમના આજીવન મથામણોના ઉજાસમાં એમને અવશ્ય પૂછવા ઇચ્છશે કે તમે લાભાર્થીઓ અને સત્તાદલાલોની રાજનીતિમાં છો કે પરિવર્તનની રાજનીતિમાં ઇતિહાસનિમિત્ત છો.
માયાવતીએ માગ મુકાવ્યો છે એમાં શંકા નથી. કલ્યાણસિંહ-મુલાયમસિંહ-રાજનાથસિંહ, બધા સિંહોની લાળલથબથ અને પૂંછડીપટપટ બકરી બેંથી હટીને એમણે રાજાભૈયા પ્રકારનાં માફિયા તત્ત્વો સાથે કાનૂની રાહે કડક કારવાઈ શાસકીય સંકલ્પપૂર્વક કરી જાણી તે આપણે જોયું છે. રાજનીતિને ડકૈત-લઠૈત પાશમાંથી મુક્ત કરવાનું કૌવત તે જરૂર ધરાવે છે. વરુણ ઘટના સાથે પણ (એનએસસે પ્રકરણની અદાલતી મૂલવણી જે પણ હોય) એમને પક્ષે, થોડાક આરંભિક વિલંબ પછી ચોક્કસ કારવાઈની કોશિશ જરૂર થઈ છે.
જો તેઓ પોતાની ભૂમિકા કોઈ ઇતિહાસનિમિત્ત તરીકે અને પરિવર્તનના સક્રિય કરણ રૂપે જોતાં હોય તો એમણે યાદ રાખવું જોઈશે કે આત્મસ્થાપનાની રાજનીતિમાં કોઈ ઉજળિયાતવેડામાં ફસાવાપણું નથી. કેવળ આંબેડકર જ નહીં, 'માન્યવર કાંશીરામ' જ નહીં, મહાત્મા ફૂલે અને શાહુ મહારાજનાં નામો ઉત્તર ભારતમાં આ વર્ષોમાં લખનૌની રાજગાદી થકી પૂર્વે કદાપિ નહીં એટલાં ચલણી બન્યાં છે. પણ બહુ ડહાપણભરી ને સલાહભરી ઢબે સર્વજનવ્યૂહ ભણી જઈ રહેલાં માયાવતીનાં પોતાનાં પગલાંમાં તેમજ એમના બહુજન કાર્યકરોની કાર્ય-અને-જીવન-શૈલીમાં ફૂલે-આંબેડકરની પ્રબોધન પરંપરા કેટલી છે એ પ્રશ્ન અત્યારે પૂછવો જરૂરી છે એટલો કદાચ ક્યારેય ન હતો, કેમકે પછી મોડું થઈ ગયું હશે.
આ પ્રબોધન પરંપરા પરત્વે સમર્પિત તેમ દેશના રાજકારણ-સમાજકારણમાં મળતાં મળે એવા ગાંધીયુગ પરત્વે સહૃદય વલણો જો માયાવતીના નેતૃત્વમાં વિકસવાનાં હશે તો એમની અડખેપડખેનું ધાડું લાભાર્થી સત્તાદલાલોની ફોજ મટીને પરિવર્તનની લડાઈ લડતા સમતા-સિપાહીઓની સેનામાં ફેરવાઈ રહેશે. લડવૈયા આંબેડકરે, વિનોબાએ સમુચિતપણે જેને ભીમસ્મૃતિનું નામ આપ્યું છે તે બંધારણ ઘડવામાં આપેલા યોગદાનને એ એક મોટી અંજલિ લેખાશે.