ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન 42માં સુધારાથી બંધારણના આમુખમાં ઉમેરાયેલા સમાજવાદ’ અને ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દો દૂર કરવા કોઈ નાગરિકે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. તેમાં કારણ એમ જણાવ્યું છે કે કટોકટીકાળ દરમિયાન ઉમેરાયેલા આ શબ્દો અંગે સંસદમાં ખાસ ચર્ચા થઈ ન હતી.
આ બે શબ્દો અંગેનો વિવાદ નવો નથી. બંધારણ સભામાં પ્રો. કે.ટી. શાહે આ બંને શબ્દો બંધારણમાં ઉમેરવા દરખાસ્ત કરી હતી. પરંતુ ડૉ. આંબેડકરે એમ જવાબ આપ્યો હતો કે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાજવાદનું પ્રતિબિંબ છે અને અનુ. 25થી 28ની (ધર્મસ્વાતંત્ર્ય અંગેની) જોગવાઈઓ ધર્મનિરપેક્ષતાને લગતી જ છે. ડૉ. આંબેડકરના આ જવાબથી પ્રો. કે.ટી. શાહ અને અન્ય સભ્યોને સંતોષ થયો હતો અને શબ્દો ઉમેરવા કોઈ આગ્રહ રખાયો ન હતો.
સર્વોચ્ચ અદાલત તરફ પૂરા સન્માન સાથે અને સર્વોચ્ચ અદાલતની કામગીરીમાં સહેજ પણ દખલગીરી કરવાના ઇરાદા વિના, માત્ર બંધારણીય સ્થિતિ રજૂ કરવાનો આ લેખનો ઇરાદો છે. બંધારણના આમુખમાં ‘આર્થિક ન્યાય’નો સમાવેશ કરાયો છે. તેની સાથે આમુખમાં ‘લોકશાહી’ શબ્દ પણ સામેલ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો — ખાસ કરીને અનુચ્છેદ 39(b) અને અનુચ્છેદ 39(c)—માં ગાંધીજીના શબ્દોમાં, છેવાડાના માનવીના કલ્યાણની વાત કરવામાં આવી છે અને લોકોનું, ખાસ કરીને નબળા વર્ગના લોકોનું શોષણ ન થાય તે માટે રાજ્યની કેટલીક ફરજો સૂચવવામાં આવી છે. આ સમાજવાદ જ છે. આમ બંધારણમાં સમાજવાદ ગર્ભિત છે. તેનો ઉમેરો ભલે 1976માં બંધારણીય સુધારાથી આમેજ કરાયો, તો પણ તે અગાઉ બંધારણના આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ શબ્દ જીવંત છે. દા.ત. બેંકોનું રાષ્ટ્રીયકરણ અને રાજવીઓનાં સાલિયાણાંની નાબૂદી સમાજવાદ અમલી બનાવવાનાં પગલાં જ છે.
‘ધર્મનિરપેક્ષતા (બિનસાંપ્રદાયિકતા – Secularism) શબ્દ પણ પ્રારંભથી જ અનેક વિવાદોમાં કેન્દ્રસ્થાને રહેલો છે. તેનો સાદોસીધો અર્થ એ થાય છે કે રાજ્યે પોતાનો કોઈ ધર્મ સ્વીકારેલો નથી. તે કોઈ ધર્મની તરફેણ કરી શકે નહીં કે ધર્મની ઉન્નતિ માટે કર લાદી શકે નહીં. રાજ્યે જેમ વિદેશનીતિ, મહિલાનીતિ, બાળનીતિ, ખેલકૂદનીતિ, શિક્ષણનીતિ સ્વીકારેલી હોય છે, તેમ રાજ્ય ધર્મ પણ સ્વીકારી શકે. પરંતુ બંધારણ ઘડતર સમયે ભારત-પાકિસ્તાન સરહદો ખૂન-કાપાકાપીથી સળગી રહી હતી. ત્યારે બંધારણ સભામાં પણ ધર્મનિરપેક્ષ નીતિ ન સ્વીકારવા કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. જવાહરલાલ નેહરુ, કનૈયાલાલ મુનશી, રાજકુમારી અમૃતકૌર વગેરેની સમજાવટથી ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કરાયું. નેહરુએ સમજાવ્યું હતું કે બંધારણના આમુખમાં દરેકને માન્યતા, શ્રદ્ધા અને ઉપાસનાના સ્વાતંત્રની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત અનુ.14 હેઠળ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાન અને કાયદાના સમાન રક્ષણની ખાતરી અપાઈ છે.
આ સુધારો 1976ના વર્ષમાં બંધારણમાં કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂર્વે સર્વોચ્ચ અદાલતે 1974માં જાહેર કરેલ સેંટ ઝેવિયર્સ કોલેજ વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ચુકાદામાં નોંધ્યું છે કે બંધારણમાં ભલે સ્પષ્ટ શબ્દોમાં ‘ધર્મનિરપેક્ષ રાજ્ય’ શબ્દોનો ઉલ્લેખ ન હોય, તો પણ બંધારણના ઘડવૈયાઓએ ધર્મનિરપેક્ષ રાજ્ય સ્થાપવાનું જ વિચાર્યું હતું અને તે અનુસાર અનુ. 25થી 28ની ધર્મસ્વાતંત્ર્ય અંગેની જોગવાઈઓ મૂળભૂત અધિકાર તરીકે દાખલ કરવામાં આવી હતી. સેંટ ઝેવિયર્સ કોલેજના આ ચુકાદા અગાઉ સર્વોચ્ચ અદાલતે 1973માં કેશવાનંદ કેસમાં બંધારણમાં મૂળભૂત માળખા(Basic structure)નો સિદ્ધાંત ઘડી કાઢ્યો હતો, તેમ પણ તે કેસમાં ઠરાવ્યું હતું. વધુમાં તે કેસમાં ધર્મનિરપેક્ષતા મૂળભૂત માળખાના ભાગ તરીકે ગણાવાઈ હતી. પાછળથી 1994ના વર્ષમાં એસ.આર. બોમ્માઇ કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ધર્મનિરપેક્ષતાને મૂળભૂત માળખાના ભાગ તરીકે જાહેર કરી હતી.
બંધારણીય સ્થિતિ આટલી સ્પષ્ટ હોવા છતાં કરાયેલ અરજીથી નવાઈ ઉપજે છે. બંધારણના સમગ્ર પાઠમાં ઉપર્યુક્ત બન્ને શબ્દો પહેલેથી જ ગર્ભિત રહેલા જ છે અને 1976માં માત્ર તેના શબ્દો મુકાયા છે. આ શબ્દોની ગેરહાજરીમાં પણ ભારતનું બંધારણ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જ હતું અને રહ્યું છે. જો કે એ પણ ખરું છે કે સર્વોચ્ચ અદાલત પોતાનો અગાઉનો ચુકાદો રદ્દ કરવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. પરંતુ બંધારણમાં શબ્દો ઉમેરવા કે ઘટાડો કરવાની સત્તા માત્ર સંસદને છે. આ બંને શબ્દો 1976માં સંસદીય પ્રક્રિયા અનુસરીને ઉમેરાયેલા હોવાથી તેને દૂર કરવાની સત્તા પણ સંસદને જ છે, તેમ સર્વોચ્ચ અદાલત ઠરાવે તો તે અસ્થાને નહીં ગણાય.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 13-14