OPINION

Actually Ben Kingsley !

RK Laxman
18-04-2021

Category :- Opinion / Cartoon

કોઈનાં ખોટાં વખાણ કરવાં એ ખોટું છે. કદર કરવા યોગ્ય માણસની જાણતા હોવા છતાં કદર ન કરવી એ પણ ખોટું છે. પણ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. ભારતમાં આજકાલ આમ થઈ રહ્યું છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ભારતનું બંધારણ એકલા ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે ડૉ. આંબેડકરનો બંધારણ ઘડવામાં સિંહ ફાળો હતો, પરંતુ તે તેમના એકલાનું સર્જન નથી. બીજાના ભોગે આપણા સમાજના આઇકન સ્થાપવાની દેશમાં હોડ શરૂ થઈ છે અને તેમાં અસત્યનો સહારો લેવામાં આવે છે.

સત્ય તો એ છે કે ભારતનું બંધારણ ઘડાવાની પ્રક્રિયા ત્રણસો વરસની હતી એ આપણે જોઈ ગયા છીએ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈનો ટાપુ હસ્તગત કરીને ઈ.સ. ૧૬૮૩ પછીથી તેના વહીવટ માટે તેમના બ્રિટિશ કાયદા, બ્રિટિશ ઢબનું વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર લાગુ કર્યા અને પ્રજાએ વિરોધ કર્યા વિના તેનો સ્વીકાર કર્યો ત્યારથી લઈને ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ઘડાયો ત્યાં સુધીની હતી.

આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારત ઉપર કબજો જાળવી રાખવો શક્ય નહીં બને એટલે સરકારે સૂચિત આઝાદ ભારતનાં બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેની પાછળના બે ઈરાદા હતા. એક તો ભારતની પ્રજાને સંકેત મળે કે હવે આઝાદી મળવાની છે એટલે તે યુદ્ધ દરમ્યાન આંદોલન કરીને વિઘ્ન પેદા ન કરે. સંકટગ્રસ્ત સરકારને વધારે સંકટ ટાળવું હતું. બીજો ઈરાદો નેક હતો. આઝાદી મળતા સુધીમાં ભારતના નેતાઓમાં ભારતીય સંઘરાજ્ય વિષે જો મોટી-મોટી સમજૂતી થઈ જાય તો અરાજકતા પેદા ન થાય. ૧૯૪૨માં બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરવા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા હતા અને તેમણે આઝાદ ભારતના બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચા કરી હતી. એ ચર્ચા સંમતિ વિકસે એ દિશાની હતી. એ પછી ૧૯૪૬માં બ્રિટિશ સરકારે લૉર્ડ પેથીક લૉરેન્સના નેતૃત્વમાં ત્રણ કેબિનેટ પ્રધાનોને ભારત મોકલ્યા હતા અને તેમનો પ્રયાસ પણ આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચા કરીને સંમતિ સાધવાનો હતો. ૧૬ મે, ૧૯૪૬ના રોજ તેનો એક મુસદ્દો ત્રિ-મંત્રી પરિષદે ભારતીય નેતાઓ સમક્ષ રજૂ પણ કર્યો હતો.

આનો અર્થ એ થયો કે બંધારણનાં સ્વરૂપ વિષે ૧૯૪૨થી સઘન ચર્ચા શરૂ થઈ હતી અને તેમાં દરેક પક્ષકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ. આંબેડકરે દલિતોના પક્ષકાર તરીકે તેમને (ડૉ. આંબેડકરને) બહાર રાખવા સામે વિરોધ કર્યો હતો. ડૉ. આંબેડકરનો વિરોધપત્ર ઉપલબ્ધ છે. હવે જ્યારે ભારતમાં રાજ કરવું નહોતું અને એ શક્ય પણ નહોતું ત્યારે સવર્ણ હિંદુઓ સામે દલિતોનો રાજકીય ઉપયોગ કરવાનો ખપ અંગ્રેજો માટે પૂરો થઈ ગયો હતો અને એટલે ડૉ. આંબેડકરને ભૂલી જવાયા હતા. આખી જિંદગી અંગ્રેજોની વફાદારી કેળવ્યા પછી તેમને આ શિરપાવ મળ્યો હતો. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાં ડૉ. આંબેડકરને સ્થાન અપાવનારા ગાંધીજી હતા એ હકીકત દલિતોએ સ્વીકારવી જોઈએ, બાકી અંગ્રેજો તો તેમને ભૂલી ગયા હતા. આમ સત્ય એ છે કે ડૉ. આંબેડકર બહુ મોડેથી બંધારણ ઘડવાની પ્રક્રિયામાં જોડાયા હતા અને એ પણ ગાંધીજીના કારણે.

આ સિવાય ગોળમેજ પરિષદોમાં ભારતના બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચાઓ થઈ હતી. ભારતના નેતાઓએ પાંચ દાયકા આ વિષે ચર્ચા કરી હતી અને ગાંધીજીએ તો દરેક પક્ષકાર સાથે ધીરજ ગુમાવ્યા વિના સંવાદ કર્યો હતો.

તો વાતનો સાર એટલો કે ભારતનું બંધારણ લાંબી પ્રક્રિયાનું પરિણામ છે; જેમાં અંગ્રેજ સરકારનો વહીવટી પ્રયોગ, ભારતીય પ્રજાનો આધુનિક રાજ્યનો સ્વીકાર, ભારતીય નેતાઓ વચ્ચેનો સંવાદ, નેતાઓ વચ્ચે બનેલી બૃહદ્દ સમજૂતી અને ૧૯૪૨થી ૧૯૪૭નાં વર્ષોમાં થયેલી સઘન ચર્ચાનો સમાવેશ થાય છે. કોઈ નવલકથાની જેમ ભારતનું બંધારણ કોઈ એક લેખકે કમરામાં બેસીને લખ્યું નથી. દેશમાં જે તે પ્રજાની અંદર પોતપોતાનાં આઈકન સ્થાપવાની આ જે હોડ ચાલી રહી છે એ ખોટી તો છે જ પણ અન્યાયકારી પણ છે. ખાસ કરીને કનૈયાલાલ માણેકલાલ મુનશીને અને બેનેગલ નરસિંહ રાવને અન્યાય થઈ રહ્યો છે. આ બે જણને એવી રીતે ભૂલી જવામાં આવ્યા છે કે જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. આ જોઈને કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિને દુઃખ થયા વિના ન રહે. આમાં પણ બેનેગલ નરસિંહ રાવને તો સાવ ભૂલી જવાયા છે.

ઉપર કહ્યું એમ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે સરકારે તેના બાહોશ સનદી અધિકારી બી.એન. રાવને બંધારણીય સલાહકાર બનાવ્યા હતા. તેમણે ભારતીય નેતાઓ સાથે બંધ બારણે કે ખુલ્લી રીતે ભારતીય બંધારણમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે ચર્ચા કરવાની હતી. આ ઉપરાંત બ્રિટિશ બંધારણ અને જગતનાં લોકતાંત્રિક દેશોનાં બંધારણોમાંથી કઈ બાબતો ભારતને અનુકૂળ નીવડશે તે બતાવવાનું હતું. બંધારણસભાની કેવી રીતે રચના કરવી અને તેનું કામકાજ કેવી રીતે ચલાવવું એ વિષે પણ તેઓ ભારતીય નેતાઓ અને વાઇસરોય સાથે ચર્ચા કરતા હતા. ભારતનું બંધારણ બંધારણસભામાં નહીં, પણ મુખ્યત્વે વીસેક જેટલી તેની પેટા-સમિતિઓમાં ઘડાયું છે એનો શ્રેય પણ બી.એન. રાવને જાય છે. ખુલ્લા વ્યાપક સદનમાં ચર્ચાનો કોઈ અંત નહીં આવે અને બંધારણ ખોરંભે પડશે એવી તેમની સલાહ હતી.

બીજી બાજુ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે જ્યારે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને એ જ કામ સોંપ્યું હતું જે સરકારે બી.એન. રાવને સોંપ્યું હતું. ૧૯૪૦માં પાકિસ્તાન, મુસ્લિમ પ્રશ્ન અને અહિંસાની બાબતે ગાંધીજી સાથે મતભેદ થતાં મુનશીએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ‘અખંડ હિન્દુસ્તાન’ની ચળવળ શરૂ કરી હતી. મુનશી સાથે મતભેદ હોવા છતાં અને મુનશીએ ગાંધીજી સાથે છેડો ફાડ્યો હોવા છતાં ગાંધીજીએ મુનશીને બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે ભારતનાં બંધારણનો એક કાચો મુસદ્દો ઘડી આપો. દેશની સામાજિક-રાજકીય વાસ્તવિકતા જોઇને અને જગતનાં લોકશાહી દેશોનાં બંધારણોનો અભ્યાસ કરીને આ કામ કરી આપો.

મુનશી અને બી.એન. રાવે પ્રચંડ જહેમત ઊઠાવીને ભારતનાં ભાવિ બંધારણની ભૂમિ રચી આપી હતી અને કાચો મુસદ્દો પણ ઘડી આપ્યો હતો. એ પછી ડૉ. આંબેડકર પ્રવેશે છે અને એ પણ ગાંધીજીના કારણે. માટે જ પ્રારંભમાં કહ્યું એમ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. આને પ્રજાકીય જાગૃતિ ન કહેવાય. પ્રજાકીય જાગૃતિ એને કહેવાય જેમાં જેનું જે હોય તેને તે આપવામાં આવે. જ્યાં ન્યાય ન હોય ત્યાં જાગૃતિ ન હોય.

e.mail : [email protected]

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઍપ્રિલ 2021

Category :- Opinion / Opinion