
ચંદુ મહેરિયા
આઝાદી પછી તરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઊઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે, ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે : (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે (નાણાં મંત્રી તરીકેનું) મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે, એવો પ્રધાન મંત્રીનો (ઈન્દિરા ગાંધીનો) મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે (વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ) ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ ૫૨૨)
દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો. પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉદ્યોગપતિઓનું વચર્સ હતું. વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી.
બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઇતિહાસ છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ત્રણ બેંકો(મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. ૧લી જુલાઈ ૧૯૫૫ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું નામકરણ કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ૧૯૪૯માં નેશનલાઈઝેશન થયું હતું. ૧૯૪૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-૬૭માં મળેલી કાઁગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે. ‘કાઁગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી, તેમ જ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું’, એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી. જો કે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું.
ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તરત જ ત્યારનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે’. ૧૯મી જુલાઈ ૧૯૬૯ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૭૦ના સર્વોચ્ચ અદાલતના બહુમતી(૧૦ વિ.૧) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જો કે કેન્દ્રે હાર ન માની અને ૧૯૭૦ના ફેબ્રુઆરીની ૧૪મીએ બીજા વટહુકમથી બેંકોના પુર્નરાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩૧મી માર્ચ ૧૯૭૦ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત કાયદો બની શક્યો. જો કે આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર ૧૯મી જુલાઈ ૧૯૬૯થી બેંકોનું રાષ્ટ્રીયકરણ માન્ય ગણાયું. ઇન્દિરા ગાંધીએ તેમના વડા પ્રધાન તરીકે ૧૯૮૦ના કાર્યકાળમાં ૨૦૦ કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એટલે કુલ ૨૦ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ. ૨૦૧૯-૨૦માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં ૧૨ નેશનલાઈઝ બેંક્સ છે.
બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો. તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮૦ ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું.
બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ ૧૯૬૯માં ૮,૨૬૨ બેંક શાખાઓ હતી. જે આજે ૯૦,૦૦૦ છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલા ૧૯૫૧ થી ૧૯૬૮માં બેંકોના ધિરાણમાં ૬૮ ટકા ધિરાણ ઉદ્યોગોને અને માત્ર ૨ ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે. અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે.
નેશનલાઈઝેશન પછી જ બેંકિંગસ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે. તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જો કે હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું. પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ.૧૪૦ લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાની લેવડ-દેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો, અમીરો-ઉદ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.
જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતાં એન.પી.એ. (નોન પરફોર્મિગ એસેટ્સ) વધી છે. વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઊભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યાં છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિદ્ધિ છે.
e.mail : maheriyachandu@gmail.com