ઉંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલ કૉન્ગ્રેસ છોડી ભા.જ.પ.માં ગયેલાં છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન અંદાજપત્ર સત્રમાં તેમણે “હું ઘેટાંનાં ટોળાંમાંથી સિંહનાં ટોળાંમાં આવી છું”, એમ કહ્યું તો અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ટપાર્યાં હતાં. આશાબહેન પટેલે પોતાના પૂર્વ પક્ષ અને વિધાનસભાના વિપક્ષ કૉન્ગ્રેસને ‘ઘેટાંનું ટોળું’ કહ્યું તે અસંસદીય શબ્દ છે. ૨૦મી માર્ચ, ૧૯૮૫ના રોજ ગુજરાત વિધાનસભામાં, “શાસક પક્ષના સભ્યશ્રીઓને સંબોધીને ત્યાં ‘ઘેટાંનાં ટોળાં’ માફ્ક ૧૩૯ સભ્યો બેઠા છે. જ્યારે અહીં (વિપક્ષમાં) તો ૩૩ સિંહ છે.” એમ કહેવાયું હતું. ૧૯૮૫માં સત્તાપક્ષ માટે અને ૨૦૧૯માં વિરોધ પક્ષ માટે પ્રયોજાયેલ ‘ઘેટાનાં ટોળાં’ શબ્દ અસંસદીય છે!
બંધારણના અનુચ્છેદ ૧૦૫(૨) મુજબ સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોમાં સભ્યો જે કંઈ બોલે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરે તેને કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી. લોકશાહીમાં ચૂંટાયેલા સભ્યોને મળેલો તે વિશેષાધિકાર છે, પરંતુ આ અધિકાર અમર્યાદિત નથી. સંસદ કે વિધાનગૃહની ગરિમાને હાનિકારક, અશિષ્ટ, અભદ્ર, માનહાનિકારક શબ્દો જો બોલાય તો તેવા શબ્દો અને વાક્યાંશોને અધ્યક્ષ પોતાના વિવેકાધીન રદ્દ કરે છે. લોકપ્રતિનિધિ દ્વારા વિધાનગૃહોમાં બોલાતા અસંસદીય શબ્દો પર સ્પીકર લગામ લગાવી શકે છે. સભ્યોના બોલવાના અધિકાર(ફ્રીડમ ઓફ સ્પીચ)ને તેથી આંચ આવતી નથી. ધારાગૃહોમાં જે બોલાય તેને અદાલતમાં ભલે પડકારી ન શકાય પણ અસંસદીય શબ્દો બોલતા અટકાવીને કે બોલાયેલા શબ્દોને રેકર્ડમાંથી દૂર કરીને સભ્યોના વિશેષાધિકારને નિયંત્રિત કરી શકાય છે.
૨૦૦૯માં લોકસભા સચિવાલય દ્વારા પ્રકટ ૧,૧૩૧ પૃષ્ઠોના અને ૧,૭૦૦/- રૂપિયાની કિંમતના ‘અસંસદીય અભિવ્યક્તિયાં’ પુસ્તકમાં ઘણી રસપ્રદ માહિતી છે. આ પુસ્તકમાં ૧લીથી ૧૪મી લોકસભા (૧૯૫૨થી ફેબ્રુઆરી ૨૦૦૯) અને રાજ્યસભા ઉપરાંત રાજ્યોનાં વિધાનગૃહો, બંધારણ સભા, કામચલાઉ સંસદ, સેન્ટ્રલ એસેમ્બલી અને બ્રિટનની આમસભામાં બોલાયેલા અસંસદીય શબ્દો અને વાક્યાંશો સંદર્ભો સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા સચિવાલયે ૨૦૧૮માં ‘અસંસદીય શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી’ (૧૯૬૦થી ૨૦૧૭) પ્રકાશિત કરી છે. ૫૭ વરસોના અસંસદીય શબ્દોના આ સંગ્રહમાં ૪૩૯ શબ્દો સંદર્ભો સાથે આપવામાં આવ્યા છે.
જૂઠા અને જૂઠ, ધોખેબાજ, જોકર, મજાક અને મજાકિયા, દાંત કાઢવા, અબે ચૂપ, બેડમેન, રંડી, ગુંડા, બદમાશ, ડબલ માઈન્ડેડ, હાથીનું બચ્ચું, ઉંદર, વાંધાજનક માણસ જેવા જાણીતા શબ્દો તો અસંસદીય છે જ, પરંતુ હિટલર, મુસોલિની, ઈદી અમીન,ગોબેલ્સ અને રાવણ જેવાં વ્યક્તિવાચક નામો પણ અસંસદીય છે. છેક ૧૯૫૬માં લોકસભામાં અને ૨૪મી ફેબ્રુઆરી, ૧૯૮૯ના રોજ ગુજરાત વિધાનસભામાં મહાત્મા ગાંધીના હત્યારાનું નામ, ‘નથુરામ ગોડસે’ શબ્દને અસંસદીય ઠરાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની નાસિક લોકસભા બેઠક પરથી શિવસેનાના રાજારામ ગોડસે (૧૯૯૬) અને હેમંત ગોડસે (૨૦૧૪ અને ૨૦૧૯) ચૂંટાયા હતા. હેમંત ગોડસેને જ્યારે પોતાની ગોડસે અટક જ અસંસદીય છે તેનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને પત્રો લખી રજૂઆત કરી. ૨૦૧૫માં તત્કાલીન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગોડસે અટકને અસંસદીય શબ્દોની યાદીમાંથી રદ્દ કરી પણ સંસદ અને ગુજરાત વિધાનસભાની અસંસદીય શબ્દોની યાદીમાં ‘નથુરામ ગોડસે’ શબ્દ રાખ્યો છે.
ગુજરાત વિધાનસભાએ પ્રથમ વખત, ૧૯૬૦માં, ‘છેતરવું’ શબ્દને અસંસદીય ઠરાવ્યો હતો. જે ૨૦૦૩માં ફરી બોલાયો અને અસંસદીય ઠર્યો. કદાચ સૌથી વધુ વખત ‘મગરનાં આંસુ’, અને ‘દંભ’ શબ્દ બોલાયો છે અને અનપાર્લામેન્ટરી ઠરી રદ્દ થયો છે. આવા બીજા શબ્દો છે : કાગારોળ, કાવતરું, ખોટું, ચમચાગીરી, ચરી ખાવું, છેતરપિંડી, જખ, જુઠાણું, જુઠ્ઠું, ડંફસ, તમાશો, નાટક, નાટકીય ઢબે, નાટકવેડા, બૂમબરાડા, બ્રુટ મેજોરિટી, મૂર્ખ બનાવવું, રાજકીય ખીચડી, લૂંટ, વાહિયાત ,શોરબકોર, સસ્તી નેતાગીરી, સસ્તી લોકપ્રિયતા, સ્ટંટ અને ષડ્યંત્ર. કેટલીક કહેવતો અને રૂઢિપ્રયોગો પણ અસંસદીય શબ્દ તરીકે વપરાય છે. જેમ કે, આડે પાટે વાત ચડાવવી, આંખમાં કમળો હોય તો પીળું દેખાય, સુફ્યિાણી વાતો, પગ નીચે રેલો આવવો, કાચીંડાની જેમ રંગ બદલવા, કાદવ ઉછાળવો, કારસો રચવો, કોણીએ ગોળ ચોંટાડવો, કુપાત્રને દાન, કૂતરાની પૂંછડી વાંકી, ગાય દોહીને દૂધ કૂતરાંને પીવડાવવું, ચાવવાના અને દેખાડવાના જુદા, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે, ડોબું વેચીને ડફેળ થવું, નાચવું નથી એટલે આંગણું વાંકું, પાણીમાંથી પોરાં કાઢવાં, પેટમાં તેલ રેડાવું, બોડી બામણીનું ખેતર, રાઈ ભરાઈ જવી,
લાજવાને બદલે ગાજવું, વર મરો, કન્યા મરો પણ ગોરબાપાનું તરભાણું ભરો, શેતાન બાઈબલ ટાંકે છે, શકટનો ભાર શ્વાન તાણે અને સાઠે બુદ્ધિ નાઠી. અસંસદીય શબ્દો સત્તાપક્ષના અને વિપક્ષના સભ્યો જ નહીં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બોલતા નોંધાયા છે. એક સભ્ય બીજા સભ્યને ‘અતિ વાચાળ’ કહે, સભ્યના વક્તવ્યમાં વ્યક્ત પ્રસંશાની ટીકા કરતાં ‘અમૂલના ભાવ વધી જશે” એમ કહે, મંત્રીઓને ‘અલીબાબા ને ૪૦ ચોર” કહેવા, વિરોધપક્ષના સભ્યના પ્રવચનને મંત્રી ‘કપોળકલ્પિત વાર્તા’ ગણાવે, વિરોધ પક્ષ શાસક પક્ષની નીતિને ‘કુટિલ’ કહે તે બધા શબ્દો અસંસદીય ગણી ગૃહના રેકર્ડમાંથી રદ્દ કરાય છે. ખુદ અધ્યક્ષને સંબોધીને બોલાતા કેટલાક શબ્દો કે વાક્યપ્રયોગો પણ અસંસદીયની યાદીમાં છે. જો કોઈ સભ્ય પોતાને ફાળવેલ સમય અંગે મને ‘સમય ઘણો ઓછો આપ્યો છે’ એવી ફરિયાદ કરે, કોઈ સભ્ય ગૃહની ચર્ચા અંગે તેમના પ્રવચનમાં અધ્યક્ષને સંબોધીને આ સભાગૃહનો ‘સમય બગાડયો’ એમ કહે , અધ્યક્ષને ‘આપે મને અન્યાય કર્યો છે’ એમ કહેવું કે અમુક સભ્યને વારંવાર બોલવાની તક મળે તો ‘કુલડીમાં ગોળ ભંગાય છે’ એમ કહેવું સભાગૃહ અને અધ્યક્ષની ગરિમા વિરુદ્ધનું છે. તેથી આવા શબ્દો પણ અસંસદીય ગણાય છે.
દેશ અને દુનિયાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને તો સભ્યોના દબાણથી કેટલાક શબ્દોને અસંસદીય ગણવામાં આવે છે. ૧૯૫૮માં લોકસભાએ ‘કમ્યુનિસ્ટ’ શબ્દને અસંસદીય ગણ્યો હતો ! ૨૦૦૩માં સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો ચગેલો ત્યારે બોલાયેલો ‘વિદેશી’ શબ્દ અસંસદીય છે. એનાર્કી (અરાજકતા) શબ્દ સંસદીય છે પણ એર્નાિકસ્ટ (અરાજકતાવાદી) અસંસદીય છે. ‘કૉન્ગ્રેસિયા’ અને ‘ગાંધીજીના નાલાયક કપૂતો’ શબ્દ પણ અસંસદીય છે.
અસંસદીય શબ્દ કોને ગણવો તે સંપૂર્ણપણે સ્પીકરના વિવેક પર આધારિત હોય છે. તે પોતાના નિર્ણય માટે ભૂતકાળમાં જાહેર થયેલા શબ્દોની સૂચિનો આશરો લે છે. અસંસદીય શબ્દોની સૂચિ આપણી લોકશાહી પ્રણાલી અને સંસ્કાર-સભ્યતાનો શરમજનક દસ્તાવેજ છે. પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું કે, “અસંસદીય શબ્દ સંસદના રેકર્ડ પરથી તો નીકળી જશે પરંતુ માનનીય સભ્યોના મોંએથી તે બોલતાં કેમ રોકીશું?” સાત દાયકા વળોટી ચૂકેલી ભારતીય લોકશાહી આ બાબતે નિરુત્તર ન રહી શકે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 24 જુલાઈ 2019