 વરસોવરસની જેમ આ આઝાદી દિને પણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં બંધારણીય મૂલ્યોના જતન, સંવર્ધન અને અમલના સંકલ્પ લેવાયા. દુનિયાના અન્ય દેશોનાં બંધારણ કરતાં ભારતનું બંધારણ તેના વિશિષ્ટ અને કાવ્યમય આમુખને કારણે અનોખું છે. ભારતનાં લોકોએ સ્વયંને અર્પિત કરેલ બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની સાથે જ બંધુત્વનો પણ ઉલ્લેખ છે. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તો રાજ્યકર્તાઓએ કાયદાથી સ્થાપિત કરી દીધાં છે, પરંતુ કાયદા કે સરકાર થકી સ્થાપિત ન થઈ શકતા બંધુત્વથી આપણે આજે ય જોજનો દૂર છીએ.
વરસોવરસની જેમ આ આઝાદી દિને પણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં બંધારણીય મૂલ્યોના જતન, સંવર્ધન અને અમલના સંકલ્પ લેવાયા. દુનિયાના અન્ય દેશોનાં બંધારણ કરતાં ભારતનું બંધારણ તેના વિશિષ્ટ અને કાવ્યમય આમુખને કારણે અનોખું છે. ભારતનાં લોકોએ સ્વયંને અર્પિત કરેલ બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની સાથે જ બંધુત્વનો પણ ઉલ્લેખ છે. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તો રાજ્યકર્તાઓએ કાયદાથી સ્થાપિત કરી દીધાં છે, પરંતુ કાયદા કે સરકાર થકી સ્થાપિત ન થઈ શકતા બંધુત્વથી આપણે આજે ય જોજનો દૂર છીએ.
ભારતને વિધિવત્ આઝાદી મળી તે પૂર્વે અંગ્રેજ શાસનકાળમાં ૧૯૪૫માં ચૂંટાયેલી સંવિધાનસભાએ બંધારણના ઘડતરનું કામ હાથ ધર્યું હતું. આરંભની બેઠકોમાં જ જવાહરલાલ નહેરુએ રજૂ કરેલા અને ચર્ચાવિચારણા પછી મંજૂર થયેલા બંધારણની પ્રસ્તાવના કે આમુખના ઉદ્દેશ-સંકલ્પમાં ક્યાં ય બંધુત્વનો ઉલ્લેખ નહોતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરની એ દેણ છે. બંધારણના આમુખમાં ડૉ. આંબેડકરે જ બંધુત્વ શબ્દ દાખલ કરાવ્યો હતો.
૨૭મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે બંધારણનો મુસદ્દો સોંપ્યો હતો. મુસદ્દા સમિતિએ આમુખમાં બંધુત્વ શબ્દ ઉમેર્યો હોવાનું જણાવી તેમણે બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ જોગ પત્રમાં લખ્યું હતું કે, “ભારતમાં ભ્રાતૃત્વ અને સદ્ભાવની આવશ્યકતા આજના જેટલી અધિક ક્યારે ય નહોતી.” બંધુત્વનો સદંતર નકાર કરતી ભારતની જડ જાતિપ્રથા અને આભડછેટનો ડૉ. આંબેડકરને જાતઅનુભવ હતો. હિંદુ-મુસ્લિમ એકતા અને લઘુમતીના અધિકારોના સમર્થક હોવાને કારણે ગાંધીજીની હત્યા થઈ હતી. એટલે ગાંધીહત્યા થયાના ગણતરીના દિવસો બાદના આ પત્રમાં બાબાસાહેબને બંધુત્વ અને સદ્ભાવની અનિવાર્ય આવશ્યકતા લાગી હતી. એટલે પણ તેમણે આમુખમાં બંધુત્વને મહત્ત્વ આપ્યું હતું.
જો કે ડૉ. આંબેડકર માટે બંધુત્વ કોઈ રાજકીય ગણતરી કે મજબૂરી નહોતું. જ્ઞાતિનું નિર્મૂલન ઈચ્છતા બાબાસાહેબે એમની કલ્પનાના આદર્શ સમાજનો વિચાર પેશ કરતાં કહ્યું હતું કે, “મારો આદર્શ એક એવો સમાજ હશે કે જ્યાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા હશે.” ડૉ. આંબેડકરે તેમના સામાજિક તત્ત્વજ્ઞાન રૂપે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને ગણાવ્યાં હતાં. વળી, તેમણે આ તત્ત્વજ્ઞાન ફ્રૅન્ચ રાજ્યક્રાંતિમાંથી નહીં, ગૌતમ બુદ્ધ પાસેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. ‘મારા તત્ત્વજ્ઞાનમાં બંધુતાને ઘણું ઊંચું સ્થાન છે સ્વતંત્રતા અને સમાનતાની વિરુદ્ધ મારો બંધુભાવ જ સંરક્ષણ આપી શકે છે,” તેમ પણ બાબાસાહેબે સ્પષ્ટ કર્યું હતું.
આખરે આ બંધુત્વ છે શું ? અને તે ભારતમાં કેમ આટલું દોહ્યલું છે ? બંધુત્વ એટલે ભાઈચારો કે ભગિનીભાવ. તે માનવીને માનવીથી જોડે છે. આજના કોરોનાકાળમાં શારીરિક અંતર અનિવાર્ય બન્યું છે, ત્યારે આપણને સામાજિક રીતે નજદીક રહેવાની અનિવાર્યતા સમજાઈ છે. ‘બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે’ની પ્રતિજ્ઞા બાળકોને છેક પ્રાથમિક શાળાથી જ લેવડાવવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ ૫૧-એમાં નાગરિકની મૂળભૂત ફરજોમાં પણ પ્રત્યેક ભારતીયનું, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક કે વર્ગવિવિધતાથી ઉપર ઊઠીને સૌહાર્દ તથા આપસી ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનું કર્તવ્ય હોવાનું જણાવ્યું છે.
પરંતુ દરેક ભારતીયને ભાઈબહેન માનવાની પ્રતિજ્ઞા ઠાલો પોપટપાઠ જ બની રહી છે અને બંધુત્વને પ્રોત્સાહિત કરવાની મૂળભૂત ફરજ બંધારણની પોથીમાં જ કેદ છે. હજુ પણ ભારતીય નાગરિકોમાં બંધુતા કે ભગિનીભાવ ખાસ જન્મ્યો નથી. અમેરિકી સંસ્થા પ્યૂ રિસર્ચ સેન્ટરે કરેલો ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિવર્તનની અસરોનો  અભ્યાસ આ વાતની ગવાહીરૂપ છે. ‘રિલિજિયસ ઈન ઈન્ડિયા – ટોલરેન્સ ઍન્ડ સેગ્રિગેશન’ શીર્ષક હેઠળનો આ અભ્યાસ જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો આંતરજ્ઞાતીય લગ્નોની વિરુદ્ધ છે. ૮૬ ટકા ભારતીયો પોતાના ધર્મ કે સમાજના લોકો સાથે જ મિત્રતા કેળવે છે. જાતિ કે ધર્મના આધારે જ સામાજિક સંબંધો બાંધતાં મુસલમાન ૮૮ ટકા, હિંદુ ૮૬ ટકા, શીખ ૮૦ ટકા અને જૈન ૭૨ ટકા છે. ૫૫ ટકા હિંદુઓ પોતાના પાડોશી તરીકે માત્ર હિંદુને જ પસંદ કરે છે અને ૩૬ ટકા હિંદુઓ મુસ્લિમ પાડોશી પસંદ કરતા નથી. દર ૧૦માંથી ૬ મુસ્લિમો દિવાળી કે નાતાલ ઊજવવાનો ઈન્કાર કરી આમ કરવું તેમના  ધર્મથી અસંગત છે, તેમ જણાવે છે.
અભ્યાસ આ વાતની ગવાહીરૂપ છે. ‘રિલિજિયસ ઈન ઈન્ડિયા – ટોલરેન્સ ઍન્ડ સેગ્રિગેશન’ શીર્ષક હેઠળનો આ અભ્યાસ જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો આંતરજ્ઞાતીય લગ્નોની વિરુદ્ધ છે. ૮૬ ટકા ભારતીયો પોતાના ધર્મ કે સમાજના લોકો સાથે જ મિત્રતા કેળવે છે. જાતિ કે ધર્મના આધારે જ સામાજિક સંબંધો બાંધતાં મુસલમાન ૮૮ ટકા, હિંદુ ૮૬ ટકા, શીખ ૮૦ ટકા અને જૈન ૭૨ ટકા છે. ૫૫ ટકા હિંદુઓ પોતાના પાડોશી તરીકે માત્ર હિંદુને જ પસંદ કરે છે અને ૩૬ ટકા હિંદુઓ મુસ્લિમ પાડોશી પસંદ કરતા નથી. દર ૧૦માંથી ૬ મુસ્લિમો દિવાળી કે નાતાલ ઊજવવાનો ઈન્કાર કરી આમ કરવું તેમના  ધર્મથી અસંગત છે, તેમ જણાવે છે.
બંધારણના અમુખમાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા તથા અખંડતા સુનિશ્ચિત કરવા બંધુતા માટે દૃઢસંકલ્પ થવા જણાવ્યું છે, પરંતુ ભારતનો સામાજિક ઢાંચો જ વિષમતા પર આધારિત હોઈ તે બંધુતાને આંતરે છે. જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ, ભાષા અને દરજ્જાના ભેદો અને અસમાનતા ભારતીયોના ભ્રાતૃભાવ સામે મોટો પડકાર છે. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, બાળકો અને લઘુમતીઓ પ્રત્યેના અમાનવીય ભેદભાવ અને અત્યાચાર ભાઈચારાની ભાવના સામેની મોટી આડખીલી છે. બંધુત્વની ભાવના ભારતીય સંસ્કૃતિનો બીજમંત્ર હોવાનું કહેવાય છે. બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમ્ હિંદુધર્મનો પાયો ગણાય છે. ખ્રિસ્તીધર્મમાં પાડોશીને પ્રેમ કરવા પર ભાર મુકાયો છે અને બૌદ્ધ ધર્મનો આધાર જ મૈત્રી છે, પરંતુ ભારતીયોના ધર્મોના સંસ્કારો અને રૂઢિઓ જ બંધુત્વને સ્થાપિત થવા દેતાં નથી, તે પણ હકીકત છે.
ડૉ. આંબેડકરના અભ્યાસીઓ અને અનુયાયીઓ તેમને સમાનતાના સ્થાપકનું જેટલું શ્રેય આપે છે, તેટલું બંધુત્વના ઉદ્દગાતાનું આપતા નથી. બંધુત્વ સ્થાપનાના આંબેડકરી સ્વપ્નનો ખુદ દલિતો જ અમલ કરતા નથી. ગુજરાતમાં પ્રવર્તતી આભડછેટના ૨૦૧૦ના અભ્યાસ ‘અન્ડરસ્ટૅન્ડિંગ અનટચેબિલિટી’નું તારણ હતું કે દલિતો અને બિનદલિતો વચ્ચેની આભડછેટ ૯૮ પ્રકારની હતી, પરંતુ દલિતોની અંદરોઅંદરની આભડછેટ ૯૯ પ્રકારની હતી !
કાયદાની બીકે અને સમાનતાના અવસરને કારણે ઘણા ભારતીયો સહિષ્ણુતાથી સાથે તો રહે છે, પરંતુ તેમનામાં ભાઈચારો પાંગરતો નથી. કોઈ કાયદા દ્વારા બંધુત્વ સ્થાપિત પણ કરી શકાય નહીં. સહાનુભૂતિ કે સહાનુકંપાની જેમ બંધુત્વ પણ માનવીમાં જન્મજાત હોય છે. પણ તેને સામાજિક-ધાર્મિક સુધારણાનાં આંદોલનો દ્વારા રોપી અને શીખવી પણ શકાય છે. સરકારનું નહીં પણ સમાજનું અથવા તો પ્રત્યેક ભારતીયનું આ કામ છે.
બંધારણસભા સમક્ષના અંતિમ પ્રવચનમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, “બંધુતા વિના સ્વાતંત્ર્ય અને સમતા પોતાનો સ્વાભાવિક માર્ગ ગ્રહણ કરી શકશે નહીં. એને પ્રશસ્ત કરવા સિપાઈની આવશ્યકતા છે.” અહીં બાબાસાહેબને સિપાઈ તરીકે પોલીસનો દંડો અભિપ્રેત છે કે સમાજસુધારક તે સમજીને આગળ વધવાની જરૂર છે. ડૉ. આંબેડકરે ભારતને એક દેશ(country)માંથી રાષ્ટ્ર (nation) બનવા માટેની અનિવાર્ય શરત બંધુત્વને ગણાવી હતી. દેશનાં જમણેરી બળો બંધુત્વ સાથેના રાષ્ટ્રનું નિર્માણ કર્યા વિના જ આપણને રાષ્ટ્રવાદી બનાવી રહ્યા હોય, ત્યારે બંધુત્વની સ્થાપના જરા ય વિસરાવી ન જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 12
 

