શું કોઈ રાજકીય વ્યક્તિ એવી હોય કે એને સાંભળ્યા જ કરીએ? એમની ભાષા શાલિન હોય / તર્કસંગત હોય / ઉશ્કેરાટ ન હોય / હ્રદય સોંસરવી ઊતરી જાય તેવી હોય !

રાજકુમાર ભાટી
આવી એક વ્યક્તિ છે – રાજકુમાર ભાટી (60). તેઓ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેઓ ભૂતપૂર્વ પત્રકાર અને પ્રોફેસર છે. તેઓ કિસાન આંદોલનોમાં સક્રિય રહ્યા હતા. વિવિધ રાષ્ટ્રીય ચેનલો પર ચર્ચાઓમાં તેમની વિદ્વતા અને ગૌરવ માટે તેઓ જાણીતા છે. તેમણે તાજેતરમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે, ખાસ કરીને X પર, અને નિયમિતપણે તેમના સ્પષ્ટ વિચારો અને રાજકારણ, સત્ય અને સામાજિક મુદ્દાઓની ઊંડી સમજ શેર કરે છે. તેમની પોસ્ટ યુવાનોમાં જાગૃતિ લાવે છે અને તેમને ચિંતન અને પ્રશ્ન કરવા માટે પ્રેરણા આપે છે.
ભાટી માને છે કે ‘ચૂપ રહેવાથી અન્યાય વધે છે !’ આ વિચારધારાથી તેઓ દરેક પ્લેટફોર્મ પર નિર્ભયતાથી પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેમની સ્પષ્ટતા ઘણીવાર ટીકાકારોને અસ્વસ્થ બનાવે છે, છતાં તેઓ હંમેશાં સત્ય અને બંધારણ સાથે મજબૂત રીતે ઊભા રહે છે. તેમણે MA (1990), LL.B(2007)નો અભ્યાસ કરેલ છે. તેમના પ્રેરણા સ્રોત લોકનાયક જયપ્રકાશ નારાયણ અને ડો. રામમનોહર લોહિયા છે. તેઓ સામાજિક ન્યાય / આરક્ષણ / બ્રાહ્મણવાદનો વિરોધ / કિસાન અધિકાર / લોકલક્ષી મુદ્દાઓ પર નિર્ભિક અને સ્પષ્ટ વિચારો રાખે છે.
રાજકીય પક્ષના નેતાઓ બોલતા હોય ત્યારે જાણે ભસતા હોય તેવું લાગે / સામેની વ્યક્તિનું ચરિત્રહનન કરતા હોય તેવું લાગે / ગળામાંથી અહંકાર નીતરતો હોય તેવું લાગે ! સવાલ એ છે કે શું ગુજરાતમાં કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા ભાષાની શાલિના સાથે તર્સંગત / આક્ષેપો નહીં, પણ મુદ્દા આધારિત હકીકતો સાથે શાંત ચિત્તે વાત કરે છે?
રાજકુમાર ભાટીએ 6 નવેમ્બર 2025ના રોજ, પોતાની ફેસબૂક પ્રોફાઇલ પર ‘નીચી ભાષા બોલ રહે હૈ ઊંચે પદો પર બૈઠે લોગ’ શીર્ષક સાથેનો વીડિયો શેર કર્યો છે. તે એક વખત જોઈ લેશો તો રાજકુમાર ભાટીનો પરિચય મળી જશે.
રાજકુમાર ભાટી કહે છે : “એક રસ્તા પરથી રાજાની સવારી નીકળવાની હતી. તે રસ્તાની કિનારે એક સાધુ ધૂણી લગાવી બેઠા હતા. પ્રથમ એક સિપાહી આવ્યો તેણે સાધુને બે ચાર ગંદી ગાળો આપી અને કહ્યું કે ‘તરત જ હટી જા રાજાની સવારી આવે છે.’ સાધુએ કહ્યું કે ‘એટલે તો તું છો !’ થોડીવાર પછી દરોગાજી આવ્યા. તેણે કહ્યું કે ‘હે મહારાજ, તમે તો મરશો અમને પણ મારશો. રાજાની સવારી આવે છે. અહીંથી તમારી ધૂણી હટાવી લો.’ સાધુએ કહ્યું કે ‘એટલે તો તું છો !’ એ પછી કોતવાલ સાહેબ આવ્યા તેણે બે હાથ જોડી કહ્યું કે ‘મહારાજ, રાજાની સવારી નીકળનાર છે. થોડો સમય તમારી ધૂણી પાછળ હટાવી લો, સવારી પસાર થઈ જાય પછી હતી ત્યાં લગાવી દેજો.’ સાધુએ કહ્યું કે ‘એટલે તો તું છો !’ રાજાની સવારી આવી. રાજાએ સાધુને જોયા. રાજા રથથી નીચે ઊતર્યા અને હાથ જોડીને સાધુને કહ્યું : ‘મહારાજ, મારા રાજમાં આપને કોઈ તકલીફ તો નથી ને? કોઈ સુવિધા જોઈતી હોય તો બતાવો.’ સાધુએ કહ્યું કે ‘એટલે તો તું છો !’ રાજા જતા રહ્યા ત્યારે સાધુની બાજુમાં ઊભેલ એક વ્યક્તિએ સાધુને પૂછ્યું કે મહારાજ, તમે દરેકને ‘એટલે તો તું છો !’ એવું કેમ કહો છો? સાધુએ સમજાવ્યું કે સિપાઈ ગાળો બોલતો આવ્યો, એની ભાષા, એનું વર્તન એટલે તો એ સિપાહી છે. દરોગાએ થોડી વિનમ્ર ભાષા વાપરી એટલે એ દરોગા છે. કોતવાલ આવ્યો તેણે હાથ જોડી વિનંતિ કરી એટલે તો એ કોતવાલ છે. રાજા રથ પરથી ઊતરીને આવ્યો અને તકલીફ વિશે પૂછ્યું એટલે તો એ રાજા છે.”
“પદ અનુસાર, પદની જવાબદારી મુજબ, વ્યક્તિનો વ્યવહાર પરિવર્તિત થઈ જાય છે. ભાષા પણ બદલાઈ જાય છે. ભાષા ગરિમામય બની જાય છે. આપણા વડા પ્રધાન મોદીજી અને મુખ્ય મંત્રી યોગીજી બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન જે ભાષા બોલી રહ્યા છે તે મુખ્ય મંત્રી / વડા પ્રધાનને શોભે તેવી ભાષા નથી. ગરિમામય ભાષા નથી. ગઈ કાલે વડા પ્રધાને કહ્યું કે ‘RJD-રાષ્ટ્રીય જનતા દળે કાઁગ્રેસની કાનપટ્ટી પર કટ્ટા રાખીને કાઁગ્રેસના મુખ્ય મંત્રીનો ચહેરો છીનવી લીધો !’ શું આવી ભાષા વડા પ્રધાનને શોભે? હાોદ્દાને અનુરૂપ આ ભાષા છે? શું RJD કોઈ વ્યક્તિ છે? જે કટ્ટો રાખે? જો આવી ઘટના બની છે તો બિહારમાં તો તમારી ડબલ એન્જિનની સરકાર છે. કેમ FIR ન કરાવી? કટ્ટો રાખીને ઘોષણા કરાવી હોય તો કાયદો – વ્યવસ્થાની મજાક નથી? વડા પ્રધાન એક જુમલો બોલ્યા કે કેટલાક લોકો લાલટેન લઈ ‘મુજરા’ કરે છે ! શું આ વડા પ્રધાનના સ્તરની ભાષા છે? લોકસભાની ચૂંટણી વેળાએ પણ મુજરા શબ્દ બોલતા હતા. મંગળસૂત્ર છીનવી લેશે / ભેંસ છીનવી લેશે / જેમના ચાર ઓરડાનું મકાન છે તેના બે ઓરડા ઘૂસપેઠિયા છીનવી લેશે / વિપક્ષને સાપ છંછૂદર કહ્યા / શહેરી નક્સલ / જંગલરાજ-ગુંડારાજ … આ ભાષા વડા પ્રધાનને લાયક નથી. મને અશોક સાહિલના શબ્દો યાદ આવે છે – ‘नज़र नज़र में उतरना कमाल होता है, नफ़स नफ़स में बिखरना कमाल होता है. बुलंदियों पर पहुंचना कोई कमाल नहीं, बुलंदियों पर ठहरना कमाल होता है !’
માનનીય પ્રધાન મંત્રીજી / માનનીય મુખ્ય મંત્રીજી આપ ઊંચી ખુરશી સુધી પહોંચી તો ગયા, પણ આપ ઊંચાઈ જાળવી શકતા નથી. આવી ભાષા બોલીને પૂરી દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છો. આપણા પ્રધાન મંત્રી વિપક્ષના નેતાઓ માટે બારબાલા / 50 કરોડની ગર્લફ્રેન્ડ / હાઈબ્રિડ વાછરડો / કાઁગ્રેસની વિધવા … આવા શબ્દપ્રયોગ કરે છે. આવા શબ્દો શોભા ન આપે લોકતંત્રમાં. આ એક સારા લોકતંત્રની નિશાની નથી. મુખ્ય મંત્રી યોગીજી બિહાર ચૂંટણીમાં ભાષણ આપતા હતા કે ‘પપ્પુ, ટપ્પુ ઔર અબ્બુ ગાંધીજીના ત્રણ વાંદરા છે.’ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી ભાષાનું સ્તર નીચે લઈ જઈ રહ્યા છે. તેઓ કહે છે ગરમી કાઢી નાખું છું / મે-જૂન મહિનામાં સિમલા બનાવી દઉં છું / ડેન્ટિંગ-પેન્ટિંગ કરું છું / જમીનમાં દાટી દઈશ / માર દૂંગા / નિશાન મિટાવી દઈશ …આવી ધમકીવાળી ભાષા યોગીજી બોલ્યા કરે છે. તેમની સામે બોલે તેની સામે બુલડોઝરની કાર્યવાહી કરે છે, ઘર પર, દુકાન પર.
રાજકીય સ્તર નીચે પાડવાનું કામ ભા.જ.પ.ના લોકો કરી રહ્યા છે. ભાષાની ગરિમા છીનવી લેવાનું કામ કરે છે એનાથી ભારતનું લોકતંત્ર કમજોર થઈ રહ્યું છે. એને બચાવવાની જવાબદારી ભારતના દરેક જાગૃત નાગરિકની છે. ભારતની છબિ પૂરી દુનિયામાં ખૂબ સારી રહી છે. સરસ દેશ તરકે ભારતને ઓળખવામાં આવે છે. ભારતને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર માનવામાં આવે છે. ભારતમાં લોકતંત્રનાં મૂળિયાં ઊંડા છે. યુરોપ / અમેરિકામાં કપડાં પહેરવાનું શીખ્યા ન હતા ત્યારે ભારતમાં ગણતંત્ર હતું. આ ભારતની વિશેષતા છે. આ વિશેષતાને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. ચૂપ રહેવાથી અન્યાય વધે છે !”
07 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

