Opinion Magazine
Number of visits: 9446891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|4 January 2016

ઍવૉર્ડવાપસીના પગલે દેશમાં ‘સહિષ્ણુતા’ શબ્દ લોકજીભે ચડી ગયો છે. વ્યાપક ચર્ચાનો મુદ્દો બનતા ખ્યાલો તેમના અર્થની એકવાક્યતા ગુમાવીને ચોકસાઈ ગુમાવેછે, તેથી જે હાલ સમાજવાદ અને બિનસંપ્રદાયિકતાના ખ્યાલોમાં થયા છે એ જ હાલ સહિષ્ણુતાના અને અસહિષ્ણુતાના ખ્યાલના થયા છે. દેશમાં સેક્યુલર શબ્દને જે રીતે મોટે ભાગે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવે છે તે જ રીતે સહિષ્ણુતાના પ્રશ્નને પણ મુખ્યત્વે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવે છે તે જ રીતે સહિષ્ણુતાના પ્રશ્નને પણ મુખ્યત્વે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવ્યો છે પણ સહિષ્ણુતાનો પ્રશ્ન કેવળ હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચેનો નથી, એ હિંદુઓ-હિંદુઓ વચ્ચેનો પણ છે. એ ઉપરાંત તેનું એક પાસું વૈચારિક સહિષ્ણુતાનું પણ છે, જે એટલું જ મહત્ત્વનું છે. સહિષ્ણુતાના આ વિસ્તૃત અર્થમાં આપણી હિંદુઓની એક પ્રજા તરીકેની સહિષ્ણુતા-અસહિષ્ણુતાનું સરવૈયું કાઢવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે. આ ચર્ચામાં જે અર્થમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતાની ચર્ચા કરવામાં આવી છે, તે પ્રથમ સ્પષ્ટ કરીએ.

સહિષ્ણુતાના પાયામાં સમાનતાનું મૂલ્ય રહેલું છે. ભાષા, ધર્મ, પ્રદેશ, લિંગ અને ભારતમાં જ્ઞાતિ ઇત્યાદિના તફાવતો બાજુ પર રાખીને નાગરિકોનો સમાન ભાવે વિચાર કરીને તેમના અધિકારો સમાજના વિભિન્ન વર્ગો સ્વીકારે, તો તેઓ સહિષ્ણુ છે. એ વિભિન્નતાઓના આધાર પર તેમના પરત્વે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે તે અસહિષ્ણુતા છે. આમ, અસહિષ્ણુતા અને ભેદભાવભર્યું વર્તન એ એક સિક્કાની બે બાજુઓ છે. આ સંદર્ભમાં સહિષ્ણુતાનો આ અર્થ થશે : મને મારા વિચારો ધરાવવાનો અને વ્યક્ત કરવાનો તથા બીજાને હાનિ ન પહોંચે એ રીતે મારી પસંદગી અને વિચારણા પ્રમાણે જીવવાનો જેટલો અધિકાર છે, તેટલો જ બીજાઓને પણ છે; એ જો હું આચરણ દ્વારા સ્વીકારતો હોઉં તો હું સહિષ્ણુ છું. જો હું અન્યોનો આ અધિકાર ન સ્વીકારું તો હું અસહિષ્ણુ છું. સહિષ્ણુતાનો આ જ અર્થ વિવિધ સમુદાયો અને સંગઠનોને પણ લાગુ પડે છે.

પ્રજાકીય સહિષ્ણુતાની બાબતમાં બે અવલોકનો નોંધવાં જરૂરી છે. એક, વ્યક્તિઓ સમાજ બનાવીને જીવી શકે એ માટે સમાજના સભ્યોની વિશાળ બહુમતી સહિષ્ણુ હોય એ એક પૂર્વશરત છે, તેથી દુનિયાના લગભગ બધા જ દેશોમાં પ્રજાની વિશાળ બહુમતી સહિષ્ણુ જ હોય છે. મોટા ભાગના લોકોને પોતાના જીવનમાં રસ હોય છે. બીજાઓ જો તેમાં વિક્ષેપ ન કરતા હોય તો તેઓ બીજાના જીવનમાં દખલ કરવા જતા નથી. વૈવિધ્યની બાબતમાં ભારતમાં સમકક્ષ ગણાય એવા અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં અનેક દેશોના વિભિન્ન ધર્મો પાળતા અને જીવનશૈલી ધરાવતા લોકો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ધરાવે છે, તે એ દેશોના નાગરિકોની સહિષ્ણુતાનું સૂચક છે. આ દેશોમાં વિવિધ દેશોમાંથી આવેલા લોકો તેમનાં અર્થતંત્ર, શિક્ષણ અને રાજકારણમાં ગોઠવાઈ ગયા છે.

બીજું, મોટા ભાગના સમાજોમાં એક ખૂબ નાની લઘુમતી જ અસહિષ્ણુતા દાખવીને ઉપદ્રવ કરતી હોય છે. એના આત્યંતિક દાખલાઓમાં મુસ્લિમોનાં કેટલાંક કટ્ટરવાદી આતંકી જૂથો અને ભારતમાં નક્સલવાદીઓ છે. તેઓ પોતાની માન્યતાઓ બીજાઓ પર લાદવા માંગે છે અથવા બીજાઓના વિચારો અને જીવનશૈલી સહી શકતા નથી. આમ અસહિષ્ણુતા દાખવતા કિસ્સાઓ છૂટાછવાયા હોય છે. એના આધારે એમ ન કહી શકાય કે વિશાળ જનસમાજ સહિષ્ણુ હોઈ દેશમાં અસહિષ્ણુતાની કોઈ સમસ્યા જ નથી. આ તર્ક પ્રમાણે વિચારીએ તો દુનિયામાં આતંકવાદની કોઈ સમસ્યા નથી, કેમ કે દુનિયાના બહુ ઓછા દેશોમાં આતંકવાદી ઘટનાઓ ક્યારેક-ક્યારેક જ બને છે!

ઉપર્યુક્ત ચર્ચાના સંદર્ભમાં હિંદુઓમાં પ્રવર્તતી સહિષ્ણુતા અને અસહિષ્ણુતાનું વર્ણન હવે આપણે કરીશું. (આ વર્ણન છેલ્લાં દોઢ-બે વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓને બાજુ પર રાખીને કર્યું છે.) પ્રથમ, દેશની સહિષ્ણુતાનાં ઉદાહરણો લઈએ. ભારતમાં હિંદુઓની સાથે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો વગેરે અનેક ધર્મોના લોકો વસે છે અને પોતપોતાની રીતે જીવે છે. તેઓ તેમના ધાર્મિક અને સામાજિક પ્રસંગો ઊજવે છે. આ બધા સમુદાયો ઓછાવત્તા પ્રમાણમાં દેશની રાજકીય તેમ જ આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. સહિષ્ણુતાને દેશમાં મુસ્લિમોના સંદર્ભમાં તપાસવામાં આવતો હોવાથી આપણે મુસ્લિમોનાં ઉદાહરણ લઈશું. સિનેમાઉદ્યોગ અને ક્રિકેટમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોઈ ભેદભાવ જોવા મળતા નથી. ખાનત્રિપુટી પર આ દેશના લોકોએ તેમનો ધર્મ જોયા વિના પ્રેમ વરસાવ્યો છે. પ્રજાના રોજબરોજના જીવનમાં, ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં મુસ્લિમો પ્રત્યે કોઈ અસહિષ્ણુતા દાખવવામાં આવતી નથી. મુસ્લિમ વેપારીઓ પાસેથી હિંદુઓ માલ ખરીદે છે, મુસ્લિમોની રેસ્ટોરાંમાં હિંદુઓ છૂટથી જાય છે અને રિક્ષાચાલક મુસ્લિમ હોય તો પણ તેમાં બેસે છે. મોટી સંખ્યામાં હિંદુઓ કેટલીક દરગાહોમાં જાય છે અને મુસ્લિમો શક્ય હોય, ત્યાં નવરાત્રિના ગરબામાં સામેલ થતા હોય છે. મુસ્લિમો પણ હિંદુ વેપારીઓ, ડૉક્ટરો, વકીલો વગેરે પાસે જવામાં તેમના સંપ્રદાયનો વિચાર કરતા નથી. અંગત સંબંધો હોય ત્યાં એકબીજાના ત્યાં લગ્ન જેવા પ્રસંગોમાં હાજરી પણ આપતા હોય છે.

આની સામે હિંદુ-મુસ્લિમ વચ્ચે અસહિષ્ણુતાના દાખલાઓ પણ છે. હિંદુઓની સોસાયટીઓમાં મુસ્લિમને મકાન ભાડે કે વેચાતું મળવું અતિ મુશ્કેલ છે. ખાનગી ક્ષેત્રે હિંદુઓના ધંધા-ઉદ્યોગોમાં ઉજળિયાત નોકરીઓમાં મુસ્લિમોને અપવાદ રૂપે જ પસંદ કરવામાં આવે છે. હિંદુ છોકરી મુસ્લિમ યુવકને પરણે તે સહી લેવામાં આવતું નથી; પણ હિંદુ છોકરો મુસ્લિમ છોકરીને પરણે તે મોટે ભાગે અસ્વીકાર્ય બનતું નથી. આમ, એકંદરે હિંદુઓ અને મુસ્લિમોની મોટી બહુમતી વચ્ચે સહિષ્ણુતા પ્રવર્તે છે. પ્રસંગોપાત્ત બે કોમો વચ્ચે કોમી રમખાણોના સ્વરૂપે જે અસહિષ્ણુતા ઊપસી આવે છે તે એક નાની લઘુમતીને આભારી હોય છે. બંને કોમોમાં એકબીજાને ધિક્કારતી હોય એવી વ્યક્તિઓ અને એવાં સંગઠનો છે, જે અસહિષ્ણુતાની સમસ્યા સર્જે છે. આ બધાંનો ઉપયોગ રાજકીય હેતુઓ હાંસલ કરવા માટે રાજકારણીઓ દ્વારા નિષ્ઠુર રીતે થતો હોય છે.

હિંદુ-મુસ્લિમો વચ્ચે અસહિષ્ણુતાનો જે પ્રશ્ન છે, તેનાથી સહેજ ઓછો નહીં બલકે વધારે એવો પ્રશ્ન હિંદુઓમાં દલિતો અને અન્ય જ્ઞાતિઓ વચ્ચે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી હજી અસ્પૃશ્યતા ગઈ નથી. ગામડાંઓમાં દલિતો મંદિરોમાં પ્રવેશી શકતા નથી; ગામડાંમાં હોટલોમાં ચાના કપ દલિતો માટે જુદા રાખવામાં આવે છે; દલિતોને મારઝૂડ કરવાનું અને તેમને મારી નાખવાનું સામાન્ય છે, દલિત છોકરો સવર્ણ જ્ઞાતિની છોકરીને પરણે તો તેણે તેની હત્યા માટે તૈયાર રહેવું પડે. દેશના ઘણા ગ્રામવિસ્તારોમાં દલિતો વરઘોડા કાઢી શકતા નથી.

નગર વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં અસ્પૃશ્યતા ગણનાપાત્ર રીતે ઘટવા પામી છે, પણ નામશેષ થઈ નથી. ખાનગી ક્ષેત્રે ઉજળિયાત નોકરીઓમાં દલિતો શોધવા પડે તેમ છે. એ જ રીતે ડૉક્ટર થતા દલિતો અપવાદ રૂપે જ ખાનગી પ્રૅક્ટિસ કરી શકે છે. કેમ કે તેઓને સવર્ણ દર્દીઓ મળવાની આશા નથી હોતી. સવર્ણોની સોસાયટીઓમાં દલિતો ભાગ્યે મકાન (ભાડે કે માલિકીનું) મેળવી શકે છે. સવર્ણોના દલિત મિત્રો હોય અને એકમેકના ઘરે જવાઆવવાનો સંબંધ હોય એવા દાખલા મળવા મુશ્કેલ છે. ટૂંકમાં, દલિતો પરત્વે સવર્ણ હિંદુ સમાજ વ્યાપક રીતે અસહિષ્ણુ છે.

જ્ઞાતિની ઉચ્ચાવચતા ગ્રામવિસ્તારો, ખાસ કરીને ઉત્તર ભારતના ગ્રામવિસ્તારોમાં હજી ઠીક-ઠીક પ્રમાણમાં પ્રવર્તે છે. ઉત્તરનાં જે રાજ્યોમાં ખાપ પંચાયતો સક્રિય છે, ત્યાં સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે પણ ઉચ્ચનીચના ભેદ પાડીને છોકરાછોકરીનાં લગ્ન અટકાવવામાં આવે છે, અને ‘ઑનર કિલિંગ’ના બનાવો અવારનવાર બનતા રહે છે. અસહિષ્ણુતાની આ પરાકાષ્ટા છે.

સ્ત્રીઓની બાબતમાં ભેદભાવો એક વૈશ્વિક ઘટના છે, પરંતુ હિંદુ સમાજમાં ભ્રૂણહત્યાના સ્વરૂપે સ્ત્રીઓ સામે જે અસહિષ્ણુતા પ્રવર્તે છે, તે સ્વરૂપે અન્ય સમાજોમાં જોવા મળતી નથી. દેશમાં ભ્રૂણહત્યા દ્વારા મોટી સંખ્યામાં છોકરીઓને જન્મતી જ અટકાવવામાં આવે છે, એ ખૂબ જાણીતી બાબત છે. પોતાને અહિંસક માનતા હિંદુઓને ભ્રૂણહત્યામાં કોઈ હિંસા દેખાતી નથી.

દેશમાં વૈચારિક અને ધાર્મિક સહિષ્ણુતાનું ચિત્ર મિશ્ર છે. અમર્ત્ય સેને ભારતને વિવાદપ્રિય (argumentative) દેશ તરીકે ઓળખાવ્યો છે. દેશમાં મોટા પ્રમાણમાં વાણીસ્વાતંત્ર્ય પ્રવર્તે છે. જો કે આપણે ત્યાં વિવાદો બહુ ઓછા પ્રમાણમાં વિચારો અંગે અને ઘણા વધારે પ્રમાણમાં વ્યક્તિઓ વિશે થાય છે. પણ આમાં કેટલાક અપવાદો જોઈ શકાય છે. કેટલાંક પુસ્તકો અસહિષ્ણુતાનો ભોગ બન્યાં છે. એક વિદેશી વિદ્વાન દ્વારા શિવાજી પર એક સંશોધનગ્રંથ પ્રગટ થયેલો, તેની સામે પૂણેમાં કેટલાકોએ ભારે ધાંધલ મચાવી હતી. એ વિદ્વાન તો દેશમાં હાજર નહોતા પણ ટોળાએ તેમના પરનો રોષ તેમણે પૂણેની જે પ્રસિદ્ધ સંસ્થાના ગ્રંથાલયનો ઉપયોગ કરેલો તેના પર કાઢેલો. સંસ્થામાં જઈને ટોળાએ ભાંગફોડ કરી અને કેટલાંક દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો નાશ કરેલો.

ધાર્મિક મુદ્દાઓને સ્પર્શતાં પુસ્તકો/લેખોની બાબતમાં ઘણા પ્રમાણમાં અસહિષ્ણુતા જોવા મળે છે. હિંદુધર્મ વિશે ટીકાત્મક લખાણ આવતું હોય તો કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ તે સહી શકતાં નથી. હિંદુ ધર્મનાં એક અભ્યાસી અમેરિકન વિદુષીના પુસ્તક ‘હિંદુઇઝમ’ (Hinduism) સામે હિંદુઓના એક સંગઠનનો આક્રમક વિરોધ જોઈને તેના પ્રકાશકે એ પુસ્તકને ભારતમાંથી પાછું ખેંચી લઈને તેની પ્રતોમાં વપરાયેલા કાગળનો માવો કરી નાખેલો. જો કે એ પુસ્તક વિદેશોમાં તો વેચાય જ છે. સાવ તાજેતરમાં જયપુરમાં યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં દિલ્હીના એક અધ્યાપકે વિદેશી અભ્યાસીઓએ કરેલાં હિંદુ દેવદેવીઓના અર્થઘટનો પર એક પેપર રજૂ કરેલું. એ એકૅડેમિક લેખને રાજસ્થાનના શિક્ષણપ્રધાન ન સહી શક્યા. તેમણે અધ્યાપક સામે પોલીસ કેસ કરવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધીની સરકારે સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર લાદેલો પ્રતિબંધ મુસ્લિમોની અસહિષ્ણુતાને આભારી હતો. (અલબત્ત, એ મુસ્લિમોની ‘વૉટબૅંક’ સાચવવા માટેની રાજકીય ગણતરીથી લદાયેલો પ્રતિબંધ હતો કે કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે લદાયો હતો, એ વિશે મતભેદ ઊભો થયો છે.) પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભાગલા પરના જશવંતસિંહના પુસ્તક પર લાગલો જ પ્રતિબંધ ફરમાવ્યો હતો, એની પાછળ કેવળ રાજકીય ગણતરી હતી. મુદ્દો એ છે કે રાજકીય ગણતરીથી આપણા શાસકો પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની બાબતને સહેજે ગંભીર ગણતા નથી.

લોકો દ્વારા પાળવામાં આવતા ધર્મોની બાબતમાં આપણે હિંદુઓ અત્યંત સહિષ્ણુ છીએ. આપણા દેશમાં મોટા સંપ્રદાયો અને તેમના વિવિધ ફોટાઓ સાથે બીજા અસંખ્ય પંથો પ્રવર્તે છે અને તેમાં ઉમેરો થતો રહે છે. સ્વાધ્યાય પરિવાર પ્રજાપિતા બ્રહ્મકુમારી વગેરે તેનાં ઉદાહરણો છે. માનવસ્વરૂપે આવેલા અસંખ્ય ભગવાનોને લોકોએ સ્વીકાર્યા છે અને પૂજ્યા છે. પ્રસ્થાપિત મોટા સંપ્રદાયના લોકો આ નવા-નવા પંથો અને ભગવાનોનો વિરોધ કરતા નથી. પણ આની સાથે ધાર્મિક અસહિષ્ણુતા પણ પ્રવર્તે છે. કોઈ એક ચોક્કસ પંથ કે સંપ્રદાયની કોઈક મુદ્દા પર ટીકા કરવામાં આવે તે એ પંથના અનુયાયીઓ સહી શકતા નથી. એવા દાખલાઓમાં તેઓ ક્યારેક શાબ્દિક હુમલાથી જ અટકતા નથી, તેઓ ભાંગફોડ અને ક્યારેક હત્યા સુધી પણ જાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો અશ્પૃશ્યતાના પ્રશ્ને ગાંધીજીને અમદાવાદમાં સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડેલો અને દેશમાં અન્યત્ર તેમના પર સનાતનીઓ દ્વારા હુમલા પણ થયેલા કેમ કે અસ્પૃશ્યતા એક ધાર્મિક બાબત ગણાતી નથી.

એકંદરે આપણી સહિષ્ણુતા વિશે આપણે શું કહીશું? એનો ઉત્તર આત્મલક્ષી રહેવાનો. એ પ્રશ્નને વસ્તુલક્ષી રીતે વિચારવા માટે આપણે ઇંગ્લૅન્ડનું ઉદાહરણ ટાંકીશું. નીચેનો ફકરો અદમ ટંકારવીના પુસ્તક ‘બ્રિટન આદમકદ અરીસા’માંથી લીધો છે :

“… રૂઢિચુસ્ત પક્ષના એક ધારાસભ્ય અને રોડો કેબિનેટના સભ્યે એ સભામાં મજાક કરતાં કહ્યું, પાકીઓ મારા દેશમાં પેનીના દસ મળે છે. (પાકી દક્ષિણ એશિયાના દેશોમાંથી આવેલા લોકો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ છે.) આ વંશદ્વેષી મજાક સામે તરત જ હોબાળો થયો. વક્તાએ માફી માગી, પણ બનાવ બન્યાના અઢાર કલાકમાં જ રૂઢિચુસ્ત પક્ષના નેતાએ મજાક કરનારા ધારાસભ્યને રોડો કૅબિનેટમાંથી તગેડી મૂક્યા અને જાહેર કર્યું કે મારે બ્રિટનની પ્રજાને મારા પક્ષ વિશે ખાતરી આપવી છે કે અમે અસહિષ્ણુતા પ્રત્યે અસહિષ્ણુ છીએ. આવા સ્ટુપિડ જોક માટે કેવળ ક્ષમાયાચના ન ચાલે.”

આપણે ઇચ્છીએ કે આપણા રાજકારણીઓ, વિશેષ કરીને શાસકો સમાજમાં ઉદ્ભવતી અસહિષ્ણુતાની ઘટનાઓ પરત્વે મીંઢું મૌન સેવવાને બદલે કે એવી ઘટનાઓના કરવામાં આવતા વિરોધને ઉતારી પાડવાને બદલે એવી ઘટનાઓ પરત્વે અસરકારક અસહિષ્ણુતા દાખવીને નાગરિકોને એક દાખલો પૂરો પાડશે. નાગરિકો તરીકે આપણે સહિષ્ણુ સમાજ બનવા માટે લાંબી મજલ કાપવાની છે. અસ્પૃશ્યતાને સાચા અર્થમાં નાબૂદ કરવાની છે અને ભ્રૂણહત્યા બંધ કરીને પુત્ર અને પુત્રીના જન્મ વચ્ચે પૂરી તટસ્થતા કેળવવાની છે. વિવિધ પ્રદેશો, જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લોકોને ઉતારી પાડતી કે તેમની હાંસી ઉડાવતી જે લોકોક્તિઓ છે તેને જાહેર ચર્ચાઓમાં દેશવટો આપવાનો છે.                                       

૨૦૨, ઘનશ્યામ એવન્યૂ, જૂના શારદામંદિર નજીક, પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 03-04

Loading

4 January 2016 admin
← એક હતાં સાવિત્રીબાઈ ફૂલે
કાળાં ડિબાંગ વાદળાં ચારેકોર ઘેરાય ત્યારે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved