મારિયા મોન્ટેસોરી અને ગિજુભાઈ આ બંને બાળકોને આકંઠ ચાહતાં શિક્ષણવિદો ‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્રને જીવી ગયાં હતાં. કહેતાં કે ‘ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા રખાય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ–સર્જનશીલતાને છીનવી લેનારી છે.’

મારિયા મોન્ટેસોરી
ઓગણીસમી સદીનું યુરોપ એટલે જેન્ડર બાયસનેસ – લિંગપૂર્વગ્રહનો જમાનો. ઇટલીમાં જન્મેલી મારિયાએ તો પણ એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું. શાળાજીવન પૂરું થયું ત્યારે સ્વપ્ન બદલાઈ ગયું હતું. હવે એ ડૉક્ટર બનવા માગતી હતી. માબાપે કહ્યું કે છોકરીઓને માટે તો શિક્ષિકા બનવું વધારે સારું, પણ મારિયા માની નહીં. યુનિવર્સિટી ઑફ રોમની એ પહેલી મહિલા વિદ્યાર્થિની હતી. લિંગભેદના તીવ્ર અનુભવોમાંથી પસાર થઈ તે ડૉક્ટર બની, પણ તેનું ખરું કાર્યક્ષેત્ર બન્યું બાળકેળવણી. ડૉ. મારિયા મોન્ટેસોરીએ વિકસાવેલી શિક્ષણપદ્ધતિ દુનિયાભરમાં શ્રેષ્ઠ મનાય છે. એમનો જન્મદિન 31 ઓગસ્ટના દિવસે છે અને 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન છે એ નિમિત્તે એમણે અને મહાત્મા ગાંધીએ જેમને ‘મૂછાળી મા’નું બિરુદ આપેલું તે ગિજુભાઈને સ્મરણવંદન કરીએ.
1898માં એક ડૉક્ટર સાથેના પ્રણયથી મારિયાને એક પુત્ર થયો. લગ્ન કરે તો કામ છોડવું પડે – પ્રેમીઓએ આજની ભાષામાં કહીએ તો ડિસ્ટન્ટ રિલેશનશિપ રાખી અને અન્યને ન પરણવાનું નક્કી કર્યું, પણ પ્રેમી પુરુષ પરિવાર અને સમાજના દબાણથી પરણી ગયો. મારિયા દીકરાને લઈને હોસ્પિટલ ક્વાર્ટરમાં રહેતી, પણ કુંવારી મા હોવાને લીધે તેને પુત્ર કોઈને સોંપવો પડ્યો. થોડાં વર્ષ પછી પુત્ર મારિયો તરુણ બન્યો ત્યારે મા-દીકરો સાથે રહેવા પામ્યાં. મારિયોએ માતાને સંશોધનકાર્યમાં ખૂબ મદદ કરી હતી.
આ તો થઈ અંગત વાત. માનસિક અક્ષમ બાળકોને ભણાવતા શિક્ષકોને તાલીમ આપતી ઓર્થોફેનિક સ્કૂલમાં કો-ડિરેક્ટર બન્યા પછી મારિયાને બાળશિક્ષણમાં વધુ સક્રિય થવાની ને શિક્ષણપદ્ધતિ સુધારવાની તક મળી. શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ શોધવા મારિયા આખો દિવસ કામ કરે અને રાતે નોંધો લખે. સાથે માનવવિજ્ઞાન અને શિક્ષણફિલોસોફીનો અભ્યાસ ચાલે. કામે જતાં માબાપો ઘરમાં ઉધામા કરતાં બાળકોને વ્યસ્ત કેવી રીતે રાખવાં તે મારિયાને પૂછતાં. ગરીબ માબાપોનાં બાળકો માટેનાં કેન્દ્રો મારિયાએ ખોલ્યાં. આવું પહેલું ચિલ્ડ્રન્સ હાઉસ તેણે 1907માં ખોલ્યું. ‘પ્રતિભાવ બહુ પ્રોત્સાહક ન કહેવાય. પણ મને અંદરથી લાગતું હતું કે એક દિવસ મારા વિચારોને આખી દુનિયા માનશે.’ મારિયા લખે છે.
મારિયા માનતાં કે બાળક ખૂબ આદરને પાત્ર છે કેમ કે તે નિર્દોષતામાં આપણાથી અનેકગણું ચડિયાતું છે અને તેણી પાસે ભવિષ્યની શક્યતાઓ પણ આપણા કરતાં અનેકગણી વધારે છે. શિક્ષણનો હેતુ બાળકને શાળા માટે નહીં, જીવન માટે તૈયાર કરવાનો છે. જો બાળકને તેના કુદરતી વિકાસને સહાયક એવું વાતાવરણ મળે તો તે જાતે જ પ્રસન્નતાપૂર્વક નવું નવું શીખે છે. ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા હોય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ-સર્જનશીલતાને છીનવી લેનારી છે.
એમણે બાળકનો સર્વાંગી વિકાસ કરતી શિક્ષણસામગ્રી બનાવી હતી. શિક્ષકોને આ નવી પદ્ધતિની તાલીમ આપતો અભ્યાસક્રમ તેઓ ચલાવતાં. 1911-12માં અમેરિકામાં આ પદ્ધતિ લોકપ્રિય બની અને મોન્ટેસોરી શાળાઓ ખૂલી. એક શાળા, ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના કેનેડિયન ઘરમાં પણ ખૂલી હતી. પરંપરાગત શિક્ષણશાસ્ત્રીઓએ વિરોધ તો ઘણો કર્યો, છતાં ધીરે ધીરે દુનિયાના ઘણા દેશો મોન્ટેસોરી પદ્ધતિ અપનાવતા ગયા.
મોન્ટેસોરી શાળાઓમાં અમુક કલાક એવા હોય છે જેમાં બાળકો શિક્ષકોની ખલેલ વગર પોતાની મેળે પ્રવૃત્તિ કરે. ખંડમાં ચિત્ર, સંગીત, વાંચન, હસ્તકામ વગેરેની સામગ્રી બાળક પોતે લઇ શકે એ રીતે મુકાયેલી હોય. તેનો ઉપયોગ શિક્ષકે પહેલા બાળકોને બતાવ્યો હોય એટલે બાળક પોતાની પસંદગીનું કામ, સમજીને હાથમાં લે. મોન્ટેસોરી પદ્ધતિ માને છે કે બાળકમાં છુપાયેલી શક્તિને બહાર કાઢે તે શિક્ષણ સાચું અને સાચા શિક્ષણનો માપદંડ બાળકની પ્રસન્નતા. બાળકને પ્રોત્સાહન અને શાબાશી આપવાં, સજા કે ઈનામ નહીં કેમ કે સજા-ઈનામ બાળકને ગુલામ બનાવે છે અને તેને શીખવાના, જાતે કરવાના આનંદથી દૂર કરે છે.
મોન્ટેસોરી પદ્ધતિથી ચાલતાં બાલમંદિરોમાં જઈએ તો ત્રણચાર વર્ષનાં બાળકો હાથમોં ધોતાં-લૂછતાં, માથું ઓળતાં, આસન પાથરીને બેસતાં, એપ્રન પહેરીને નાસ્તો પીરસતાં, કચરો વળતાં, વાસણ ધોતાં, રંગો-પીંછીઓ વગેરે વ્યવસ્થિત કરતાં, ગીતો ગાતાં, વાર્તાઓ કહેતાં, ગણતાં, આકાર-રંગ-અક્ષર ઓળખતાં, છોડને પાણી પાતાં, એકબીજાને મદદ કરતાં અને સંપીને રમતાં જોઈને ખુશ થઈ જવાય. બાળક નાનુંમોટું જે પણ કરે છે તેમાં તે પોતાને વ્યક્ત કરતું હોય છે. શિક્ષકની ભૂમિકા બાળકને શીખવવા કરતાં શીખવામાં રસ લેતું કરવાની વધારે હોય છે અને જે કામ પોતે કરી શકશે એમ બાળકને લાગતું હોય તેમાં તેને મદદ કરવા ન જવું એવું શિક્ષકને સમજાવેલું હોય છે.
ભારતમાં 1913થી મોન્ટેસોરી પદ્ધતિ પ્રત્યે રસ જાગ્યો હતો. ભારતના કેટલાક વિદ્યાર્થીઓ ઇટલી જઈને મોન્ટેસોરીનો કોર્સ કરી આવ્યા હતા. 1926માં ભારતમાં મોન્ટેસોરી સોસાયટી સ્થપાઈ. 1927થી હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓમાં આ પદ્ધતિ શીખવવા માંડી. મારિયા ભારતમાં ગરીબોના શિક્ષણ માટે કામ કરતી થિયોસૉફિકલ સોસાયટી સાથે પણ જોડાયેલાં હતાં અને વિશ્વયુદ્ધ દરમિયાન થોડાં વર્ષ ભારતમાં રહ્યાં હતાં.

ગિજુભાઈ બધેકા
મારિયા મોન્ટેસોરીના શતાબ્દીવર્ષે ભારતે ટપાલટિકિટ બહાર પાડી હતી. નેધરલેન્ડ્સ, ઇટલી, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ મોન્ટેસોરીના નામની ટપાલટિકિટ બહાર પડી છે. તેઓ નોબેલ શાંતિ ઈનામ માટે ત્રણ વાર નોમિનેટ થયાં હતાં.
ઇટલીમાં મારિયા મોન્ટેસોરીના જન્મ પછી પંદર વર્ષે ભારતના ગુજરાત રાજ્યમાં, અમરેલી તાલુકાના ચીતલ ગામે એક બાળકનો જન્મ થયો. નામ પાડ્યું ગિરજાશંકર. આપણે એને ગિજુભાઈના નામે ઓળખીએ છીએ. તેજસ્વી ગિરજાશંકર બાપદાદાના ગામ વળામાં ઊછર્યા અને સમય જતાં વકીલ થયાં. 1913માં એમને ત્યાં પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. એની કેળવણીના પ્રશ્ને ગિજુભાઈ ખૂબ મૂંઝાતા. સ્વાનુભવ, આસપાસની શિક્ષણસંસ્થાઓ અને બાળકોની સ્થિતિ જોઈ અકળાતા અને પુત્રને એમાંથી મુક્ત રાખવા ઇચ્છતા. એક તબક્કે તો નક્કી કરી લીધું કે મારા દીકરાને હું પોતે ભણાવીશ અથવા તેને અભણ રહેવા દઇશ પણ આ બધામાં નહીં નાખું.
એ અરસામાં તેમણે વસોમાં મોન્ટેસોરી કાર્ય કરતાં મોતીભાઈ અમીનને મળવાનું થયું. મોતીભાઈએ એમની મૂંઝવણ દૂર કરવા કેટલાંક પુસ્તકો વાંચવા આપ્યાં જેમાં ડૉ. મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો પણ હતાં. એ વાંચીને ગિજુભાઈને બાળકેળવણીનો સાચો રસ્તો મળ્યો.
ગિજુભાઈના મામા હરગોવિંદદાસે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાભવનની શરૂઆત કરી હતી. નાનાભાઈ ભટ્ટ પ્રોફેસરપદને તિલાંજલિ આપી તેમ જોડાયા હતા. ગિજુભાઈ વકીલાત છોડી દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે જોડાયા, પણ એમાં એમને સંતોષ ન થયો. મનમાં મોન્ટેસોરી પદ્ધતિ રમતી હતી. બાલ્યાવસ્થાના સંસ્કાર જીવનભર ટકે છે એવું દૃઢપણે માનતા ગિજુભાઈએ 1920માં બાલમંદિર ખોલ્યું. પછી તો આ બાલમિત્ર મન મૂકીને બાળકેળવણીના પ્રયોગો કરતા રહ્યા. માતાપિતાને અને શિક્ષકોને માર્ગદર્શન આપતાં અનેક પુસ્તકો લખ્યાં. તેમની પાસેથી સાચું અને ખૂબ સમૃદ્ધ બાળસાહિત્ય ગુજરાતને મળ્યું. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ગિજુભાઈની વાર્તાઓ ન માણી હોય. તેમનું એક પુસ્તક વાર્તાના શાસ્ત્ર વિષે છે. ઘરમાં ઉછરતાં બાળકને યોગ્ય વાતાવરણ મળે એવો એમનો સતત આગ્રહ રહેતો. માબાપોને માર્ગદર્શન આપતાં પુસ્તકો પણ તેમણે લખ્યાં.
‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્ર મારિયા મોન્ટેસોરીએ આપ્યું અને તે અને ગિજુભાઈ તેને જીવી ગયા. બાળકને પ્રેમ કરવો એટલું પૂરતું નથી, તેને આદર અને મોકળાશનું વાતાવરણ માબાપે અને શિક્ષકે આપવાનું હોય છે. એટલું જ નહીં એમણે પોતે પણ બાળક પાસેથી ઘણુંબધું શીખવાનું હોય છે. માબાપો અને શિક્ષકનું ખરું ઘડતર બાળકના હાથે જ થાય છે. બર્ટ્રાન્ડ રસેલ તો ત્યાં સુધી કહે છે કે શિક્ષકો અને શિક્ષણસંસ્થાઓની ચુંગાલમાંથી છૂટ્યા પછી જ માણસનો સાચો બૌદ્ધિક વિકાસ શરૂ થાય છે. આવા મહાનુભાવોને યાદ કરીને આપણે આપણા ઘરમાં ઉછરતા બાળકને આપણા ગુરુ બનાવી શકીશું તો આપણું વડપણ અને એમનું બાળપણ બેઉ સાર્થક થશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 ઑગસ્ટ 2025