આર.એસ.એસ.ના નાગપુર હેડક્વાર્ટરથી, થોડા દિવસો પૂર્વે, સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સ્વયંસેવકોને સંદેશપાથેય વહેંચ્યું હતું. વર્તમાન મહામારીમાં પણ દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ જોવા મળે છે. ત્યારે સંઘ પ્રમુખે, ‘એક રાષ્ટ્ર, એક જન’નો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ૧૩૦ કરોડ ભારતવાસીઓ આપણો પરિવાર છે, સૌ કોઈ આપણા ભાઈ-બંધુ છે. સમાવેશી દૃષ્ટિકોણનો આગ્રહ રાખીને, એક આખી કોમને રાહત-પ્રયાસોથી બાકાત ન રાખવા તેમણે અનુરોધ કર્યો..
મોહન ભાગવતના આ વિવેકપૂર્ણ શબ્દોનું વિશ્લેષણ કરતાં સંઘવિચારક, ‘ઑર્ગેનાઈઝર’ના પૂર્વ સંપાદક અને ભા.જ.પ.ની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શેષાદ્રી ચારીએ સ્પષ્ટ કર્યું છે કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેનો અવિશ્વાસ કોવિડ મહામારી સામેની લડતમાં બાધક છે. મોદી સરકાર આવું નહીં જ ઈચ્છે. સંકટ સમયે સરકાર માટે કોમી તણાવ ઈચ્છનીય નથી.
સંઘના શીર્ષ નેતૃત્વના બંધુત્વ અને ભાઈચારાના આહ્વાન પર વારી જઈએ તે પૂર્વે દેશમાં મહામારીના સરકારી સાંપ્રદાયિકરણથી પૂરતું નુકસાન થઈ ચૂક્યું છે તે આ સંદેશપાથેય પછી શમી જશે તેની કોઈ ખાતરી નથી. વડાપ્રધાન ઘણા મોડેથી અને બિનઅસરકારક માધ્યમથી એકતા અને ભાઈચારાની વાત આલાપી ચૂક્યા છે અથવા તો મુસ્લિમ દેશોના હોબાળા પછી તેમને તેમ કરવું પડ્યું છે. ૧૩૦ કરોડ ભારતવાસીઓ ભારતમાતાનાં સંતાન છે અને ભારતમાં જન્મેલા તમામ લોકો હિંદુ છે તેવું સંઘનું વલણ બહુ જાણીતું છે. એટલે સંઘ સુપ્રીમોનું આ બૌદ્ધિક, ડેમેજ-કંટ્રોલની કવાયત માત્ર તો નથી ને, એવો સવાલ ઊઠે છે. શેષાદ્રી ચારી એમના લેખમાં મરકઝ ઘટનાને પ્રશાસનની ગંભીર ભૂલ ગણી, તેના સામાજિક પ્રભાવ કે કોરોનાપ્રસારમાં તેના યોગદાન અંગે ગાફેલ રહ્યાનું પણ કબૂલે છે.
પરંતુ ભા.જ.પ.ના કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં બેજવાબદાર નિવેદનો અને ખુદ સરકારનું અધિકૃત વલણ જમાતીઓએ કોરોના ફેલાવ્યાનું રહ્યું છે. ભા.જ.પ.શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ આરોગ્યકર્મીઓ સાથેના ગેરવર્તન બદલ જમાતીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ પાડે, ગુજરાત જેવાં રાજ્યોમાં હૉસ્પિટલોમાં હિંદુ-મુસ્લિમ માટે અલગ વૉર્ડ રાખવામાં આવે અને હિંદુઓએ રામનવમી અને ચૈત્રી નવરાત્રિ ઘરમાં મનાવી છે, તો મુસ્લિમો રમજાન ઘરમાં મનાવે તેવી તુલના સાથે અપીલ કરવામાં— તો પછી રિસ્પેક્ટેડ ભાગવત સર જરા કહો ને, તમારી બધા ભારતીયોને ભાઈબહેન ગણવાની વાતનું પાલન કેટલું થશે ?
મુસ્લિમ વેપારીઓ, ખાસ તો ગરીબ શાકભાજી-વાળાઓના બહિષ્કારના એલાનને શેષાદ્રીજી સમાજના થોડા વર્ગ સુધીની સીમિત વાત ગણાવે તો એ તો સમજાય પણ આ બહિષ્કાર આ જે.એન.યુ.ના પૂર્વ છાત્ર શરજીલ ઈમામના આસામને શેષ ભારતથી અલગ પાડવાના ભાષણના થોડા મહિના બાદની ઘટના ગણાવી, હિંદુમુસ્લિમ મતભેદોનાં પાયાનાં કારણોની યાદી રજૂ કરે, ત્યારે તેમની માનસિકતા છતી થયા વિના રહેતી નથી. તેઓ દુનિયાભરના વ્યાપાર બહિષ્કારનાં ઉદાહરણો આપીને આ માર્ગને સરળ પરંતુ પ્રતિકૂળ સાબિત કરે છે. જો સંઘવિચારક આ રીતે વિચારતા હોય તો ભાગવત બોધના અમલની ખાતરી રહેતી નથી.
ભાગવતે એમના સંબોધનમાં ભય અને ક્રોધ શબ્દનો વારંવાર ઉપયોગ કરીને જણાવ્યું હતું કે તેનાથી આત્યંતિકતા પેદા થાય છે. એટલે તે ત્યાગીને ભારતની સમૂહશક્તિને પ્રગટાવવા જણાવે છે. સંઘના સ્વયંસેવકોને તેઓ પ્રેમ, આત્મીયતા અને ઉચ્ચ ગુણવતાની ભાવના સાથે સેવા કરવા શીખ આપે છે. સારપનો પ્રસાર કરીને જ ભારતીયતાનાં મૂલ્યો સ્થાપિત કરવાનો તેમનો આગ્રહ છે.
સંઘ સુપ્રીમોનું આ બૌદ્ધિક નીચે સુધી કેટલું ઝમવાનું છે એ શેષાદ્રી ચારીના લેખે દર્શાવી આપ્યું છે. જેમને સેવાની સૌથી વધુ જરૂર છે તેમને કોઈ પણ પ્રકારના ભેદ વિના તે પહોંચાડવી, સબ અપને હૈ, મનુષ્યોમેં ભેદ નહીં કરના — એમ જે કહેવું પડ્યું છે તેનો અર્થ જ એ છે કે ભેદ કરવામાં આવે છે. ભારતમાં જન્મેલા તમામને હિંદુ કહેવા, મુસ્લિમો અને બીજાઓને ‘ધ અધર’ ગણવા, તે સંઘ ફિલસૂફી ગળથૂથીમાં જ આપવામાં આવે છે. જો સત્તાપક્ષ અને તેની માતૃસંસ્થા આઘામાં આઘા અને પાછામાં પાછાની દરકાર લેતી હોત તો આજે જે લાખો શ્રમિકો ત્રાહિમામ્ પોકારતા ઘરગામ જવા ભટકે છે તેની વચ્ચે હોત.
દલિતો પરના અત્યાચારો લૉક ડાઉનમાં પણ જરા ય ઘટ્યા નથી, મુસ્લિમો મહામારી કરતાં વધુ તો કોમી તણાવથી ત્રસ્ત છે, ગરીબ શ્રમિકો સાવ નિરાધાર અને બેહાલ છે અને સમૃદ્ધ ભારત ઘરબંધીમાં મોજ કરે છે તે બતાવે છે કે બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે એ તો શાળાના પાઠ્યપુસ્તકોના પહેલા પાને લખાયેલી અને પોપઠપાઠ જેમ બોલાતી પ્રતિજ્ઞા માત્ર છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020