Opinion Magazine
Number of visits: 9447896
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની પ્રાચીન સંસ્કૃિતનાં મૂળિયાં ફંફોસવા ૪૦ વર્ષ રઝળપાટ

વિશાલ શાહ|Opinion - Opinion|21 September 2017

ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સૌથી પહેલાં કોણે શોધ્યા હતા? સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોમાં તમે આ સવાલ વાંચ્યો હશે! સવાલનો જવાબ છે, રોબર્ટ બ્રુસ ફૂટ. ક્યારેક એવો સવાલ પણ વાંચવા મળે છે કે, ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ કોણ ગણાય છે? આ પ્રશ્નનો જવાબ પણ એ જ છે, રોબર્ટ બ્રુસ ફૂટ.

જો કે, ઇતિહાસના જાણકારો અને વિદ્યાર્થીઓ સિવાય મોટા ભાગના લોકો તેમના વિશે ખાસ કશું જાણતા નથી. હાલમાં ફેસબુક પર વાંચ્યુ કે, ચેન્નાઇના મ્યુિઝયમ થિયેટરમાં પહેલી ઓગસ્ટે રોબર્ટ બ્રુસ ફૂટ પર બનેલી ડોક્યુમેન્ટરીનો શૉ છે. એ વખતે ખ્યાલ આવ્યો કે, થિરુ રમેશ યાંથ્રા નામના ફિલ્મમેકરે ફૂટને શ્રદ્ધાંજલિ આપવા 'ફાધર ઓફ ઈન્ડિયન પ્રિ-હિસ્ટરી – રોબર્ટ બ્રુસ ફૂટ' નામે ડોક્યુમેન્ટરી બનાવી છે. આ ફિલ્મ માટે રમેશ યાંથ્રાએ એ બધા જ પ્રાચીન સ્થળોની મુલાકાત લીધી, જ્યાં ફૂટે સંશોધન કર્યું હતું. આ ડોક્યુમેન્ટરી બનાવતા રમેશ યાંથ્રાને ત્રણ વર્ષનો સમય લાગ્યો, પરંતુ ભારતના પ્રાગ ઐતિહાસિક સંસ્કૃિતના અવશેષો શોધવા ફૂટે ૭૮ વર્ષના આયુષ્યમાંથી ૪૦ વર્ષ રઝળપાટ કરી હતી. એ માટે ફૂટે ક્યારેક પગપાળા, ક્યારેક ઘોડા પર બેસીને પ્રવાસ કર્યો હતો.

એ પછી ફૂટને શું મળ્યું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

***

મે ૧૮૫૭માં ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઈ ગયો હતો. આ ઐતિહાસિક ઘટનાના એક વર્ષ સુધી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન રહ્યું. જો કે, ભારતમાંથી અંગ્રેજોને જવાને હજુ વાર હતી. બીજી ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૮૫૮ હેઠળ પોતાની સત્તા બ્રિટિશ ક્રાઉનને સોંપી દીધી. ૧૯મી સદીની શરૂઆત સુધી લગભગ ભારતભરમાં કંપનીનું રાજ સ્થપાઈ ચૂક્યું હતું. આ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં લાંબા ગાળાનું શાસન કરવા જુદા જુદા ક્ષેત્રે સંશોધનો શરૂ કર્યાં હતા.

જેમ કે, ૧૯મી સદીની શરૂઆતમાં જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હેનરી વેસ્લી વોયસીની આગેવાનીમાં કેટલાક નવાસવા બ્રિટિશ જિયોલોજિસ્ટે (ભૂસ્તરશાસ્ત્રી) ભારતીય ઉપખંડનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે શરૂ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ હેનરી વોયસીએ હૈદરાબાદ રીજનનો પહેલો જિયોલોજિકલ મેપ (સંપૂર્ણ ભૂસ્તરીય માહિતી ધરાવતો નકશો) તૈયાર કર્યો હતો, જેથી તેઓ 'ભારતીય ભૂસ્તરશાસ્ત્રના પિતામહ ગણાય છે. એ પછી ઈસ. ૧૮૫૧માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના વિવિધ પ્રદેશોની ખાણ-ખનીજ સંપત્તિની જાણકારી મેળવવા જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાનો વહીવટ થોમસ ઓલ્ધામ નામના એક ઉત્સાહી જિયોલોજિસ્ટને સોંપાયો. થોમસ ઓલ્ધામ એટલે કેલ્શિયમ, મેગ્નેિશયમ અને સલ્ફાઈડ નામના ખનીજો ધરાવતી 'ઓલ્ધામાઇટ' નામની ખનીજના શોધક.

હેનરી વેસ્લી વોયસી અને થોમસ ઓલ્ધામ

આ સંસ્થાનો પ્રાથમિક હેતુ અંગ્રેજોએ ભારતમાં શરૂ કરેલી રેલવે માટે વિવિધ પ્રાંતોમાં કોલસાની ખાણો શોધવાનો હતો. કોલસો મળી જાય તો રેલવે અવિરત ચાલ્યા કરે અને રેલવે ચાલે તો બ્રિટિશરોનો વેપાર પણ ધમધોકાર ચાલે. આ લક્ષ્યાંક સાથે ભારત આવેલા ઓલ્ધામે ઈ.સ. ૧૮૫૭માં મદ્રાસ પ્રેસિડેન્સીની ધરતીમાં છુપાયેલી ખનીજ સંપત્તિનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ચાર જિયોલોજિસ્ટની નિમણૂક કરી. આ નિમણૂકના એક જ વર્ષ પછી ૧૮૫૮માં તમિલનાડુના પ્રાચીન શહેર તિરુચિલ્લાપલ્લીના પર્વતીય વિસ્તારોમાં સંશોધન ચાલતું હતું, ત્યારે પેલા ચાર પૈકી જિયોલોજિસ્ટ હેનરી ગેઘનનું લૂ લાગવાથી મૃત્યુ થયું.

જો કે, આ યોજનામાં કોઈ જ અવરોધ આવે એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે ઓલ્ધામે ગેઘનની જગ્યાએ બ્રિટિશ જિયોલોજિસ્ટ રોબર્ટ બ્રુસ ફૂટની આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક કરી. રોબર્ટ બ્રુસ ફૂટ બ્રિટનથી એક સ્ટીમરમાં બેસીને ૨૯મી ડિસેમ્બર, ૧૮૫૮ના રોજ મદ્રાસ બંદરે ઉતર્યા. એ વખતે તેમની ઉંમર હતી, ૨૪ વર્ષ. અંગ્રેજો ભારતમાં (અને વિશ્વમાં પણ) લાંબા સમય સુધી રાજ કરી શક્યા, એ સમજવા આ પ્રકારની યોજનાઓ વિશે જાણવું જરૂરી છે. આવી ‘વિકાસ યોજનાઓ’ થકી જ અંગ્રેજ વેપારીઓ જે તે પ્રદેશમાં લાંબો સમય સુધી ટકી શકતા હતા.

***

24 વર્ષના યુવાન જિયોલોજિસ્ટ રોબર્ટ ફૂટની એન્ટૃી

આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક પામ્યાનાં થોડાં વર્ષોમાં તો રોબર્ટ બ્રુસ ફૂટે ભારતની ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા મધ્ય, દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક જંગલ અને પર્વતીય વિસ્તારો ધમરોળી નાંખ્યા. આ રઝળપાટ દરમિયાન ૩૦મી મે, ૧૮૬૩માં ફૂટને ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી પથ્થરની કુહાડી જેવું ઓજાર મળ્યું. કુહાડી જોતાં જ ફૂટને અણસાર આવી ગયો કે, આ કોઈ સામાન્ય ચીજ નથી, પરંતુ પ્રાચીન પાષાણ (પથ્થર) યુગ સાથે સંકળાયેલો કોઈ નમૂનો છે. બાદમાં ફૂટે સપ્ટેમ્બર ૧૮૬૩માં મદ્રાસ નજીક આવેલા અથિરાપક્કમ અને આજના થિરુવલ્લુર જિલ્લામાંથી પાષાણ યુગ સાથે સંકળાયેલા બીજા પણ કેટલાક અવશેષો શોધી કાઢ્યા. આ શોધોથી ઉત્સાહમાં આવીને ફૂટે જાન્યુઆરી ૧૮૬૪માં ફરી એકવાર આ સ્થળોની મુલાકાત લીધી અને પાષાણ યુગના બીજા બે અવશેષ શોધ્યા.

રોબર્ટ બ્રુસ ફૂટ

યાદ રાખો, ફૂટ આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નોકરી કરતા હતા. તેમનું મુખ્ય કામ ભારતીય ઉપખંડનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનું હતું, પરંતુ આ કામ માટે રઝળપાટ કરતી વખતે ફૂટ એક અઠંગ આર્કિયોલોજિસ્ટ(પુરાતત્ત્વવિદ્)ની જેમ ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો પણ ભેગા કરી રહ્યા હતા. જિયોલોજિકલ મેપ તૈયાર કરતી વખતે જમીનની નીચે છુપાયેલી ખનીજ સંપત્તિ જ શોધવાની હોય, પરંતુ ફૂટે તો ભારતીય ઉપખંડમાં પાંગરેલી પ્રાગ ઐતિહાસિક કાળની સંસ્કૃિતનાં મૂળિયાં ફંફોસવાનું કામ પણ સમાંતરે શરૂ કરી દીધું હતું. પ્રાગ ઐતિહાસિક એટલે ઐતિહાસિક કાળથી પણ પહેલાનો અ-લિખિત ઇતિહાસ. આ અતિ પ્રાચીન માનવ સંસ્કૃિતનો ગાળો પાંચ લાખ વર્ષનો મનાય છે, જેમાં માણસ પાસે પથ્થર સિવાય કોઈ સાધન ન હતું. એટલે જ એ યુગ પાષાણ યુગ તરીકે ઓળખાય છે.

પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા ભેગા કર્યા પછી ફૂટનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનો દૃષ્ટિકોણ વધુ વૈજ્ઞાનિક થયો. ફૂટને જે સ્થળેથી પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા મળ્યા હતા, તેનો અર્થ એ હતો કે, દક્ષિણ ભારતના એ તમામ સ્થળે લાખો વર્ષ પહેલાં માણસો રહેતા હતા અને ત્યાં કોઈ પ્રાચીન સંસ્કૃિત પણ અસ્તિત્વ ધરાવતી હતી. એ પછી ઈ.સ. ૧૮૮૩માં ફૂટે આંધ્રપ્રદેશના કૂરનુલ જિલ્લામાં આવેલા બેલમ ગામમાં સાડા ત્રણ કિલોમીટર લાંબી ગુફા શોધી, જે આજે બેલમ ગુફા તરીકે જાણીતી છે. બેલમ ગુફા ભારતીય ઉપખંડની બીજા નંબરની સૌથી લાંબી કુદરતી ગુફા છે. અહીં પણ માણસો રહેતા હતા એ વાત ફૂટે સાબિત કરી દીધી.

***

ઈ.સ. ૧૮૮૭માં ફૂટ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર બન્યા અને ૧૮૯૧માં નિવૃત્ત થયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થતાં જ ફૂટનો ગુજરાત સાથે ટૂંકા ગાળાનો પણ મહત્ત્વનો સંબંધ શરૂ થયો. ફૂટે બરોડા સ્ટેટ જિયોલોજિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. ઈ.સ. ૧૮૯૩માં ફૂટ પ્રાંતીજમાં સાબરમતી નદીના તટમાં આવેલા સાદલિયા ગામની આસપાસના પ્રદેશનું આર્થિક દૃષ્ટિએ ભૂસ્તરીય નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે ફૂટને અનોડિયા-કોટ અને પેઢામલીમાંથી પથ્થરના હથિયારો અને ઓજારો મળ્યા. ગુજરાતમાં પણ લાખો વર્ષ પહેલાં માણસજાતનું અસ્તિત્વ હતું એનો એ સૌથી પહેલો ઠોસ પુરાવો હતો.

૩0મી મે, ૧૮૬૩ના રોજ ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી ફૂટને મળેલા આદિકાળના ઓજારો.

ગુજરાતની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃિતને લગતાં સંશોધનો પછી શરૂઆતમાં એવાં તારણો કઢાયાં હતા કે, આદિમાનવો ફક્ત ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે વસતા હતા, પરંતુ બાદમાં માલુમ પડ્યું કે સાબરમતીની ઉપ નદીઓ, નર્મદા તેમ જ દક્ષિણ ગુજરાતની અંબિકા, સૌરાષ્ટ્રમાં સૂકી, ભાદર અને કચ્છની ભૂખી નદીના કિનારે પણ આદિમાનવોની વસતી હતી. એ પછી લાંઘણજ જેવા સ્થળોએ પણ ઉત્ખનન કરાયું અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૯૬૩ સુધી એ સંશોધનો ચાલ્યા. આ શરૂઆત ફૂટના કારણે થઈ શકી હતી.

ગુજરાતમાં માંડ બે-ત્રણ વર્ષ નોકરી કરીને ફૂટ મૈસુર જિયોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. આ વિસ્તારમાં તેમણે એક સોનાની ખાણ શોધી કાઢી, જે આજે કોલર ગોલ્ડ ફિલ્ડ તરીકે જાણીતી છે.

***

ફક્ત ૨૪ વર્ષની ઉંમરે રોબર્ટ બ્રુસ ફૂટની જિયોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ થઈ. તેમને ખુદને અણસાર ન હતો કે, હવે દુનિયા એક જિયોલોજિસ્ટ(ભૂસ્તરશાસ્ત્રી)ને આર્કિયોલોજિસ્ટ (પુરાતત્ત્વવિદ્) તરીકે ઓળખવાની છે. એટલું જ નહીં, ભારતમાં તો તેમને 'ભારતીય પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ’ તરીકે પણ માનપાન મળવાના છે. ભારતનો ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા ફૂટે ૩૩ વર્ષ ખર્ચી કાઢ્યા, પરંતુ એ પછીયે તેમણે ગુજરાત-મૈસુરમાં જિયોલોજિસ્ટ તરીકે નોકરી શરૂ કરી અને આર્કિયોલોજિસ્ટ તરીકે ફરી એકવાર રઝળપાટ શરૂ કરી. એ રીતે ફૂટે સતત ૪૦ વર્ષ રઝળપાટ કરીને ભારતીય ઉપખંડની આદિમાનવ સંસ્કૃિત સાથે સંકળાયેલા ૪૫૯ પ્રાગ ઐતિહાસિક સ્થળ, પાષાણ યુગના ૪૨ સ્થળ, નવ પાષાણ યુગના ૨૫૨ સ્થળ અને ધાતુ યુગના ૧૭ સ્થળ શોધી કાઢ્યા.

ચાર દાયકાની મહેનત પછી, ફૂટ પાસે પાષાણ યુગના અતિ પ્રાચીન હથિયારો, ઓજારોના અનેક નમૂના હતા. યુરોપના લોકો આ પુરાવાનું મહત્ત્વ સમજતા એટલે તેમણે મ્હોં માંગ્યા દામની લાલચ આપીને ફૂટ પાસેથી એ બધું ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફૂટ તેમને જવાબ આપતા કે, ભારતનો ઇતિહાસ ભારતમાં જ સચવાવો જોઈએ. છેવટે ૧૯૦૪માં ફૂટે રૂ. ૩૩ હજારમાં ભારતીય ઉપખંડની પ્રાચીન સંસ્કૃિતના બધા જ અવશેષો મદ્રાસ મ્યુિઝયમને વેચી દીધા.

તમિલનાડુના યર્કૂડમાં રોબર્ટ બ્રુસ ફૂટની સમાધિ.

૨૯મી ડિસેમ્બર, ૧૯૧૨ના રોજ ફૂટનું ૭૮ વર્ષની વયે અવસાન થયું અને તેમને કોલકાતામાં દફનાવવામાં આવ્યા. બાદમાં તમિલનાડુના યર્કૂડમાં આવેલા હોલી ટ્રિનિટી ચર્ચમાં ફૂટના અસ્થિ લવાયા અને પાદરી પીટર પર્સિવલની સમાધિની બાજુમાં જ તેમની પણ સમાધિ બનાવવામાં આવી. પીટર પાર્સિવલ એટલે રોબર્ટ બ્રુસ ફૂટના સસરા. પાર્સિવલે સમગ્ર દક્ષિણ ભારતથી છેક શ્રીલંકા સુધી સાક્ષરતા અભિયાન ચલાવ્યું હતું. આ ઉપરાંત તેઓ અંગ્રેજી-તમિલ અને અંગ્રેજી-તેલુગુ ડિક્શનરીના સર્જક તરીકે પણ જાણીતા છે. પાર્સિવલે ૧૮૫૬માં મદ્રાસ પ્રેસિડેન્સીના રજિસ્ટ્રાર અને સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.

આ વિદ્વાનની બાજુમાં સ્થાન મેળવનારા ફૂટની સમાધિ પર અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે, ''હું ખૂબ સારી લડાઈ લડ્યો. મેં મારી ફરજો અદા કરી. હું શ્રદ્ધાથી જીવ્યો.''

***

અંગ્રેજ અધિકારીઓ શોધ-સંશોધનોનો પાછળની અથાક મહેનતનો ઈરાદો ઈસ્ટ ઇન્ડિયા કંપની કે બ્રિટિશ ક્રાઉનને આર્થિક લાભ કરાવવાનો હતો એ કબૂલ, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ ફૂટના સંશોધનોની અવગણના ના કરી શકાય.

સેવાભાવી નર્સ તરીકે જાણીતા ફ્લોરેન્સ નાઇન્ટિંગલને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ એકવાર 'ઇન્ડિયન ઓપીનિયન'માં નોંધ્યું હતું કે, ‘'… ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવાં પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે …''

ગાંધીજીના આ શબ્દો ફૂટને પણ લાગુ પડે છે!

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : ‘ગુજરાત સમાચાર’, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ

http://vishnubharatiya.blogspot.co.uk/2017/09/blog-post_21.html

Loading

21 September 2017 admin
← ચૂંટણીટાણે સિરક્રીકનું સ્મરણ
ભારતનું વિભાજન ધર્મને આધારે શા કારણે થયું? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved