Opinion Magazine
Number of visits: 9497490
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બસ અકસ્માત માટે બહુ મહેનત થાય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2025

રવીન્દ્ર પારેખ

કોઈ પણ અકસ્માતની આગોતરી વરદી હોતી નથી. એ તો થાય ને બસ ! થાય જ છે. જો કે, એવી સ્થિતિ નથી કે કુદરત પર દોષનો ટોપલો ઢોળી શકાય. હવે ઘણા અકસ્માતો માનવીય બેદરકારીનું પરિણામ હોય છે. એમાં સરકારથી માંડીને પ્રજા સુધીનાં સૌ વત્તે ઓછે અંશે જવાબદાર છે. વારુ, એમાં જવાબદારો બહુ ઓછા દંડાય છે ને સૌથી વધુ ભોગ બને છે – પેસેન્જરો અને રાહદારીઓ. એમનો કોઈ વાંક હોતો નથી ને સૌથી વધુ ભોગવવાનું એમને જ આવે છે. કોઈ ગુજરી જાય કે ઘવાય, તો એમની પાત્રતા થોડા હજાર કે લાખ રૂપિયાનું વળતર મેળવવાથી વિશેષ ભાગ્યે જ કૈં હોય છે.

છેલ્લા થોડા દિવસોમાં થયેલા બસ અકસ્માતો જોઈએ –

25 ઓક્ટોબરના સમાચારમાં હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ખાનગી એ.સી. સ્લીપર બસ શુક્રવારે કુર્નુલના ચેન્નાતેકુર પાસે વહેલી સવારે ૩.30ના અરસામાં એક બાઈક સવાર સાથે ટકરાઈ. બાઈક બસની નીચે એવી ફસાઈ કે તેની ટાંકી ખૂલી જતાં આગ લાગી ને તેણે બસને લોખંડી હાડપિંજર બનાવીને જ છોડી. બસમાં બે ડ્રાઈવર સહિત 41 મુસાફરો હતા. એટલું સારું હતું કે બસની ડિઝલ ટેન્કમાં આગ નહોતી લાગી, એટલે કેટલાક મુસાફરોને બચાવી લેવાયા. કેટલાક ઈમરજન્સી ગેટ ખોલીને બહાર નીકળવામાં સફળ થયા. કેટલાક સારવાર હેઠળ છે, તો ય, વીસ જણાની રાખ એવી પડી કે કેટલાક મૃતદેહોની ઓળખ કરવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું. વહેલી સવારનો સમય હતો એટલે મુસાફરો ભર ઊંઘમાં હતા ને શું થયું તેની ખબર પડે તે પહેલાં આગ બસને લપેટાઈ ચૂકી હતી. બસમાં બચવાના સાધનો જ ન હતાં, તે ત્યાં સુધી કે ઈમરજન્સી ગેટ તોડવાની હથોડી સુદ્ધાં ન હતી.

વાત તો એવી પણ છે કે બસમાં મુસાફરો 41 હતા, પણ સ્માર્ટ ફોન 236 હતા. આ ફોન અને એ.સી. બેટરીને કારણે આગે ઝડપથી વિકરાળ રૂપ ધારણ કર્યું. 46 લાખની કિંમતના આ ફોન હૈદરાબાદના એક વેપારીએ બેંગલુરુ સ્થિત ઈ-કોમર્સ કમ્પનીને મોકલ્યા હતા. બસ અને મૃતકો નસીબના એટલા બળિયા કે એમને રાષ્ટ્રપતિની, વડા પ્રધાનની, રાજ્યના મંત્રીઓની સંવેદનાઓ પ્રાપ્ત થઈ. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત નિધિમાંથી મૃતકોનાં સ્વજનોને બે લાખનું અને ઘાયલોને પચાસ હજારનું વળતર પણ તરત જ જાહેર થયું. વળતરની વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે અકસ્માત થયો નથી કે વળતર જાહેર થયું નથી !

આવા જ બીજા અકસ્માતમાં જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસ માર્ગમાં જ સળગી જતાં 22 લોકો ભડથું થઈ ગયાં. આ દુર્ઘટના 14 ઓક્ટોબરે વોર મ્યુઝિયમ નજીક બની. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ તો મેળવાયો, પણ 22 લોકોએ જીવ ગુમાવ્યો ને 15 લોકો ઘાયલ થયા. થયું હતું એવું કે શોર્ટસર્કિટ અને ફટાકડાને કારણે આગ લાગી હતી, પરિણામે ઘણાંને ભાગી છૂટવાની તક જ ન રહી. અહીં પણ પ્રધાન મંત્રી રાહત નિધિમાંથી 2 લાખના વળતરની જાહેરાત કરવાનું ચુકાયું ન હતું. આવી જ રીતે બે’ક વર્ષ પર મહારાષ્ટ્રનાં બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બસ સળગી ગયેલી અને 25 લોકો આગનો ગોળો થઈ ગયેલા. બસ રોડ પર મુકાય ત્યારે તે મુસાફરો અને મુસાફરી માટે યોગ્ય છે, એવી કોઈ ચકાસણી થતી હશે કે કેમ તે નથી ખબર ! ઘણું ખરું નહીં જ થતી હોય, કારણ અકસ્માત પછી જે પાત્રતા જાહેર થાય છે, એમાં તો ખામીઓ જ બહાર આવે છે. આ ખામીઓ પ્રાદેશિક નથી, રાષ્ટ્રીય છે.

ગુજરાતની વાત કરીએ તો બસ, કાર, બાઈક અકસ્માતોના ટકરાવની નવાઈ નથી. 21 ઓક્ટોબરે ધોલેરા-ભડિયાદ માર્ગે એસ.ટી. બસ અને કાર ટકરાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને 4 ઘાયલોને ભાવનગરની હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. એના બે દિવસ પહેલાં ભુજ જતી લકઝરી અને ઇકો વચ્ચે ટક્કર થતાં બેનાં મોત થયાં હતાં ને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધોલેરા હાઈવે પર જ 5 ઓક્ટોબરે બે લકઝરી બસો આપસમાં એવી ટકરાઈ કે ૩ની હાલત ગંભીર થઈ ગઈ અને 10 ઘાયલ થયા. 1 ઓક્ટોબરે વંડામાં એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા અને પુત્રીને ઈજા થઈ હતી. આવા અકસ્માતો તો થતા જ રહે છે ને ઘાયલો અને મૃતકોના આંકડા વધતા રહે છે. તે ઉપરાંત  બસને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તે નફામાં, પણ અકસ્માતોનાં કારણોની અને તેને રોકવાની બહુ જરૂર જોવાતી નથી.

એ ચમત્કાર જ છે કે માણસ ઘરેથી નીકળીને સાંજને છેડે ઘરે આવી રહે છે, બાકી લોકોની સુરક્ષાની જવાબદારી જેમની છે, તે નેતાઓ કે મંત્રીઓ તો મૃતકોને અને ઘાયલોને આર્થિક વળતર નાખવા કે સંવેદનાઓ પાઠવવા સિવાય ભાગ્યે જ કોઈ ફરજ બજાવતા હશે. વિધિ બધી જ થાય છે, પણ સચ્ચાઈ તો અંતિમ વિધિમાં જ જોવા મળે છે. અકસ્માત થતા જ આદેશો છૂટે છે, સમિતિઓ રચાય છે, અહેવાલો આવે છે, પણ રસ્તા પર પૂર ઝડપે દોડતા અગનગોળાઓમાં જીવતી આહુતિઓ આપવાનું અટકતું નથી. બસોમાં ઈમરજન્સી ગેટ રાખવામાં જ એટલે આવે છે કે ઈમરજન્સી વખતે ન ખૂલે. કમ સે કમ ત્યારે તો ન જ ખૂલે. એ પછી પણ ખખડધજ બસો દોડતી રહે છે, એ.સી.માં શોર્ટ સર્કિટ થતી જ રહે છે, બસનાં સીટ ફોમ, તેનું વાયરિંગ, તેનાં ઈમરજન્સી ગેટ્સ, તેનો એક જ દરવાજો, એક માણસ પણ સરળતાથી પસાર ન થઈ શકે એવા સાંકડો પેસેજ, તેના અધકચરા તાલીમ વગરના ડ્રાઈવરો-કલીનરો, જે સડકો પરથી તે દોડે છે તે માંદલી સડકો, ટ્રેનોની ઓછી સંખ્યાઓ … વગેરે એટલી બધી રીતે જોખમી છે કે અકસ્માતે ન થવું હોય તો પણ થઈને રહે.

છેલ્લાં ત્રણેક વર્ષમાં થયેલા આઠેક સ્લીપર બસ અકસ્માતોમાં 100થી વધુ જીવ ગયા છે. એમાંના સાત અકસ્માતો મધરાતથી વહેલી સવાર દરમિયાન થયા છે. બને છે એવું કે એક જ પેસેજ હોવાથી ને બધા જ એક સાથે બહાર જવા ઉતાવળા હોવાથી, બસની બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય છે. બીજી મુશ્કેલી સ્લીપર બસો ડબલ ડેકર હોય તો ઉપરથી નીચે ઉતરવાનો સમય ઓછો પડે છે એ છે. વળી નીચે પણ પેસેજમાંથી આવી રહેલા મુસાફરોની ભીડ હોવાથી અરાજકતા જ વધે છે ને એ જાનહાનિનો આંકડો જ મોટો કરે છે. ખરેખર તો ડબલ ડેકર રાત્રિ સ્લીપર બસો બંધ કરવા જેવી છે. એ ઈમર્જન્સીમાં ક્યારે ય ઉપયોગી સાબિત થઇ નથી. મોટા ભાગની રાત્રિ સ્લીપર બસો અંદાજે ૩૦૦થી 800 કિલોમીટર કવર કરતી હોય છે. આ સમયમાં ડ્રાઈવરો ભરોસાપાત્ર ભાગ્યે જ રહે છે. તેઓ થાકે છે કે ચાલુ બસે ઊંઘી જાય છે કે નશો કરેલી હાલતમાં અકસ્માત નોતરે છે.

આમ પણ લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, તે એટલે કે તે ઓછી જોખમી અને બસ કરતાં ઝડપી છે. ટ્રેનો મળતી નથી એટલે મુસાફરો નાછૂટકે બસોમાં મુસાફરી કરે છે ને વધુ પૈસા ખર્ચીને જોખમ ખરીદે છે. વધારે જોખમ તો તહેવારો વખતે ઊભું થાય છે. દિવાળી, હોળી જેવા તહેવારોમાં લોકો ગામ જવા ઊમટી પડે છે. એનો લાભ ખાનગી બસના સંચાલકો પૂરેપૂરો ઉઠાવે છે. ફાલતું બસોનાં ભાડાં ત્રણ ચાર ગણા વધારીને આ સંચાલકો કારીગરોનું રીતસર લોહી લૂંટે છે ને ગરજના માર્યા આ લોકો વધારે પૈસા ચૂકવવા લાચાર બને છે. સરકાર અને પરિવહન ખાતું આ વાત સારી પેઠે જાણે છે, પણ કોઈ સાંઠગાંઠ હોય તેમ સૌ તાબોટા ફોડતા રહે છે ને કોઈ પગલાં લેવાતાં જ નથી. ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ., પોલીસ તંત્રો નથી એવું નથી, પણ તેઓ કબૂલવા કરતાં વસૂલવામાં વધુ સક્રિય છે. મંત્રીઓ બદલાય છે, પણ મંતરવાનું બદલાતું નથી, તો થાય કે બધા એક જ થેલીના ચટાપટા છે. આટલે વર્ષે પણ એક જ સરકાર હોવા છતાં આ લૂંટ અટકાવી શકાતી નથી એ શરમજનક છે. અકસ્માતના અને બસ સળગવાના અકસ્માતોમાં વધારો થતો જ રહ્યો છે, છતાં હાઈવે પર ટ્રોમા સેન્ટરો કે હોસ્પિટલો નથી. તે હોય તો ઘણાનાં જીવ બચાવી શકાય, પણ એવું તો થાય ત્યારે ખરું !

ખરેખર તો ખાનગી ડબલ ડેકર સ્લીપર બસો રાતના ચલાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ, કારણ તેની એક માત્ર દાનત કમાણીની જ હોય છે. આ બસો ચાલુ રાખવી જ પડે એમ હોય તો તેનું કઠોર પરીક્ષણ થવું જોઈએ, જેથી મુસાફરોને માથેથી ઘાત ટળે. પૈસા ખર્ચીને મોત ખરીદવાનો આ ઉદ્યોગ બંધ થાય તો મુસાફરોએ ખાસ કંઇ ગુમાવવાનું નથી. એ બસ કંપનીઓએ જોવાનું છે કે તેણે સલામત ધંધો કરવો છે કે મુસાફરોની જિંદગી જોડે રમત રમતી યુક્તિઓ પર પ્રતિબંધ આવે તેની રાહ જોવી છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑક્ટોબર 2025

Loading

27 October 2025 Vipool Kalyani
← એક બુકસ્ટોર બંધ થાય ત્યારે મારા ચિત્તનો એક ભાગ બુઠ્ઠો થઈ જાય છે !
એક બાળક, KBCનો એક મંચ : આત્મવિશ્વાસ અને પેરેન્ટિંગના સબક  →

Search by

Opinion

  • મૌનની ભાષા
  • એક બાળક, KBCનો એક મંચ : આત્મવિશ્વાસ અને પેરેન્ટિંગના સબક 
  • એક બુકસ્ટોર બંધ થાય ત્યારે મારા ચિત્તનો એક ભાગ બુઠ્ઠો થઈ જાય છે !
  • હિંદુ પંચાંગનું નવું વર્ષ તમારા આંતરિક ‘રિસેટ’ માટે આદર્શ સમય 
  • ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  

Poetry

  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved