જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે – બરદાશ્ત છે … મને વિશ્વાસ છે કે તમે મારી વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.
— સઆદત હસન મન્ટો
‘અમે બંને સાથે જ જન્મ્યા અને મરીશું પણ લગભગ સાથે જ. પણ એવું પણ બને કે સઆદત મરી જાય અને મન્ટો મરે જ નહીં …’ આ વાક્ય મન્ટોએ પોતાના વિષે લખેલા એક લખાણમાં લખ્યું હતું. પોતાની કબર પર લખવાનું વાક્ય પણ મન્ટો લખી ગયા હતા, ‘અહીં સૂતો છે વાર્તાકલાનાં તથ્યો અને રહસ્યોનો એક મર્મી જે હજી સુધી વિચારે છે, મોટો વાર્તાકાર કોણ – સર્જનહાર કે હું?’
કેવી હશે આ સર્જકની અંદર સળગતી આગ, જેણે તેને ક્યાંયનો ન રહેવા દીધો. વિભાજિત પ્રજાની વેદના પોતાની છાતી પર ઝીલીને એ જીવ્યો – ન ભારત છૂટ્યું, ન પાકિસ્તાન. મન્ટોનું જીવન એટલે પોતાના વિશ્વમાં, નશામાં, ડિપ્રેશનમાં ખુવાર થઈ જતા એક સર્જકનું ભયાનક ચિત્ર – સંતાનનું મૃત્યુ, ભારતમાંથી ભાગવું અને પાકિસ્તાનમાં ન ગોઠવાઈ શકવું, ક્ષય, અદાલતોનાં ચક્કર, ભૂખમરો, અર્ધવિક્ષિપ્ત મનોદશા, અપમાનો અને અકાળ મૃત્યુ.
મન્ટોની વાર્તાઓ માટે પ્રખ્યાત હિંદી સાહિત્યકાર કમલેશ્વરે કહેલું, ‘વિભાજન, રમખાણ અને સાંપ્રદાયિકતા પર જેટલા કટુ પ્રહારો મન્ટોએ કર્યા છે એ વાંચીએ ત્યારે માનવું મુશ્કેલ બની જાય છે કે કોઈ વાર્તાકાર આટલો સાહસિક, આટલો સત્યવાદી અને આ હદે મમતવિહોણો હોઈ શકે છે.’ 20 વર્ષની સાહિત્યિક કારકિર્દી દરમ્યાન મન્ટોએ 200થી વધુ વાર્તાઓ લખેલી. જેમાંની ‘કાલી સલવાર’, ‘ધુઆં’, ‘બૂ’, ‘ઠંડા ગોશ્ત’ અને ‘ઉપર, નીચે ઔર દરમ્યાન’ વાર્તાઓ અશ્લીલતાના આરોપસર અદાલતી કાર્યવાહીનો ભોગ બની હતી. 18 જાન્યુઆરીએ મન્ટોની પુણ્યતિથિ છે, એ નિમિત્તે વાત કરીએ એમની આ વાર્તાઓની.
‘ખોલ દો’ અને ‘ઠંડા ગોશ્ત’ મન્ટોની કદી ન ભુલાય તેવી વાર્તાઓ છે : ‘ખોલ દો’ વાર્તામાં મારકાપ અને ભાગદોડમાં સિરાજુદ્દીનની પત્નીની હત્યા થાય છે અને દીકરી સકીના વિખૂટી પડી જાય છે. રાહતકેમ્પમાં સકીનાનું વર્ણન આપી રાહ જોયા કરતા વૃદ્ધ સિરાજુદ્દીનને ખબર નથી કે સ્વયંસેવકોને સકીના મળી ગઈ છે, પણ … એક દિવસ ચાર માણસો લાશ જેવું કશુંક ઊંચકી લાવે છે અને દવાખાનામાં મૂકી ચાલ્યા જાય છે. ડૉક્ટર બત્તી કરે છે, સિરાજુદ્દીન સકીનાને ઓળખી પાછળ આવે છે. લાશની નાડી પકડી ડૉક્ટર કહે છે, ‘બારી ખોલી નાખ’ અને લાશનો બેજાન હાથ ઇજારની નાડી ખોલી ઇજાર નીચે સરકાવી દે છે. સિરાજુદ્દીન બૂમ પાડી ઊઠે છે, ‘જીવે છે, જીવે છે …’ ડૉક્ટર પરસેવાથી નીતરી જાય છે – અને વાચક? સકીના પર શું વીત્યું હશે એની કલ્પના પણ કરવાની તેનામાં તાકાત રહેતી નથી.
‘ઠંડા ગોશ્ત’ મન્ટોની ખૂબ વગોવાયેલી વાર્તા છે. એને અશ્લીલ કહી કેસ કરનારા પણ નીકળ્યા અને તેને મન્ટોની કલાની પૂર્ણતાનો નમૂનો કહેનારા વિવેચકો પણ નીકળ્યા. જાડી ચામડીના અને એકબીજાનું માથું ભાંગે એવાં ગમાર ઇશરસિંહ અને કુલવંત કૌરને જોડી રાખનાર છે બળૂકી વાસના. રમખાણોમાં અહીં-ત્યાંથી ઘરેણાંપૈસા મારી લાવી કુલવંત કૌરને ખુશ કરતો ઇશરસિંહ ઘણા દિવસે આવ્યો છે. કુલવંત આવેશથી એને વળગે છે, ઇશરસિંહ પણ એના પર તૂટી પડે છે પણ છેલ્લે હારી જાય છે. ‘કોઈ છોકરી સાથે મજા કરી આવ્યો છે? બોલ, કોણ છે એ છીનાળ?’ કહેતી કાળઝાળ કુલવંત ઇશરસિંહના ગળા પર કિરપાણ ફેરવી દે છે. લોહીનો ફૂવારો ઊડે છે. ડચકાં ખાતો ને મૂછો પર જામતા લોહીને ફૂંકથી ઉડાડતો ઇશરસિંહ કહે છે, ‘મેં એક ઘરમાં જઈ છ જણને મારી નાખ્યા. એક રૂપાળી છોકરી પણ હતી. થયું, કુલવંત સાથે રોજ મઝા લૂંટું છું, આજે આ મેવો પણ ચાખું. છોકરીને ખભે લઈને ઝાડીમાં સુવડાવી અને એના પર ચડી ગયો પણ એ તો મરી ગઈ હતી – બિલકુલ ઠંડુ ગોશ્ત …’ અને એ બરફથી પણ ઠંડો થઈ જાય છે. અતિ કામુકતા સામે અતિ સંવેદનશીલતા મૂકી મન્ટોએ અતિ તંગ મનોદશા સર્જી છે. કેસ ચાલ્યો ત્યારે મન્ટોએ અદાલતમાં કહ્યું, ‘કેટલા ય માણસોની કતલ કરતાં જેનું રૂંવાડું નહોતું ફરક્યું તે માણસને પોતે જેના પર બળાત્કાર કરવા ગયો એ લાશ હતી એ જોઈ એવો જબરજસ્ત ઝટકો લાગ્યો કે એની મર્દાનગી ગાયબ થઈ ગઈ. જે લખાણ એવું બતાવે છે કે માણસ હેવાન બનીને પણ ઈન્સાનિયતથી નાતો નથી તોડી શક્યો એ અશ્લીલ કેવી રીતે હોઈ શકે?’
‘બૂ’ પણ આવી જ બદનામ વાર્તા છે. બૂ એટલે ગંધ. છોકરીઓનો શોખીન રણધીર એક દિવસ એક ઘાટણ છોકરીને ઉત્કટપણે ભોગવે છે. એ છોકરીના શરીરની ગંધને એ વર્ણવી શકતો નથી, પણ એને રોમેરોમમાં ઊતરી ગયેલી અનુભવે છે – ‘એ ગંધ બિલકુલ અસલી હતી. ઓરત અને મર્દના શારીરિક સંબંધ જેવી અસલી અને આદિમ.’ એ શ્યામ ગંધનો સ્વાદ લીધા પછી રણધીરને પત્નીનો ગૌર અને સુગંધી દેહ નીરસ અને નિર્જીવ લાગે છે. એક અવર્ણનીય સૂક્ષ્મ અનુભૂતિની વાતને સમજ્યા વિના જ આ વાર્તા પર અશ્લીલતાનો આરોપ લાગેલો અને અંગ્રેજ સરકારના સમયમાં કેસ ચાલેલો.
મન્ટોએ વેશ્યાજીવનનું બયાન કરતી ઘણી વાર્તાઓ લખી છે. ‘કાલી સલવાર’ એમાંની એક છે. સારી કમાણીની આશામાં દિલ્હી રહેવા આવેલી સુલતાના બેકાર થઈ ગઈ છે. મહોરમ નજીક છે, એ દિવસે કાળી સલવાર પહેરવાની સુલતાનાની તમન્ના છે. શંકર નામનો ચાલબાજ સુલતાનાને કાળી સલવાર લાવી આપવાનું વચન આપે છે. વચન પાળી શકાય એ માટે તે તેની કાનની બુટ્ટી લઇ જાય છે. મહોરમના દિવસે સુલતાનાની ચાલીમાં રહેતી મુખ્તાર પૂછે છે, ‘કમીજ અને દુપટ્ટો તો રંગાવ્યા હોય તેવા લાગે છે, પણ આ સલવાર નવી છે … ક્યારે બનાવડાવી?’ સુલતાનાએ કહ્યું, ‘દરજી આજે જ આપી ગયો.’ કહેતાં કહેતાં એની નજર મુખ્તારનાં કાન પર પડી. ‘તેં આ બુટ્ટી ક્યાંથી લીધી?’ ‘મેં ય આજે જ મંગાવી.’ એ પછી બંનેને થોડીવાર માટે ચૂપ બેસવું પડ્યું.
‘ધુંઆં’માં પુખ્ત થઈ રહેલા કિશોરની વાત છે. તેને કામોત્તેજનાનો અનુભવ થાય છે પણ તે તેને સમજી નથી શકતો. તેના અંધાધૂંધ વિચારોને દિશા આપનાર કોઈ નથી. બહેનના શરીરનો સ્પર્શ, બહેન અને તેની બહેનપણીની શારીરિક નિકટતા અને એક ધૂમાડામાં ઘેરાતાં શરીર અને મનનો તરફડાટ વેધક બન્યો છે.
‘ઉપર નીચે ઔર દરમ્યાન’માં મોટી ઉંમરના પતિપત્નીએ એક વર્ષથી શરીરસંબંધ બાંધ્યો નથી. હવે બંને ઉત્સુક છે, ઇચ્છુક છે. પણ અભિજાત વર્ગના હોવાથી એને પણ દંભ અને છળમાં વીંટીને વ્યક્ત કરે છે. છેવટે સવાર પડે છે. નોકરો તૂટેલા ખાટલાની મરામત માટે સુથારને બોલાવવા જાય છે એ દૃશ્યથી વાર્તા પૂરી થાય છે. આ વાર્તા પર અદાલતમાં કેસ ચાલ્યો ને પ્રકાશક પાછળ હટી ગયો ત્યારે મન્ટોએ પોતે વાર્તા પ્રગટ કરી, ‘મને વિશ્વાસ છે કે તમે મારી આ વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.’
મન્ટો એક કલ્ટ છે, એક વિચાર છે, એક પાગલપણું છે, એક કહાણી છે. પોતાની વાર્તાઓ અશ્લીલ ગણવાઈ ત્યારે તે કલાની સચ્ચાઈ માટે લડ્યો, પણ ગરીબીના દિવસોમાં પણ રોયલ્ટી કે કોપીરાઇટની પરવા ન કરી. ‘જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે-બરદાશ્ત છે.’ મન્ટોનું મૃત્યુ થયું ત્યારે કૃષ્ણચંદરે કહ્યું છે, ‘દુ:ખ મન્ટોના મૃત્યુનું નથી. એ તો સૌ માટે અફર સત્ય છે. દુ:ખ એ બધી વણલખાયેલી ઉત્તમ કૃતિઓનું છે જે માત્ર મન્ટો જ લખી શકતા હતા.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જાન્યુઆરી 2025