પુસ્તકોની દુકાનો પણ સત્તાની સામે લડી શકે ખરી? કોઈએ આ વિશે ઝાઝું વિચાર્યું હોય એવું લાગતું નથી. અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડીસન શહેરમાં એક નાનકડો બુકસ્ટોર છે. એ લોકો પ્રતિકારનું સાહિત્ય વેચે છે. દેખીતી રીતે જ, યુવાનો એ દુકાનની વાંરવાર મુલાકાતે જતા હોય છે. હું જ્યારે પણ મેડીસીન ગયો છું ત્યારે મેં એ દુકાનમાંથી પુસ્તકો ખરીદ્યાં છે. એ જ રીતે, એ જ શહેરમાં એક ફિમિનિસ્ટ બુકસ્ટોર પણ છે. ખાસો મોટો છે. એ લોકો પિતૃસત્તાક સમાજને પડકારતાં પુસ્તકો વેચે છે. એટલું જ નહીં, ત્યાં દુકાનમાં એ લોકો અવારનવાર feminist લેખકોનાં વાંચન પણ ગોઠવતા હોય છે.
અમેરિકામાં લગભગ બધા જ કોર્પોરેટ બુકસ્ટોર્સ સત્તાને શરણે જતા હોય છે. એ લોકો અમુક પ્રકારનું સાહિત્ય ન રાખે. અને રાખે તો એ રીતે મૂકી રાખે કે કોઈની નજર પણ ન પડે. પણ, મોટા ભાગના ખાનગી બુકસ્ટોર્સ સત્તાની તરફેણ નથી કરતા. ઘણા ખાનગી બુકસ્ટોર્સ સરકાર વિરોધી સાહિત્યનો એક અલગ વિભાગ રાખતા હોય છે. એમને સરકારની કાંઈ પડી નથી હોતીલ. એમના માટે પુસ્તકો વેચવાં એટલે કે પ્રતિકારની પ્રવૃત્તિ કરવી.

ગઈ કાલે Peddler’s Village જેવા એક નાનકડા ગામમાં ગયેલો. ત્યાં એક નાનો બુકસ્ટોર હતો. એના દરવાજા પર એક બોર્ડ મારેલું હતું : ‘અમે પ્રતિબંધિત પુસ્તકો વેચીએ છીએ’. પુસ્તકો પર સત્તા પ્રતિબંધ મૂકે. પણ, બુકસ્ટોર કહેશે કે અમે તો વેચીશું. અમેરિકામાં ઘણાં પુસ્તકો પર પ્રતિબંધ છે. પણ એ પુસ્તકો વેચવા પર પ્રતિબંધ નથી હોતો. મોટે ભાગે એવાં પુસ્તકો સરકારી પુસ્તકાલયમાં ન જોવા મળે. આ બુકબુસ્ટોરે પોતાની રીતે એનો વિરોધ કર્યો છે.
હું જે કહેવા માગું છું તે એ કે પુસ્તકોની દુકાનો પણ એક ચોક્કસ પ્રકારની વિચારધારા પ્રગટ કરી શકે. એટલું જ નહીં, એ સરકારનો, સત્તાનો પ્રતિકાર પણ કરી શકે. પણ, એવી આવડત હોવી જોઈએ.
[સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA]
22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

