Opinion Magazine
Number of visits: 9482416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં કોરોનાકાળની દલિત દુનિયા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 May 2020

નવતર કોરોના વિષાણુએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે ભારતમાં દેખા દીધી હતી. ૨૨મી માર્ચની સરકાર ઘોષિત સ્વંયસંચારબંધી અને ૨૪મી માર્ચથી શરૂ થયેલી દેશવ્યાપી ચાળીસ દિવસની ઘરબંધીના અંતિમ ચરણમાં, કોરોનાકાળની ભારતના દલિતોની દુનિયા વિશે વિચારતાં થતી લાગણી પીડા, દુ:ખ અને શરમની છે. શાં રૂઠ્યાં અમ ભાગ્ય કે ભારતમાં અમે જનમ લીધો—એવો પ્રશ્ન સતત પીડે છે.

તાળાબંધીના આ દિવસોમાં દલિતોના દેવ બાબાસાહેબ આંબેડકરની જયંતી આવી. પોતાને આંબેડકરભક્ત તરીકે ખપાવતા પ્રધાનસેવક આવી તક શાની છોડે? એમણે બીજા તબક્કાના લૉક ડાઉનની જાહેરાત માટે પ્યારે દેશવાસીઓને સંબોધવા ૧૪મી એપ્રિલની આંબેડકર જયંતી પસંદ કરી. પ્રવચનના આરંભે બાબાસાહેબને યાદ કરી બી.જે.પી.-સમર્થિત દલિતોને રાજીરાજી કરી દીધા. બરાબર એ જ સમયે ડો. આંબેડકરના મુંબઈના દાદરના નિવાસસ્થાન રાજગૃહ પર આંબેડકર જયંતીએ કાળો ધ્વજ ફરકતો હતો, એ કેટલાએ નોંધ્યું હશે? ભીમા કોરેગાંવ અને યેલગાર પરિષદ કેસમાં ડૉ. આંબેડકરના કુટંબી (દોહિત્ર જમાઈ) અને દેશના પ્રખર બૌદ્ધિક આનંદ તેલતુંબડેને આંબેડકર જયંતીએ કોર્ટમાં સમર્પણ કરવું પડ્યું, એના વિરોધમાં આંબેડકર આવાસ પર કાળો ઝંડો ફરકે એ કોરોનાકાળની ભૂલી ન ભૂલાય એવી ઘટના છે.

દેશના વીસેક કરોડ દલિતો કાયમ અસ્પૃશ્યતા, અવહેલના, અત્યાચારો અને શોષણમાં જીવે છે. દેશબંધી કે તાળાબંધીના આટલા દિવસો પણ જો તેમની આ કાયમી પીડાની મુક્તિના હોત તો એમણે જનમોજનમ એ પસંદ કરી હોત ! પણ દલિતો પરના અત્યાચારોનો ચરખો તો લૉક ડાઉનમાં પણ  અવિરત ચાલતો રહ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં બે હિંદુ સાધુઓ અને તેમના વાહનચાલકના મોબ લિંચિગની જઘન્ય ઘટનાએ દેશવ્યાપી ઊહાપોહ મચાવ્યો હતો. પણ આ જ પાલઘર જિલ્લાના વિરારમાં તાળાબંધીના દિવસોમાં જ દલિતોને માથે મરાયેલી અને તાળાબંધીમાં પણ અનિવાર્ય-આવશ્યક સેવા ગણાયેલી ખાળકૂવાની સફાઈ કરતાં ૨૦થી ૨૫ વરસના ત્રણ દલિત યુવાનોનાં મોત થયાં, તે અંગેની જાણ રિપબ્લિક ઈન્ડિયાને હોય જ નહીં, તો ધ નેશન ઊર્ફે બાપડું ભારત પૂછે પણ શું? ભારતની વાત જવા દો, ઘરઆંગણે ગુજરાતમાં અમરેલી જિલ્લાના તાલુકા મથક રાજુલાની નગરપાલિકાને શહેરની એક બિનદલિત સોસાયટીના ખાળકૂવા ઉભરાયાની રાવ મળી, તો એનો તરતોતરત નિકાલ કરવા દલિત સફાઈ કામદારોને દોડાવાયા. વિરારમાં નારાયણ બોયે, જયેન્દ્ર મુકને અને તેજસ ભાટે ખાળકૂવો સાફ કરવા ગયા હતા અને ઝેરી ગેસથી ગૂંગળાઈને મર્યા હતા, તો રાજુલામાં રાજુભાઈ ચૌહાણ અને પૂંજાભાઈ બાબરિયા ખાળકૂવો સાફ કરવામાં જ હોમાયા હતા. તેમને કોરોના વૉરિયર્સનું બહુમાન નથી મળ્યું, પણ દર પાંચ દિવસે એક દલિત ગટર કામદારના મોતનો સિલસિલો તાળાબંધીમાં પણ અટક્યો નથી.

ફરી પાલઘર મોબ લિંચિંગ સંભારું. અમદાવાદની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા ૨૩ વરસના દલિત યુવાન કિરણ કાંતિલાલ પરમાર લૉક ડાઉનને લીધે નવરા પડતાં પિતાને ત્યાં બનાસકાંઠા જિલ્લાના કાણોદર રહેવા ગયા હતા. પાલઘર ઘટના અંગે આ દલિત યુવાને તેના મોબાઈલ વોટસ એપમાં સ્ટેટ્સ શું મૂક્યું કે કિરણના મિત્રો, ખાસ તો પાલઘરમાં માર્યા ગયેલા સાધુઓના નાતીલા ગોસ્વામી અટક ધરાવતા, આ વાંચીને કિરણ પર ઉકળી ઉઠ્યા. અમારાવાળાને મારી નાંખ્યા છે એટલે જ તેં આવું લખ્યું છે, એમ કહ્યું. કિરણ એના લખાણમાં સાધુઓની જઘન્ય હત્યાઓથી ઉકળી જનારાઓને પુલવામામાં લશ્કરી જવાનોની શહાદત યાદ કરાવે છે, એવું ઝીણું વાંચવાનો કોઈ મતલબ નહોતો. દલિત કિરણના બિનદલિત મિત્રની લાગણી શું દુભાઈએ કે તેણે અને તેના મિત્રોએ કિરણને ધમકીઓ આપવા માંડી. એ ધમકીઓ હદ વટાવી ગઈ અને તેનાથી ડરી ગયેલા કિરણે બીજા દિવસે ગળે ફાંસો ખાઈ લીધો.

દેશમાં દર અઢારમી મિનિટે દલિત અત્યાચારનો એક બનાવ બને છે. દરરોજ બે દલિતોની હત્યા થાય છે. ત્રણ દલિત મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. અગિયાર દલિતોની મારઝૂડ થાય છે. દર પાંચ દિવસે એક ગટર કામદારનું મોત થાય છે. આ બધું નેશનલ લૉક ડાઉનમાં પણ વણથંભ્યું ચાલુ રહ્યું છે. અત્યાચારનાં પ્રકાર, સ્વરૂપ બદલાયાં છે અને ક્રૂરતા વધી છે. દલિત અત્યાચારોનું સૌથી મોટું ધામ ઉત્તર ભારત અને તેનું પ્રમુખ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. યોગીના યુ.પી.ના મુરાદાબાદ નજીકના રામપુર ગામે દલિત યુવાન કુંવરપાલ સેનેટાઈઝેશનનું કામ કરતો હતો. ખભે ભરાવેલા મશીન સાથે તે ગામની બિનદલિત વસ્તીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો. અજાણતાં તેના કેટલાક છાંટા ઠાકુર ઘરમાલિક પર પડ્યા. નીચ જાતની આ ઔકાતથી ઉકળી ઉઠેલા ચાર ઠાકુરોએ પહેલાં દલિત યુવાનના મોં પર જંતુનાશક દવા નાંખી દીધી અને પછી તેના મોંમાં રેડી દીધી. તેથી આ યુવાન બેભાન થઈ ગયો અને મરણ પામ્યો. દલિત યુવાનની હત્યાનું આ કૃત્ય બી.જે.પી. સરકાર માટે ન તો કોરોના ફેલાવનારા જમાતીઓ માટે વપરાતા નેશનલ સિક્યુરીટી એક્ટના ભંગ જેવું હતું કે ન તો દલિત યુવાન કોરોના વૉરિયર ગણાયો હશે !

લૉક ડાઉન દરમિયાન સફાઈ કામદારોના ક્યાંક વધામણાં થયાં છે, તો ક્યાંક રૂપિયાના હાર પહેરાવાયા છે. પણ તેથી તેમના માથે મરાયેલા આ જન્મઆધારિત કામથી ન તો એમનો છૂટકારો થવાનો છે કે ન તો એમના કામનું મહત્ત્વ સમજાવાનું છે. લૉક ડાઉન દરમિયાન સફાઈ કરવા નીકળેલા દલિતો પોલીસના મારનો ભોગ બન્યા હોવાના સંખ્યાબંધ બનાવો બન્યા છે. હૉસ્પિટલોમાં કોરોના-સંક્રમિતના સંપર્કમાં સૌથી વધુ દલિત સફાઈ કામદારો આવે છે, પણ સુરક્ષા ઉપકરણો તેમને મળતા જ નથી, મોડાં મળે છે, અધૂરાં મળે છે કે તે મેળવવા તેમણે આંદોલનો કરવાં પડ્યાં છે. મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના ગાંધીનગર ખાતે રસ્તાની સફાઈ કરી રહેલા દલિત સફાઈ કામદારને સામાન્ય વાંકમાં કુહાડીથી મારી નાંખવામાં આવ્યો છે. કોરોના સામેની લડાઈમાં કૉન્ગ્રેસ રાજવટ હેઠળના રાજસ્થાનના ભીલવાડા મૉડેલનાં બહુ ગુણગાન ગવાય છે. વૉટ્સએપ યુનિવર્સિટીમાં ઘણા દલિત બહાદુરો હાલમાં ભીલવાડામાં કાર્યરત અને થોડાં વરસો પહેલાં યુ.પી.એસ.સી.માં પ્રથમ આવેલાં દલિત મહિલા આઈ.એ.એસ. ટીના ડાબી પર ભીલવાડા મૉડેલની સફળતા માટે ઓળઘોળ છે. ભીલવાડા મૉડેલની સફળતામાં લોકો પર અત્યાચારની કક્ષાની કડકાઈ આચરાઈ હોવાનું કહેવાય છે, તેની ચર્ચા તો નથી જ થતી. ઉપરાંત, વૉટ્સએપિયા દલિત બહાદુરો પણ ભીલવાડામાં કાર્યરત ૩૦૦ દલિત સફાઈકર્મીઓ વિશે ભાગ્યે જ કશું જાણે છે કે બોલે છે. ભીલવાડામાં સૌથી વધુ ભોગ તો આ સફાઈકર્મીઓએ આપ્યો છે, પણ સઘળા શ્રેયનાં હકદાર તો આઈ.એ.એસ. ટીના ડાબી ગણાય છે !

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના એક ગામે શાળાના ઓરડામાં પાંચ લોકો માટે ક્વૉરન્ટીન સેન્ટર બનાવાયું હતું. રસોઈયા ન મળતાં તેમના માટે ગામના દલિત મહિલા સરપંચ લીલાવતીદેવી જાતે રસોઈ બનાવતાં હતાં. પરંતુ બે સંક્રમિતોએ દલિતના હાથે બનાવેલી રસોઈ ખાવાનો ધરાર ઈન્કાર કર્યો. સ્થળાંતરિત દલિત કામદારોનાં દુ:ખ વર્ણવવા તો મહાભારતનો પટ નાનો પડે તેમ છે. બિહારના દલિત મજૂરો પરપ્રાંતમાંથી પોતાના ગામ પહોંચ્યાં, તો તેમનાં ગંદા કપડાં અને દીદાર જોઈને જ તેમને કશી તપાસ વિના અલગ રાખી દીધાં. ૩૫ વરસના છાબુ મંડલે ગરીબી અને ભૂખમરાથી હરિયાણાના ગુડગાંવમાં આત્મહત્યા કરી હતી. ચેન્નઈમાં બે વરસથી સાઈકલ પર કુલ્ફી વેચતા યુ.પી.ના ઉન્નાવ જિલ્લાના પુરવા ગામના ચાર દલિત યુવાનો ૧૬ દિવસ સાઈકલ ચલાવીને ઘરે પહોંચ્યા હતા. સહરાનપુર જિલ્લાના એક ગામે ૪૪ વરસનાં દલિત મહિલાએ રાશનમાલિક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો એમની પિટાઈ કરવામાં આવી. કર્ણાટકના બેંગલુરુના કેઆરપુરમ ખાતે રાહતસામગ્રીનું વાહન બિનદલિત રાધાકૃષ્ણન રેડ્ડીના ઘર પાસે ઊભું રાખ્યું એટલે દલિતોને માર પડ્યો. આંધ્ર પ્રદેશના વિજયવાડાના એક પહાડી ગામ પર રહેતાં ને કચરો વીણવાનું કામ કરતાં ૫૭ દલિત પરિવારોને, તે કોરોના ફેલાવી દેશે એમ કહીને લૉક ડાઉનમાં પહાડ પરથી નીચે ઊતરવા દેવાતાં નથી. પહેલાં એમને છેટાં ચાલવું પડતું હતું. હવે સાવ આઘા જ રહેવું પડે છે.

ઝારખંડમાં છેલ્લા ત્રણ વરસમાં ભૂખમરાથી ૮૬ મોત થયાં છે. તેમાં ૨૬ ટકા દલિતો હતા. કોરોનાકાળમાં બોકારો જિલ્લાના સિંહપુર ગામના ભૂખલ ઘાસીનું ભૂખમરાથી મોત થયું હતું. યુ,પી.ના ભદોહી જિલ્લાના જહાંગીરાબાદનાં એક દલિત મહિલાએ ગરીબી અને ભૂખથી હારીને પોતાનાં પાંચ બાળકોને ગંગામાં વહાવી દીધાં હતાં. બિહારના બકસર જિલ્લાના દલિતોએ ૧૭ દિવસો સુધી રાશનની રાહ જોઈ. અંતે હારીથાકીને તેમણે કલેકટર ઓફિસને ઘેરી લીધી. સુશાસનબાબુની સરકાર માઈબાપ તો ય કંઈ ન કરી શકી એટલે રેડ ક્રૉસે તેમના ખાવાની વ્યવસ્થા કરી. બિહારના જમુઈ જિલ્લાના કરૌના ગામના ૩૫૦ મુસહર પરિવારના ભૂખમરાના સમાચાર દૈનિક હિંદુસ્તાનના ઘંટી બજાવો અભિયાનમાં છપાયા. એટલે શ્યામ રાની સતી ટ્રસ્ટની મદદ મળી. યુ.પી.ના ફરુખાબાદના દિહાડી મજૂર ચુનીલાલે, પત્ની અને બે બાળકોની ભૂખ જોવાતી નહોતી. એટલે, ઝાડ પર લટકી જઈને જીવન ટૂંકાવી દીધું. દેશ આખામાં દલિત બહુજનોની પીડાનું આભ ફાટ્યું છે અને તેને થીગડું દેવાને બદલે તેમની પીડામાં વધારો કરાઈ રહ્યો છે.

સરકારી યોજનાઓનો કેવો લાભ દલિતોને મળે છે, તેનો પરચો પણ તાળાબંધીના દિવસોમાં મળ્યો. મમતાદીદીના બંગાળમાં ઘણા દલિતોને મફત સરકારી રાશન નથી મળી રહ્યું. કેમ કે તેમનાં રાશન કાર્ડ શાહુકારોના ત્યાં ગીરવે મૂકાયેલાં છે. યુ.પી.માં જનધન ખાતામાં જમા થયેલા પૈસા ઉપાડવા ગયેલાં દલિત મહિલાઓને ‘તમે દલિત જેવાં લાગતાં નથી’ એમ કહેવાયું છે. ઉ.પ્ર.ના લલિતપુર જિલ્લાના જાખલૌન થાણાના એક ગામે રાશન લેવા ગયેલી દલિત સગીરા પર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાના રામપુર અને નદૈઈપંચારન ગામના દલિતોનાં અનુક્રમે ૩૪ અને ૩૨ ઘર આગને કારણે સળગીને રાખ થઈ ગયાં. આગનું કારણ ગૅસ લીકેજ જણાવાયું છે. પ્રધાનમંત્રીને તેમની માતાઓ-બહેનોની આંખમાં જતો ધુમાડો દેખાયો એટલે એમણે ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ગૅસ કનેકશન અને સિલિન્ડર આપ્યાં. પણ એમનાં કાચાં ઘર તો ૨૦૨૪માં પાકા થવાનાં હતાં. એટલે ઉજ્જ્વલાનો લીકેજ ગેસનો બાટલો તેમના ઘાસફુસનાં ઘર સળગાવી ગયો. કોરોનાકાળ પૂર્વે ભારતમાં સી.એ.એ. અને એન.આર.સી.ની ચર્ચા હતી. નાગરિકતા કાયદામાં સુધારાથી પાકિસ્તાનથી ભારત આવી વસેલા દલિત હિંદુ શરણાર્થીઓને નાગરિકતા મળવાની છે, તે વાત વારંવાર કહેવાતી હતી. પરંતુ કાયદા છતાં કોઈ નાગરિકતા મળી નથી. એટલે આ દલિત શરણાર્થીઓને કોઈ સરકારી યોજનાનો લાભ ન મળતાં કોરોનાના સંકટકાળમાં તેમની સ્થિતિ કફોડી છે. એકલા રાજસ્થાનમાં જ આવાં છ હજાર પરિવાર છે. ‘સીમાંત લોક સંગઠન’ સંસ્થાની રજૂઆતો પછી લૉક ડાઉનના વીસમા દિવસે આ પરિવારો રાશન મેળવી શક્યાં છે.

રાષ્ટ્રવ્યાપી તાળાબંધીની સૌથી ખરાબ અસર સ્ત્રીઓ પર થઈ છે. તો પછી દલિતથી અદકી દલિત એવી દલિત સ્ત્રીની હાલત વિશે તો કહેવું જ શું? દેશની પ્રખ્યાત ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ), દિલ્હીના રેસિડન્ટ ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમની રજૂઆત કોરોના સંદર્ભે નહીં, પણ એઈમ્સનાં એક દલિત મહિલા ડૉક્ટરે આ દિવસોમાં કરેલા આત્મહત્યાના પ્રયાસ અંગે હતી ! લૉક ડાઉનના આ દિવસોમાં ડૉક્ટરની આટલી બધી જવાબદારી અને જરૂર હોય ત્યારે જાતિ અને લિંગ આધારિત ભેદભાવથી ત્રસ્ત દલિત મહિલા તબીબને ન્યાય અપાવવા વિનંતી કરવી પડે તે બાબત જ અસામાન્ય છે. જો દલિત મહિલા તબીબની દેશની રાજધાનીમાં આ હાલત હોય, તો સામાન્ય દલિત સ્ત્રીની હાલત વિશે તો કહેવું જ શું?

મૂળે યુ.પી.ના ગાઝિયાબાદનાં હરિયાણા કેડરનાં દલિત આઈ.એ.એસ. અધિકારી રાની નાગરે પણ ઉચ્ચ અધિકારીના ઉત્પીડનથી કંટાળીને લૉક ડાઉન પછી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. યુ.પી.ના સંગ્રામગઢ થાણાના સુરૈની ગામે દલિત રામકિશન સરોજના ઘર પાસે બેસીને કેટલાંક માથાભારે તત્ત્વો દારૂ પી સ્ત્રીઓની છેડતી કરતાં હતાં. તેમને ટોક્યાં તો ઝઘડો કર્યો. દલિતો સવારે પોલીસમાં ફરિયાદ કરવા નીકળ્યા તો તેમને રસ્તામાં રોકી તલવાર અને ચાકુથી હુમલો કર્યો. તેમાં ત્રણ મહિલા સહિત આઠ લોકો ઘાયલ થયાં. સ્મૃતિ ઈરાનીના મતવિસ્તાર અમેઠીમાં ૧૧ વરસની સગીર બાળા પર અને સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીમાં દલિત મહિલા પર ગેંગરેપ થયો. ઝારખંડના તિસરી ગામે, ઉ.પ્ર.ના ગૌંડા જિલ્લાના તરલગંજ ગામે મહુડાં વીણવાં ગયેલી બે દલિત કિશોરીઓ પર બળાત્કાર થયો, કર્ણાટકના બાદામી તાલુકાના હલદુર ગામે કહેવાતી ઊંચી જાતિના લોકો મોબાઈલથી દલિત છોકરીઓના ફોટા પાડી સોશિયલ મીડિયા પર મૂકતા હતા. તેનો દલિતોએ વિરોધ કર્યો તો બાળકો અને મહિલાઓ સહિત નવ દલિતો પર હુમલો કર્યો. બિહારના ભોજપુર જિલ્લાના સારા ગામે મુસહર વસ્તીમાં સ્ત્રીઓની છેડતી કરવા આવેલા દબંગોને રોક્યા, તો રાત્રે આવી મુસહરો પર ગોળીઓ ચલાવી. તેમાં એક વરસની દલિત બાળકી સહિત ૧૦ લોકો ઘવાયાં. રાજસ્થાનના ટોંક ખાતે ખેતરે ભાતું આપવા જતી દલિત યુવતીની એકલતાનો લાભ લઈ બળાત્કાર કર્યો. યુવતીએ પ્રતિકાર કર્યો તો મારીને તેની લાશ બાજુના નાળામાં ફેંકી દીધી.

આ તો પોલીસમાં નોંધાયેલા કે છાપે ચડેલા બનાવો છે. ઘરની કે સ્ત્રીની આબરૂ જવાની બીકે ચૂપ રહેવાને કારણે અનેક બનાવો વણનોંધ્યા રહે છે.

સામાન્ય દિવસોમાં થતું દલિત ઉત્પીડન કોરોનાકાળમાં પણ યથાવત્ છે. હોળી મનાવતા દલિતો પર દાઝ રાખીને યુ.પી.ના બાગપત જિલ્લાના હરચંદપુર ગામના દલિત યુવાનને તે ઈંટભઠ્ઠે બેઠો હતો ત્યારે ગોળી મારી દીધી. રિઠારી ગામે ઘરના દરવાજે ઊભેલા દલિત પર ટ્રૅકટરમાં ભરેલું ભૂંસુ નાંખ્યું, આમ કરનાર ઠાકુરોને ટોક્યા, તો દલિતોને માર માર્યો. કુશીનગર જિલ્લાના ભઈહી ગામે ખેતર પર ઊભો પાક જોવા ગયેલા દલિત વિદ્યાસાગરે પોતાના ખેતરમાં ગામના બિનદલિતને ખૂંટ લગાવતા જોયા. એટલે તેને ફાળ પડી. દબંગોએ ‘આ જમીન અમારી છે’ એમ કહી જમીન ખાલી કરવાની ધમકી આપી તેને માર માર્યો. મેરઠમાં એક દલિતની બંધ દુકાને બીડીબાકસ માગ્યા, ના પાડી તો આખા દલિત કુંટુંબને માર માર્યું અને તેમના મોં પર થૂક્યા. આઝમગઢ જિલ્લાના ગરેરુ ગામના દલિત યુવાન અંકુરને ઠાકુરો ઘરેથી કામ માટે લઈ ગયા. મોડી રાત સુધી તે ઘરે ન આવ્યો એટલે કુંટુબીજનો ચિંતામાં હતાં. મોડી રાત્રે બે વાગે ઠાકુરો મોટરસાઈકલ પર તેની લાશ ઘરે નાખી ગયા. ‘જો કોઈને કંઈ કહેશો તો બાકીનાની દશા પણ આવી કરીશું’ એવી ધમકી પણ આપી. લલિતપુર જિલ્લાના ગેવરાગુંદેરા ગામે દલિત યુવકને જૂના ઝઘડામાં ટ્રૅકટરથી કચડવાનો અને ઘર તોડી નાંખવાનો પ્રયાસ થયો. ઉન્નાવના મનિકપુર ગામે દબંગોએ દલિતોને ઘરમાં ઘૂસી માર્યા. ચંદોલી જિલ્લાના મહડઓહ ગામે સંત રૈદાસની પ્રતિમા ખંડિત કરી.

બિહારના ચંપારણ નજીકના ભૈસાહી ગામના ૨૫ વરસના સુનીલ રામ નામક દલિત યુવાનના મોં પર  સિગરેટનો ધુમાડો છોડ્યો. ‘વગર વાંકે આમ શું કામ કરો છો?’ એમ પૂછ્યું, તો ફરસી અને બંદૂકથી હુમલો કરી ઘાયલ કર્યા. મગધ જિલ્લાના પથરી ગામે મજૂરીના પૈસા માગતા દલિત કુટુંબને ઢોરમાર મારી માથામાં ગંભીર ઈજાઓ કરી. નવાદા જિલ્લાના વારિસ અલીગંજ ગામે ક્રિકેટ રમવાના ઝઘડામાં દલિતો પર ગોળીબાર કર્યો. ૫૫ વરસના મદન રવિદાસનું ગોળી વાગતાં મૃત્યુ થયું. રાજસ્થાનના જોધપુરના પોતાનીવાસની ગામે જમીનના વિવાદમાં ડુંગરરામ મેઘવાલની હત્યા કરવામાં આવી. મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના ફતેહપુર ગામે ૩૬૧ ઘર વચ્ચે પાણીનો એક જ હૅન્ડ પંપ છે. ત્યાંથી મદન વાલ્મીકિનાં પત્ની પાણી ભરતાં હતાં. તેના છાંટા બિનદલિત ફૉરેસ્ટર પર પડ્યા, તેનો ઝઘડો થયો. એટલે ફૉરેસ્ટર સાહેબે ગોળી મારીને દલિત મદન વાલ્મીકિને મારી નાખ્યો.

અનામત અને અત્યાચાર દલિત જીવન સાથે અવિનાભાવે જોડાયેલાં છે. લૉક ડાઉનમાં સર્વોચ્ચ અદાલતે અનામત અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોરોનાકાળ પૂર્વે બઢતીમાં અનામતની જોગવાઈ સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી હતી. હવે કોરોનાયુગમાં આંધ્ર-તેલગંણાના આદિવાસી વિસ્તારોમાં સો ટકા આદિવાસી શિક્ષકોની નિમણૂકને અદાલતે ગેરબંધારણીય ઠેરવી છે. ત્રણ જજોની બૅન્ચે અનામત નીતિની સમીક્ષા કરવાનું અને પછાત વર્ગોની જેમ દલિત-આદિવાસી અનામતમાં પણ ક્રિમી લેયર લાગુ પાડવા જણાવ્યું છે. અખબારી અહેવાલો પ્રમાણે તો સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશોએ અનામતની જોગવાઈ માત્ર દસ વરસ માટે જ હતી તે લંબાવાતી રહે છે અને સમીક્ષા થતી નથી તેમ પણ જણાવ્યું હતું. શિડ્યુલ્ડ વિસ્તારની શાળાઓના શિક્ષકોની ભરતીમાં સો ટકા અનામતની જોગવાઈ રાખવા બદલ તેમણે બંને રાજ્યોને પાંચ લાખનો દંડ પણ કર્યો છે. કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટે દલિત-આદિવાસી માટે આપેલો આ સૌથી આઘાતજનક ચુકાદો છે. શિક્ષણ અને નોકરીઓમાં અનામતની જોગવાઈ માટે કોઈ સમયમર્યાદા નથી અને પચાસ ટકા કરતાં વધુ અનામતનું પ્રમાણ હવે આર્થિક અનામતની જોગવાઈ પછી અર્થહીન છે, એ સાદું સત્ય અદાલત કેમ સમજી નથી? દેશમાં સૌથી પ્રથમ કોરોનામુક્ત થયેલા ગોવા રાજ્યની બી.જે.પી. સરકારના દલિત નાયબ મુખ્ય મંત્રી મનોહર અજગાંવકરે આ દિવસોમાં એ હકીકત તરફ ધ્યાન દોર્યું છે કે ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં દલિતો માટે માત્ર એક જ અનામત બેઠક છે અને શિક્ષણ તથા નોકરીઓમાં માત્ર બે ટકા અનામત છે. અજગાંવકરના કહેવા મુજબ, ખરેખર રાજ્યમાં દલિતોની વસ્તી ૧૮ છે. એટલે તેમણે નવા સર્વેની અને દલિતોની અનામતની ટકાવારી વસ્તીના ધોરણે નિર્ધારિત કરવાની માગણી કરી છે.

ગરીબી, અભાવ અને ભૂખમરાની સતત ફરિયાદો વચ્ચે દેશમાં ઠેર ઠેર ગરીબો માટે ખાવાની વ્યવસ્થા થયાના સમાચારો મળતા રહ્યા છે. લૉક ડાઉન દરમિયાન પણ દલિતો પર અત્યાચાર કરવામાં અત્યંત ક્રૂર ને ઘાતકી સમાજ કોરોનાસંકટમાં દલિતો સહિતના ગરીબોનાં જીવન બચાવવા રસોડાં ખોલતો હોય તે ન સમજાય તેવી બાબત છે. રાજ્યની કુલ વસ્તીમાં સૌથી વધુ દલિત વસ્તી ધરાવતું રાજ્ય પંજાબ છે. કોરોનાથી તે સૌથી વધુ પ્રભાવિત છે. પંજાબમાં માત્ર લૉક ડાઉન નથી દીર્ઘ સંચારબંધી છે. પંજાબની કુલ વસ્તીમાં ૩૨ ટકા દલિતો છે. કુલ વસ્તીમાં ૫૯.૯ ટકા શીખ અને ૩૯.૬ ટકા હિંદુ છે. રાજ્યમાં જાટ શીખોની વસ્તી તો ૨૫ ટકા જ છે, પરંતુ અર્થકારણ, રાજકારણ સહિતનાં તમામ ક્ષેત્રોમાં તેમનો દબદબો છે. દલિતો પાસે માંડ ૬.૦૨ ટકા જમીન છે અને ૬૧.૪ ટકા દલિતો ગરીબીની રેખા હેઠળ જીવે છે. “સરબત દા ભલા” એટલે કે સૌના કલ્યાણમાં માનતો, સમાનતાનો ગણાતો શીખ ધર્મ દલિતો પ્રત્યે ભારોભાર ભેદભાવ પાળે છે. પંજાબનાં મોટા ભાગનાં ગામડાંમાં દલિતોનાં ગુરુદ્વારા અને સ્મશાન અલગ છે. દલિતો જે ગુરુદ્વારામાં જઈ શકે, ત્યાં પણ લંગરમાં ખાઈ શકતા નથી. ગુરુદ્વારાના ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉપયોગમાં લેવાતાં વાસણોને સ્પર્શ કરી શકતા નથી.

કૂતરી વિયાય તો એના માટે ઘીનો શીરો બનાવતો કે વાહનમાં આપણે બેઠા હોઈએ ચલાવતું કોઈ બીજું હોય અને તેની અડફેટે કૂતરાનું બચ્ચું આવી જાય તો પણ અરેરાટી અનુભવતો દયાળુ સમાજ આપણે છીએ. સંકટમાં માણસની માણસાઈ ઉભરાઈ જાય છે. પંજાબમાં દલિતો પ્રત્યેનો ભારોભાર ભેદભાવ કોરોનાકાળમાં ઘણાં જિલ્લામાં ઓછો થઈ ગયાના અહેવાલ છે. રાજ્યના ફરીદકોટ, સંગરુર અને મનસા જિલ્લાઓમાં દલિતો પ્રત્યેનો ભેદભાવ કામચલાઉ ઘટ્યો છે. જાટ શીખોના ગુરુદ્વારામાંથી દલિતોના ઘરોમાં લંગર મોકલાય છે. દલિતોનું કહેવું છે કે જો જાટ શીખોએ આમ ન કર્યું હોત તો દલિતોને ભૂખે મરવું પડત. વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં લૉક ડાઉનના આંરભે જ મહાદલિત મુસહર બાળકો ઘાસ ખાઈને જીવતા હોવાના અહેવાલો આવ્યા હતા. પણ હવે વારાણસીની ‘અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ‘ નામક સંસ્થા રોજ દલિત મુસહરોને રસોઈ રાંધી ખવડાવે છે. વરુણા નદી પારના પાંડેયપુર ઈલાકાના કાલી મંદિરના સામુદાયિક રસોડેથી મુસહર દલિતોને પિરસાતી રસોઈમાં આઈ.ટી સી.નાં નૂડલ્સ, ટાટાની ટી, રિયલ ફ્રૂટ જ્યુસના ડબ્બા હોય છે ! આ રસોડાના સહઆયોજક અને ‘જનમિત્ર ન્યાસ’ સંસ્થાના લેનિન રઘુવંશી આ ઉપક્રમને ‘નવદલિત રસોઈ’ કહે છે. માઈક્રો માઈનોરિટીનો ખ્યાલ પ્રચલિત કરનાર લેનિન રઘુવંશીના મતે આ રસોડું માત્ર ધાર્મિક કે ધર્માદુ નથી. તે ચૅરિટી વિથ પોલિટિક્સ અર્થાત્ રાજનીતિ સાથે ધર્માદુ છે અને તેમની રાજનીતિ ક્ષમાયાચનાની છે. દલિતો પ્રત્યે આચરાતા ભેદભાવ બદલ ક્ષમાનો ભાવ અનુભવનારની આ રસોઈ છે.

‘કાસ્ટ મેટર્સ’ના લેખક સૂરજ યેંગડે માને છે કે, “કોરોના વાઈરસે ભારતમાં જાતિ અને વર્ગની અસમાનતાને વધુ મજબૂત કરી છે“. ઉત્તર ભારતમાં હવે શાક અને ફળ વેચતા ફેરિયાઓને ધર્મના ધોરણે વિભાજિત કરવામાં આવ્યા છે. મુસ્લિમ ફેરિયાઓનો હિંદુ વિસ્તારોમાં બહિષ્કાર કરવામાં આવે છે. બિહારના બેગુસરાઈનો એક દલિત શાકવાળો તેની લારી પર ભગવો ઝંડો લગાવીને શાક વેચે છે. તેનું કહેવું છે કે મારી ઓળખ આધારકાર્ડ નથી, ભગવો ઝંડો છે. જો કે તેનો દાવો છે કે તે હિંદુ અને મુસ્લિમ બેઉને શાક વેચે છે. ‘હા, હું હિંદુ છું અને ભગવો લહેરાવવાનો મને પણ હક છે’ એમ તે દૃઢપણે માને છે.

મુંબઈના આંબેડકર આવાસ રાજગૃહ પર એમના જન્મદિને કાળી ધજા ફરકે અને બેગુસરાઈનો ગરીબ દલિત શાકવાળો હિંદુ ઓળખ દર્શાવવા ભગવો ઝંડો લારી પર રાખીને શાક વેચે, એવા વિચિત્ર કોરોનાકાળમાં ભારતના દલિતો જીવે છે. બાબાસાહેબે બંધારણસભાના અંતિમ ભાષણમાં, સામાજિક અને આર્થિક સમાનતા નહીં હોય તો રાજકીય સમાનતાનો કશો અર્થ નથી, એમ કહેલું. બંધારણના સાત દાયકે કોરોનાકાળના દુ:ખભર્યા દિવસોમાં પણ બેસુમાર અત્યાચાર વેઠતા દલિતોને સામાજિક-આર્થિક સમાનતાની પ્રતીક્ષા જ કરવાની છે. કંવલ ભારતીથી અનિતા ભારતી સુધીના દલિત સર્જકો, સંશોધકો, અભ્યાસીઓ અને અધ્યાપકો લૉક ડાઉનને સુઅવસર ગણી સર્જન-સંશોધનમાં રત છે અને “બૌદ્ધિક સંપત્તિનું નિર્માણ” કરી રહ્યા છે ! માયાવતી, પાસવાન અને આઠવલે જેવાં દલિત રાજકારણીઓની આ દિવસમાં કશી ભાળ મળતી નથી કે તે લોકમોઝાર તો નથી જ નથી. કોરોનાકાળની તાળાબંધીને આભાસી સમાનતા મેળવી ચૂકેલા દલિતો સહિતના ભર્યા પેટવાળા અને સમૃદ્ધ લોકો માણે છે, બીજા કેટલાક તેને ભોગવે છે, પણ બહુમતી દલિતો તેને સહન કરે છે. કોરોનાકાળની દલિત દુનિયાનું કટુ વાસ્તવ આ છે.  

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 મે 2020

Loading

1 May 2020 admin
← इरफान का जाना
ચલ મન મુંબઈ નગરી —42 →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved