આવી તક તે છોડાતી હશે? એવો સંદેશો વધુ એક વાર દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા અપાતી રોજિંદી વિગતોમાંથી પ્રગટ થયો. એપ્રિલ ૧૮ના રોજ મીડિયા સાથે વાતચીત કરતાં, વડાપ્રધાનના માનીતા ગણાતા સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર લગીના 14,378 કેસમાંથી 4,291 કેસ નિઝામુદ્દીન મરકઝના મેળાવડા સાથે સંકળાયેલા છે.
WHOની ગાઇડલાઇન પ્રમાણે, આરોગ્ય મંત્રાલયે કોઈ પણ વિસ્તાર કે સમુદાયને વાઇરસ ફેલાવાના કારણસર કલંકિત નહીં ગણાવવાનો આદેશ આપેલો છે. ગુજરાત સરકારે દરદીઓનાં નામ જાહેર કરવાનું બંધ કર્યું છે ને દિલ્હી સરકાર સામે તો એ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદ પણ થઈ છે. જેમ તબલિઘી જમાતની ગુનાઈત બેદરકારીના બચાવનો કોઈ સવાલ જ ઊભો થતો નથી, તેમ આરોગ્યખાતું પોતે વૈશ્વિક મહામારીના સમયમાં પણ કોમવાદનો વાઇરસ ફેલાવવાનું ચાલુ રાખે, તેને શું કહીશું?
વૈશ્વિક મહામારીના સમયમાં ગુનાઈત રીતે ઘનચક્કર એવા અમેરિકાના પ્રમુખ પણ પત્રકારો સાથે નિયમીત વાત કરે છે, તેમના સવાલના જવાબ આપે છે, ત્યારે કેવળ પોતાના મનની જ વાત કરવા ટેવાયેલા વડા પ્રધાન તો ઠીક, તબીબ એવા આરોગ્ય મંત્રીએ પણ હજુ સુધી એક પણ વાર પત્રકારો સાથે સીધી વાત કરી નથી – તેમના સવાલોના જવાબ આપવા જેટલું પ્રાથમિક ઉત્તરદાયિત્વ દેખાડ્યું નથી અને અફસરોમાં પણ હોદ્દાની દૃષ્ટિએ બીજી પાયરીના ગણાતા સંયુક્ત સચિવને આગળ કરી દેવાયા છે, તે સૂચવે છે કે આ સરકાર બે બાબતમાં પાછી પડતી નથીઃ કોમી દ્વેષનો લાભ લેવામાં અને ઉત્તરદાયિત્વથી સાફ બચી નીકળવામાં.
‘સરકાર કામ કરી રહી છે, ત્યારે પણ તમે લોકો તો સરકારની પાછળ પડી ગયા છો’—એવું ઘણાં નિર્દોષ ભાઈઓ-બહેનોને થાય છે. તેમણે સમજવું જોઈએ કે અનુકરણીય કામ જ્યાં પણ થઈ રહ્યું છે, ત્યાં મોટે ભાગે વ્યક્તિગત પ્રતિબદ્ધતા કે સ્થાનિક પહેલ જવાબદાર છે. જવાબ આપવામાંથી છટકવાની બેશરમી અને મહામારીના સમયમાં પોતાના જ નાગરિકોને સતત ગુનેગાર ઠરાવતા કરતા રહેવાની ચેષ્ટા નથી દેશના નેતૃત્વ માટે શોભાસ્પદ કે નથી દેશ માટે.
e.mail : uakothari@gmail.com
[કાર્ટૂન સૌજન્ય : ઈ.પી. ઉન્ની; “ઇન્ડિયન એક્સપ્રેસ”, 17 ઍપ્રિલ 2020]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 ઍપ્રિલ 2020