કોરોનાની હૃદયદ્રાવક કથાઓ
કેશવકુમારે 16 કલાક પહેલાં ખાધું હતું: ‘એક દયાળુ માણસે અમને શાક-રોટલી આપ્યાં.’ પછી કેશવ એના જેવા બીજા પંદર જણની સાથે 26 માર્ચના બુધવારની મધરાતે દોઢસો કિલોમીટર દૂર આવેલા તેના ઘર તરફ ચાલી નીકળ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનાં બધાં સાધનો બંધ હતાં.
ગુરુવારે બપોરે મેરઠના ખાલીખમ બસ સ્ટૅન્ડે બેસીને એ કહેતો હતો, ‘અમે બધાં અમારા વતન ભોજપુર જઈ રહ્યાં છીએ. અત્યાર સુધી 60 કિલોમીટર ચાલ્યાં, હજુ 90 કિલોમીટર બાકી છે.’ ભોજપુર ઉત્તર પ્રદેશની પશ્ચિમે આવેલાં બિજનોર જિલ્લાનું નાનકડું ગામ છે.
કેશવકુમાર અને તેના સાથીઓ ચારસો રૂપિયાના રોજ પર નોઇડાના મામુરા ખાતે બાંધકામ મજૂરી કરે છે. લૉક ડાઉન જાહેર થયું એ વખતે તો કેશવ અને તેના સાથીઓએ ઘરે પાછા ફરવાનું વિચાર્યું ન હતું. એક સાથી વિપિનકુમારે કહ્યું, ‘અમને કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચે બધું પાટે ચડી જશે. પણ જ્યારે મોદીએ જાહેર કર્યું કે ત્રણ અઠવાડિયાં માટે બધું બંધ રહેવાનું છે, ત્યારે અમારા કૉન્ટ્રાક્ટરે અમને કહ્યું કે હવે કામ નથી.’
કામ નહીં એટલે કે પગાર નહીં, અને પગાર નહીં એટલે ખાવાનું નહીં. આ જૂથે મામુરાની સાઇટ પરનું કામ હજુ હમણાં, 16 માર્ચે તો ચાલુ કર્યું હતું. વિપિને ઉમેર્યું, ‘એ કામની અમને જે મજૂરી મળી એ તો અમે 22 માર્ચ પછી ખાવા માટે ખરચી નાખી. હવે અમારા પંદરેય જણની પાસે થઈને કુલ પાંચસો રૂપિયા બચ્યા છે. મારી પાસે બે રસ્તા હતા. કાં તો નોઈડામાં ભૂખ્યા મરવું અથવા તો ચાલતાં ચાલતાં ઘરે પહોંચી જવું.’
એક અંદાજ મુજબ ભારતનાં 46.5 કરોડ શ્રમિકોમાંથી 12 કરોડ શ્રમિકો સ્થળાંતરિત મજૂરો છે. એમાંથી હવે લાખો તેમના ઘરે પહોંચવા માટે પગપાળા ચાલી નીકળ્યાં છે. તેઓ કોરોનાનો ભોગ બને અને તેનો ચેપ તેમનાં ગામોમાં બીજાંને લગાડે એવું જોખમ છે. એ લોકો ભૂખનો ભોગ બને એ પણ બહુ જ બનવાજોગ છે.
બપોરે હું મેરઠ પાસેનાં મોહિનુદ્દિનપુરમાં પાંચ પ્રવાસી મજૂરોના બીજા એક જૂથને મળ્યો. તેઓ નોઇડાથી 170 કિલોમીટર ચાલીને નાજીબાબાદનાં તેમનાં ઘરે પહોંચવાના છે. તેમાંથી ભોલેકુમાર પૂછે છે, ‘અહીં ખાવાનું ક્યાં મળશે?’ પાંચસો રૂપિયા રોજ કમાનાર બાંધકામ મજૂર ભોલાએ પણ બુધવારની રાતથી ચાલવાનું શરૂ કર્યું છે. જો કે મોહિનુઉદ્દિનપુરમાં એ જ્ગ્યાએ આમ તો ખાવાપીવાની લારીઓ હોય, પણ અત્યારે લૉક ડાઉનમાં બધું જ બંધ છે. એટલે ભોલે કહે છે : ‘કોરોના સે પેહેલે ભૂખ માર દેગી.’
મને મળેલા બીજા એક કામદારોના જૂથને નસીબજોગે એક ફળવાળા પાસેથી કેળાં મળ્યાં છે. એ છ જણની વચ્ચે થઈને કુલ ત્રણસો રૂપિયા છે, જે તેમણે છેક સુધી ચલાવવાના છે. આ કામદારો પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે દેશનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામન્ ગરીબોને આજીવિકાની આફતમાંથી ઊગારવા માટેનું રાહત પૅકેજ જાહેર કરી રહ્યાં હતાં. જો કે ભોલેને સરકાર પાસેથી કોઈ મોટી અપેક્ષા નથી, ‘એ લોકો અમારા માટે શું કરવાનાં? એમણે ગરીબો માટે ક્યારે ય કંઈ કર્યું છે ખરું ?’ ‘બીમારી હવાઈ જહાજોંસે આઈ હૈ, હમ તો લાયે નહીં, પર સડક પર ભૂખે હમ ઘૂમ રહે હૈં.’
ઉત્તર પ્રદેશની સરકાર રાજ્યના 20.37 લાખ બાંધકામ મજૂરોના ખાતામાં એક-એક હજાર રૂપિયા જમા કરશે, શરત એ કે મજૂર એ શ્રમવિભાગ પાસે નોંધાયેલો હોવો જોઈએ. ભોલેના જૂથમાં માત્ર એના જ ખાતામાં પૈસા જમા થાય એમ છે, બાકીનાએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જો કે ભોલેને ય કંઈ બહુ સુખ નથી, ‘આમે ય હજાર રૂપિયા શું છે? મેં આમેય દસ દિવસની મજૂરી ગુમાવી જ છે, કારણ કે કૉન્ટ્રાક્ટરે મને એ દિવસોની મજૂરી આપવાની ના પાડી. અને હું એની પાસે વધુ દિવસ ઉઘરાણી માટે શહેરમાં રોકાઈ શકું એમ હતું જ નહીં, મજૂરી ન મળે, ઘરે પણ ન જવાય અને ભૂખે મરવું પડે!’ મેરઠથી ત્રીસેક કિલોમીટર દૂર દિલ્હી-દેહરાદૂન ધોરી માર્ગ પર સાકોટી ગામે બાંધકામ મજૂરોનું ગાઝિયાબાદથી નીકળેલું એક જૂથ મળે છે. તેમને મુઝફ્ફરનગર પાસે આવેલાં સિસોના ગામે પહોંચવા માટે હજુ સો કિલોમીટર ચાલવાનું છે. એ લોકો નામ નહીં લખવાની વિનંતી કરે છે : ‘અમે મુસ્લિમ છીએ અને કોઈ આફત વહોરવા માગતા નથી.’
હું આ કામદારો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે નાણાંમંત્રીએ આર્થિક સહાયનાં પૅકેજની જાહેરાત પૂરી કરી. તે મુજબ મહાત્મા ગાંધી નૅશનલ રુરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરેન્ટી ઍક્ટ (મનરેગા) હેઠળ દરેક રોજમદારના રોજમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પણ એક મજૂર પૂછે છે, ‘બધું જ બંધ હોય ત્યારે મનરેગા હેઠળે ય કામ ક્યાંથી હોવાનું? … આમ પણ, અમને આશા નથી કે સરકાર અમારા માટે કંઈ કરે. એ અમારા માટે નથી, એ તો પૈસાદારો માટે છે.’
શહેરમાં અટવાયેલાં કે સેંકડો કિલોમીટર પર આવેલાં ઘરે જવા માટે માટે પગે ચાલી નીકળેલા શ્રમજીવીઓને ખાવા માટે અને પાણી માટે મોટે ભાગે સમાજસેવી જૂથોનો સહારો લેવો પડે છે. સરકારે હિજરતી મજૂરો માટે ક્યાં ય સમૂહ રસોડા કે આશ્રયસ્થાનો શરૂ કર્યાં નથી.
મેરઠના બસ ડૅપોની ભોંય પર બાવીસ વર્ષનો ગૌરવ અને સોળ વર્ષનો વિષ્ણુ આડા પડ્યા છે. ગૌરવને ગાઝિયાબાદ-મેરઠ વચ્ચે ફેરી કરતી ખાનગી બસના ડ્રાઇવર તરીકે રોજના છસો રૂપિયા મળતા હતા. તેનાથી અરધો પગાર ક્લીનર વિષ્ણુને મળે છે. બંનેનો પગાર 24 માર્ચથી બંધ છે, ખાવાનું નથી અને તેઓ બસ ડૅપોમાં અટવાયેલા છે. ચોવીસ કલાક પહેલાં પોલીસે તેમને પૂરી-શાક ખવડાવ્યાં હતાં, ત્યાર પછી તેમણે ખાવાનું ભાળ્યું નથી. ગૌરવ કહે છે : ‘અમારું વતન બુલંદશહર અહીંથી સિત્તેર કિલોમીટર છે. હું ચાલી નાખવાનું વિચારું છું, પણ આ વિષ્ણુ નાનો છે એટલે કદાચ એ છેક સુધી ચાલી ન શકે તો શું કરવું?’
[“ધ વાયર”; અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020