Opinion Magazine
Number of visits: 9447964
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનું વિભાજન ધર્મને આધારે શા કારણે થયું?

આશા બૂચ|Opinion - Opinion|22 September 2017

‘Partition me and my family’ – એ શીર્ષક હેઠળ BBC1 પર, થોડા વખત પહેલાં, રજૂ કરાયેલ એક કાર્યક્રમે વિચાર મંથન પેદા કર્યું, તેના પરિણામ સ્વરૂપ આ લખાણ લખાયું. સ્વાભાવિક રીતે આ લેખમાં તેમાંથી કેટલીક વિગતો લેવામાં આવી છે.

ભારત કે હિન્દુસ્તાન નામે ઓળખાતી એ પુરાતન ભૂમિની એક પહેચાન હતી નિરાળી. 1947માં જે દેશ India તરીકે જીવી રહ્યો હતો, તેના ધર્મને આધારે બે ભાગ થયા, પ્રજાસત્તાક ભારત અને મુસ્લિમ સ્ટેટ પાકિસ્તાન. ભારતના ભાગલા શા માટે કરવામાં આવ્યા, તેનો જવાબ તમે કોને પ્રશ્ન પૂછો છો તેના પર આધાર રાખે છે. જેમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધેલો કે જેઓ એ વિષમ પરિસ્થિતિનો ભોગ બન્યા અને બચવા પામ્યા તેમાંના હવે બહુ ઓછા લોકો જીવિત છે. વિભાજન પહેલાં ભારતમાં બધી કોમ મહદ્દ અંશે સંપીને રહેતી એ હકીકત કહેનારા જીવિત નહીં હોય, ત્યારે આવનારી પેઢીઓ સંસ્થાનવાદના ઇતિહાસને કેવી રીતે જોશે અને તેમાંથી શું તારણ કાઢશે તે કહેવું મુશ્કેલ. ભારત – પાકિસ્તાનને સ્વતંત્રતા મળ્યે 70 વર્ષનાં વહાણાં વાયાં, તે ટાંકણે બંને દેશોના ભૂતકાળ, વર્તમાન કાળ અને ભાવિ વિષે ખૂબ ચર્ચા થઇ રહી છે, તે વેળા એક સવાલ ઊઠે છે મનમાં, જો ભારતના ભાગલા ધર્મને આધારે ન થયા હોત તો? તો શું કોઈ બીજા મુદ્દાને લઈને બે દેશ બન્યા હોત? કે એક અખંડ દેશ સ્વતંત્ર થયો હોત?

એક અભિપ્રાય એવો છે કે બીજા વિશ્વયુદ્ધમાં જો બ્રિટનને જોરદાર આર્થિક ફટકો ન પડ્યો હોત અને મજૂર પક્ષ સત્તા પર ન આવ્યો હોત, તો ભારત હજુ બ્રિટનના તાબામાં જ લહેર કરતું હોત. વળી, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અને હજુ આજે પણ કેટલાક લોકોની એવી માન્યતા હતી અને છે કે હિન્દુ, મુસ્લિમ અને સીખ પ્રજા ક્યારે ય સાથે રહી નહોતી અને રહી શકી ન હોત, તેથી દેશનું વિભાજન અનિવાર્ય હતું. કદાચ આઝાદી બાદ કેટલીક શાળાઓમાં ઇતિહાસના પાઠમાં એ જ વાત સમજાવાતી હતી અને દુનિયાને તો એ જ વાત કહીને વિભાજન વ્યાજબી ઠરાવાયેલું હતું. જો એ ત્રણેય કોમ વચ્ચે કાયમની દુશ્મનાવટ હતી, તો મોગલ શાસન અને બ્રિટિશ શાસનના 150 વર્ષ દરમ્યાન કેમ બે જુદા દેશો ન બન્યા?

એક વિચારધારા એવી પણ હતી કે ભારતને સ્વતંત્રતા મેળવવાનો એક માત્ર માર્ગ દેશના ભાગલા પર થઈને જ જતો હતો. જો આ માન્યતામાં વજૂદ હોય તો એ લોકોને પૂછી શકીએ કે 1857માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જેને ‘બળવા’ તરીકે ઓળખાવેલ એ મૂળે તો બ્રિટિશ સત્તાની જડ ભારતમાં ન જામે તે માટેનો હિન્દુ-મુસ્લિમ બંને કોમનો સહિયારો પ્રયાસ હતો એ ભૂલી ગયા? ઈ.સ. 1905માં બંગાળના ભાગલા કરીને ભવિષ્યમાં થનારા પૂરા દેશનું ધર્મને આધારે વિભાજન કરવાનાં બીજ બ્રિટિશ સરકારે રોપી દીધેલાં. બંગ ભંગને પરિણામે બે કોમ વચ્ચે અવિશ્વાસ અને વૈમનસ્યની લાગણી જોર પકડવા માંડેલી. હા, મોગલ સામ્રાજ્ય દરમ્યાન લઘુમતી સંખ્યાના મુસ્લિમ શાસકોએ બહુમતી સંખ્યક હિન્દુ પ્રજા પર રાજ્ય કરેલું, પરંતુ ત્યારે બંને કોમની આમ પ્રજા મહદ્દ અંશે એખલાસથી રહેતી આવી અને તેથી જ તો સારાયે મોગલ સામ્રાજ્ય હેઠળના પ્રદેશોનો વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થયેલો, એનો ઇતિહાસ સાક્ષી છે. ‘હિન્દુ મુસ્લિમ પ્રજા ક્યારે ય સાથે રહી નહોતી’ એમ કહેનારા કદાચ પેલા છ અંધજનોએ હાથીને જે રીતે ‘જોઈને’ હાથી વિષે પોતાનો અભિપ્રાય આપેલો તેવી રીતે ભારતના છેલ્લા હજારેક વર્ષના ઇતિહાસને એક આંખે જોયો હોય તેમ ન બની શકે?

રાજકારણમાં ધર્મની ધજા ક્યારથી લહેરાવવામાં આવી તે જોઈએ. 1885માં Indian National Congressની સ્થાપના થઇ. તેના સભ્યો અને હોદ્દેદારોની યાદીમાં હર કોમ અને ધર્મના લોકોના નામ જોઈ શકાય. એટલું જ નહીં, 1916ના લખનૌ કરાર વખતે મુહમ્મદ અલી જિન્નાહ કે જેઓ કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પણ સભ્ય હતા, તેમણે આ બંને સંગઠનોને બ્રિટિશ સરકાર પર Indiaને વધુ સ્વાયત્તતા આપવા માટે દબાણ લાવવા સહમત કરેલા. તો સવાલ એ થાય કે મુસ્લિમ લીગ અને મુહમ્મદ અલી જિન્નાહ ‘મુસ્લિમો માટે અલગ મુલ્ક’ની માગણી ક્યારથી કરવા લાગ્યા અને શા માટે તેમની વફાદારીએ પડખું બદલ્યું? એવી કઈ પરિસ્થિતિ ઊભી થઇ જેથી સદીઓથી સાથે હળી મળીને રહેનાર પડોશીઓ એક બીજાના જાન લેનારા બન્યા? જેમનાં ભાષા, ખોરાક અને પહેરવેશ સરખાં હતાં, જેઓ એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવતા, સુખે-દુ:ખે પરસ્પરનું જીવન જાળવી લેતા એ એકાએક ખૂન તરસ્યા કેવી રીતે બની ગયા?

એક રસપ્રદ વાત જાણવામાં આવી. મુસ્લિમો માટે અલગ દેશ હોય તેવો ખ્યાલ મુસ્લિમ લીગના સભ્યો અને ખાસ કરીને મુહમ્મદ અલી જિન્નાહને જ આવ્યો હશે, તેવું અનુમાન થાય તે સ્વાભાવિક છે. પરંતુ હકીકત કંઈ જુદી છે. 1933માં કેમ્બ્રીજ્માં કાયદાનો અભ્યાસ કરનાર ચૌધરી રહેમત અલી ખાને ‘Now or Never – are we to live or perish for ever? શીર્ષક સાથે એક ચોપાનિયું બહાર પાડયું, તેમાં પ્રથમ વખત ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રયોગ કરાયેલો. એ નામમાં નવા બનનારા કાલ્પનિક દેશમાં સમાવી લેવાનારા જુદા જુદા મુલકના નામોનો સમાવેશ કરાયેલો. ‘પ’ પંજાબનો, ‘અ’ અફઘાનિસ્તાનનો, ‘ક’ કાશ્મીરનો, ‘સ’ સિંધનો અને ‘સ્તાન’ બલૂચિસ્તાનનો દ્યોતક. એમ કરીને એ શબ્દ રચાયો – ચતુર આદમી ખરો એ બંદો.

મજાની વાત એ છે કે તેના આવા ઉશ્કેરણી કરે તેવા વિચારો પ્રગટ થયા બ્રિટનમાં, તો પણ ભારતમાં તે વખતે કોઈ અલગ દેશ માગવાનો વિચાર નહોતું કરતું. તો સવાલ એ થાય કે 1935ની સાલ પછી એવું તે શું બન્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંયુક્ત વસતી 40 કરોડની હતી તે ત્રણ દેશોમાં વહેંચાઈ ગઈ? એક સક્ષમ ધારાસભ્ય અને ઇતિહાસવિદ્દ શશી થરૂર કહે છે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્ય વહીવટ દરમ્યાન થયેલ 1857ના મુક્તિ સંગ્રામમાં હિન્દુ-મુસ્લિમ ઐક્ય બ્રિટિશ સત્તાને કેવી હચમચાવી નાખે છે, તેનું માપ નીકળી ગયું તેથી કંપની સરકાર પાસેથી વહીવટ  હાથમાં આવતાં જ બ્રિટિશ સરકારે લોર્ડ કર્ઝનના કર કમળથી બંગાળના ધર્મને આધારે ભાગલા 1905માં કર્યા, મુસ્લિમ સંગઠનો અને મદરેસાને અલગ ભંડોળ પૂરું પાડયું એટલું જ નહીં,  હિંદુઓને હિન્દુ અને મુસ્લિમને મુસ્લિમ ધારાસભ્ય ચૂંટવાની સગવડ કરી આપીને અલગતા માટે માર્ગ મોકળો કરી આપ્યો. આમ છતાં હજુ 1930-40ના દાયકામાં એ તબક્કે પણ અલગ દેશની માગણી નહોતી કરાઈ. આથી જ તો 1915/1920થી શરૂ થયેલ અને 1942ની છેલ્લી ચળવળ સુધીની તમામ ચળવળ આઝાદી માટેની હતી, કોઈ એક કોમના અધિકાર માટેની નહોતી.

ગાંધીજીના ભારતીય રાજકારણના તખ્તા પરના પ્રવેશ સાથે તેમણે જાહેરમાં સર્વ ધર્મ પ્રાર્થના અને સામાજિક તેમ જ રાજકીય જીવન સાથે અધ્યાત્મને જોડ્યું. તેઓ માનતા હતા કે ધર્મમાં રાજકારણ ન પેસવું જોઈએ, પરંતુ રાજકારણમાં ધર્મનું સ્થાન હોવું જોઈએ જેથી લોકહિતને ધ્યાનમાં લઈને ન્યાયી અને સમાનતાના પાયા પર રચાયેલું વહીવટી તંત્ર, અર્થતંત્ર અને સમાજ રચના ઘડાય. એવી ધર્મમય રાજનીતિ અંગત તેમ જ જાહેર જીવનને ઘડે અને તો જ પ્રામાણિક તથા નૈતિક મૂલ્યો આધારિત પ્રજાજીવન આકાર લે એવી તેમની માન્યતા હતી. જિન્નાહે એવું અર્થઘટન કર્યું કે આવા ધાર્મિક બહુસંખ્યક હિંદુઓના રાજ્યમાં અલ્પ સંખ્યક મુસ્લિમોનું હિત નહીં જળવાય. મોગલ રાજ દરમ્યાન લઘુમતી મુસ્લિમ શહેનશાહો દ્વારા બહુસંખ્યક હિંદુઓ સલામત રહ્યા તો બહુસંખ્યક હિંદુઓ તો આઝાદી બાદ લોકશાહી અને ધર્મ નિરપેક્ષ રાજ્ય રચવાના હતા; તેમાં મુસ્લિમોનું હિત અને સલામતી નહીં જળવાય એવો પ્રચાર કયા આધારે કર્યો? વળી મુસ્લિમો માટે જુદા દેશની માગણીનો પ્રસ્તાવ 1940 પહેલાં નહોતો મુકાયો, એટલે કે જો આઝાદી તે પહેલાં મળી હોત તો કદાચ ભારતના ધર્મને આધારે ભાગલા ન થયા હોત એ પણ શક્ય હતું. જિન્નાહે ભારતમાં રહીને લઘુમતી કોમ તરીકે હિંદુઓ તરફથી અન્યાય સહન કરવો પડશે માટે મુસ્લિમો માટે અલગ દેશમાં રહેવું સારું તેમ લોકોના મનમાં ઠસાવેલું. પણ 70 વર્ષના ગાળા દરમ્યાન પાકિસ્તાનમાં લોકશાહી શાસન કરતાં લશ્કરી શાસન વધુ વર્ષો રહ્યું, સિંધ અને બલૂચિસ્તાનને અન્યાય થયા કર્યો, અંદરોઅંદર લડાઈ સતત ચાલુ રહી, આતંકવાદ વધ્યો અને ભારતમાં રહેતા મુસ્લિમોને મળે છે તે કરતાં ઓછી સ્વતંત્રતા પાકિસ્તાનના મુસ્લિમોને મળે છે, એ હકીકતો શું તેઓ નથી જાણતા? તો ભારતથી અલગ થયાનો ફાયદો કોને થયો?

જોવાનું એ છે કે 1937માં પ્રાંતીય સરકારો રચાઈ તેવે સમયે પણ હજુ મુસ્લિમો માટે અલગ દેશની માગણી નહોતી કરવામાં આવી. થયું એવું કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને તેની ઈચ્છા કે પરવાનગી વિના ઘસેડવામાં આવ્યું, જેનો વિરોધ કોંગ્રેસે કર્યો. પરિણામે તેના મોટા ભાગના નેતાઓને જેલ ભેગા કર્યા અને જીન્નાહે એ અવકાશ પૂર્યો. 1940માં લાહોર ખાતે જીન્નાહે પહેલી વખત મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાનની વાત કરી અને ઇતિહાસે કરવટ બદલી. માત્ર સાત વર્ષમાં એક આખો દેશ કોરી કાઢવામાં આવ્યો. કોણ કહે છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદીઓ જૂનાં વેર હતાં, તેઓ કદી સાથે રહી શકે તેમ નહોતા અને કાયમ લડતા રહેતા? જો એમ જ હોત તો મોગલ શાસન દરમ્યાન જ ભાગલા થઇ ગયા હોત, 1940ની સાલ સુધી રાહ ન જોઈ હોત. આ ઘોષણા બાદ એકમેકની કોમના પડોશીઓ પર શંકા કરવી, પોતાની જ કોમના વેપારીઓ પાસેથી માલની લે-વેચ કરવી, બીજા વિષે હલકા અભિપ્રાયો આપવા, લોક લાગણીને ઉશ્કેરે તેવાં લખાણો છાપવાં વગેરે શરૂ થયું. સામાન્ય પ્રજા વચ્ચે અંતર વધ્યું, આમ છતાં મોટા ભાગની મુસ્લિમ પ્રજા હજુ પણ અલગ દેશ મેળવવા નહોતી ઇચ્છતી. તો આખર થયું શું? વિભાજન વિશેના નિષ્ણાતોના અભ્યાસ પરથી માલુમ થાય છે કે જિન્નાહને આઝાદી બાદ હિન્દુઓના આધિપત્ય નીચે બીજા નંબરના નાગરિક તરીકે રહેવું તે કરતાં મુસ્લિમો માટેના જુદા દેશમાં જીવવું વધુ સારું એમ પ્રતીત થયું, અને તેથી મુસ્લિમ લીગને મત આપો તો પાકિસ્તાન મળે એટલું જ નહીં પણ મુસ્લિમ લીગ માટે મત એટલે ઇસ્લામ માટે મત એ પ્રચારથી મુસ્લિમ પ્રજાની વફાદારીનું સુકાન બદલાવી નાખ્યું. અહીં ધર્મમાં રાજકારણ પ્રવેશ્યું. ધર્મને નામે એક જ મુલકના નાગરિકો એકબીજાના દુ:શ્મન બન્યા.

ઘડીભર માની લઈએ કે મુસ્લિમો માટે અલગ દેશ હોય તે બંને – હિંદુઓ અને મુસ્લિમોના હિતમાં હતું. જિન્નાહે પાકિસ્તાન ધર્મ નિરપેક્ષ દેશ બને તેમ ઈચ્છેલું અને પોતાના પ્રથમ પ્રવચનમાં કહેલું, “આ દેશના તમામ નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે, તમે ચાહે તો મંદિર જઇ શકો, ચાહે તો મસ્જિદ જઇ શકો.” ધર્મને આધારે જુદો દેશ માગ્યો, એ પ્રદેશમાં સદીઓથી રહેતા આવેલા હિન્દુ અને સીખ લોકોને જાનનું જોખમ હતું તેથી હિજરત કરવી પડી તો પછી એ દેશ ધર્મ નિરપેક્ષ કેવી રીતે બને? સાત સાત દાયકાઓ વીત્યા છતાં લોકશાહી વહીવટી તંત્ર આપવામાં સફળ ન થયેલ દેશમાં બલૌચ અને સિંધ પ્રાંત હજુ પોતાને વિકાસની સમાન તકો મળે તેની રાહ જોઈ રહ્યા છે, તેવું કેમ બન્યું? જે દેશ ધર્મને આધારે રચાયો હોય અને તેનું સંચાલન પણ એ જ ઉસુલો પર થતું હોય ત્યાં આતંકવાદને પનાહ કેમ મળતી રહે છે? એક જ ધર્મના અનુયાયીઓ થકી બનેલ દેશ વધુ સુરક્ષિત, પ્રગતિશીલ અને ધનાઢ્ય બનવો જોઈએ તે કેમ સિદ્ધ ન થયું?

એક દેશના બે ભાગલા થયા, તે પણ ધર્મને આધારે અને તેનો નિર્ણય અત્યંત ટૂંકા સમયમાં લેવાયો તેથી પારાવાર જાનહાનિ થઇ, જે ટાળી શકાઇ હોત. ભારતની સ્વતંત્રતા સમયે થયેલ જાનહાનિ માટે કોણ જવાબદાર હતું, એ જોવા જઈએ તો જણાશે કે મુસ્લિમોને જુદો ભૂમિભાગ જોઈતો હતો કેમ કે તેઓ હિન્દુઓથી ડરવા લાગેલા, તેથી તેમણે હિંદુઓ પ્રત્યે હિંસા આચરી, જેના પ્રતિસાદ રૂપે હિન્દુઓએ પણ હિંસાનો જ માર્ગ લીધો. કરુણતા તો એ છે કે જે બે પ્રજા બ્રિટિશ રાજ સામે હથિયાર ઉપાડ્યા વિના લડી તે જ પ્રજા અંદરોઅંદર કપાઈ મૂઈ! બ્રિટિશ સરકાર ત્યારે હજુ ભારત પર શાસન કરતી હતી, ધાર્યું હોત તો એ મહા વિનાશ રોકી શકી હોત. સરકાર હિંસા રોકવા શક્તિમાન નહોતી, કે તેમ કરવાની ઇચ્છનો અભાવ હતો? બ્રિટિશ સૈન્યને ઉપરી અધિકારીઓ તરફથી સૂચના મળેલી કે જ્યાં સુધી કોઈ બ્રિટિશ અમલદારનો જાન જોખમમાં ન હોય ત્યાં સુધી કોઈ સૈનિકે એવા દંગામાં હિંસા રોકવાની ચેષ્ટા ન કરવી. જાણે કેમ હિન્દુ કે મુસ્લિમ જાનની કોઈ કિંમત નથી. બ્રિટિશ અમલદારોને માત્ર પોતે સહીસલામત ભારતમાંથી રવાના થવામાં જ રસ હતો, પોતે કરેલ વિભાજનથી બે કોમ લડે-ઝઘડે તે તો એમનો પ્રશ્ન છે, તેમ કહીને છૂટી ગયા.

કલકત્તા, લાહોર અને અમૃતસર ભારતને મળશે કે પાકિસ્તાનમાં જશે એ મહા મુશ્કેલીથી નક્કી થયેલ. કાશ્મીર કોને આપવું તે માટે બંને પક્ષ વચ્ચે સમાધાન ન કરાવી શક્યા તેથી બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું, જેના પરિણામ હજુ પણ બંને દેશના સૈનિકો અને નિર્દોષ પ્રજા ભોગવે છે. જોવાનું એ છે કે 16 ઓગસ્ટ 1946ના દિવસે મુસ્લિમ લીગે ‘સીધાં પગલાં’નો દિવસ જાહેર કર્યો ત્યાં સુધી ભારતની બ્રિટિશ સામ્રાજ્ય સામેની તમામ લડતો બધી કોમ સાથે મળીને લડતી હતી, જ્યારે આ માત્ર મુસ્લિમ કોમની હાકલ હતી, પાકિસ્તાન રચવાની માગણી માટેની. કલકત્તામાં ત્રણ દિવસમાં પાંચ હજાર લોકો મરાયા, ત્યારે ત્યાંના મેયરે લશ્કર ન મોકલ્યું કે કર્ફ્યુ ન લાદ્યો કેમ કે તેઓ સામ્રાજ્યથી હાથ ધોઈ બેઠેલા. હવે આ દેશ છોડીને જવું જ છે તો શા માટે માથું મારવું એવું તેમનું વલણ સ્પષ્ટ દેખાઈ આવ્યું. બે મુખ્ય કોમ વચ્ચે ધિક્કાર અને હિંસા મુખ્ય તખતા પર આવ્યા. બ્રિટિશર્સ હજુ શાસનકર્તા હતા, તેઓ ક્યાં ગયા? ધાર્યું હોત તો એ સંહાર અને વિનાશ અટકાવી શક્યા હોત, તેને બદલે વહેલા ચાલ્યા જવાનું પસંદ કર્યું. આ છે બ્રિટિશ રાજની દેણગી.

જેમ હિન્દુ અને મુસ્લિમ પ્રજા એકબીજા પરનો ભરોસો ગુમાવી બેઠેલી તેમ તત્કાલીન બ્રિટિશ રાજ પણ પલટતી પરિસ્થિતિથી મૂંઝાઈને ઝડપથી નિર્ણયો લેવા માંડેલી. બ્રિટનના વડાપ્રધાન ક્લેમન્ટ એટલી ભયાનક હિંસાના સમાચારોથી ડઘાઈ ગયા, એટલે તેમણે ભારતના નેતાઓને લંડન બોલાવ્યા, પણ તેમની વચ્ચે કોઈ બાબતે સહમતી ન સધાઈ. પંડિત નહેરુ તો સીધા સ્વદેશ પાછા ફર્યા, પણ જિન્નાહ બે અઠવાડિયાં રોકાયા અને ઘણા આગેવાનો-ખાસ કરીને ચર્ચિલને મળ્યા. ચર્ચિલની ભારત વિશેની આ ઉક્તિ પ્રખ્યાત છે, “હું ભારતને નફરત કરું છું, એ રાક્ષસી લોકોનો બનેલ રાક્ષસી દેશ છે.” હિન્દુ લોકો અનેકેશ્વરવાદમાં માને, જ્યારે ઇસ્લામ અને ક્રીશ્ચિયાનિટી એકેશ્વરવાદમાં માને એટલે માત્ર ચર્ચિલ જ નહીં, તે સમયના રાજા-રાણી પણ પાકિસ્તાન એક અલગ દેશ બને તેની તરફેણમાં હતા. ચર્ચિલે તો 1945ના મે માસમાં કહેલું જ કે બ્રિટન જો ભારત પરનો કબજો ગુમાવે તો પૂર્વના દેશો પર સામ્યવાદ છવાઈ જાય અને પોતાનો કોઈ અડ્ડો ન રહે. એ ભયથી તેઓ માનતા કે ભારતે ન તો સ્વતંત્ર થવું જોઈએ કે ન તો તટસ્થ નીતિ અપનાવવી જોઈએ. ભારત સ્વતંત્ર પણ થઇ શકે અને તટસ્થ નીતિ અપનાવી બ્રિટિશ કોમનવેલ્થ નહીં પરંતુ માત્ર કોમનવેલ્થના સભ્ય રહીને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવી શકે આ બંને બાબત સિદ્ધ કરીને રહ્યું. જિન્નાહે બ્રિટનને રાજકીય લાભ મળે તેવી સવલત કરી આપી તેના બદલામાં બ્રિટને તેમને પાકિસ્તાન આપ્યું. આમ રાજકરણીઓના સ્થાપિત હિતોને પરિણામે પ્રજાની ગંગા જમની ધારા ધર્મની લાઠીથી આખર જુદી પડી. ધર્મને આધારે દેશની સીમારેખાઓ નક્કી કરવી કે કોઈ દેશની સરકારને પોતાનો આગવો ધર્મ હોય એ તો યુરોપિયન વિચારસરણી છે, તેને ભારત પર કેમ થોપી બેસાડ્યો? હજુ 1947ની ઘટનાઓ પરથી બોધપાઠ ન મળ્યો તે 1948માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એ બે દેશો પણ યહૂદી અને મુસ્લિમ કોમ માટે જુદા કોતરી કાઢવામાં આવ્યા અને જુઓ, એ બંને દેશો પણ પૂરાં સિત્તેર વર્ષથી ખૂંખાર જંગ ખેલી રહ્યા છે.

બ્રિટિશ સામ્રાજ્યની પડતીના શ્રીગણેશ ભારતની સ્વતંત્રતાથી થયેલા ગણાય. એક વાત આંતરરાષ્ટ્રીય કોમે સમજી લેવી રહી કે માનવ જાત પેદા થઇ ત્યારથી તેણે કોઈ ને કોઈ સ્વરૂપે ધર્મની વિભાવના સર્જી છે, જેના પરિણામ સ્વરૂપ અનેક સંસ્કૃિતઓ, કલા અને નીતિમત્તાના ધોરણો ખીલી શક્યાં. ધર્મ માનવીને એકમેક સાથે જોડે, વિભાજીત ન કરે. ધર્મને આધારે વિભાજીત કરેલ દેશ કે કોમ ક્યારે ય શાંતિથી જીવી ન શકે, ન બીજાને જીવવા દે.

ભારતની સ્વતંત્રતા અને પાકિસ્તાનની રચના ભલે ધર્મને આધારે કરવામાં આવી, હવે બંને દેશો પોતપોતાની હસ્તી એક બહુસાંસ્કૃિતક દેશ તરીકે વિકસાવે અને એકબીજાને મિત્ર દેશ ગણી આંખના કણાની જેમ ખૂંચતા પ્રશ્નોનો નિકાલ કરી ‘જિયો ઔર જીને દો’ સિદ્ધાંતનો અમલ કરે તેમાં જ સહુની ભલાઈ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

22 September 2017 admin
← ભારતની પ્રાચીન સંસ્કૃિતનાં મૂળિયાં ફંફોસવા ૪૦ વર્ષ રઝળપાટ
ગાંધી, આંબેડકર, દીનદયાલ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved