કોરોનાકાળમાં પક્ષપ્રમુખો અને ફૂલેકાં
વાતની શરૂઆત સુરતથી કરીએ તે ઠીક રહેશે. કોરોનાનો કેર જોતાં આજે સોમવાર[27 જુલાઈ]થી દસ દિવસ સુધી સુરત જતી જાહેર અને ખાનગી બસોને સત્તાવાર બંધી ફરમાવાઈ છે. આ એ જ સુરત છે જ્યાં હજુ બેત્રણ દિવસ પર નવનિયુક્ત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું ફૂલેકું — અને તે પણ સહસ્રાધિક કાર રેલીએ — ચડાવવાનું હતું. જેવી આ જાહેરાત આવી એની વાંસોવાંસ હાર્દિક પટેલના સમર્થકો પણ રેલી કાઢશે એવા સમાચાર આવ્યા. બને કે સી.આર. માટેનું આયોજન રદ કરવાનું કારણ, વખત છે ને હાર્દિકની રેલી મોટી નીકળે અને ભા.જ.પ. ભોંઠો પડે એવી ગણતરીસરનું હોય. વળી, જો પાટીલ માટે હા પડાઈ તો હાર્દિક માટે કેમ નહીં, એ સવાલ પણ બારણે હથોડામાર આવી પડે.
પણ જોવાનું એ છે કે કોરોનાનો કેર એક વાસ્તવિકતા છે, અને એની વચ્ચે આપણા રાજકીય અગ્રવર્ગને — એના બે મોટા હિસ્સા એટલે કે કૉંગ્રેસ અને ભા.જ.પ.ને — આ વાસ્તવિકતાથી નિરપેક્ષપણે પોતપોતાનાં તામઝામ અને તાયફા સૂઝ્યા કરે છે.
અગ્રતાવિવેકનો આ તો સાવ સાદો, સપાટી પરનો દાખલો છે. પણ, આ બે પક્ષોની પોતપોતાની પક્ષબાંધણી વિશે, નેતાગીરી વિશે શું સમજ છે વારુ. લાંબી રાહ જોવડાવીને ભા.જ.પ.ને જે પ્રદેશ પ્રમુખ જડી રહ્યા છે તે રાણા સંગની પેઠે અનેક ઘાવ થકી વિભૂષિત છે. ફરક માત્ર એટલો જ છે કે જેને ગણતાં આંગળીના વેઢા ખૂટી જાય એટલા ઘા રાણા સંગને રણમેદાનમાં પડેલા છે. પાટીલસાહેબ પરના કેસો— ન કટોકટીના, ન કોઈ સત્યાગ્રહી પ્રતિકારના — કેવળ ક્રિમિનલ પ્રકારના છે.
કૉંગ્રેસ કાર્યવાહક પ્રમુખ તરીકે હાર્દિક પટેલને ઊંચકી લાવી. પટેલ પરના કેસો રાજકીય પ્રકારના છે. તે તો હોય તો હોય. પણ પ્રશ્ન એ છે કે પક્ષ પાસે વિચારધારાની રીતે સાફ સમજનાર યુવજન છે જ નહીં? પાટીદાર અનામત આંદોલનથી હાર્દિક ઉંચકાયા. આર્થિક-સામાજિક ન્યાયની તાકીદ એ પાયાના પ્રશ્ન છે. પાટીદાર આંદોલને પોતાને વંચિતોમાં નમૂદ કરાવ્યા સિવાય બીજું શું હાંસલ કર્યું છે એ તો કહો અને જો એમની વ્યાખ્યા પાટીદાર હોવા બાબતે વંચિત તરીકેની હોય તો ઢેબરભાઈએ ગરાસદાર નાબૂદીના ક્રાંતિકારી કદમ સાથે સૌરાષ્ટ્રના સામાન્ય ખેડૂતને જે આર્થિક-સામાજિક મોભો અપાવ્યો એની કશી ખબર કે કદર અગર રગ ને ગમ છે ખરી? કૉંગ્રેસ કાર્યકરો શું એ હદના હાંફેલા, થાકેલા અને ક્લાન્ત છે કે એમણે હાર્દિક પટેલને આયાત કરવા પડે છે? આ પ્રશ્ન હાર્દિક પટેલને નકારી કાઢવા માટે નથી પૂછ્યો, પણ એક સરેરાશ કાર્યકરને હોવી જોઈતી બુનિયાદી સમજની રીતે ઉઠાવવા જોગ હતો અને છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનઃ પ્રાથમિકતાનો સવાલ
ટ્રમ્પોત્સવ પછી સહસા આપણને કહેવામાં આવ્યું કે ખરાખરીનો જંગ કોરોના સામે લડવાનો છે. એક ગાળા પછી ઓચિંતા લદ્દાખના હેવાલોએ આપણને ચીન સામે સાબદા થવાનો સંકેત આપ્યો. રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે ભા.જ.પ. શ્રેષ્ઠીઓ આ કારમા કાળખંડમાં શું કરતા હતા? મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ કોરોના પૉઝિટિવ પરખાતાં કોઈ ખાનગી નહીં પણ સરકારી ઇસ્પિતાલમાં સર્વસામાન્ય દરદી જન સાથે ભરતી થયાના હેવાલોની છાયામાં આ નોંધ લખાઈ રહી છે, ત્યારે સાંભરે છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને અસ્થિર કરવાનું કામ ભરકોરોને પ્રથમ પ્રાથમિકતાનું હતું. અમિત શાહની વ્યૂહરચના કંઈક એવી જણાય છે કે કોરોનાને નાથતાં પૂર્વે ભોપાલ ફતેહ કરવું જરૂરી હતું.
દરમ્યાન, જયપુરથી મળતા હેવાલો પ્રમાણે, ગેહલોત મંત્રીમંડળે શક્તિપરીક્ષણ માટે વિધાનસભાની બેઠક બોલાવવા માટે રાજ્યપાલને નવી તારીખ (૩૧મી જુલાઇ) સૂચવી છે. ૨૭મીએ બોલાવવા ધારેલ ગૃહ સબબ રાજ્યપાલે જે બધા પ્રશ્નો ઉઠાવ્યા હતા એના જવાબની ચર્ચામાં આ નવી તારીખ સૂચવી હોવાનું સમજાય છે.
આપણે સમવાયી બંધારણ હેઠળ કાર્યરત છીએ. એટલે રાજ્યપાલ મારફતે કેન્દ્ર સરકારની જે તે રાજ્ય પરત્વે કોઈક ભૂમિકાનો અવકાશ જરૂર હોઈ શકે છે. પણ પ્રશ્ન અહીં એ છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારના માણસ છે કે કેન્દ્રમાં રાજ કરનાર પક્ષના મળતિયા છે? સામાન્યપણે, બોમાઈ કેસના વારાથી, એટલે કંઈ નહીં તો પણ પચીસ વરસથી આપણે સાફ સમજતા આવ્યા છીએ કે ગૃહમાં બહુમતી છે કે નહીં એનો નિર્ણય ફ્લોર પર થશે. તો રાજ્યપાલ ગૃહને કેમ મેળવતા નથી?
સચિન પાઇલટને એમની મહત્ત્વાકાંક્ષા સામે રાજસ્થાનની કૉંગ્રેસ સરકારનું ઉપમુખ્યમંત્રીપદ અને પ્રદેશપ્રમુખપદ ઓછાં પડતાં હતાં. આ મહાન અસંમતિસર એમણે બગાવતી ચેષ્ટા કરી અને હરિયાણાની ભા.જ.પ. સરકારના સૌજન્યથી માનેસરમાં બાગી વિધાયકો સાથે આશરો મેળવ્યો. ભા.જ.પ.નો સૌજન્યહિસાબ સ્વાભાવિક જ સાફ હતો કે પાઇલટ મધ્ય પ્રદેશમાં સિંધિયાએ ભજવી એવી ભૂમિકા ભજવે અને ત્યાં જે કમલનાથનું થયું તે અહીં ગેહલોતનું થાય. સચિનનો સાંખ્યયોગ જરી ઓછો ઉતર્યો એટલે ભા.જ.પ. અને પેલા ‘બાગી’ સૌ ‘ન યયૌ, ન તસ્યૌ’ એમ છે. યુવાનોને સ્થાન નથી એવી ટીકાને અવશ્ય સ્થાન હોઈ શકે છે, પણ આ કિસ્સો એટલી સીમિત રીતે સમજાવાય એમ નથી. મહત્ત્વાકાંક્ષાની અતિશયતા અને સામા પક્ષ સાથે ખરીદવેચાણની રીતે અન્યોન્ય સહકારી મંડળી જેવો ઘાટ માલૂમ પડે છે.
આ સંજોગોમાં ગેહલોત મંત્રીમંડળની ગૃહ મેળવવાની માગણી અને તે માટે રાજ્યપાલથી રાષ્ટ્રપતિ લગી જવાની તેમ જ ગઈ કાલથી આપણે જોયું તેમ સોશિયલ મીડિયા કેમ્પેઇનની કારવાઈનું એક લૉજિક ખસૂસ છે. હજુ એ રાજસ્થાનના રાજમાર્ગો અને શેરીઓ છલકાવવાની રીતે પણ વિચારી શકે છે, એવાયે સંકેત એણે આપ્યા છે. આ કોઈ ‘લુખ્ખી’ છે કે ખરેખરની ચેતવણી છે તે જો તપાસનો વિષય છે, તો બીજી બાજુ કોરોના વચ્ચે અગ્રતાવિવેકની રીતે પણ તપાસ માગી લે છે. ભા.જ.પ. અને કૉંગ્રેસ હવેના કલાકોમાં કેમ વરતે છે તે પરથી એમનો વિવેક સ્પષ્ટ થઈ જશે.
હેવાલો છે કે ફાઇવ સ્ટાર હોટલેથી ગેહલોતનો કાફલો રાજભવન જવા નીકળ્યો ત્યારે રાજમાર્ગ પર કેટલાક ઠેકાણે હાંસીનો માહોલ હતો. સત્તાભોગી કૉંગ્રેસ વાસ્તવિક જનસંઘર્ષની ગુંજાશ ધરાવે છે કે નહીં એવા સવાલમાંથી આ હાંસી ઊઠી હશે. તેમ છતાં, કૉંગ્રેસ જો વધુ ને વધુ પ્રમાણમાં લોકો પાસે જવાનું શીખી શકે તો તે આ દોરની એક કમાણી હશે.
જો કે આ પ્રકારનો ઘટનાક્રમ અંતે તો એક જ વાનું ઘૂંટે છે કે લોકશાહીનું રખોપું કેવળ કૉંગ્રેસ-ભા.જ.પ.ને ભરોસો શક્ય નથી. સક્રિય જનમતનો કદાચ કોઈ જ અવેજ નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 02-03