ઇંગ્લેન્ડના બર્કશાયર પ્રાંતમાં આવેલું સ્પીનહામલેન્ડ [Speenhamland] નામનું ગામડું એટલું નાનું છે (અથવા હતું). હવે તો તે બર્કશાયરના જિલ્લા શહેર ન્યૂબરીનો એક વિસ્તાર ગણાય છે. ૨૨૫ વર્ષ પહેલાં અહીં, ‘ધ પેલિકન’ નામના પબમાં એક ક્રાંતિકારી આર્થિક ધારણા વિકસિત કરવામાં આવી હતી, જેની આજે આખી દુનિયામાં ચર્ચા છે; યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે ન્યૂનતમ માસિક આવક.
આજે દુનિયામાં જેમ કરોડો લોકો બેરોજગાર છે, તેવી જ રીતે ત્યારે ૧૭૯૫-૯૬માં પણ બ્રિટનમાં લાખો લોકો નવરા થઇ ગયા હતા. ફ્રેંચ ક્રાંતિ અને નેપોલિયન યુદ્ધોમાં બ્રિટન સામેલ થયું હતું, અને પરિણામે બ્રિટનને આર્થિક માર પડ્યો હતો. એમાં એક તરફ ઋતુ ખરાબ આવી, એટલે ખેતી પાયમાલ થઇ ગઈ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા. તો બીજી તરફ યુદ્ધના કારણે જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહાખોરી, કાળાબજાર અને બેરોજગારીએ બળતામાં ઘી હોમ્યું.
સ્પીનહામલેન્ડના મુખિયાઓએ જુદી જ રીતે આ કટોકટીનો સામનો કરવા વિચાર કર્યો; બેકાર હોય કે ના હોય, બધા જ લોકોને વિના શરતે નિયમિત પૈસા આપો. ૭ મે, ૧૭૯૫ના રોજ ગામના અધિકારીઓ ‘ધ પેલિકન’ પબમાં ભેગા થયા અને એક યોજના બનાવી કે વ્યક્તિ દીઠ દરેકને પ્રતિ માસ લઘુત્તમ ત્રણ શિલિંગ કે અધિકતમ ૭ શિલિંગ અને ઘરમાં આશ્રિતો હોય તો ૬ પેન્સ ચુકવવા. એ કોઈ બહુ મોટી રકમ ન હતી. એક પાંવ રોટીની કિંમત એક શિલિંગ હતી, પણ યોજના એવી હતી કે પાંવના ભાવ વધે, તેમ ચૂકવણીની રકમ વધે. એમાં બીજો એક સામાજિક-માનસિક ફાયદો એ થયો કે ભિખારી હોવાનું કલંક નાબૂદ થઇ ગયું, કારણ કે બધા જ 'ભિખારી' હતા. દરેક પરિવારને આહારની અને ગરિમાની ગેરંટી હતી.
આને સ્પીનહામલેન્ડ સિસ્ટમ અથવા બર્કશાયર બ્રેડ ધારો કહે છે. ઈંગ્લેંડનાં ગામડાઓમાં એ વ્યવસ્થા બહુ પ્રચલિત થઈ હતી. પછીના ચાર દાયકા સુધી ઇંગ્લેન્ડના ગરીબ લોકોના ખિસ્સામાં નિયમિતપણે શિલિંગ આવતા રહ્યા અને તેના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા તૂટી ના પડી અને નેપોલિયને બ્રિટન સામે આર્થિક ઘેરાબંધી કરી હતી, તેનો સામનો કરી શકાયો.
થોમસ પેઈન નામના ઇંગ્લિશ-અમેરિકન ક્રાંતિકારી વિચારકે સૂચન કર્યું હતું કે દેશના તમામ વયસ્ક નાગરિકોને, ચાહે તે ગરીબ હોય કે તવંગર, રોજગાર કરતા હોય કે બેકાર, રાજ્યએ સમાન પૈસા ચુકવવા જોઈએ. ૧૭૯૭માં, એગ્રેરિયન જસ્ટિસ, એટલે કે કૃષિ ન્યાય નામથી એક પેમ્ફલેટમાં, થોમસ પેઈને કહ્યું હતું કે પૃથ્વી માનવ જાતની સહિયારી સંપતિ છે, અને જે તેને ખેડતા હોય, તેમણે સમુદાયને ભાડું ચુકવવું જોઈએ.
આજે આ ધારણાને યુનિવર્સલ બેઝિક ઇન્કમ કહે છે. ઘણા દેશોમાં તે અલગ-અલગ સ્વરૂપે અમલમાં છે. અમેરિકન કૉન્ગ્રેસે પાસે એક પ્રસ્તાવ છે, જેમાં પ્રત્યેક વયસ્ક અને પ્રતિવર્ષ ૧,૩૦,૦૦૦ ડોલરથી ઓછી કમાઈવાળા અમેરિકન નાગરિકના બેંક ખાતામાં પ્રતિ માસ ૨,૦૦૦ ડોલર જમા કરવામાં આવશે. સ્વીત્ઝરલૅન્ડમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ પર જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો છે. કેનેડાએ તાજેતરમાં દર બે અઠવાડિએ દરેક નાગરિકને ૯૦૦ ડોલર આપવાની યોજના જાહેર કરી છે. બ્રાઝીલમાં ગરીબી ઓછી કરવામાં આ યોજના કારગત નીવડી છે.
૧૯૬૨માં અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રાઈડમેને ‘નેગેટિવ ઇન્કમ ટેક્સ’ની ધારણા આપી હતી. તેમાં જે લોકો ચોક્કસ રકમથી નીચે કમાતા હોય, તેમને સરકાર અમુક રકમ આપે. મતલબ કે આ લોકોએ ટેક્સ નહીં ચુકવવાનો, પણ સરકાર તેમને ‘ટેક્સ’ ચૂકવે. તર્ક એવો હતો કે તેનાથી જે લોકો કામ નથી કરતા તે ‘ટેક્સ’નો ફાયદો લેવા માટે નિર્ધારિત આવક માટે કામ કરશે. અમેરિકામાં આ યોજનાને અર્નેડ ઇન્કમ ટેક્સ ક્રેડીટ અને બ્રિટનમાં વર્કિંગ ફેમિલીઝ ટેક્સ ક્રેડીટ તરીકે લાગુ કરવામાં આવી હતી.
અમેરિકામાં ૨૦૦૧માં નાઈન-ઈલેવનના હુમલા પછી જેમણે ટેક્સ રિટર્ન ભર્યાં હતાં તે મોટા ભાગના અમેરિકાનોને ૩૦૦ ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ૨૦૦૮ની વૈશ્વિક મંદી વખતે પણ એવું જ કરવામાં આવ્યું હતું, પણ તે મુખ્યત્વે ટેક્સ રિબેટ હતી. જેમણે રિટર્ન ભર્યા ન હતાં, તેમને કશું મળ્યું ન હતું, અને તેમાં એક મોટો ગરીબ વર્ગ હતો.
સમાજોમાં જે અસમાનતા છે, તેને દૂર કરવાના ઘણા બધા પૈકીને એક ઉપાય તરીકે યુનિવર્સલ બેઝિક ઇન્કમની તરફદારી થાય છે. દુનિયામાં વેલ્ફેર સ્ટેટ, એટલે કલ્યાણ રાજ્યનું મહત્ત્વ ઘટતું જઈ રહ્યું છે. સરકારો ઉત્તરોતર એવી અપેક્ષાઓ વધારી રહી છે કે, ગરીબ હોય કે તવંગર, દરેકે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવું જોઈએ. આર્થિક યોજનાઓ એવી ઘડવામાં આવે છે, જેમાં સરકારો તેની ‘ધર્માત્મા’ની ભૂમિકા છોડી રહી છે. અર્થશાસ્ત્રીઓને આની ચિંતા છે, કારણ કે નોકરીઓ ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે, નવી રોજગારીઓની તકો ઊભી થાય છે, પરંતુ સામે પક્ષે ઓટોમેશનનો ઉપયોગ વધી રહ્યો છે, તેવા સંજોગોમાં રાજ્યોએ બેઝિક ઇન્કમના મોડેલ પર જવું જ પડશે.
બેઝિક ઇન્કમની ધારણા પાછળ ત્રણ તર્ક છે. એક, તમામ લોકો પાસે જો કોઈને કોઈ પૈસા હશે, તો તેમની ખરીદ શક્તિ વધશે, જેનાથી બજારમાં માંગ વધશે, જેથી તેને પહોંચી વળવા ઉત્પાદન અને વેપાર વધશે, જેના પગલે રોજગાર વધશે, જે આર્થિક વિકાસને ધક્કો મારશે અને પરિણામે સરકારના ટેક્સ વધશે.
બીજો તર્ક એ છે કે ન્યુનતમ આવકની ગેરંટી હોવાથી પરિવારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, સંતાનોનું શિક્ષણ ચાલુ રહશે, લોકો અપરાધ કરવાથી અટકશે, જેથી સમાજમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને પરિણામે આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં સરકારનું ભારણ ઓછું થશે.
ત્રીજો તર્ક એ છે કે આનાથી ટેકનોલોજીલ વિકાસને ગતિ મળશે. અત્યારે આખી દુનિયામાં આર્થિક વિકાસમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ બેરોજગારીના ભયથી સમાજનો નીચલો વર્ગ તેનો વિરોધ કરે છે, જેના કારણે અનેક શ્રમિક મુદ્દાઓ ઊભા થાય છે, ન્યુનતમ આવકની જો ગેરંટી હોય, તો સમાજ કોઈ પણ પ્રકારના બદલાવને ખુશી-ખુશી સ્વીકારશે અને દેશ બાકી દુનિયા સાથે કદમ મિલાવી શકશે.
દુનિયામાં અત્યારે બેરોજગારી મ્હો ફાડીને ઊભી છે, અને લાખો-કરોડો લોકોને તેમાં સ્વાહા થઇ જવાનો ડર છે, ત્યારે બેઝિક ઇન્કમની ધારણા આકર્ષક બને તો નવાઈ નહીં.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જૂન 2020