ભારતનું સંવિધાન
આમુખ
અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ,
સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો
તથા તેના સર્વ નાગરિકોને :
સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય,
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા,
દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં
વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે
એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતા પૂર્વક સંકલ્પ કરીને
અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના
રોજ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી
અમને પોતાને સમર્પિત કરીએ છીએ.
ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું તેની આજ 76મી વર્ષગાંઠ.
બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતનું સંવિધાન ઘડાઈ ગયું એ એક અનોખી સિદ્ધિ ગણી શકાય. સ્વતંત્ર ભારતના નાગરિકો પોતે તેની સંરચના કરીને પોતાને સમર્પિત કરે છે એ શબ્દો અત્યંત સૂચક છે. પ્રજા પોતાને કયા અધિકારો મળશે તેની જાહેરાત કરે છે અને તેમાં સર્વની ફરજો પણ નિહિત છે. આવો, આજે એ સંવિધાનમાં ભારતીય નાગરિકોને આપેલા કોલનો અમલ કેટલે અંશે પાળવામાં આવ્યો છે તેની છણાવટ કરીએ. (મહત્ત્વના શબ્દો હાઈલાઈટ કરેલ છે.)
ભારત વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવીને સાર્વભૌમ દેશ બને એ ધ્યેય હતું. એટલે કે દેશને પોતાની નિશ્ચિત સીમારેખા હોય, પ્રજાએ ચૂંટેલી પોતાની સરકાર હોય અને અન્ય દેશો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા મુખત્યાર હોય તે સાર્વભૌમ લોકતંત્ર કહી શકાય. દેશની સીમાની અંદર વસતા બધા નાગરિકો પર સરકારનું આધિપત્ય હોય એ સ્વીકાર્ય હતું, પરંતુ લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા હોવાને કારણે શાસકો સરમુખત્યારી ન અપનાવી શકે એવું તેમાં અભિપ્રેત જરૂર હતું. ભારતની સીમા ખરેખર સુરક્ષિત છે? અન્ય દેશ ભારત પર ચડાઈ કરીને વહીવટ હાથમાં લઈ લે તેને જ ગુલામી ગણાવી શકાય એ ખરું, પરંતુ પડોશી દેશો સાથે સતત સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહે, પોતાના કબજાના પ્રદેશો ધીમે ધીમે બીજા દેશના હાથમાં સરતા જાય અને એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અસમર્થતાને કારણે છેવટ એ પ્રદેશની પ્રજાને દાયકાઓ સુધી અસલામતી અને અવગણનાનો ભોગ બનવું પડે તો ભારતની સરકાર સ્વતંત્ર કહી શકાય, પણ તેની સરહદ પર વસતી પ્રજા સાર્વભૌમ હોવાનો દાવો માંડી શકે ખરી?
આઝાદી મળ્યા બાદ દેશનું સામાજિક બંધારણ સમાજવાદી સમાજ રચના ધરાવતું હોય એ દેશના ઘડવૈયાઓની નેમ હતી. ભારત લશ્કરી શાસન, સરમુખત્યારી કે સામ્યવાદી રાજ્યવ્યવસ્થાને નથી અનુસર્યું એ માટે જરૂર ગૌરવ લઇ શકે. આપણે આઝાદી મેળવતાં જ સમાજવાદી સમાજ રચના રચવાના શપથ લીધેલા. એનો અર્થ એ કે દેશના તમામ ઉત્પાદન અને વેચાણ પર પ્રજાની માલિકી રહે જેથી મિલકતની સમાન વહેંચણી થાય અને તો જ સમાજવાદી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર થાય. આપણે સંવિધાનમાં એ કલમ લખી ખરી, પણ ‘90ના દાયકા પછી મુક્ત બજારની નીતિ અપનાવી એની સાથે જ મોટા ભાગના ઉદ્યોગો અને વ્યાપાર મુઠ્ઠીભર ધનપતિઓના હાથમાં કેન્દ્રિત થઇ ગયા, પ્રજા તેમની હમાલી કરનાર બની ગઈ અને ગરીબ-તવંગરની ખાઈ કદી નહોતી એટલી પહોળી અને ઊંડી થઈ ગઈ. એટલું જ નહીં, ‘ગ્લોબલ ટ્રેડ’ના ઓઠા હેઠળ આજે તો વિદેશી કંપનીઓ ભારતના ખૂણે ખૂણે અડ્ડો જમાવી બેઠી છે. આજનું ભારત મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સરમુખત્યારી શાસનવ્યવસ્થા ધરાવનારો દેશ છે એમ કહેવું વધુ ઉચિત થશે.
વિદેશી શાસન આવ્યું તે પહેલાં ભારતવર્ષ બિનસાંપ્રદાયિક હતું તેમાં જરા પણ શક નથી. સ્વતંત્રતા મળી ત્યારે વિભાજન થયું. પાકિસ્તાને ધર્મને પ્રાધાન્ય આપીને પોતાની ઓળખ ઊભી કરી. જ્યારે ભારત પહેલેથી જ પોતાને બિનસાંપ્રદાયિક વિચારધારા અપનાવનાર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું. સંવિધાનના આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ તેની રચના સમયે હતો તેનાથી વધુ આજે અનેકગણો ચર્ચાસ્પદ થઈ ગયો જણાય છે. બિનસાંપ્રદાયિક દેશની સરકાર તો પોતાના દેશમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ ધર્મની ન તો તરફદારી કરે કે ન તો તેનો વિરોધ કરે. સરકારને કોઈ ધર્મ ન હોય, દરેક ધર્મના અનુયાયીઓ પ્રત્યે સમાન વલણ દાખવે અને સરકારી સંગઠનો ધાર્મિક ગઠબંધનોથી અલગ રહીને વહીવટ કરે તેને જ બિનસાંપ્રદાયિક તંત્ર વાળો દેશ કહી શકાય. છેલ્લા ત્રણેક દાયકાથી સંવિધાનની આ કલમનું પદ્ધતિસર અવમૂલ્યન થતું રહ્યું અને આજે દુનિયા ભારતને હિંદુત્વવાદી, જમણેરી વિચારધારા ધરાવતા દેશ તરીકે ઓળખવા લાગી છે. રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ પદાધિકારીઓ ધાર્મિક અનુષ્ઠાનોમાં એટલા વ્યસ્ત રહે છે કે અનુશાસન અને વહીવટ પાતાળમાં દટાઈ ગયા જણાય છે. કાયદો અને ન્યાય વ્યવસ્થા જ જો સંપ્રદાયિકતાથી ગ્રસ્ત હોય તો નાગરિકોને તટસ્થ ન્યાય મળે એવી સંભાવના જ ક્યાં રહી? આપણે સંવિધાનમાંથી બિનસાંપ્રદાયિક શબ્દ હઠાવી લઈએ તો કમ સે કમ સાચું બોલવાનું શ્રેય તો મળે.
બ્રિટિશ સામ્રાજ્ય આમ તો લોકશાહી શાસન પદ્ધતિને અનુસરતું હતું. પરંતુ ભારતના નાગરિકોને બ્રિટિશ પ્રજા જેવા અધિકારો નહોતા. આથી જ આઝાદી મળતાની સાથે કઈ રાજ્ય પદ્ધતિ સ્વીકારવી છે એ નિર્ણય લેવો અત્યંત આવશ્યક હતો. પ્રથમ મંત્રીમંડળની પસંદગી સહેજે ભારતને લોકતંત્રાત્મક/પ્રજાસત્તાક રાજનીતિ અપનાવવા તરફ દોરી ગઈ. લોકતંત્રને તથા પ્રજાસત્તાક શાસકીય પદ્ધતિને વરેલ દેશની સરકાર તેના નાગરિકો દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટાઈને રાજ્ય કરે છે. પ્રજાને કેવી શાસન નીતિ હિતકારક લાગે છે એ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર હોય. શરૂઆતના પાંચેક દાયકા આપણે એ દિશામાં ધીમા, પણ મક્કમ પગલે ડગ ભર્યા. છેલ્લા દોઢેક દાયકાથી ચૂંટણી એક ફારસ બની ગઈ છે. રસ્તો વાળનાર કર્મચારી અને રીક્ષા ચાલક પણ કહે છે કે અમે હવે મત નથી આપતા, કેમ કે કાઁગ્રેસને કે આમ આદમી પાર્ટીને મત આપો તો પણ એ મત તો ભા.જ.પ.ના થેલામાં જ જાય છે. હાલમાં એવી સ્થિતિ થઇ ગઈ છે કે દરેક જાગૃત નાગરિક પ્રવર્તમાન સરકારી તંત્રથી વાજ આવી ગઈ છે, પણ તેમની પાસે બીજા પક્ષને પસંદ કરવાનો વિકલ્પ નથી રહ્યો. લોકતંત્રને નામે સરમુખત્યારી શાસનમાં જીવનાર પ્રજા ક્યાં સુધી પોતાનું હીર જાળવી શકશે?
સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય કોઈ પણ દેશના નાગરિકોની સુખાકારી અને પ્રગતિનો માપદંડ છે. દરેક નાગરિકના માનવ અધિકારની સુરક્ષાની જાળવણીનો કોલ આપણા સંવિધાનમાં અપાયો છે. એનો અર્થ એ કે આઝાદ ભારતમાં દરેક નાગરિકને જીવન જીવવા માટે જરૂરી તમામ તકો અને અધિકારોની સમાન વહેંચણી થાય, જે સામાજિક ન્યાય સુરક્ષિત કરે. આર્થિક ન્યાય અંતર્ગત આજીવિકા માટેના હરેક સ્રોત કોઈ પણ પ્રકારના ભેદ વિના સહુને પ્રાપ્ત હોય અને દરેક સાથે વ્યાજબી વ્યવહાર કરવામાં આવે. એ જ રીતે દરેક નાગરિકને તેની ગુણવત્તા અને વિશેષજ્ઞતાને આધારે રાજકારણમાં ભાગીદાર થવાની તક મળે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. થયું એવું કે રાજાશાહીની માફક વંશ પરંપરાગત સત્તા ભોગવવાનું ચાલુ રહ્યું અને એ યુગ ખતમ થતાં જેનો દલ્લો ભારે હોય અથવા જેને કરોડાધિપતિઓ સાથે દિલી ભાઈબંધી હોય એ રાજકારણમાં પ્રવેશી શકે એવો ખેલ શરૂ થયો. ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્ર સરકારના મંત્રી મંડળના પદાધિકારી થવા માટે કુશળ વહીવટકર્તા હોવાની કે અર્થકારણ, કાયદાશાસ્ત્ર, ઇતિહાસ કે અન્ય કોઈ ક્ષેત્રમાં પારંગત હોવાની આવશ્યકતા નથી. બસ, ચૂંટણી પ્રચાર માટે કોઈ ઉદ્યોગપતિની ઉદાર સખાવત હોય અને જીત્યા પછી હા એ હા કરનારની ફોજ હોય, તો પાંચ વર્ષમાં લૂંટાય તેટલી મિલકત લૂંટીને માલામાલ થઈ જઈએ એટલે દેશ સેવા કરી કહેવાય! સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પરસ્પર સાથે સંકળાયેલા છે. એ ત્રણેય પ્રકારના ન્યાય જો પ્રજાને ઉપલબ્ધ ન હોય તો સમાજમાં સપ્રમાણ ન્યાય વિતરણ થાય છે એવો દાવો કેમ કરી શકાય? અને તે વિના સામાજિક સમાનતા ક્યાંથી સ્થાપી શકાય? જો કે રાજકારણીઓ દાવો કરે છે કે તેઓ ન્યાયી અને સમાન સમાજ સ્થાપવા સતત પ્રયત્નશીલ છે અને આજે ભારતને દુનિયામાં આર્થિક મહાસત્તાનું પદ મળ્યું છે તેથી પ્રજા સુખી જ હોવી જોઈએ. જો આ નેતાઓ જેને પાંચ કિલો અનાજ કે ગેસનું સિલિન્ડર આપવામાં આવે છે તેની પાસે પગપાળા ચાલીને જાય અને તેના ઘરમાં મહિનો માસ રહે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે.
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા ભોગવવાનો હક દરેક નાગરિકને રહેશે તે પણ આપણા સંવિધાનમાં નિવેદિત હતું. બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરવાની માફક ભારતીય નાગરિકને પોતાના વિચારો અને માન્યતાઓ વ્યક્ત કરવાનો, પોતાના ધર્મને અનુસરવાનો, ઉપાસના અને તહેવારોની ઉજવણી કરવાની સ્વતંત્રતા છે એમ કહેવું તે વિધાન પણ પોકળ જ ગણાશે. જે રાજસત્તા પ્રજાહિત વિરુદ્ધ શાસન કરે તેને પ્રજા તરફથી વિરોધ થવાનો ભય બહુ સતાવે, અને તેથી જ એવી સરકાર આ તમામ પ્રકારની સ્વતંત્રતા ઉપર સજ્જડ પાબંદી મૂકતી હોય છે. ભારતની પ્રજાને તો આવો અનુભવ ઓગણીસમી અને વીસમી સદીમાં થઇ જ ગયેલો. ફરક એ છે કે પેલી વિદેશી સત્તા હતી, હવે ‘પોતાના નેતાઓની સરકાર’ તરફથી લાદવામાં આવતા પ્રતિબંધો પણ લોકશાહીનું ગળું ટૂંપવા બેઠા છે. જો લોકો મૌન રહીને સહન કરશે તો ગુલામી વેઠવા જ વારો આવશે. આ તમામ પ્રકારની સ્વતંત્રતા ભારતના સંવિધાન તેમ જ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ’ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. સવાલ એ છે કે સાંપ્રત સરકાર આ કલમને કેટલે અંશે અનુસરે છે.
એ જ રીતે દરેક નાગરિકને દરજ્જા અને વિકાસની તકની સમાનતા જાતિ, લિંગ, જ્ઞાતિ કે ધર્મના ભેદ વગર મળે તેવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આજે ભારતનો સમાજ આ તમામ પાસાઓમાં વિભાજીત થયેલો છે જે હિંસાત્મક વાતાવરણને પોષે છે.
- દેશમાં એકતા અને અખંડિતતા સંગઠિત કરે તેવી બંધુતા સ્થાપવી અને જાળવવી એ આપણું અંતિમ ધ્યેય હતું. હવે ભાતૃભાવ અને એકત્વની ભાવનાની પહેલી શરત જ એ છે કે માનવ માનવ વચ્ચે માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ તાદાત્મ્ય સધાયું હોય, સમાન ધ્યેયને સાધવા સહકાર અને એકબીજાને મદદરૂપ થવાનું ચલણ હોય. આજે સામાન્ય પ્રજાજન હજુ એટલો જ સહકારથી હળીમળીને રહે છે. મુશ્કેલી ઊભી થાય છે, રાજકારણીઓ દ્વારા ઉશ્કેરાઈને તોફાની તત્ત્વો દ્વારા ઊભી કરાતી દીવાલોથી. દેશના સમગ્ર પ્રજા સમૂહો વચ્ચે આવી ભાવના પ્રવર્તતી હોય તો જ એકતા જળવાઈ રહે. આજે પોણી સદી વટાવ્યા પછી આપણે કહી શકીશું કે ભારત એક, અખંડિત રાષ્ટ્ર છે અને તેના દરેક નાગરિકો વચ્ચે સમાનતા, બંધુતા અને અને બિનશરતી પ્રેમની લાગણી પ્રવર્તે છે?
- ભારતના સંવિધાનનું આમુખ વાંચીને આજની સ્થિતિનું પરીક્ષણ કરવાથી પ્રતીત થાય છે કે જાણે એ બંધારણના આગલા પાછલા પૃષ્ઠોને જાળવીને તેની અંદરના પાનાઓમાં લખેલી મહત્ત્વની કલમોને મારી મચડીને પાંગળી બનાવી દેવામાં આવી છે. એટલે જ હવે ભારત નામનું લોકશાહી રાષ્ટ્ર બની રહ્યું છે. કેટલાક લોકો આ દશા માટે માત્ર એક વ્યક્તિની સત્તા લાલસા કે શાસક પક્ષની વહીવટી બેજવાબદારીને જ કારણભૂત માને છે. જ્યારે મારુ માનવું એ છે કે એ જ સંવિધાનના છેલ્લા શબ્દોને ધ્યાનમાં લઈએ તો ભારતની પ્રજાએ જ સંવિધાનને અપનાવી, તેને અધિનિયમિત કરીને પોતાને સમર્પિત કરી છે. આથી હવે આમ પ્રજાએ જ સંવિધાનની દરેક કલમને અમલમાં મૂકે તેવા નાગરિકો ઘડવાનું અને તેમાંથી નિષ્ઠાવાન પ્રામાણિક વહીવટકર્તાઓ પેદા કરવાનું ભગીરથ કામ કરવાનું રહે છે. સમય ઓછો છે. ટૂંક સમયમાં આ લક્ષ્ય સિદ્ધ નહીં થાય તો શતમુખ વિનિપાત નિશ્ચિત સમજવો.
e.mail : 71abuch@gmail.com
![]()


