
રવીન્દ્ર પારેખ
સ્કૂલો, SMC અને આંગણવાડીનાં કાર્યકરોને BLO(બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં જોતરાતા ઊહાપોહ થઈ રહ્યો છે ને BLOને ‘BLOW’ પડ્યો હોય તેમ સૌ ડઘાયેલા છે. બધાંને જ કોઈને કોઈ પ્રકારનો વાંધો પડ્યો છે. તેમાં કામગીરીમાં ગેરહાજરી સંદર્ભે ધરપકડનાં વોરંટ નીકળતાં શૈક્ષિક સંઘોએ પણ વિરોધ કર્યો છે ને સંપૂર્ણપણે વોરંટ બંધ થાય એવી માંગણી કરી છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરો BLOની કામગીરીમાં જોડાતા જે તે સંસ્થાઓની કામગીરીઓ ટલ્લે ચડી છે. વર્ગોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વગર અટવાયા કરે એવી સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષકો કામગીરીમાં હોવાને લીધે એક શિક્ષકે એકથી વધુ વર્ગો સંભાળવા પડે છે. ઓફિસોમાં આવનારા લોકોનાં કામ કર્મચારીની ગેરહાજરીને કારણે થતાં નથી અથવા તો એકથી વધુ ધક્કા પછી થાય છે.
આ સમસ્યાઓ ગુજરાતમાં જ સર્જાઈ છે એવું નથી. દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી ચાલી રહી છે અને BLO અનેક દબાણો અને સંજોગો વચ્ચે કામગીરી કરી રહ્યા છે. કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં BLOએ આત્મહત્યા કર્યાના તો ક્યાંક આત્મહત્યાના પ્રયાસના સમાચારો પ્રગટ થયા છે. મોડે સુધી કામગીરી પહોંચતી હોવાથી મહિલા BLOને છેડછાડના અનુભવો પણ થઈ રહ્યા છે, એ ઉપરાંત તેમને કુટુંબ, બાળકો તરફ પૂરતું ધ્યાન આપવામાં ય મુશ્કેલીઓ ઊભી થઈ છે. સુરતમાં મહિલા BLO સ્કૂલમાં એકલી બેસે છે, તો મતદારો દારૂ પીને આવે છે ને લવારાઓ કરે છે. 2002 મતદાર યાદીમાં પરપ્રાંતીયોનાં નામ શોધવામાં કલાકો જાય છે. 23 વર્ષ પહેલાંની વિગતો મતદારો પાસેથી માંગવામાં આવે તે મળવાની શક્યતાઓ ઓછી જ છે. ફોર્મ તો શિક્ષિતો ભરે પણ ખરા, પણ જે શિક્ષિત નથી એમની વિગતો મેળવવાનું વધારે મુશ્કેલ છે. એમની સાથે ફોર્મને મામલે BLOએ કામ લેવાનું સહેલું નથી. મોટે ભાગે સ્થાનિક નેતાનો પ્રભાવ નામ રાખવા કે કાઢવા અંગે રહે છે. એ સ્થિતિમાં મતદાર યાદી સુધારણા ઉપક્રમ દૂષિત થયા વગર કેટલો રહે તે જોવાનું રહે.
ખરેખર તો આ સરવે મતદારોના ઘરે જઈને BLOએ કરવાનો છે, પણ ટાર્ગેટ પૂરો કરવા કે કામનાં દબાણને કારણે BLO ઘરે ઘરે ફરવાનું ટાળે ને મતદારોને એક સાથે કોઈ જાહેર સ્થળે બોલાવે ને વિગતો ભરે એમ બને. એ સ્થિતિમાં મતદાર અન્યની હાજરીમાં પોતાની વિગતો આપવામાં સંકોચ અનુભવે એ શક્ય છે. આમ મતદાર અને BLO, બંને પક્ષે મુશ્કેલીઓ છે. સુરતમાં BLOને 1,200 ફોર્મનાં ટાર્ગેટ અપાયા છે. નવસારી જેવામાં મુખ્ય શિક્ષક-વિષય શિક્ષકોને મુક્ત રાખવાનો પરિપત્ર હોવા છતાં તેમના ઓર્ડર નીકળ્યા છે. ઘણાં રાજ્યોમાં BLOએ કામના કલાકો અને 4 ડિસેમ્બરની અવધિનો વિરોધ કર્યો છે. રાજસ્થાનના BLO અપાયેલા ટાર્ગેટને કારણે બોજ અનુભવે છે. તેમણે રોજ 200 મતદારોના ઘરે જઈ ફોર્મ કમ્પ્લિટ કરવાં પડે છે ને સવારે 8થી રાત્રે 10 સુધીમાં દર બે કલાકે ઈ.આર.ઓ.ને રિપોર્ટ મોકલવા પડે છે. છત્તીસગઢ જેવામાં BLO શિક્ષકો પણ છે ને તેમને SIRની કામગીરી ઉપરાંત વર્ગમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી છે, એટલે ઘણાં બેવડું દબાણ અનુભવે છે.
મોટે ભાગે BLOની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. એનાથી બાળકોનું ભણતર બગડે છે તે સૌ જાણે છે. માત્ર આ એક જ કામગીરી હોય તો ધૂળ નાખી, પણ 56 જેટલી અન્ય કામગીરી શિક્ષકોને માથે નાખવામાં આવી છે. એમાં પરિપત્રોના જવાબો ને ડેટા ફીડ કરવાની કામગીરી તો નફામાં ! શિક્ષક આમ તો ભણાવવા માટે રખાય છે, પણ તે ભણાવી જ ન શકે એવી જાળ તેની ફરતે ગૂંથાતી રહે છે. જે કામચોર છે તેને તો આમાંથી ય રસ્તા કાઢતા આવડે છે, પણ જે સિન્સિયર છે ને જેને હૈયે વિદ્યાર્થીઓનું હિત છે, તેનો મરો થાય છે. તેને ભણાવવાનો પગાર મળે છે ને તે ભણાવી નથી શકતો એનું ગિલ્ટ તેને પીડે છે.
થાય છે એવું કે કેટલાક આચાર્યો સ્કૂલની ફરજ પૂરી કરાવીને પછી BLOની કામગીરીની પણ ફરજ શિક્ષકોને પાડે છે. ભિલોડા તાલુકામાં પ્રાથમિક શાળાના 229 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. કેટલીક શાળામાં તો બે જ શિક્ષકો છે. આવામાં તાલુકાના કેળવણી નિરીક્ષક આગ્રહ રાખે છે કે શિક્ષક શાળાની ફરજ પહેલાં પૂરી કરે. એ કામગીરી કરવા જતાં BLOની કામગીરી થતી નથી ને ક્યાંક બંને કામગીરી કરવા જતાં બાવાના બે ય બગડે છે. પેટલાદમાં પણ શૈક્ષણિક મહાસંઘે શિક્ષકોની આવી મુશ્કેલીઓ દૂર કરવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વાત ચૂંટણી પંચ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીએ પણ BLO અને સુપરવાઈઝરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા નિઝર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. એમાં વોરંટ રદ્દ કરવાની માંગ પણ છે જ ! તંત્ર ડંડાવાળા પોલીસની ભૂમિકામાં હોય તેવું ગુજરાતના અઢી લાખથી વધુ શિક્ષકો અનુભવી રહ્યા છે ને એ ઠીક નથી. આવામાં શિક્ષક વધારે સારી રીતે ભણાવી શકે તે વ્યવસ્થા કરવાની હોય, તેને બદલે તેને ભણાવવામાંથી જ મુક્ત કરવાનો પરિપત્ર ચૂંટણી પંચે બહાર પાડ્યો છે. આમેય શિક્ષકોની ઘટ તો છે જ, તેમાં છે તે શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા સ્કૂલોએ આંગળાં ચાટીને પેટ ભરવાના દા’ડા આવ્યા છે.
શિક્ષકો વર્ગમાં નથી ને SIRની કામગીરીમાં દોડે છે, પણ પ્રયત્ન છતાં પહોંચી વળતા નથી ને કલેક્ટરનો મિજાજ જાય છે. સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા પૈકી 10માં, ફોર્મ પરત લેવાથી માંડીને ઓનલાઈન અપલોડ કરવાનું કામ ઢીલું ચાલે છે, એવું લાગતાં કલેકટરે સંબંધિત 10 મતદાર નોંધણી અધિકારીને નોટિસ ફટકારી છે ને 23 નવેમ્બર સુધીમાં 95 ટકા કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી છે. લિંબાયત જેવામાં મોટે ભાગના પરપ્રાંતીયો છે ને સતત સ્થળાંતરિત થતાં રહે છે. એવામાં વિગતોની ચોકસાઈના ઘણા પ્રશ્નો છે.
છેલ્લે 2002માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયેલો. તે વખતે કામ કરનારાઓમાંના હવે કોઈ નથી એટલે માર્ગદર્શક ભૂમિકા નથી ને નવા અધિકારીઓ ને તેના ઉપરીઓ હુકમો કરવાથી કામ થઇ જાય એવી સમજ ધરાવે છે, પરિણામે કામમાં કેટલો ભલીવાર રહે તે સમજી શકાય એવું છે. અત્યારે તો ટોટલ કેઓસ જેવું જ છે. આગળ જતાં કંઇ ફેર પડે તો મતદારોને, BLOને સુપરવાઈઝરોને રાહત થાય એમ બને. એમાં વળી રાજકીય પક્ષો એની રમત રમતા રહે છે, એટલે કામનો છેડો આવવાનું મુશ્કેલ થતું જાય છે.
એક બાજુ SIRની કામગીરીનું ઠેકાણું પડતું નથી, ત્યાં શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી, ધોરણ એક અને બેના શિક્ષકોની, નવેમ્બરમાં, બે દિવસની તાલીમનો પરિપત્ર બહાર પાડે છે. કેમ જાણે તેને BLO-બબાલની કંઇ ખબર જ નથી ! કોણ જાણે કેમ, પણ શિક્ષણ વિભાગને રોજ જ ફરફરિયાં બહાર પાડવાની ટેવ પડી ગઈ છે. વિભાગના અધિકારીઓને તો એમ જ છે કે ફરફરિયાં બહાર પાડવાથી જ શિક્ષણ સુધરશે. 2020થી નવી શિક્ષણ નીતિ ગુજરાતમાં ય લાગુ થઈ છે, પણ ત્યારથી એવી પનોતિ બેઠી છે કે શિક્ષણમાં ગુજરાત શ્રેષ્ઠ તો ઠીક, નબળામાં પણ તળિયે બેઠું છે ને કોઈને જ તેની પડી ન હોય તેમ સૌ આંખ કાન બંધ કરીને શિક્ષણનું ઉઠમણું ઊજવી રહ્યાં છે. રાજકારણ સિવાય બીજું કોઈ શિક્ષણ જ બાકી રહ્યું ન હોય તેવું વાતાવરણ છે.
એમ લાગે છે ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં પણ જે સરળ છે તે ન કરવાનું તંત્રોએ સ્વીકારી લીધું છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરોને ચાલુ નોકરીએ SIRની કામગીરી સોંપીને તેમને આત્મહત્યા તરફ ધકેલ્યા છે. એ ઉપરાંત અનેક ઉપરી અધિકારીઓ, BLO અને સુપરવાઈઝરો આ કામગીરીને લીધે તાણ અનુભવી રહ્યા છે ને તેઓ આગામી દિવસોમાં કેવી રીતે પોતાને સાચવી શકશે ને SIRની કામગીરી પૂરી કરી શકશે તે ચિંતાનો વિષય છે. એને બદલે સરકાર શિક્ષિત બેકારોને ટ્રેનિંગ આપીને આ કામગીરીમાં જોતરી શકે, તો તેમને આવક થાય ને શિક્ષકો બાળકોને ભણાવવા તરફ વળી શકે, કારકૂનો ને કાર્યકરો પણ પોતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરી શકે, પણ થોડા કરોડ ખર્ચવા ન પડે એટલે સરકાર શિક્ષકોને, કારકૂનોને, કાર્યકરોને SIRની કામગીરીમાં જોતરી રહી છે. એ શરમજનક છે કે અબજો અબજો રૂપિયા ખર્ચી શકતી સરકાર શિક્ષિત બેકારો પાછળ ખર્ચવા જરા ય રાજી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2025
![]()

