
રવીન્દ્ર પારેખ
સર્વ પ્રથમ તો આજના પ્રજાસત્તાક પર્વનાં સૌને હૃદયપૂર્વક અભિનંદનો. આમ તો આ પ્રજાસત્તાક પર્વ છે, પણ ક્યારેક પ્રજા(ને)સટ્ટાક પડતી હોય એવી હાલત પણ છે. આજે પણ દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડ યોજાશે અને એમાં ભારતીય વિકાસની વાતો થશે. એ સાચું કે ઘણાં ક્ષેત્રોમાં ભારતે વિકાસની હરણફાળ ભરી છે. AIને મામલે પણ ભારત પાછળ નથી. અહીં ટેકનોલોજીનો જરા જેટલો પણ વાંધો નથી, પણ ટેકનોલોજી જો માણસ/માનસ પર જ જોખમ ઊભું કરતી હોય, તો તેનું આધિપત્ય કેટલું સ્વીકારવું એ અંગે વિચારાવું જોઈએ. વિશ્વના સૌથી ધનિક ટેકનોબોસ એલોન મસ્કે ગૌરવભેર જાહેરાત કરી છે કે આ વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસથી પણ વધુ બુદ્ધિશાળી બની જશે, તો મસ્કે જ ક્યાંક કહ્યું છે કે આવનારા સમયમાં માણસો કરતાં રોબોટ્સની સંખ્યા વધારે હશે. તો, સવાલ એ થાય કે માણસને આપણે રહેવા દેવો છે કે તેનું નિકંદન કાઢીને મશીનોની દુનિયાથી રાજી રહેવું છે?
AIને હાવી થવા દેવામાં ને માણસથી પણ વધારે સાબિત કરવામાં આર્થિક કે અન્ય લાભો તો થતાં થશે, પણ માણસ AIનો દાસ બને તે કદી પણ તેના હિતમાં નહીં હોય. ચીને AI સાહસો માટે વીજળીનો દર અડધો કરી નાખ્યો છે ને પરિવહન ફ્રી કરી દીધું છે. આ બધું ભલે થાય, પણ એ શુદ્ધ બુદ્ધિથી થતું હોય એમ લાગતું નથી, એમાં રાજકીય સ્પર્ધા વધુ દેખાય છે. એનો અંતિમ હેતુ વિકાસનો ઓછો ને વિનાશનો વધુ છે.
આપણે ભારતીયો હજી પણ અમેરિકાના પ્રભાવમાંથી બહાર આવી શકતા નથી. આખી દુનિયા જાણે છે કે અમેરિકી પ્રમુખ મહમ્મદ તઘલખને સારો કહેવડાવે એવા છે, પણ તેને ફગાવી દેવાને બદલે, આખી દુનિયા તેના તરંગોને પોષવા મથે છે તે ઠીક નથી. એ જ અમેરિકાનું એક તારણ એવું છે કે શિક્ષણમાં ટેકનોલોજીથી બહુ લાભ થયો નથી. અમેરિકાના કેન્સાસમાં આવેલી એક મિડલ સ્કૂલે ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામ 2022માં, શીખવામાં સુધારો થાય એ હેતુથી શરૂ કરેલો, પણ વિદ્યાર્થીઓને એ માફક આવ્યો ન હતો. આમ તો લેપટોપ શાળા તરફથી અપાયેલાં, પણ એથી અભ્યાસમાં એમનું ધ્યાન રહેતું ન હતું. ઘણી સાઈટ્સ બ્લોક થઇ હતી છતાં, બાળકો તેને કોઈક રીતે એક્સેસ કરી જ લેતાં હતાં. આ પરિસ્થિતિમાં વાલીઓએ 2025માં આગ્રહ કર્યો કે સ્કૂલ તેનાં લેપટોપ પાછાં લઈ લે.
આ એક જ બનાવ નથી, અમેરિકામાં 90 ટકા હાઇસ્કૂલ અને 84 ટકા પ્રાથમિકના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી અપાયેલાં લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે છે, છતાં શિક્ષણમાં તેનો મર્યાદિત લાભ જ મળે છે. આ બધું છતાં આખી દુનિયામાં એડ-ટેક પાછળનો ખર્ચ વધી રહ્યો છે. અમેરિકાએ શૈક્ષણિક ટેકનોલોજી પાછળ 30 અબજ ડોલર ખર્ચ્યા છે ને દુનિયાની વાત કરીએ તો એડ-ટેક ઉદ્યોગનો આંક 165 અબજ ડોલર થવા જાય છે.
ટેકનોલોજીથી અભ્યાસમાં થોડો ઘણો લાભ થતો હશે, પણ કેટલીક આડઅસરો દુનિયા આખીમાં જોવા મળે છે. જેમ કે, વિદ્યાર્થીઓની વાચનક્ષમતા ઘટી છે, લાંબું વાંચવાની ધીરજ રહી નથી. એક કાળે ખૂબ વંચાતી નવલકથાઓ પણ લગભગ વંચાતી નથી. લાઈબ્રેરીનો સંપર્ક ઘટ્યો છે ને તે દૃશ્ય માધ્યમથી સરભર કરવાની યુક્તિઓ વધી છે. વીડિયો, ક્લિપિંગ્સ, શોર્ટ ફિલ્મ્સ આવવાને લીધે અન્ય વિષયો તરફ ધ્યાન ઘટ્યું છે ને તેની અસર પરિણામો પર પડી છે. વારંવાર મેસેજિસ જોવાને લીધે કે ટૂંકા વીડિયોની ભરમારને કારણે બાળકોનું ચિત્ત કોઈ એક વાત પર ઠરતું નથી ને તે એકાગ્ર થઈ શકતું નથી. વીડિયો ગેમ્સે વિદ્યાર્થીઓને આક્રમક અને શોર્ટ ટેમ્પર્ડ બનાવ્યાં છે. બધાનું જ ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે વર્ગમાં કે બહાર સીધા સંવાદ પર ચોકડી પડી ગઈ છે. એ સમજી લેવાનું રહે કે બાળકો માટે પ્રત્યક્ષ માનવીય સંપર્ક વગર શિક્ષણ ધારી અસર ઉપજાવી શકતું નથી.
એક તરફ આપણે શિક્ષકોને કામચલાઉ કરી મૂક્યા છે, તો બીજી તરફ બિલ ગેટ્સે 2013માં ચેતવેલા કે શિક્ષણ ટેકનોલોજી ખરેખર કામ કરે છે કે નહીં, તે જાણતા દાયકો લાગી જશે. દાયકા પછી અને સેંકડો કરોડ ડોલરના ખર્ચ પછી પ્રાયશ્ચિત જ કરવાનું આવશે. આ ટેકનોલોજીની તરફેણ કરનારી અને હવે ચિંતિત એક અગ્રણી અમેરિકી સન્નારી એવું કહે છે કે આટલાં પૈસા શિક્ષકો પાછળ ખર્ચ્યા હોત તો ઘણો ફાયદો થયો હોત. ખરેખર તો કામચલાઉ શિક્ષકો રાખનારી ને શિક્ષકોને કાયમી નોકરી ન આપનારી ભારતની રાજ્ય સરકારોના ગાલ પર આ સણસણતો તમાચો છે. પ્રાથમિક શિક્ષણ પ્રત્યક્ષ રૂપે અપાય તે આજના માસ પ્રમોશન ચાખી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય બનવું જોઈએ. ટેકનોલોજી સાથે મૈત્રી થાય, પણ તેને બાળકોનું વાલીપણું સોંપાય નહીં કે માનવ જાત પર હાવી પણ થવા દેવાય નહીં !
આપણી જ વાત કરીએ તો ટેકનોલોજી કેવી હાવી થઈ છે તે જોઈએ. એક માતાએ 14 વર્ષના દીકરાને ગેઈમ રમવા ન દીધી તો તેણે આપઘાત કર્યો. એક પિતાએ 17 વર્ષના દીકરાને મોબાઈલની ના પાડતાં દીકરાએ પિતાની હત્યા કરી. ઓનલાઈન ગેમમાં એક કિશોર 13 લાખ હારી ગયો ને તેણે આત્મહત્યા કરી. 12 વર્ષના એક બાળકને પિતાએ ગેમ રમવાની ના પાડી તો તેણે આપઘાત કર્યો. આવા ઢગલો બનાવો હશે, બધાંમાં કોઈકને કોઈક રીતે મોબાઈલ કેન્દ્રમાં છે. મોબાઈલના અનેક લાભ છે, તે સ્વીકારીએ તો પણ, અનેક ગેરલાભ છે, એ પણ સ્વીકારવું પડે. મોબાઈલ પોતે ખોટો નથી, પણ તેનો ઉપયોગ ખોટો છે, જેવાં ઘણાં બચાવ છતાં, એટલું સ્વીકારીએ કે એનો વધુ ભોગ બાળકો બને છે, તો એમનાં ભોગે મોબાઈલ સંકીર્તન ચાલુ રાખીશું? એક વાત બહુ સ્પષ્ટ છે કે મોબાઈલે ઘરમાં સંવાદનું વાતાવરણ ખતમ કર્યું છે. બાળકો જ આનો ભોગ બને છે, એવું નથી. મોટેરાંઓ તો મોટી બદમાશી કરી શકે છે.
અત્યારે સાઈબર ફ્રોડનો રાફડો ફાટ્યો છે, એમાં બાળકો નથી. એનો ભોગ મોટેરાં બને છે ને મોટેરાં બનાવે છે. મોબાઇલે પ્રાઈવસી આપી છે તો પ્રાઈવસી છીનવી પણ છે. તમે એકાંતમાં કોઈની સાથે સંવાદ કરી શકો એ લાભ ખરો, પણ કોઈનું ખૂન થતું હોય, તો તેને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતારનારા કઈ સમાજસેવા કરે છે તે સમજાતું નથી. આ સજ્જનો એટલા બહાદુર હોય છે કે તે વીડિયો, પોલીસને પુરાવા તરીકે નહીં આપે. એ વખતે તેમની માનસિકતા પોલીસના લફરાંમાં કોણ પડે-જેવી હોય છે. એ તો તે વીડિયોને ફોરવર્ડ કરવામાં વાપરે છે.
મોબાઈલ ન હતો, ત્યારે સ્ત્રી-પુરુષની અંગત પળોના કેટલા ફોટા કે વીડિયો બ્લેકમેઈલ કરવા વપરાતા હતા તેની તપાસ કરવા જેવી છે, તે તો ઠીક, અંગત પળોની આવી ફિલ્મો સ્ત્રીઓ પણ ઉતારતી થઈ છે ને તેની મદદથી બ્લેકમેઈલ કરતી પણ થઈ છે. બીજું કંઇ થયું હોય કે નહીં, પણ મોબાઈલે સમાજ અને શિક્ષણ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે તેની ના પાડી શકાશે નહીં. મોબાઈલનો દુરુપયોગ હવે વૈશ્વિક સ્તરે પણ સ્વીકારાતો થયો છે. ઓસ્ટ્રેલિયાએ મોબાઈલનાં બાળકો દ્વારા થતા ઉપયોગ પર ગયે વર્ષે જ પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટન પણ પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની વસ્તી 2.7 કરોડની છે ને ઈન્ટરનેટ વાપરનારી પ્રજા 2.5 કરોડ છે. 8-12 વર્ષનાં 65 ટકા બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તો 12-17 વર્ષનાં બાળકો ચૌદેક કલાક મોબાઈલ પાછળ બગાડે છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને સ્વીકાર્યું છે કે સોશિયલ મીડિયા બાળકોનું બાળપણ છીનવી રહ્યું છે. એક અમેરિકન સાઈકોલોજિસ્ટે પણ સ્વીકાર્યું છે કે સ્માર્ટ ફોન અને ફ્રન્ટ કેમેરા સામાન્ય થયા ત્યારથી બાળકો એન્ગ્ઝાયટી, ડિપ્રેશન કે આત્મહત્યાનો 100 ગણો વધુ શિકાર થયાં છે. ભારતની વાત કરીએ તો સોશિયલ મીડિયા યુઝર્સ 49 કરોડથી વધારે છે. 10 વર્ષનાં 37 ટકા બાળકો ફેસબુક વાપરે છે. પુખ્ત વયની વ્યક્તિઓ પણ રોજના 6થી 7 કલાક મોબાઈલમાં ગાળે છે. ભારતમાં કોર્ટે ને એક બે રાજ્યોએ કેન્દ્ર સરકારને મોબાઈલના ઉપયોગ અંગે વિચારવા સૂચવ્યું છે.
એટલું નક્કી છે કે ટેકનોલોજી માણસે ખપમાં લીધી છે ને તે માણસનો જ શિકાર કરવાની હોય, તો તે કોઈ કાળે ચલાવી શકાય નહીં. તેમાં પણ તેના ઉપયોગ પાછળ રહેલું રાજકીય માનસ વધુ જોખમી છે. ફરી કહેવાનું કે ટેકનોલોજી સામે એટલો વાંધો નથી, જેટલો તેનાં આડેધડ ઉપયોગ સામે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જાન્યુઆરી 2026
![]()

