
ચંદુ મહેરિયા
‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતું ભારતના બંધારણનું કાવ્યાત્મક આમુખ અદ્વિતીય છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના, ઉદ્દેશિકા કે Preamble બંધારણનું અભિન્ન અંગ છે. તેમાં બંધારણનાં મૂલ્યો, ઉદ્દેશ, આદર્શ, ધ્યેય અને દર્શન સામેલ છે. નાનકડા આમુખમાં સમગ્ર બંધારણનો સાર સંગૃહિત છે. તે અદાલતોને કાયદા અને બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવામાં મદદ કરે છે.
ભારતના લોકોએ ઘડેલું અને પોતાને સમર્પિત આમુખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ સ્વીકાર્યું હતું તથા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસથી બંધારણ અમલી બન્યું છે.
આમુખનું સંવિધાનના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. બંધારણસભાની પ્રથમ બેઠકમાં જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ પછીથી આમુખમાં સમાવવામાં આવ્યા છે. ભારતના લોકતંત્રના આધારસમા આઝાદી આંદોલનનાં જે મૂલ્યોથી તે પ્રેરિત થયું છે અને માર્ગદર્શક નીવડ્યાં છે તેને જ આમુખમાં સામેલ કર્યા છે. બંધારણના વિવિધ અનુચ્છેદ અને જોગવાઈઓ આમુખને અનુરૂપ છે. આમુખમાં એ તમામ અધિકારો અને સ્વતંત્રતાની ઘોષણા કરી છે જે ભારતના લોકોએ બંધારણસભા મારફત તેના તમામ નાગરિકો માટે સુનિશ્ચિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ભારતનું બંધારણ લેખિત અને દીર્ઘ છે. જો કે લેખિત બંધારણનો આરંભ સત્તરમી સદીમાં થયો હતો. યુરોપિયન દેશ સ્વીડને ઈ.સ. ૧૬૩૪માં સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણોની પ્રસ્તાવના કે આમુખ અમેરિકી બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતીય બંધારણનું આમુખ પણ તેમાંથી બાકાત નથી. ઈ.સ. ૧૭૭૬ના ‘અમેરિકન ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સ’ સાથે ભારતના બંધારણનું આમુખ ઘણું સામ્ય ધરાવે છે.
આમુખનો આરંભ ભવિષ્યનું ભારત કેવું હશે તેનાથી થાય છે. ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીપ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાની આમુખમાં ઘોષણા કરે છે. અહીં જે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક ભારતનો ઉલ્લેખ છે તે મૂળ આમુખમાં નહોતો. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન અનેક બંધારણ સુધારા થયા હતા. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં આ શબ્દો (સમાજ્વાદી અને બિનસાંપ્રદાયિક) ઉમેરાયા હતા. ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર ઘોષિત કરીને આપણે સ્પષ્ટ કર્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ બાહ્યશક્તિને અધીન નથી. સમાજવાદીનો અર્થ સમાજવાદી અર્થવ્યવસ્થાને બદલે કલ્યાણ રાજ્ય હોવાનું જણાવાયું છે. ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામી ફગાવી તે સાથે જ ભારત લોકશાહી દેશ બન્યો હતો અને ૧૯૫૦માં બંધારણના અમલ સાથે તે પ્રજાસત્તાક છે. એટલે અહીં કોઈ રાજાનું રાજ્ય નથી પણ લોકશાહી ઢબે ચૂંટણીઓ દ્બારા ચૂંટાયેલી સરકાર છે.
ભારતના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પણ આમુખમાં સંકલ્પ વ્યક્ત થયો છે. આમુખની આ ભાવના કોઈ કોરી કલ્પના નથી. પરંતુ બંધારણના મૂળભૂત અધિકારોમાં આ અધિકારો સામેલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ પણ આમુખમાં અંતે વ્યક્ત કર્યો છે.
બાબાસાહેબ આંબેડકરે બંધારણસભા સમક્ષના તેમના અંતિમ ભાષણમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, “માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક લોકતંત્ર એક જીવન માર્ગ છે. જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી. સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હોતી નથી”. આમુખમાં ઉલ્લેખાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને ડો. આંબેકરના આ શબ્દો સાથે મૂલવીને તેનો અમલ કરવાનો છે.
આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ઇન્દિરા ગાંધીના અનેક બંધારણ સુધારા ફગાવ્યા હતા. પરંતુ આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દોમાં સુધારા કર્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો હિસ્સો માન્યો છે, તેમાં ઉમેરાયેલા શબ્દોને બંધારણીય ઠેરવ્યા છે અને આમુખ પણ બંધારણનું બેઝિક સ્ટ્રકચર છે તેમ સ્પષ્ટ કર્યું છે.
આમુખમાં થયેલા ઉમેરાને રાજકીય ગણવામાં આવે છે અને અવારનવાર તેને દૂર કરવા કે સુધારવાની માંગણી સંસદમાં અને સડકો પર થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ કે.જે. અલ્ફાંસે સમાજવાદી સહિતના કેટલાક શબ્દોના સ્થાને બીજા શબ્દો મૂકવાનો બંધારણ સુધારો બિનસરકારી વિધેયક મારફતે રાજ્યસભામાં મૂક્યો હતો. ઓડિશાના બીજુ જનતાદળના એક સાંસદે આમુખમાં અહિંસા શબ્દ ઉમેરવા બિનસરકારી બિલ રજૂ કર્યું હતું.
જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને આમુખમાંથી દૂર કરવા રાષ્ટ્રીય ચર્ચાની માંગ કરી હતી. તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગણીનું સંસદ બહાર સમર્થન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પક્ષના સાંસદ રામજીલાલ સુમને લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો અંગે પુનર્વિચારનો સરકારનો ન તો કોઈ ઈરાદો છે કે ન તો કોઈ યોજના છે. તેમ છતાં આમુખમાં સુધારા-વધારા અંગેની ચર્ચા અવારનવાર ઉઠતી રહેવાની છે.
જસ્ટિસ એચ.આર. ખન્નાના મતે આમુખ બંધારણની વ્યાખ્યા માટે એક માર્ગદર્શકનું કામ કરે છે. પંડિત નહેરુ આમુખને બંધારણનો આત્મા ગણાવે છે. બંધારણસભાના સભ્ય અલ્લાદી કૃષ્ણ સ્વામી આયંગર આમુખને આપણા દીર્ઘકાલીન સપનાંઓનો વિચાર કહે છે. અન્ય સભ્ય પુનિત ઠાકુર દાસ આમુખને બંધારણનો સૌથી કિંમતી હિસ્સો, આત્મા અને ચાવી કહે છે. આમુખ ભારતીય લોકશાહીમાં નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને સંકલ્પોની મૌલિક રૂપરેખા છે. નવેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાથી ઉમેરાયેલા શબ્દો સહિતના આમુખને બંધારણનો હિસ્સો ગણ્યું છે. એટલે તે અંગેનો વિવાદ પૂર્ણ થવો જોઈએ.
બંધારણનું આમુખ માત્ર ભારતના લોકતંત્રનાં મૂલ્યોનું પ્રતિબિંબ જ નથી, તે ભારતીય સમાજનો સમાનતા અને ન્યાય પ્રત્યેનો સંકલ્પ પણ છે. બંધારણ શું હાંસલ કરવા માંગે છે અને તેનું લક્ષ્ય શું છે તે આમુખમાં દર્શાવ્યું છે. બંધારણના અંતે ઘડાયેલું અને જબલપુરના બ્યોહર રામમનોહર સિન્હાએ ડિઝાઈન કરેલ બંધારણના આમુખનો ઉદ્દેશ એક એવા દેશના નિર્માણનો છે જ્યાં દરેક નાગરિકને લાગે કે અહીં બધાં સમાન છે અને શાંતિ, એકતા તથા ભાઈચારાથી રહે છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

