Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અથ શ્રી ‘જાંબુ પુરાણ કથા’

વિશાલ શાહ|Opinion - Opinion|16 July 2017


એક સમયે સ્કૂલ રિસેસમાં ચાર-પાંચ દોસ્તારો ભેગા થઈને લારી કે ખૂમચાવાળા પાસેથી કાચી કેરી, આમળા, ચણી બોર, ફાલસા, રાયણ, કોઠું, શેતૂર, ગોરસ આંબલી, કાકડી, ટામેટાં, તરબૂચનાં બિયાં, ટેટીનાં બિયાં, જાંબુ, શીંગ-ચણા, દાળિયા, વટાણા કે કચુકા જેવી જાતભાતની ચીજોનો મિસમેચ બ્રેકફાસ્ટ ઓર્ડર કરીને મેગા પાર્ટી કરતા હોય, એવાં દૃશ્યો સામાન્ય હતાં  . આ બધામાં જાંબુ સિઝનલ ફ્રૂટ હોવાથી રથયાત્રા આવે એના થોડા દિવસ પહેલાં લારીઓમાં દેખાવાના શરૂ થતાં. ખૂમચાવાળો માંડ બે-ત્રણ રૂપિયામાં ચાટ મસાલો કે મીઠું ભભરાવેલા જાંબુ કાગળના પડીકામાં ભરી આપતો. જાણે જાંબુ ચાટ. જાંબુનો સ્વાદ થોડો એસિડિક કહી શકાય એવો ખાટ્ટોમીઠો અને ઉપરથી થોડી ખારાશ-ખટાશ-તીખાશ ધરાવતો મસાલો. બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ આવો જ જાંબુ ચાટ ઝાપટવાની જ્યાફતો ઉડાવાતી. જાંબુ ચાટની મજા માણ્યા પછી સ્કૂલમાં હોઈએ તો એકબીજાને જાંબુડિયા રંગની જીભ બતાવાની અને શેરીમાં રમતા હોઈએ તો આસપાસ પાર્ક કરેલાં વાહનોના કાચમાં જઈને જીભ જોવાની. આવું કરીશું તો કોણ શું કહેશે અને કેવું લાગશે એવી બધી બાળસહજ બેપરવાઇમાંથી ખુશીઓના ફુવારા ફૂટતા.

આ તો પૈસા ખર્ચીને ખાવાની વાત થઈ પણ ઝાડ પરથી જાંબુ પાડીને ખાવામાં પણ ઓનલાઈન શૉપિંગ કર્યા પછી પાંચ આંકડાનું વાઉચર ફ્રીમાં મળ્યું હોય એનાથીયે વધારે આનંદ આવતો. આજે ય જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોગલ અને અંગ્રેજકાળના સ્થાપત્યોની આસપાસ જાંબુના વૃક્ષો અડીખમ ઊભાં છે. અંગ્રેજ કાળમાં કોઈ મહત્ત્વનાં સ્થળ સુધી પહોંચવાના રસ્તે વૃક્ષો ઊગાડાતાં. વૃક્ષ જ જે તે સ્થળ સુધી પહોંચવાનું સરનામું. નવી દિલ્હીના હાઈલી સિક્યોર્ડ લ્યુટયેન્સ બંગલૉઝ એરિયામાં પીપળો, લીમડો, અંજીર અને અર્જુનની સાથે જાંબુનાં વૃક્ષો પણ હજુયે જોવા મળી રહ્યાં છે. બ્રિટિશ ભારતમાં જે તે વિસ્તારમાં સુંદરતા અને ઠંડક વધારવા તેમ જ પાણીનો પ્રશ્ન વિચારીને વૃક્ષો ઊગાડાયાં હતાં. દિલ્હી રાજપથની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુનાં મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે. અંગ્રેજકાળમાં જાંબુનાં વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ પાંદડાથી ભર્યોભર્યો રહે છે. બીજાં વૃક્ષોની જેમ જાંબુનું ઝાડ પાનખરમાં બોડું નથી થઈ જતું. જો જાંબુના બદલે ઠંડા અને ભેજવાળા વિસ્તારના વિદેશી વૃક્ષો ઊગાડવામાં આવે તો ખાતર-પાણી વધારે જોઈએ, પરંતુ જાંબુનું તો વતન જ ભારતીય ઉપખંડ છે. અહીં જ તેનો જન્મ થયો હતો. ઉત્ક્રાંતિકાળમાં જ જાંબુડાને ઓછી જરૂરિયાતોથી ભરપૂર જીવન જીવવાની કુદરતી બક્ષિસ મળેલી છે.

જાંબુ ફલિન્દા 

વૈજ્ઞાનિક ભાષામાં સાયઝિજિયમ ક્યુમિની નામે ઓળખાતાં જાંબુ ફ્લાવરિંગ પ્લાન્ટ કેટેગરીમાં આવતી મિર્ટેસિયા જાતિનાં ફળ છે. જામફળ, વિદેશી મરી અને લવિંગ પણ આ જ જાતિ સાથે સંકળાયેલા છોડ છે. ભારતની દરેક મુખ્ય ભાષામાં જાંબુનું નામ છે. જેમ કે, સંસ્કૃતમાં 'જાંબુ ફલિન્દા' જેવું શાસ્ત્રીય નામ અપાયું છે, તો હિન્દીમાં ‘જામુન’, મરાઠીમાં ‘જાંભુલ’, બંગાળીમાં ‘જામ’, તમિલમાં ‘નગા પઝમ’, મલયાલમમાં ‘નવલ પઝમ’, તેલુગુમાં ‘નેરેન્ડુપન્ડુ’ અને કન્નડમાં ‘નિરાલે હન્નુ’ નામે જાંબુ ઓળખાય છે. એક સમયે પશ્ચિમી દેશોના લોકો જાંબુને બ્લેકબેરી કહેતા, પરંતુ અદ્દલ જાંબુ જેવી લાગતી બ્લેકબેરી રોઝેસિયા જાતિનું ફળ છે. બ્લેકબેરી વૃક્ષો પર દ્રાક્ષ જેવા ઝુમખામાં ઊગે છે, જ્યારે જાંબુ ઝુમખામાં નથી થતાં. આ તફાવત ખબર પડ્યા પછી પશ્ચિમી દેશોએ જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી, મલબાર પ્લમ કે જાવા પ્લમ જેવાં નામ આપ્યાં છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ એગ્રિકલ્ચરે છેક ૧૯૧૧માં ફ્લોરિડામાં પહેલીવાર જાંબુની ખેતી શરૂ કરાવી હતી. અમેરિકામાં વાયા બ્રાઝિલ જાંબુ ગયાં હતાં, જ્યારે બ્રાઝિલમાં પોર્ટુગીઝો થકી ભારતીય જાંબુ પહોંચ્યાં હતાં. એ પછી તો આ પ્રદેશનાં પક્ષીઓ થકી જાંબુનાં બીજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા અને થોડા દાયકામાં તો લેટિન અમેરિકાના ગુયાના, સુરિનામ, ટ્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં પણ જાંબુના વૃક્ષો દેખાવા લાગ્યાં.

આ ઐતિહાસિક તથ્યો જ સાબિત કરે છે કે, જાંબુ ભારતીય ઉપખંડનું એક્સક્લુસિવ ફળ છે. ભારતની પ્રાચીન સંસ્કૃિતમાં જાંબુને ઘણું મહત્ત્વ અપાયું હોવાની પણ સાબિતીઓ છે. મરાઠી-કોંકણી સંસ્કૃિતમાં લગ્નનો માંડવો જાંબુનાં પાનથી સજાવાય છે. દક્ષિણ ભારતમાં તો જાંબુની ડાળખી કે છોડ રોપીને લગ્નવિધિ શરૂ કરાવાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેડૂતો બળદગાડું, ખેતીના ઓજારો તેમ જ ઘરના બારી-દરવાજા બનાવવા જાંબુનાં વૃક્ષનું લાકડું વાપરતા. હિંદુ ધર્મગ્રંથો અને પ્રાચીનતમ સંસ્કૃત પુસ્તકોમાં પણ જાંબુના ઉલ્લેખ છે. પુરાણોમાં પૃથ્વીલોકને સાત ખંડમાં વહેંચવામાં આવી છે. પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ અને જંબુ દ્વીપ. આ જંબુદ્વીપ એટલે જાંબુનાં વૃક્ષોથી શોભતો પ્રદેશ. અહીં દ્વીપ શબ્દ 'ખંડ'ના અર્થમાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ જંબુદ્વીપની વાત કરાઈ છે. ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં આવેલું દિગમ્બર જૈનોનું તીર્થ આ 'પૌરાણિક જંબુદ્વીપ'ની તર્જ પર જ ડિઝાઈન કરાયું છે. વિષ્ણુપુરાણમાં તો જંબુદ્વીપમાંથી કેવી નદી વહે છે એનું રસિક વર્ણન કરતા કહેવાયું છે કે, મેરુ પર્વતની તળેટીનાં જાંબુનાં મહાકાય વૃક્ષો પર ઊગેલા હાથી આકારના જાંબુનાં ફળ પાકીને નીચે પડે છે. આ ફળો પર્વત પર ટકરાઈને નીચે પડે છે ત્યારે તેમાંથી રસ નીકળીને સુંદર નદીનું સર્જન થાય છે. અહીં રહેતા લોકો તેનું જ પાણી પીએ છે. આ જળનું પાન કરવાથી પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઈન્દ્રિયક્ષયમાંથી છુટકારો મળે છે. આ નદીને જાંબુ નદી કહે છે. જાંબુ નદીના કિનારાની માટી અને જાંબુનો રસ મિશ્રિત થાય પછી મંદ મંદ પવન ફૂંકાતા જંબુનદ નામની ધાતુ બને છે. અહીંના સિદ્ધપુરુષો આ જ માટીના આભૂષણો પહેરે છે …

જૈન ખગોળ પ્રમાણે જંબુદ્વીપની રચના

ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં ૨૫૦ ફૂટના વ્યાસમાં  ડિઝાઈન કરાયેલું જંબુદ્વીપ અને ૧૦૧ ફૂટ ઊંચો સુમેરુ પર્વત

મહાભારતના અશ્વમેઘ પર્વના અધ્યાય ૪૩ના પહેલાં જ શ્લોકમાં બ્રહ્માજીના મુખે એક સંવાદમાં કહેવાયું છે કે, ''… વડલો, જાંબુ, પીપળો, સેમલ, સીસમ, મેષશૃંગ અને પોલો વાંસ – આ લોકના વૃક્ષોના રાજાઓ છે, એ વાતમાં કોઈ શંકા નથી …'' સેમલ એટલે ઈન્ડિયન કોટનવુડ અને મેષશૃંગ એટલે ગુડમારનો વેલો. 'ભાગવત્ પુરાણ'માં પણ ક્યાંક ક્યાંક જાંબુના ઉલ્લેખ મળે છે. જેમ કે, દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં કહેવાયું છે કે, ''વર્ષાઋતુમાં વૃંદાવન આવી જ રીતે પાકેલાં ખજૂર અને જાંબુથી શોભાયમાન રહેતું …'' તો દસમા સ્કંધના ૩૦મા અધ્યાયમાં બીજાં અનેક વૃક્ષોની સાથે જાંબુને પણ યમુના કિનારે બિરાજમાન મહાકાય સુખી વૃક્ષ ગણાવાયું છે. મહાભારતમાં 'દશાર્ણ' નામના એક પ્રદેશનું વર્ણન છે. આ દશાર્ણ એટલે આજના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલો બુંદેલખંડનો પ્રદેશ. આ પ્રદેશમાં કુલ દસ નદીઓ વહેતી એટલે તેનું નામ પડયું, દશાર્ણ. આ દશાર્ણ પ્રદેશનો 'મેઘદૂત'માં ઉલ્લેખ કરતા મહાકવિ કાલિદાસ કહે છે કે, ‘'… આ પ્રદેશમાં વરસાદ પછી જાંબુના લતામંડપો ફૂલેફાલે છે અને એટલે જ અહીં યાયાવર હંસો થોડા દિવસ રોકાઈ જાય છે …''

કૃષ્ણના શરીરનો રંગ જાંબુડિયો છે કારણ કે, કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુનો સંબંધ પાણી સાથે છે અને પાણીનો રંગ જાંબુડિયો છે. કૃષ્ણ અને શિવનું શરીર વાદળી કે જાંબુડિયા રંગનું હોવા પાછળ બીજું પણ એક કારણ અપાયું છે. પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે મૂર્તિકારો અને ચિત્રકારોએ પણ હિંદુ દેવતાઓનું શરીર જાંબુડિયા રંગનું બનાવ્યું છે. ભૂરો, વાદળી કે જાંબુડિયો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણના પેલા વિખ્યાત ભજનમાં પણ એક પંક્તિ આવે છે, 'આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ:' ટૂંકમાં, જાંબુ એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું અતિ પૌષ્ટિક ફળ છે અને એટલે જ રથયાત્રામાં પણ જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે.

જાંબુનું આખેઆખું વૃક્ષ એટલે કે ફળ, ઠળિયા, ફૂલ, છાલ અને લાકડું બધું જ ઉપયોગી છે. જાંબુના ઠળિયાને સૂકવીને-શેકીને-દળીને બનાવેલું ચૂરણ ડાયાબિટીસમાં અકસીર છે કારણ કે, જાંબુનાં તત્ત્વો સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત થતાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી હર્બલ ટીમાં પણ જાંબુના ઠળિયાનું ચૂરણ મિશ્રિત કર્યું હોય છે. જાંબુનાં એસિડિક તત્ત્વોમાં પથરી ઓગાળવાનો ગુણ પણ રહેલો છે. જાંબુનું ચૂરણ પાયોરિયા જેવા દાંતના રોગમાં ફાયદાકારક છે. કબજિયાત, મરડો, કૃમિ અને પથરી જેવા પાચનતંત્રને લગતા રોગોમાં પણ જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂરણ લાભદાયી છે. પેટ સારું રહે તો ત્વચા પણ સારી રહે. એ રીતે જાંબુનું સેવન કરવાથી સુંદર ત્વચા પણ મળે છે.

જાંબુડિયું શરબત

જાંબુમાં વિટામિન 'બી' કોમ્પ્લેક્સ અને 'સી' ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જાંબુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેિશયમ, ફોસ્ફરસ, પોટાશિયમ અને સોડિયમ જેવાં ખનીજ તત્ત્વોનો પણ ભંડાર છે. આ તમામ તત્ત્વો કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, જેથી હૃદયરોગ થતો અટકે છે અથવા કાબૂમાં રહે છે. જાંબુમાં કેટલાક એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ હોય છે. સીધી સાદી ભાષામાં કહીએ તો એન્ટિ ઓક્સિડન્ટ્સ એટલે એવાં તત્ત્વો કે જે શરીરમાં ઓક્સિજન સાથે ભળીને સડો કરતાં તત્ત્વોને અટકાવે. આમ, ઓક્સિડાઇસેશનને અટકાવે એવાં તત્ત્વો એટલે એન્ટિ ઓક્સિડન્ટ્સ. જેમ કે, વિટામિન સી પણ એન્ટિ ઓક્સિડન્ટ જ છે. જાંબુમાં પોલિફેનોલન્સ જેવા અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ પણ હોય છે. પોલિફેનોલ્સ કેન્સરના કોષો સામે લડનારા કેમિકલ તરીકે જાણીતું છે. કદાચ એટલે જ કિમોથેરેપી લેતા દર્દીઓને જાંબુનો જ્યૂસ પીવાનું સૂચન કરાય છે.

આયુર્વેદમાં જ નહીં, ચીન અને યુનાની ઔષધશાસ્ત્રમાં પણ જાંબુથી થતાં ફાયદાનું વિસ્તૃત વર્ણન મળે છે. આયુર્વેદમાં તો જાંબુ ક્યારે અને કેવા સંજોગોમાં ના ખાવા જોઈએ એની પણ વિગતવાર વાત કરાઈ છે. જેમ કે, સાંધાના દુ:ખાવા, લકવો, વાઇ, આંચકી જેવા રોગોમાં તેમ જ ગર્ભવતીઓને, ભૂખ્યા પેટે અને શરીરે સોજા રહેતા હોય એવા લોકોને જાંબુ ખાવાની આયુર્વેદમાં 'ના' છે.

ખેર, આ જાંબુ પુરાણ હવે અહીં જ અટકાવીએ.

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

16 July 2017 admin
← નાગરિક ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી
Lipstick on a Pig →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved