પડતર કેસોનાં ભારણ અને દબાણ વચ્ચે કામ કરતી અદાલતો સમક્ષ સામાન્ય બાબતે દાદ મંગાય છે ત્યારે કોર્ટ પ્રત્યે દયા અને અરજદાર પ્રત્યે ગુસ્સો જન્મે છે.
આમ આદમી અદાલત અને પોલીસના પગથિયે પગ માંડવાનું ટાળે છે. તેને અદાલત અને પોલીસ પહોંચની બહારની બાબત લાગે છે. જો કે એ પણ એટલું જ સાચું છે કે લોકતંત્રના ચાર મહત્ત્વના સ્તંભ પૈકીના એક ન્યાયતંત્ર પર સામાન્ય નાગરિકને આજે ય અડીખમ વિશ્વાસ છે. તેની આશાનું અંતિમ ઠેકાણું અદાલતો છે. આપણી અદાલતો ન્યાયની અદાલતો ઓછી અને પુરાવાની અદાલતો વધુ છે તેને કારણે પણ ઈચ્છિત ન્યાય મળી શકતો નથી.
અદાલતોમાં લાખો કેસો વરસોથી પડતર છે. તે માટે ન્યાય તંત્રની ધીમી કાર્યવાહી, જજોની ખાલી જગ્યાઓ સાથે વેકેશન અને રજાઓનું મોટું પ્રમાણ કારણભૂત છે. દેશની અદાલતોમાં પચાસ વરસથી પડતર હોય તેવા કેસોની સંખ્યા એક હજાર છે. બે લાખ કેસો પચીસ વરસથી પડતર છે. ૯૦ લાખ પડતર દીવાની ખટલાઓમાં ૨૦ લાખ તો એવા છે કે જેમાં સમન્સની પણ બજવણી થઈ નથી. રાજ્યોની ૨૫ વડી અદાલતોમાં જ ૪૩.૫૦ લાખ કેસો પેન્ડિંગ છે. વિલંબિત ન્યાય એ અન્યાય બરાબર છે. પરંતુ તેમાં ઝડપ આવી શકતી નથી. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું મુખ્ય કામ તો તેમની સામે રજૂ થતી બાબતોની બંધારણીયતા કે કાયદેસરતા ચકાસવાનું છે. પરંતુ રામમંદિર જેવા કેસમાં જોવા મળ્યું છે તેમ જે કામ સરકારોનું છે તે પણ અદાલતોના હવાલે કરી દેવાય છે. આ સ્થિતિમાં અદાલતો સમક્ષ એવા કેસો પણ આવે છે જે આઘાત અને આશ્ચર્ય જન્માવે છે. ૧૯૭૮માં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક વ્યક્તિએ બસની ટિકિટની લાઈનમાં ઊભેલી વ્યક્તિના ખિસ્સામાંથી ૨૦ રૂપિયા ચોરી લીધા હતા. પોલીસ તપાસ પછી આ કેસ ૪૨ વરસ ચાલ્યો અને અંતે ૨૦૧૯માં લોક અદાલતમાં તેનો નિકાલ થયો. ફરિયાદી આટલાં વરસે આરોપીની ઓળખ જ ન કરી શક્યા અને અંતે કેસ બંધ કરવો પડ્યો. ગુજરાતમાં એસ.ટી. બસના કંડકટરે નવ રૂપિયા લઈને પેસેન્જરને ટિકિટ ન આપી હોવાનો મામલો હાઈકોર્ટની ખંડપીઠ સુધી પહોંચ્યો છે. ૨૦૦૧ના ભૂકંપમાં અમદાવાદમાં ધરાશાયી થયેલી ઈમારત માટે ઈજનેરને જવાબદાર ઠેરવી તેમનો પરવાનો રદ્દ કરવાની સજા ઓથોરિટીએ ૧૭ વરસ બાદ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
દેશના મોટા નેતાઓ અંગે અદાલતમાં આજે ય ખટલાઓ દાખલ થયા કરે છે. ‘અભિનવ ભારત’ નામક સંસ્થાએ મહાત્મા ગાંધીની હત્યા નાથુરામ ગોડસે નહીં પણ કોઈ રહસ્યમય વ્યક્તિએ કરી હોવાથી આ કેસની નવેસરથી તપાસ કરવા અને સત્ય લોકો સમક્ષ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે અદાલત મિત્ર(એમિક્સ ક્યુરી)ની નિમણૂંક કરી અને અરજદારનો દાવો ખોટો હોવાનું પુરવાર કર્યું. ૨૦૧૫માં સર્વોચ્ચ અદાલતે ગાંધીજી વિશેની એક કવિતાથી લાગણી દુભાયાના મુદ્દે ઐતિહાસિક રીતે સન્માનીય વ્યક્તિઓ વિશે કોઈએ એલફેલ કે અભદ્ર બોલવું – લખવું નહીં તેવો ચુકાદો આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટ સમક્ષ ૨૦૧૯માં એક વકીલે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને અપાયેલું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પરત લેવા અરજી કરી હતી. મહાગુજરાત આંદોલન, ગોવા મુક્તિ અને પદ્મ સન્માન અંગેના મોરારજીભાઈના વિચારોનો હવાલો આપીને ફરિયાદીએ ભારત રત્ન પરત લેવાની માંગ કરી હતી. હાઈકોર્ટે વકીલને અર્થહીન મુદ્દે દાદ માંગવા સબબ પચાસ હજારનો દંડ કરી માંગ ફગાવી હતી.
અમદાવાદના કોટ વિસ્તારની હાજા પટેલની પોળના ૭૦ વરસ જૂના જર્જરિત મકાનનું સમારકામ કરવાની અરજી મહાનગરપાલિકાએ હેરિટેજ સિટીના કારણે ફગાવી દીધી તેથી અરજદારને હાઈકોર્ટમાં જવું પડ્યું. મકાનનું સમારકામ કેમ જરૂરી છે અને તેના અભાવમાં શું જોખમ થઈ શકે તેમ છે તે અદાલતને જણાવ્યું. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ મગજનો ઉપયોગ કર્યા સિવાય અરજદારને નોટિસ ફટકારી હોવાની ટિપ્પણી સાથે સમારકામની મંજૂરી આપી ! ગુજરાત ફાર્મસી કાઉન્સિલે ફાર્માસિસ્ટ જેવા સન્માનજનક શબ્દના બદલે સરકાર તેમને કમ્પાઉન્ડર તરીકે ઓળખાવે છે તે મુદ્દે દાદ માંગી હતી. હાઈકોર્ટે તેમની માંગ ગ્રાહ્ય રાખી. મોટા ભાગની ઉપલી અદાલતોનું કામ અંગ્રેજીમાં થાય છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) કાયદાઓની જોગવાઈઓ સામાન્ય વેપારી પણ સરળતાથી સમજી શકે તે હેતુસર તેનું ગુજરાતીમાં ભાષાંતર ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો. ગુજરાતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની માહિતી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર હિંદી-અંગ્રેજીમાં છે. ગુજરાતના લોકોને આ માહિતી ગુજરાતીમાં જાણવાનો અધિકાર હોવાનો આદેશ ૨૦૧૯માં વડી અદાલતે આપ્યો હતો.
ઘરેલુ કારણો અને ગુનાઓ અંગે અવનવા મુકદ્દમા કોર્ટો સમક્ષ દાખલ થાય છે. સુરેન્દ્રનગરની ફેમિલી કોર્ટમાં ૨૭ વરસ પહેલાં છૂટાછેડા લીધેલ એક મહિલાએ પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી ! છૂટાછેડા બાદ પત્ની પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી શકે નહીં તેવો ચુકાદો કોર્ટે આપ્યો. માતાપિતાના રોજના ઝઘડાથી ત્રસ્ત એક કિશોરી સ્કૂલેથી સીધી જ ભોપાલની ડિસ્ટ્રીકટ લીગલ ઓથારિટી પહોંચી. તેની માનસિક હાલત જોઈને કોર્ટે પહેલાં તેનું કાઉન્સેલિંગ કર્યું. પછી માતાપિતાને બોલાવ્યા. જજની ખુરશી પર કિશોરીને બેસાડી ન્યાય કરવા જણાવ્યું, દીકરીએ પપ્પા મારઝૂડ નહીં કરે, નિયમિત સ્કૂલની ફી ભરશે વગેરે બાબતો જણાવી, જેણે કોર્ટે પોતાનો ચુકાદો ગણાવ્યો. તમિલનાડુના એક પતિએ પત્નીને વેશ્યા કહેતાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરી નાંખી. નીચલી કોર્ટે મહિલાને આજીવન કેદની સજા કરી હતી. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે પતિના વેશ્યા જેવા શબ્દો અને ટિપ્પણી હત્યા માટે ઉશ્કેરણીજનક છે તેમ માની મહિલાને આરોપમુક્ત કરી હતી. પિયર ફોન કરવાનો સમય વધારવા જેવી સામાન્ય બાબતે કોઈ છેક સર્વોચ્ચ અદાલતમાં જાય? હા, જાય, મહાન ભારત ભૂમિમાં આ પણ શક્ય છે. લગ્ન જીવન બચાવવા માતા-પિતાની દખલથી પતિ પત્નીને દૂર રાખવા રાંચી હાઈકોર્ટે મહિલાને રોજ પિયરમાં એક કલાક જ ફોન કરવાની સંમતિ સાથે છૂટ આપી હતી. પત્નીએ આ શરત હઠાવવા સુપ્રીમ કોર્ટનું શરણ લીધું. પણ કોર્ટે મહિલાની માંગ ફગાવી દીધી હતી.
આપણી અદાલતો કામનાં ભારણ અને પડતર કેસોનાં દબાણ હેઠળ કામ કરતી હોય છે ત્યારે કેવા અવનવા ખટલાઓ ન્યાય માટે તેના દ્વાર ખખડાવે છે તે જાણીએ તો ન્યાય તંત્રની દયા ઉપજે અને લોકો પ્રત્યે ક્રોધ જન્મે છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 13 મે 2020