
ચંદુ મહેરિયા
૨૦૨૪ની લોકસભા ચૂંટણી ૭૪૩ રાજકીય પક્ષોએ લડી હતી. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૧૧ અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૫માં ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા( ECI) એ સતત છ વરસો સુધી ચૂંટણ્રી નહીં લડેલા ૩૩૩ પક્ષોની માન્યતા રદ્દ કર્યા પછી, હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (૨,૫૨૦) છે.
ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે : રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્યસ્તરીય પક્ષની માન્યતા નહીં ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોકપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની ધારા ૨૯(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેકશન કમિશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણી પંચની રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, ૨૦૧૯ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે, અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે, અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે.
૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ તથા ૨૦૧૪ પછી થયેલી ૨૧ વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ પરથી ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા.
હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પક્ષ (BSP), ભારતીય જનતા પાર્ટી (BJP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) CPI(M), ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ (INC) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) આ છ જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ૧૯૬૮ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં ૧૦મી એપ્રિલ ૨૦૨૩ના ચૂંટણી પંચના આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે. છ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂની કાઁગ્રેસની સ્થાપના ૧૮૮૫માં, સી.પી.આઈ.(એમ.)ની ૧૯૬૪માં, બી.જે.પી.ની ૧૯૮૦માં, બ.સ.પા.ની ૧૯૮૪માં, ‘આપ’ની ૨૦૧૨માં અને એન.પી.પી.ની ૨૦૧૩માં થઈ હતી. નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તરપૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એન.પી.પી. સ્થાપનાના માંડ એક જ દસકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યાં છે તે નોંધપાત્ર છે.
ઈલેકશન કમિશને મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ, શરદ પવારના એન.સી.પી. (નેશનાલિસ્ટ કાઁગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સી.પી.આઈ. (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો છે. સી.પી.આઈ.એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એન.સી.પી.એ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કાઁગ્રેસે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં રાજ્યસ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછા રાજ્યોમાં રાજ્યસ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં હોઈ તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એક સરખા ઈલેકશન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટાણી ચિહન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે. ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે. ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે.
ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૭૪૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જો કે દેશમાં આજે કુલ રાજકીય પક્ષો ૨,૫૨૦ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો ૮ હતા અને સૌથી ઓછા ૪ હતા. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ૮, ૧૯૯૮ની ૭, ૧૯૯૯ની ૭, ૨૦૧૪ની ૬, અને ૨૦૧૯ની ૭ રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં ૬ રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કાઁગ્રેસ લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોક્સભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સી.પી.આઈ.નું વિભાજન થતા ૧૯૬૪માં સી.પી.આઈ.(એમ.) બન્યો હતો. તો બેવડા સભ્ય પદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ૧૯૮૦માં થયો હતો.
આઝાદીથી આજ દિન સુધીમાં કાઁગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિંદુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સી.પી.આઈ.(એમ.), જનતા દળ, જનતા પાર્ટી, લોકદળ, ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ (તિવારી), સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ( યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી, તૃણમૂલ કાઁગ્રેસ, આમઆદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.
દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેકશન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેકશન પરફોરમન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે. એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

