 કોઈ પ્લેગ (કે કોરોના) જેવો અણધાર્યો પડકાર ઊંઘરેટા માણસને કઈ રીતે ઢંઢોળે છે તેના વર્ણન દ્વારા માનવીને સતાવતા શાશ્વત સવાલોની ચર્ચા કરતી નવલકથા ‘ધ પ્લેગ’ની એક ઝલક.
કોઈ પ્લેગ (કે કોરોના) જેવો અણધાર્યો પડકાર ઊંઘરેટા માણસને કઈ રીતે ઢંઢોળે છે તેના વર્ણન દ્વારા માનવીને સતાવતા શાશ્વત સવાલોની ચર્ચા કરતી નવલકથા ‘ધ પ્લેગ’ની એક ઝલક.
અંદરખાને સૌ જાણે છે કે સ્મૂધ રીતે વહેતું આપણું જીવન ગમે ત્યારે સત્તાભૂખ પ્રેરિત હિંસાખોરીને લીધે અંધાધૂંધીમાં ધકેલાઈ શકે. સૌ જાણે છે કે મોત ગમે ત્યારે ટપકી શકે છે. એમાં પણ કોરોના જેવી કોઈ મહામારી ફેલાય અને લોકડાઉનને લીધે લોકો ઘરમાં પુરાય ત્યારે તો નવરાં બેઠાં ભલભલાના મગજમાં એવો વિચાર ઝબકી શકે કે ધરતી પર સતત અસ્તિત્વ ટકાવવાનો કીડાઓ જેવો સંઘર્ષ વેઠીને છેવટે મરી જવાના આ અમથેઅમથા ખેલમાં માનવી શો કાંદો કાઢી લે છે? અને આ અમથેઅમથા જીવનમાં પણ મુખ્યત્વે તો દુઃખ જ છે, સંઘર્ષ જ છે. તો શું જીવન સરવાળે દુઃખ વેઠવાની એક સજા છે? અને જો જીવન ખરેખર નિરર્થક પીડા વેઠવાનો એક ખેલ જ હોય તો પછી આ બધી સૌંદર્ય, સહકાર, સેવા, સ્નેહ, અહિંસા, આદર્શ, નૈતિકતા, મૂલ્યો વગેરે વાતોનો શો મતલબ?
આવા કેટલાક મુદ્દાઓ વિશે કોરી તાત્ત્વિક ચર્ચા કરવાને બદલે વિવિધ પાત્રોનાં વર્તન રૂપે તેને રજૂ કરતી એક ધબકતી નવલકથાનું નામ છે, ‘ધ પ્લેગ', જેના લેખક છે ગઈ સદીના મહત્ત્વના વિચારક-સાહિત્યકાર એવા આલ્બેર કામૂ. હાલના કોરોના-કાળમાં ‘ધ પ્લેગ’માંની વિચારપ્રેરક વાતો પર નજર કરવા જેવી છે. નવલકથાની કથા કંઈક આવી છે …
ઓરન શહેરમાં પહેલાં તો મરેલા ઉંદરો ચારે તરફ દેખાવા લાગે છે. પછી એકસરખા તાવ અને ચાઠાંથી પીડાતા માનવરોગીઓની સંખ્યામાં વધારો થવા લાગે છે. પ્રારંભિક ખચકાટ બાદ પ્લેગનો સ્વીકાર કરવામાં આવે છે અને આખા શહેરને જગતથી વિખૂટું પાડી દેવામાં આવે છે. ન કોઈ શહેરમાંથી બહાર જઈ શકે, ન કોઈ શહેરમાં પ્રવેશી શકે. બહારગામ ગયેલા લોકો બહાર અટવાઈ પડે છે અને શહેરના મુલાકાતીઓ શહેરમાં ફસાઈ જાય છે. એમના વિરોધ-દેખાવોને લીધે અંધાધૂંધીમાં વધારો થાય છે. તમામ પ્રકારની આયાત-નિકાસ પર ચુસ્ત પ્રતિબંધ લદાઈ જવાને કારણે લોકો વધુમાં વધુ ચીજવસ્તુ ખરીદીને તેની સંઘરાખોરી પર ઊતરી આવે છે. વેપારીઓ ભાવ વધારી દે છે. દાણચોરીમાં તેજી ફાટી નીકળે છે.
 લોકો ધડાધડ મરી રહ્યા છે એ જોયા બાદ લોકોનો ડોકટરો પરથી વિશ્વાસ ઊઠી જાય છે. આખી નવલકથા આ શહેરના ડો. રિઓની નોંધપોથીરૂપે આલેખાઈ છે. ડો. રિઓ ચૂપચાપ પોતાનું સારવારકાર્ય કરતા રહે છે. શહેરના એક પાદરી ફાધર પેનેલો જ્યારે આ પ્લેગને 'માણસોનાં પાપની ઇશ્વરે ફટકારેલી સજા' ગણાવે છે, ત્યારે ડો. રિઓના મનમાં સવાલ જાગે છે : ‘આ રોગનાં, સૌથી આસાનીથી ભોગ બને છે બાળકો અને બાળકો તો હજુ પાપ કરવા જેટલાં મોટાં પણ નથી થયાં હોતાં, તો પછી ઈશ્વર એમને કયા પાપોની સજા આપતો હશે?’
લોકો ધડાધડ મરી રહ્યા છે એ જોયા બાદ લોકોનો ડોકટરો પરથી વિશ્વાસ ઊઠી જાય છે. આખી નવલકથા આ શહેરના ડો. રિઓની નોંધપોથીરૂપે આલેખાઈ છે. ડો. રિઓ ચૂપચાપ પોતાનું સારવારકાર્ય કરતા રહે છે. શહેરના એક પાદરી ફાધર પેનેલો જ્યારે આ પ્લેગને 'માણસોનાં પાપની ઇશ્વરે ફટકારેલી સજા' ગણાવે છે, ત્યારે ડો. રિઓના મનમાં સવાલ જાગે છે : ‘આ રોગનાં, સૌથી આસાનીથી ભોગ બને છે બાળકો અને બાળકો તો હજુ પાપ કરવા જેટલાં મોટાં પણ નથી થયાં હોતાં, તો પછી ઈશ્વર એમને કયા પાપોની સજા આપતો હશે?’
આ સવાલનો જવાબ પાદરી પાસે નથી. બાળમૃત્યુના મામલે પાદરીની શ્રદ્ધા સહેજ ડગે છે અને એ માંદા પડે છે. ના, એમને પ્લેગ નથી થયો. છતાં એ મૃત્યુ પામે છે. લેખકનો ઇશારો એવો છે કે પાદરી પ્લેગથી નહીં, પણ શ્રદ્ધાના મોતથી મૃત્યુ પામે છે.
નવલકથાનું એક મહત્ત્વનું પાત્ર છે ટેરોનું. ટેરો ઓરનમાં ફરવા આવ્યો છે, પણ એ પ્લેગને લીધે ભરાઈ પડયો છે. ટેરો નાસ્તિક છે, પણ નૈતિકતા અને આદર્શોનો આગ્રહી છે. એને નવાઈ એ લાગે છે કે ડો. રિઓ આસ્તિક ન હોવા છતાં કઈ રીતે થાકયા-કંટાળ્યા વિના દરદીઓની સારવાર અને હોસ્પિટલના વહીવટમાં ડૂબેલા રહે છે! ટેરો ડોકટરને સીધું જ પૂછી લે છે : 'તમે ઇશ્વરમાં ન માનવા છતાં કઈ રીતે આટલા ભક્તિભાવપૂર્વક કામ કરી શકો છો?'
ટેરોનું માનવું છે કે ઈશ્વરીય આદેશ-ધમકી-પ્રલોભનોના નામે ધર્મ માણસને 'સીધો' રાખવા મથે છે, પણ આખી વાતમાં ધર્મને વચ્ચે લાવ્યા વિના સમાજમાં નૈતિકતા જાળવી શકાય ખરી? ધર્મ અને ઈશ્વર વિના માણસના હૃદયમાંથી પ્લેગના રોગ જેવાં લોભ-ધિક્કાર-હિંસા દૂર કરી શકાય ખરાં? આવું બધું વિચારી રહેલો ટેરો એના મિત્ર ડો. રિઓને પૂછે છે : 'શું ઇશ્વર વિના પણ માનવી સંત બની શકે ખરો?' વાત વિચારવા જેવી છે : ભલાઈ ખાતર ભલાઈ. ઈશ્વરના ડરથી કે પછી સ્વર્ગના પ્રલોભનને લીધે નહીં, પરંતુ માણસ પોતે પોતાની રીતે સારો બની રહે એ શકય છે ખરું?
હા, કામૂએ એવી શકયતા દર્શાવી છે. ખુદ ટેરો તો ઈશ્વર વિના સંત બનવા મથી જ રહ્યો છે, પરંતુ એની કોશિશો પાછળ ભવ્ય-ઉદ્દાત આદર્શો છે.
બીજી તરફ છે, ડો. રિઓ. એ શ્રદ્ધાળુ નથી એ તો ઠીક, એ કોઈ મહાન આદર્શોને સમર્પિત પણ નથી. એ નિષ્ઠાપૂર્વક પોતાનું કામ ચાલુ રાખે છે એની પાછળની નીતિ બહુ સાદી છે : ‘હું ડોકટર છું અને સારવાર એ મારું કામ છે એટલે હું મારું કામ કરતો રહું છું.’ આટલી સાદી વાત છે. મહાન બનવા માટે મહાન આદર્શોની જરૂર નથી. પોતે પોતાનું કામ સારી રીતે કરીએ એ પૂરતું છે. આ એક અત્યંત ચોટદાર વાત લેખકે સહેજ પણ નાટયાત્મક કે ઉપદેશાત્મક બન્યા વિના કહી છે.
આ થયો એક મુદ્દો કે 'નાસ્તિક સંત' બની શકાય ખરું?
નવલકથાનો બીજો મુદ્દો છે વિખૂટા પડવાની વેદનાનો. વાર્તાનાં લગભગ બધાં જ પાત્રો દૂર થઈ ગયાની લાગણી અનુભવે છે. કોઈ વૈભવી જીવનશૈલીનો વિરહ અનુભવે છે, કોઈ પ્રિયજનના મોતથી વ્યથિત છે, પણ સૌથી વધુ તો લોકો એ વાતે ત્રાસેલા છે કે લોજિકલ એન્ડ મીનિંગફુલ (તર્કબદ્ધ અને અર્થસભર) જીવન જેવું કશું હોતું જ નથી, ગમે તેની સાથે ગમે તે થઈ શકે, કોઈ પણ માણસ પ્લેગની લપેટમાં આવી શકે, માણસના હાથમાં કશું છે જ નહીં, આશા રાખવાનો કોઈ મતલબ નથી. આ બધી વાતે ત્રાસેલા લોકો છેવટે ધર્મને પણ ફગાવીને જલસા અને ઐયાશી પર ઊતરી આવે છે.
જો કે આ બધું પોતાની ડાયરીમાં નોંધનારા ડો. રિઓને બેફામ બનેલી પ્રજામાં ઘણા હીરો પણ જડી આવે છે. જેમ કે સફાઈ કામદારો. એ લોકો રોજ થાકીને લોથ થઈ જાય ત્યાં સુધી પોતાનું સફાઈ કામ ચાલુ રાખે છે. ડો. રિઓ પોતાની પોથીમાં નોંધે છે : ‘માણસની અંદર વખોડવા કરતાં વખાણવા જેવી બાબતો વધુ છે.’
છેવટે પ્લેગ જાણે પોતે જ થાકી ગયો હોય એમ આપોઆપ ઠરવા લાગે છે. મરનારાનું પ્રમાણ ઘટવા લાગે છે અને ફરી બધું સામાન્ય થતાં શહેરની સરહદો ખોલી નાખવામાં આવે છે. સગાંસંબંધીઓ અને વિખૂટાં પડેલાં પ્રેમીઓ ફરી એકમેકને મળે છે. ચર્ચમાં ઘંટ વાગે છે. લોકો ફરી ધાર્મિકતા અપનાવે છે.
વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એનાં અનેક પાત્રો જિંદગીભર યાદ રહી જાય એવાં છે. જેમ કે એક પાત્ર એવું છે જે પ્લેગના અંત પછી પાગલ થઈને લોકો પર બેફામ ગોળીઓ છોડવા લાગે છે. આવાં અનેક પાત્રો દ્વારા કામૂએ એ દર્શાવવાની કોશિશ કરી છે કે અસ્તિત્વની અસંગતતા અને વાહિયાતપણા સાથે લોકોનો સીધેસીધો પનારો પડે ત્યારે તેઓ કેવી કેવી રીતે વર્તે! અલબત્ત, એટલું નોંધવું રહ્યું કે આ નવલકથામાં આખા ગામની વાત કહેનાર કામૂ પોતે 'નાસ્તિક સંત' બનવા મથનાર ટેરો પ્રત્યે અને 'માણસની અંદર વખોડવા કરતાં વખાણવા જેવી બાબતો વધુ છે' એવું કહેનાર નિષ્ઠાવાન ડો. રિઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે એ સ્પષ્ટપણે વર્તાય છે.
નવલકથા કામૂના પોતાના સ્વાનુભાવના આધારે લખાઈ છે. અલબત્ત, એ સીધેસીધો પ્લેગનો અનુભવ નહોતો. ૧૯૪૨માં ફ્રાન્સ પર જર્મની ચડી બેઠું તેને કારણે કામૂ પોતે ફ્રાન્સમાં અટવાઈ ગયા અને તેમનાં માતા તથા પત્ની ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં ગોંધાઈ રહ્યા. ટૂંકમાં, જર્મની દ્વારા ફ્રાન્સ પર ચડી બેસવું, હિંસા, સત્તાભૂખ, માનવીની લાચારી … આ બધી બાબતોને કામૂએ નવલકથામાં પ્લેગના પ્રતીક દ્વારા રજૂ કરી છે અને એમનું કહેવું છે કે વચ્ચે-વચ્ચે થોડા સમય અંકુશમાં રહ્યા બાદ હિંસા-અંધાધૂંધી-સત્તાભૂખ વગેરે વકરીને ફરી ફરીને રોગચાળાની જેમ આપણા પર ત્રાટકતી રહે છે. નવલકથાનાં અંતિમ વાક્યો એ રીતે એકદમ સૂચક છેઃ ‘પ્લેગના જીવાણુ કાયમને માટે ઠરી-મરી નથી જતા … એ વર્ષો સુધી ફર્નિચરમાં, કપડાંમાં સુષુપ્ત પડ્યા રહે છે … એ શયનકક્ષમાં, ભંડકિયામાં, પેટીમાં, હાથરૂમાલોમાં અને જૂનાં છાપાંમાં રાહ જોઈને બેસી રહે છે અને પછી (ફરી) આવશે એવો દિવસ જ્યારે માનવજાતને પાઠ ભણાવવા કે સતાવવા માટે પ્લેગ તેના ઉંદરડાંઓને સાબદાં કરશે અને તેમને એવા એક શહેરમાં મરવા માટે મોકલી આપશે, જે શહેર પોતાની સંતુષ્ટિમાં ગુલતાન હોય.’
ટૂંકમાં, બધું બરાબર ચાલી રહ્યું છે, શાંતિ-વિકાસ-સમૃદ્ધિ જોરમાં છે અને આવા આયોજનો દ્વારા આપણે આવું પરિણામ મેળવીશું એવી બધી તસલ્લીઓમાં રાચતા ઊંઘરેટા મનુષ્યને ફરી ફરી ઢંઢોળવા માટે પ્લેગ (કે કોરોના કે યુદ્ધ કે અંધાધૂંધી) ખાબકે છે, પહેલાં ધીમે ધીમે અને પછી જોરમાં … એવા ઇશારા સાથે નવલકથા પૂરી થાય છે.
અહીં એકદમ ટૂંકમાં ‘ધ પ્લેગ’ નવલકથાની આછેરી ઝલક આપી છે. આશા છે કે આ ‘ટ્રેલર’ જોયા બાદ તમારામાં ‘આખી ફિલ્મ’ જોવાની ઇચ્છા જાગે.
e.mail : dipaksoliya@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 08 ઍપ્રિલ 2020
 

