Opinion Magazine
Number of visits: 9502499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 October 2025

ચંદુ મહેરિયા

તમિળ અભિનેતા વિજયની વેલુસમ્યપુરમ્‌, કરુરની રાજકીય રેલી અને રોડ શોમાં ઉમટેલી ભારે ભીડથી સર્જાયેલી અવ્યવસ્થામાં ૪૧ લોકોના મોત થયા છે. ભીડને કારણે થતાં મોતની આ કોઈ પહેલી દુર્ઘટના નથી અને ભીડના સુચારુ સંચાલનના અભાવે તે કદાચ છેલ્લી પણ નહીં હોય. 

ગયા વરસના જુલાઈમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢી ગામે ભોલે બાબાની સત્સંગ સભા પછી મચેલી નાસભાગ અને બાબાના દર્શનની તાલાવેલીથી સર્જાયેલી અંધાધૂંધીમાં ચગદાઈને ૧૨૩ લોકો મરણને શરણ થયા હતા. ઉત્તરા ખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરના શ્રાવણી મેળામાં પહાડી રસ્તા પર વીજળીનો તાર પડવાની અફવા પછી લોકો ગભરાઈને ભાગતા, સીડીઓ પરથી પડતાં ૬ લોકો માર્યા ગયા હતા. પ્રયાગરાજ કુંભમેળાની ભગદડમાં ૩૧ લોકોના જીવ ગયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુંભ યાત્રીઓની ભારે ભીડ તો હતી જ. ટ્રેઈનના પ્લેટફોર્મ બદલાવાની વાતે ભીડ દોડી અને ૧૮ લોકો માર્યા ગયા હતા. આઈ.પી.એલ.ની મેચમાં આ વરસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની તાબડતોબ ઉજવણીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉમટેલી અસીમિત ભીડમાં ચગદાઈને ૧૧ લોકોએ મોત મેળવ્યું હતું. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૧૯૯૬થી ૨૦૨૨માં STAMPEDE TRAGEDY (નાસભાગની દુર્ઘટના) ૩૯૩૫ હતી તેમાં ૩,૦૦૦ લોકોના મરણ થયા હતા. એક અન્ય અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં નાસભાગની છ દુર્ઘટનાઓમાં ૭૮ લોકોના મોત થયા હતા.

રાજકીય રેલીઓ અને સભાઓ, મેળા, યાત્રા, કથા, સત્સંગ અને અન્ય ધાર્મિક આયોજનો, તહેવારો અને ઉત્સવોની ઉજવણીઓ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન, એસ્કેલેટર, મૂવિંગ વોકવે, કોન્સર્ટ,  સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો,  મોલ, સેલિબ્રિટીના ફિલ્મ પ્રમોશન અને કોમર્શિયલ એડર્વટાઈઝના રોડ શો, સરઘસો, અનાજ વિતરણ અને મહિલાઓને સાડી કે બીજી જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ, કુદરતી આફતોમાં જરૂરિયાતોનું વિતરણ, તોફાનો, રમખાણો, આગ લાગવી અને અફવા ફેલાવી તથા સરકારી સમાંરભો એવા મોટા આયોજનો છે કે જેમાં મોટી ભીડ ભેગી થાય છે કે કરવામાં આવે છે. આ આયોજનોમાં ભીડનું યોગ્ય સંચાલન ન થાય કે તેનું નિયંત્રણ ન  થાય ત્યારે દુર્ઘટના સર્જાય છે. ભીડની નાસભાગ જીવલેણ બને છે અને અનેક લોકો ઘાયલ થાય છે. 

ભારત જેવા વિશાળ દેશમાં મોટા રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક આયોજનો રોજેરોજ થતા હોય છે તેમાં ખૂબ બધા લોકો ભેગા થાય છે. જો આ ભીડનું  સરળ અને સુચારુ પ્રબંધન ન થાય તો દુર્ઘટનાઓ ઘટે છે. નબળું અને અપૂરતું ભીડ વ્યવસ્થાપન, રાજકીય શક્તિ પ્રદર્શન  માટે હજારોની ભીડ ભેગી કરવી પણ સલામતીની વ્યવસ્થા ન કરવી, સભા કે આયોજન સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ ભેગી થવી, અચાનક ગભરાટ કે અફવા ફેલાવી, આયોજન સ્થળે વીજળી જતી રહેવી કે ઓછો પ્રકાશ, નેતા, અભિનેતાનું મોડુ પહોંચવું કે વિલંબથી લોકો કંટાળીને થાકી જાય, સાંકડા રસ્તા, આયોજન સ્થળે પ્રવેશ અને ગમનના અલગ રસ્તા ન હોવા કે લોકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ન હોવા, આયોજકો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ, નાસભાગ, ધક્કામુક્કી અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા અપૂરતી સલામતી વ્યવસ્થા, દુર્ગમ સ્થળ, પહાડી કે ઢોળાવવાળા રસ્તા, બેરિકેડસ, રેલિંગ કે પુલ તૂટવો, લપસી જવાય તેવી જગ્યા,  મંદિર કે બીજા ધાર્મિક સ્થળનું પ્રવેશદ્વાર અચાનક ખૂલવું જેવા કારણોથી ભીડ અનિયંત્રિત બને છે, અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે. 

મોટા સમારંભો કે આયોજનોમાં લોકોની આવજા સલામત, વ્યવસ્થિત અને સુચારુ રીતે પાર પાડવાની પ્રક્રિયા એટલે ભીડ પ્રબંધન કે ક્રાઉડ મેનેજમેન્ટ. માનવસર્જિત દુર્ઘટનાઓ રોકવા માટે ભીડ પ્રબંધન મહત્ત્વનું સાધન છે. એટલે જો ક્રાઉડ મેનેજમેન્ટ યોગ્ય હોય તો ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. આ માટે આયોજકો સાથે સ્પષ્ટ આયોજન જાણવું અને સંકલનમાં રહેવું જરૂરી છે. જો આયોજકોની જાણ બહાર કે તેમણે શાસનને જણાવ્યું ન હોય અને ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થાય ત્યારે તેનું સંચાલન પોલીસ અને વહીવટી તંત્ર માટે જવાબદારી અને પડકાર બંને છે. 

જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય તેવા આયોજનોમાં અગાઉથી રિહર્સલ કરવું જોઈએ. મોકડ્રિલ કરવી જોઈએ. આધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ ટેકનિક, મેડિક્લ, ફાયર અને બીજી એજન્સીઓની સ્થળ પર હાજરી, ઈમરજન્સી એકઝિટ તથા ડિજિટલ મોનિટરિંગ ભીડને નિયંત્રણમાં રાખવા અનિવાર્ય છે. જ્યાં ધક્કામુક્કી કે નાસભાગની શક્યતાઓ વિશેષ છે તેવા વિસ્તારને અલગ તારવવા અને તબીબી ટીમ હાજર રાખવી. સી.સી.ટી.વી., જી.પી.એસ., ડ્રોન અને થર્મલ કેમેરાનો ઉપયોગ કરવો, ભીડને કાબૂમાં રાખવા તેને નાના જૂથોમાં પ્રવેશ આપવો કે બહાર જવા દેવી, ભીડના અનુમાન માટેની સિસ્ટમ ઉપયોગમાં લેવી. આ પ્રકારનાં પગલાંથી ભીડથી થતી નાસભાગ રોકી શકાશે. ભીડ નિયંત્રણ મુશ્કેલ જરૂર છે પરંતુ ભીડ પ્રબંધનથી ભીડભંજન બનવું અશક્ય નથી. 

લોકોએ પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થાય ત્યારે સંયમ અને ધીરજથી કામ લેવું જોઈએ. ઘાંઘા થવાથી કે મગજ ગુમાવવાથી પોતાને અને બીજાઓને પણ વધુ મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ તે યાદ રાખવાની જરૂર છે. 

ભીડને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ સમયે આયોજકો અને સરકારની સંવેદનહીનતા જોવા મળે છે. બેંગલુરુ દુર્ઘટના વખતે જ્યારે સ્ટેડિયમની બહાર લોકો કચડાતા રહ્યા હતા કે મરી રહ્યા હતા ત્યારે આઈ.પી.એલ.ની ટીમનું સન્માન ચાલતું હતુ અને તેમાં કર્ણાટકના કાઁગ્રેસી મુખ્ય મંત્રી અને બીજા મંત્રીઓ હાજર હતા. કુરુરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે અભિનેતા વિજય સભાસ્થળ છોડી ગયા હતા. પછીથી તેમણે મૃતકોને આર્થિક સહાય જરૂર કરી પણ તત્સમયે તેમનું વર્તન સંવેદનહીન હતું તેની આલોચના અદાલતે કરી છે. પ્રયાગરાજ કુંભ મેળામાં તો મૃતકોની સંખ્યા જ જાહેર થતી નહોતી અને જે જાહેર થઈ છે તે વિશ્વસનીય નથી. 

ક્રાઉડ મેનેજમેન્ટ અંગેના વર્તમાન કાયદા કે નિયમો ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર સરકારે દિશાનિર્દેશો જારી કર્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)માં સોશિયલ મીડિયા અને પડોશી દેશોમાં જેન-ઝી અશાંતિને ધ્યાનમાં રાખીને પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. કર્ણાટક સરકારે નવું ક્રાઉડ કન્ટ્રોલ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમાં ભીડ પ્રબંધનની જોગવાઈઓ સાથે વિરોધપક્ષોના વિરોધ પ્રદર્શનો પર લગામ મૂકતી જોગવાઈઓ કરીને વિપક્ષનો ભારે વિરોધ સહન કરવો પડ્યો છે. એટલે બિલને વિધાનસભાની સમિતિને વધુ સમીક્ષા માટે સોંપવું પડ્યું છે. જેમ હાથરસમાં ભોલે બાબાને બી.જે.પી. સરકારે તેમ કરુરમાં એકટર વિજયને ડી.એમ.કે. સરકારે તે સાવ નિર્દોષ ઠરે તેવું વલણ રાખ્યું છે. લોકોના જીવનમરણમા પણ રાજકીય પક્ષોનું રાજકારણ યથાવત રહે છે. 

હાથરસથી કરુરની દુર્ઘટનાઓ હ્રદયવિદારક છે અને સંચાલન તંત્ર સામે અનેક સવાલો ઉઠાવે છે. ભીડ નિયંત્રણ માટેની સંવેદનશીલ અને ચોક્કસ નીતિ કે કાયદાનો અભાવ અને મોટા આયોજનોથી લોકોના થતા મોતને હળવાશથી લેવાની માનસિકતા કરૂરની દુર્ઘટનાનું પુનરાવર્તન રોકી શકશે તેમ લાગતું નથી.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

30 October 2025 Vipool Kalyani
← એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી! →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 
  • ઑક્ટોબરની ઐતિહાસિક સ્મૃતિ : સ્વરાજ, સત્યાગ્રહ અને નિર્માણનો વિચાર

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved