Opinion Magazine
Number of visits: 9449871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં માનવ અધિકાર

આશા બૂચ|Opinion - Opinion|11 January 2016

ગયે મહિને, સારાયે વિશ્વમાં, એક યા બીજી રીતે, ‘માનવ અધિકાર દિન’ની ઉજવણી થઈ. મારાં મૂળિયાં ભારતની ધરતીમાં એટલે સહેજે ભારત દેશ માનવ અધિકારના આંકમાં કયા સ્થાને છે તે જોખવાનું મન થઈ આવે. દુનિયાની પાંચમી આર્થિક મહાસત્તા બનવાના મનોરથ સેવતી પ્રજા અને એવાં સપનાં દેખાડનાર સત્તાધારીઓ એ દિશામાંબુલેટ ટ્રેનની ગતિથી ધસી રહ્યા છે ત્યારે વિકાસ, પ્રગતિ અને સુખનો અનુબંધ જળવાઈ રહે છે કે નહીં તેની ચિંતા કેટલાક સમાજહિત ચિંતકો અને ઘણા જાગૃત નાગરિકોને છે.

બી.જે.પી.ની સરકારની કેટલીક સફળતાઓ જરૂર ગાંઠે બાંધીએ, પરંતુ એ સિક્કાની બીજી બાજુ જેને દેખાય છે તેવા લોકો વડાપ્રધાનથી માંડીને સરકારી – બિનસરકારી અધિકારીઓ જે રીતે સામાજિક ઐક્ય અને એખલાસ જોખમાય એવી ઘટાનાઓ પ્રત્યે આંખ મિચામણાં કરે અથવા સીધી કે આડકતરી રીતે ટેકો આપે છે જોતાં ભારતની આર્થિક સિદ્ધિઓને પછવાડે રાખીને કોમી દાવાનળ ભભૂકી ઊઠે એવી શક્યતા ક્ષિતિજમાં દેખાય છે એવી ચર્ચા ચોરે ને ચૌટે સંભળાય છે. દુનિયાની તમામ જાતિ, ધર્મ અને સંસ્કૃિતના લોકોને પોતાને ખોળે સમાવતી આ ધરા તેની  સહિષ્ણુતા માટે પ્રખ્યાત થયેલી, એ પ્રતિભા ઝાંખી પડતી જણાય છે જેના વિરોધ રૂપે સાહિત્ય, કળા અને  અન્ય ક્ષેત્રોમાં માન ચાંદ પામેલા તેની  વાપસી કરી રહ્યા છે. તેવે ટાણે થોડા સમય પહેલાં માન્ચેસ્ટર યુનિવર્સિટીના એશિયન અને આફ્રિકન સ્ટડીઝ વિભાગના ઉપક્રમે, ભારતથી આવીને યુ.કે.માં સંશોધન કરી રહેલ રાજ ભરત પટ્ટાનું એક માનનીય પ્રવચન સાંભળેલું તે સાંભળ્યા બાદ જે વિચારો સ્ફૂર્યા તે પ્રસ્તુત કરવા ધારું છું.

આ પ્રવચનનું શીર્ષક હતું, ‘ભારતમાં અધિકાર – દમનના પ્રકારો, અધિકાર માટેની શોધ, આધુનિક ભારતમાં ન્યાયની સ્થિતિ અને સાંપ્રત ભારતમાં માનવ અધિકાર’. શીર્ષક કંઈક અંશે ભારે ખમ લાગે પણ રાજ ભરત પટ્ટાનું વક્તવ્ય અત્યંત સરળ ભાષામાં અપાયેલું, હકીકતોથી ભરપૂર અને રમૂજથી શણગારેલ હોવાથી આનંદપ્રદ બની રહ્યું. દરેક દેશ વિષે અન્ય દેશના લોકોને એક કાલ્પનિક છબી હોય છે, તેની વાસ્તવિક પ્રતિમા તેનાથી અલગ હોય છે અને તેને પડકારનારા તત્ત્વો તો કોઈ તદ્દન જુદી જ બાજુ ઉપસાવતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત વિદેશોમાં અને દેશમાં પણ બોલીવુડ, તેનો ઝગમગાટ, કરી અને ક્રિકેટથી ઓળખાય છે. તો કેટલાકને તેની વાસ્તવિક દેણ સમા યોગ, આયુર્વેદ, કમ્પ્યુટર સોફ્ટવેર અને ભારે મોટા બજાર જેવી બાજુ વધુ પરિચિત લાગે છે. પણ આ બધાં સ્વરૂપો જાણે પેલા છ ચક્ષુહીન હાથીને અનુભવીને તેનું આંશીક  વર્ણન કરે તેવું છે. જીવનનાં અન્ય પાસાંઓ વિશેની હકીકત જોવા કેટલાંક સંશોધનો અને અભ્યાસો તરફ નજર દોડાવવી રહી. આપણે તેને માનવ અધિકારના સંદર્ભે જોઈશું.

મૂળ ભારતના વતનીઓ કે ભારતમાં રહેનારાઓને કદાચ એ કબૂલ કરતાં દુ:ખ લાગે પરંતુ હકીકત એ છે કે સમાજ કે રાજ્યમાં સત્તા ભોગવનાર તરફથી સત્તાવિહીન પ્રજાના અધિકારો કચડવા એ જમાનાઓથી ચાલતું આવ્યું છે. જ્યાં સુધી દબાયેલ વર્ગ ચુપચાપ અન્યાય સહન કરતા આવ્યા ત્યાં સુધી વ્યવસ્થા જળવાઈ રહી અને જ્યારે પણ શોષિત વર્ગે પોતાના જન્મસિદ્ધ માનવ અધિકારની માંગણી કરી ત્યારે સમાજમાં અશાંતિ પ્રસરી એનો ઇતિહાસ સાક્ષી છે. રાજાશાહી કે લોકશાહીમાં કેન્દ્રિત સત્તા પોતાનાથી નીચેના માણસોને હાંસિયામાં ધકેલી દઈને તેમનું શોષણ કરવાની શક્યતા ઊભી કરે છે જેનાથી સમય જતાં હિંસા ફાટી નીકળે છે. આજે જાણે આવી અન્યાયી સમાજ અને રાજ્ય પદ્ધતિ આપણી સંસ્કૃિતનો ભાગ બની ગઈ છે. પુરાના જમાનાની વાત જવા દઈએ, હાલના સમયમાં ભારત જેવા દેશમાં માનવ અધિકારોનું ખંડન થવા પાછળ વૈશ્વીકરણ, પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિપ્રથા, હિન્દુત્વવાદ અને એકહથ્થુ રાજ્ય વ્યવસ્થા જેવા પાંચ મુખ્ય પરિબળો કારણભૂત છે.

પ્રથમ વૈશ્વીકરણ માનવીય અધિકારોની રક્ષા માટે કેવુંક મદદકર્તા છે તે જોઈએ. જોવાનું એ છે કે ઉપરોક્ત પાંચમાંથી કોઈ એક કે તેથી વધુ પરિબળોને પરિણામે અન્યાય થાય તો તેનો ભોગ કોણે બનવું પડે? સામાન્ય રીતે ગરીબ વર્ગ, સ્ત્રીઓ, બાળકો, યુવાનો, આદિવાસીઓ અને દલિતો જે અધિકારો જન્મગત મળવા જોઈએ તેના અભાવમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસ જેવી સગવડોથી બધી બાજુથી વંચિત રહીને સબડે. આ ખાનગી વેપારી જગતે તો માનવી માત્રની ઓળખ ઝુંટવી લઈ માણસને માત્ર એક ગ્રાહક બનાવી દીધો અને પરસ્પરના હિતની જાળવણી કરતી માનવ સંસ્કૃિતનું ધોવાણ કર્યું. અધૂરામાં પૂરું કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો એ પ્રકારના આર્થિક માળખાને જ પ્રોત્સાહન આપે છે. ખાનગી વેપારી અને ઉદ્યોગ જગતને નફો વહાલો છે નહીં કે લોકોનું હિત, તો તેઓ તેમના અધિકારોને શી રીતે જાળવવાના?

આજે ભારતમાં ઇંગ્લિશ ભાષા જ માત્ર નહીં પણ એ જીવન પદ્ધતિનું ય પ્રભુત્વ વધતું ચાલે છે જેથી એ બધા દેશોની માફક તવંગર વધુ તવંગર બને અને ગરીબ વધુ ગરીબ બને. આનાથી બધા ધનિક સરખા અને બધા વંચિત લોકો સરખા થઈ જાય જેને mono culture – એક રંગી સંસ્કૃિત તરીકે ઓળખી શકાય. એમ થવાથી સમાજનાં જુદાં જુદાં જૂથો વચ્ચે કોઈ સામાન્ય હિત ન રહે, આદાન પ્રદાન ન થાય, જે અસહિષ્ણુતામાં પરિણમે અને અંતે હિંસાત્મક ઘટનાઓ બને.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Make in India’ સૂત્રે ઘણા લોકો પર ભૂરકી નાખી છે અને તેને કારણે ‘ફાવી ગયેલા’ઓ તો એના પર દીવાના થઈ ફરે છે. આ નીતિ દુનિયાના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ભારતમાં ઉદ્યોગ સ્થાપવા અને વેપાર કરવા આમંત્રે છે. ભલા એ લોકો શા માટે આવું લોભામણું ઈજન ન સ્વીકારે? પોતાના દેશના ઉદ્યોગપતિઓ અને સાહસિકોને પ્રોત્સાહન આપવાને બદલે વિદેશી ધંધાદારીઓને પહેલા ખોળાના ગણીને ભારતમાં કરવેરા ભરવામાંથી મુક્તિ આપી, તેમને આપણાં જંગલો કાપવાની છૂટ આપી, પાણીનો જથ્થો ખેતીમાંથી વાળીને એ રાક્ષસી કારખાનાંઓના ભુખાળવા જડબાંઓમાં ઠાલવી દીધો. આ પોતાની પ્રજાનું શોષણ નહીં તો બીજું શું છે? કૃષિને લાયક જમીન પચાવી  પડાવી, નવા રસ્તાઓ, શોપિંગ મોલ કે અણુ મથકો બાંધવા જતાં અસંખ્ય લોકો બેઘર અને બેરોજગાર બને, પ્રદૂષણ વધે, ગરીબ-તવંગર વચ્ચેની ખાઈ વધે એ બધું માનવ અધિકારનો ભંગ નથી તો બીજું શું છે?

વૈશ્વીકરણ એ જ માત્ર દુનિયામાં માનભર્યું સ્થાન મેળવવાનો માર્ગ ભારત માટે છે એમ માનીને મૂડીવાદી યંત્ર યુગના ચક્રમાં જોડાવાના નિર્ણયથી માનવ અધિકાર પર કેવી તરાપ પડે તે જોયું. કુટુંબ અને સમાજ તો વ્યક્તિને પાળે, પોષે અને રક્ષે એમ આપણે ધારીએ છીએ. પણ ભારતની પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા અસમાનતા, અન્યાય અને અનેક સામાજિક કુરિવાજોના મૂળમાં છે એ આપણે જોઈ નથી શકતા. આ પ્રથા જમાના જૂની છે. તેમાં જાતિગત અસમાનતા છે. પુરુષ મહત્ત્વનો, સ્ત્રીનું કોઈ સ્થાન કે મહત્ત્વ નહીં. સ્ત્રીને દેવી બનાવે, તેની પૂજા કરે પણ હાડ-માંસની બનેલ પોતાની મા, બહેન, પત્ની કે પુત્રીને ઉતરતી ગણે એ કેવી સંસ્કૃિત? કેટલાંક સામાજિક ધોરણોને અનુસરવા સ્ત્રીઓ પર ભયંકર અત્યાચાર થાય અને કહેવાતો ધર્મ તેને સાથ આપે. અહીં માનવ અધિકારનું ઉલ્લંઘન સમાજ, ધર્મ અને રાજ્ય જેવી સર્વમાન્ય સંસ્થાઓ દ્વારા પદ્ધતિસર થાય એ શરમજનક બીના ગણાવી જોઈએ. ડાવરી (પહેરામણી) જેવી પ્રથાને કારણે સ્ત્રી બાળક અનિચ્છનીય થઈ પડ્યું છે જેને પરિણામે ભ્રૂણહત્યા થાય અને તે માટે 500 રૂ. આપી ડાવરીના 50 હજાર રૂ. બચાવો તેવો પ્રચાર થાય અને ડોકટરો તેમાં સાથ આપે, તેનાથી વધુ માનવ અધિકારની હત્યાનું વરવું ઉદાહરણ ક્યાં શોધશું? ભારતમાં સ્ત્રીઓ પ્રત્યે આચરાતી ઘરેલુ હિંસાનું કારણ પણ આ પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા છે એ હવે સ્વીકારીશું તો જ તેનો ઉકેલ આવશે. India’s daughter નામની ફિલ્મ કે જેમાં આ વિવાદાસ્પદ મુદ્દો નિર્ભય પણે રજૂ કરાયો છે તે ભારતમાં ન બતાવી, તે સૂચવે છે કે શાસનકર્તાઓ અને સમાજના ધુરંધરોને મન સ્ત્રીને મળતા ન્યાય કરતાં દેશની સલામતી વધુ મહત્ત્વની લાગે છે !

સદીઓથી ચાલતું આવ્યું છે કે ધર્મગુરુઓ રાજ સત્તા હાથ કરે અથવા રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોય જેના ધ્વજની છાયામાં શાસન ચાલે. રાજ્યની શોષણયુક્ત રાજ્ય પદ્ધતિને ધર્મનો ટેકો મળે કે ધર્મને નામે રાજ્ય હિંસા આચરે એ તદ્દન ધર્મ વિરોધી અને રાજનીતિ વિરોધી બાબત હોવા છતાં સત્તાની લાલચે અત્યાચાર થતા આવ્યા છે. પણ લોકશાહી શાસન પદ્ધતિમાં સાર્વભૌમ સત્તા ધરાનાર દેશને પોતાના રાજ્યને કોઈ એક ધર્મ ન હોય અને કોઈ એક ધર્મ તેના સંચાલનમાં હસ્ક્ષેપ ન કરે એ સિદ્ધાન્ત સ્વીકારવામાં આવ્યો છે. ભારતની આઝાદી મળી ત્યારે આપણો દેશ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે નવજન્મ પામ્યો જેનો અર્થ એક કે રાષ્ટ્રને બંધારણીય રીતે કોઈ એક ધર્મ નથી અને આ રાષ્ટ્રમાં સર્વ ધર્મ સમભાવની નીતિ અપનાવાઈ. આ નિયમનું વધતે ઓછે અંશે છ દાયકાઓ સુધી પાલન થયું. છેલ્લી ચૂંટણી બાદ ભારતીય જનતા પક્ષ ભારે બહુમતીથી સત્તા આરૂઢ થયો જેની નાળ રાષ્ટ્રીય સેવા સંઘ સાથે જોડાયેલી હોવાથી માત્ર એ પ્રતિબંધિત સંગઠન જ નહીં પણ ખુદ સરકાર પણ પુરાતન સંસ્કૃિતને પુનર્જિવિત કરવાને નામે અંતિમવાદી વિચારો અને આચારો ફૂલે ફાલે છે તેની સામે આંખ આડા કાન કરે છે. એટલું જ નહીં પણ કેટલાક કિસ્સાઓમાં તો તેને સીધી કે આડકતરી રીતે બહાલી આપે છે. ગુજરાતમાં અને અન્ય પ્રાંતોમાં ભારતનો ઇતિહાસ નવેસરથી લખાય છે જેમાં હકીકતોને મારી મચડીને વિદ્યાર્થીઓના કુમળા માનસ વિષાક્ત કરવાની કોશિશ થાય છે. નોંધપાત્ર સંસ્થાઓમાં ભગવા વસ્ત્રધારી કર્મચારીઓનું જાણે મોટું લશ્કર જોવા મળે છે. મશીનગન વિનાનો જાણે આ બૌદ્ધિક આતંકવાદ નથી તો તેને કયું નામ આપીશું?

મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર અદાકારને સરકરી તંત્રમાં ફિલ્મ અને ટેલીવિઝન વિભાગના ચેરમેન પદે સ્થાપ્યા તે તેમની બી.જે.પી.ના હિંદુ તરફી વલણ પ્રત્યેની વફાદારીનો શિરપાવ છે. તો બીજી બાજુ આંબેડકર પેરિયાર સ્ટડી સર્કલ પર આઈ.આઈ.ટી. મદ્રાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો જેથી માત્ર ધર્મને આધારે જ નહીં પણ જ્ઞાતિને આધારે ભૂતકાળમાં આચરવામાં આવતા અન્યાયો પાછલે બારણે પ્રવેશ કરી શકે અને બહુમતી ધરાવતા હિંદુ નાગરિકો અને ઉચ્ચ વર્ગનું સ્થાપિત હિત જળવાઈ રહે. હિંદુ ધર્મમાં ગાયનું મહત્ત્વ તે દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી જેવાં પોષક તત્ત્વો આપે છે અને ખેતી માટે બળદ આપે છે તે કારણે સદીઓથી જળવાઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ ગો પાલન અને ગો સંવર્ધનના સહુથી મોટા પ્રણેતા હતા, પરંતુ તેમણે ગોમાંસ આરોગતી પ્રજા પર કે તેની આડપેદાશો જેવા કે ચર્મ ઉદ્યોગ પર પ્રતિબંધ મુકયાનો બોધ આપ્યાનું ક્યાં ય નોંધાયું જાણ્યું નથી. એવું જ મુસ્લિમ ધર્મીઓની ધર્મ પ્રચારની ઘેલછા અને હિંદુ ધર્મના નીચલી જ્ઞાતિના લોકોને સહેવા પડેલ અન્યાયના પરિપાક રૂપે એક કાળે કેટલાક હિંદુ સમૂહોનું ધર્મ પરિવર્તન થયેલું એ હકીકત સ્વીકાર્ય છે. તે પછી સમય જતાં એ પરિસ્થિતિનો સ્વીકાર કરી બંને કોમના સામાન્ય જનો હળી મળીને રહેતા આવ્યા છે. પણ આજે હવે જે saffronisation તરીકે પંકાય છે એ વિચારધારાના પ્રતાપે ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધે છે માટે તેમાંના પેઢીઓ પહેલાં મૂળે હિંદુ હતા તેવા લોકોને ‘ઘર વાપસી’ના ઓઠા હેઠળ ફરી હિંદુનું તિલક કરી હિંદુ કોમનું સંખ્યાબળ વધારવાની પ્રવૃત્તિ જોર પકડતી જાય છે. અને આમ ધર્મને નામે અસંખ્ય નાગરિકોના માનવ અધિકારોની રક્ષા જોખમમાં મુકાઈ રહી છે.

ઉપર કહ્યાં તે ત્રણ પરિબળો જાણે ઓછાં પડતાં હોય તેમ જ્ઞાતિ પ્રથા હજુ પણ ભારતમાં મોટી સંખ્યાના લોકોને માનવ અધિકારથી વંચિત રાખનારું પરિબળ છે જે એક શરમજનક હકીકત છે. નહીં નહીં તો ય પાંચ હજાર વર્ષ પહેલાં આ ભેદભાવ પૂર્ણ સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવેલી જે આજે પણ અમલમાં મુકાઈ રહી છે. વિશ્વની જૂનામાં જૂની અને સર્વોત્તમ સંસ્કૃિત હોવાનો દાવો કરતી પ્રજામાં ચારમાંથી એક શખ્સ 2015ની સાલમાં એક યા બીજી રીતે જ્ઞાતિ ભેદમાં માને છે અને એ પ્રમાણે પોતાના જ દેશના, પોતાના જ ધર્મના માનવીને અન્યાય કરે છે! માન્યામાં ન આવે તેવી વાત છે. વિશ્વાસ ન બેસતો હોય તો ઉકરડાઓ પર કચરો વીણતાં, માથે મેલું  ઉપાડીને જતા  અને રસ્તાઓ વાળીને ગંદકી દૂર રાખનારા મ્યુિનસિપાલિટીના કર્મચારીઓ હજુ પણ ભારતના ગામ અને શહેરોમાં જોવા મળશે. જ્ઞાતિ ભેદ ચાલુ રહે તે વાસ્તે જાજરૂ ન બાંધે એવા લોકો આજે પણ પડ્યા છે. દલિતો પ્રત્યે હિંસા અને આંતર જ્ઞાતિય લગ્ન થાય તો આબરૂ જાય તે કારણો સર થતી હિંસાના બનાવો વધ્યા છે. અત્યાચારનો ભોગ બનેલાઓ માટે ન્યાય તોળવામાં અત્યંત શિથિલતા જોવા મળે છે. તેમાં ય દલિત સ્ત્રી ઉચ્ચ નીચની નિસરણીમાં સહુથી નીચી ગણાય એટલે ગમે તેટલા અન્યાય થાય, છતાં તેની કોઈ નોંધ ન લેવાય તે સમાજને કોઠે પડી ગયું છે. એવી ઘટનાઓની નોંધ ન લેવાય કે ન્યાય પણ ન મળે. આ પરિસ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી વણસી રહી હતી, તેમાં ગુણવત્તા વિરુદ્ધ અનામતનો ભોરીંગ ફૂંફાડો મારીને વિષ ફેલાવવા માંડ્યો છે. પહેલાં અનામત મેળવનારને ત્રાસ ગુજારીને પાછા પાડવામાં આવતા હતા તે હવે સવર્ણોને ભાગે આવ્યું છે. આમ એક યા બીજી રીતે જ્ઞાતિ પ્રથા માનવ અધિકાર જાળવવામાં બધી રીતે આડખીલી રૂપ બને છે.

સમાજ કે ધર્મને નામે થતા અન્યાય અને અત્યાચાર સામે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન પ્રજાને રક્ષણ આપે તેને બદલે ભારતીય શાસન તંત્ર પોતે જ દુનિયાના પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસવા માટે અથવા વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ સાધવા માટે પ્રજાના વિકાસના નામે તેને ભ્રમમાં રાખીને તેનું જ શોષણ કરે છે. માત્ર ફૂંકી ફૂંકીને ડંખ મારે છે એટલે પ્રજાને દર્દનું ભાન બહુ મોડેથી થાય છે. એથી જ તો અણુ શસ્ત્રો બનાવવા અને વાપરવા સામે વિરોધ કરનારાની ધરપકડ કરવામાં આવે છે. સરકાર ઈશ્વરના સોંપેલા કામ કરે છે તેવો પ્રચાર કરીને ગ્રીન પીસ જેવા સંગઠનો પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવાની વાત કરે તે તેમને કેદમાં પૂરે છે એટલું જ નહીં તેમને માઓ તરફી કહીને તેમની સામે જંગ મંડાય જેને પરિણામે બંને પક્ષે પુષ્કળ જાનહાનિ થાય એ દુ:ખદ છે. આતંકવાદને તડીપાર કરવાનાં પગલાં રૂપે Arms forces special powers act લાવવામાં આવ્યો જેના અંતર્ગત સૈનિકો ગમે તેના પર શક કરીને ઠાર કરી શકે તેવી સત્તા તેમને અપાઈ ચુકી છે. મોટા મોટા ડેમ બાંધવાથી ખેતીને લાયક જમીનો ખેડૂતો પાસેથી ઝુંટવાઈ જાય, તેમનું વિસ્થાપન થાય, જંગલો કપાય અને તેના પ્રતિકાર રૂપે જનતા જ્યારે જળ સત્યાગ્રહ કરે અને દરિયા કે નદીમાં શાંતિથી ઊભા રહે તેમને દબાવવામાં આવે છે. આમ જીવનના વિવિધ ક્ષેત્રે સરકારના સ્થાપિત હિત વિરુદ્ધ અને જનતાના હિત તરફી કંઈ પણ ચળવળ થાય તેનું દમન કરનારી સરકાર ભારતના નાગરિકોના માનવ અધિકારોનું ખંડન કરે છે એ નિર્વિવાદ છે.

આમ આપણે જોયું કે વૈશ્વીકરણ, પિતૃસત્તાક કુટુંબ અને સમાજ વ્યવસ્થા, હિન્દુત્વવાદનું પુનર્જાગરણ, જ્ઞાતિ પ્રથા અને રાજ્ય દ્વારા થતા પદ્ધતિસરના અન્યાયી વલણ અને કાયદાઓને પરિણામે ભારતીય નાગરિકો પોતાના જન્મગત અને બંધારણીય અધિકારો ભોગવવા શક્તિમાન નથી રહ્યા. પરંતુ સાવ નિરાશ થવાની જરૂર નથી. જેમ દમન અને શોષણ વધતું ચાલે છે તેમ તેનો પ્રતિકાર કરવાની ચળવળ  પણ જોર પકડતી જાય છે. આજે આધુનિક પ્રસાર માધ્યમોની મદદથી લોકો પોતાના અધિકારો માટે વધુ જાગૃત બન્યા છે અને ન્યાયની માંગણી જોર શોરથી કરે છે. સરકાર અને ઉદ્યોગપતિઓ પાસેથી પણ પ્રજાહિતને પ્રાધાન્ય આપવાની માંગણી વ્યાપક બનતી જાય છે એટલે એ દિશામાં સારાં પરિણામો આવશે એવી આશા છે. માત્ર જેમને અન્યાય થાય છે એ સમૂહો જ માથું ઊંચકવા માંડ્યા છે એવું નથી, જેઓ થોડેઘણે અંશે સારી સ્થિતિમાં છે તેઓ એવા વર્ગોને સાથ, બળ અને ટેકો આપે છે. દક્ષિણ આફ્રિકાના આર્ચ બીશપ ડેસ્મન્ડ ટુટુ કહે છે તેમ, If you are neutral in situations of injustice, you have chosen the side of the oppressors અને એ વાતનું ભાન હવે ઘણા જાગૃત અને નિસ્બત ધરાવતા લોકોને થવા લાગ્યું છે. એક નવું સૂત્ર વહેતું થયું છે: Keep calm and localise જે બહુરાષ્ટ્રીય કંપનીઓના વધતા જતા પ્રસારના વિકલ્પે વિકેન્દ્રિત ઉત્પાદન, વેપાર અને સત્તા પાછી લાવવાનો અનુરોધ કરે છે. ખુદ પશ્ચિમી જગતમાં પણ સ્થાનિક વસ્તુઓ વેંચવા અને વાપરવાની હિલચાલ જોર પકડતી જાય છે. એવું જ રાજકારણમાં પણ પરિવર્તનનો વા વાય છે. જુઓને 2014ની સામાન્ય ચૂંટણી દરમ્યાન સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા લાવવા Womanifesto જેવો અવનવો પ્રસ્તાવ મુકાયો. દલિત અને આદિવાસીઓમાં સ્વમાન અને સ્વભાનની ભાવના તીવ્ર બની, એ લોકો પોતાના સમૂહો ઉદ્ધાર કરવા પ્રતિબદ્ધ બન્યા અને તેઓ પ્રત્યેના વ્યવહારમાં માન આદર વધ્યા છે. કોમી એખલાસ વધારવાના એક પગલા રૂપે જ કદાચ હોય પણ તાજેતરમાં ન્યાય અને શાંતિ સ્થપાય તે માટે િવવિધ ધર્મનું ફોરમ રચવામાં આવ્યું છે. ભારતમાંના દરેક ધર્મના અનુયાયીઓમાં અવૈજ્ઞાનિક ક્રિયાકાંડનો ત્યાગ કરી અધ્યાત્મ તરફ આગળ વધવાની ઈચ્છા બળવત્તર બનતી જાય છે. યુવા પેઢીને ખાસ કરીને માનવ કેન્દ્રિત સમાજ અને ધર્મ વ્યવસ્થામાં વધુ આસ્થા બેસતી જાય છે. રાજ્ય પોષિત શોષણનો સામનો થતો દેખાય છે, લોકોનો નાગરિક શક્તિ પર વિશ્વાસ જામે છે અને સાથે મળીને કશું કરીશું તો જીતીશું એવી ધારણા બંધાતી જાય છે. લાગે છે કે એકતા સળવળી રહી છે.

અંતમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું કથન ટાંકુ :

Speak up, speak out
Not speaking speaks volume

આપણને ભારતની છ દાયકા દરમ્યાન સધાયેલી સિદ્ધિઓ માટે ઘણું ગૌરવ છે પણ હજુ ઘણા સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાયો હઠાવવાના છે. ભારત બીજા દેશો પાસેથી ધર્મ, જાતિ, લિંગ, ભાષા, જ્ઞાતિ, ઉંમર અને શારીરિક-માનસિક ક્ષમતાને આધારે સમાનતાના પાઠ કેમ ન શીખી શકે? ભારતના રાજ્ય બંધારણ, ધાર્મિક અને સાંસ્કૃિતક વારસામાં અને કાયદામાં જોગવાઈ હોવા છતાં શા માટે આપણે માનવ અધિકારોની જાળવણી કરવામાં શિથિલતા દાખવીએ છીએ? જે દેશ પોતાની ઉત્તમ સંસ્કૃિત અને આધ્યાત્મિક ધરોહરને આધારે દુનિયાને નીતિમત્તા અને જીવન પ્રણાલી માટે માર્ગદર્શન પૂરું પાડવા સક્ષમ હતું ત્યાં આજે જાણે સ્થાનિક અને વૈષ્વિક સાંસ્કૃિતક મૂલ્યોનું ધોવાણ થતું દેખાય છે. વિદેશમાં રહેનાર ભારતીયો માને છે કે ભારત ઘણું વિકસ્યું છે, ત્યાં હવે પહેલાં હતી તેવી સમસ્યાઓ નથી રહી એટલે એ વિષે તેઓ વાત નથી કરતા. પણ માત્ર ‘હોલીડે’ લેવા નહીં પણ એક કાળે એ આપણી કે આપણા બાપ-દાદાઓની જન્મભૂમિ હતી, આપણાં મૂળ ત્યાં છે એમ વિચારીને જોઈએ તો લાગશે કે નોંધપાત્ર આર્થિક વિકાસ છતાં લાંચ રુશ્વત ભારતવાસીઓની જીવન પદ્ધતિનો ભાગ બની ગયાં છે, વ્યવસ્થિત વહીવટ માટે જોઈતું માળખું નથી, સ્વાસ્થ્યની સમજણ ઓછી છે અને વેપાર-ઉદ્યોગ વધારે છે એવું કેમ? એચ.આઈ.વી. એઇડ્સ અને ગર્ભપાતની નીતિના અમલનું શું થયું?

છેવટ આ સવાલો પણ થાય:

ધર્મ કહે છે, ભગવાન બધે છે તો લોકો બધે થૂંકે છે કેમ?  
ધર્મ કહે છે, ભગવાન બધામાં છે તો જ્ઞાતિ ભેદ કેમ?
ધર્મ કહે છે, ભગવાન સર્વજ્ઞાતા છે તો આટલી રુશ્વત કેમ?
ધર્મ કહે છે, ભગવાન દરેકમાં વસે છે તો માનવ અધિકારનો ભંગ કેમ?

e.mail : 71abuch@gmail.com

Loading

11 January 2016 admin
← ધાજો, ભેરુ !
गांधी के आख़िरी सालों की वो अनदेखी तस्वीरें →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved