
રવીન્દ્ર પારેખ
સરકારો કોઈ પણ ક્ષેત્રે બેફામ ખર્ચ કરવામાં જરા ય સંકોચાતી નથી, પણ ભરતી કરવામાં ભારે કંજૂસાઈ કરે છે. બે વર્ષ પર સરકાર સેનામાં ભરતી કરવા બાબતે ઉદાસીન હતી. 23 વર્ષનો રાજસ્થાની યુવક સુરેશ ભિચારે રાષ્ટ્રધ્વજ સાથે 50 કલાક દોડીને દિલ્હી પહોંચ્યો હતો. તે સેનામાં ભરતી થવા ઉત્સુક હતો, પણ બે વર્ષથી સેનામાં કોવિડને કારણે ભરતી થતી ન હતી. ભરતી માટે આમ પણ સરકાર ઉત્સુક ન હતી, તે એ કારણે કે સેના પર ખર્ચ કરવામાં ભારત, અમેરિકા ને ચીન પછીનો ત્રીજો મોટો દેશ છે. સરકાર હથિયારો અને ઉપકરણોનું ઉત્પાદન દેશમાં જ થાય એ માટે પ્રયત્નશીલ છે, એ સ્થિતિમાં સેના પર કાપ આવે તે સમજી શકાય એવું છે. એવો પણ તર્ક ખરો કે સૈનિકોની ભરતી હંગામી ધોરણે થાય. સરકાર એમ માને છે કે ટેકનિક આધારિત સેના જરૂરી છે, દિલેરી પર નિર્ભર નહીં ! સેનાના સન્માનિત સેવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એચ.એસ. પનાગનું કહેવું હતું કે એક લાખથી વધુ કર્મીની ઘટ હોવા છતાં મોટી સેના ગુણવત્તા પર ભારે પડે છે.
ચીન તેના સૈનિકોના પગાર પર રક્ષા બજેટનો 1/3 ભાગ ખર્ચે છે, જ્યારે ભારત રક્ષા બજેટના 60 ટકા વાપરે છે. એ સ્થિતિમાં સૈનિકોની સંખ્યા ઓછી કરવી જરૂરી છે. એક અધિકારીનું માનવું છે કે સીમા પર તણાવ હોય ત્યારે સૈનિકોની ભરતી બંધ થાય તો નકારાત્મક અસર પડી શકે. વળી પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ હંગામી ધોરણે ભરતી થાય તો તેની અસર ક્ષમતા પર પણ પડી શકે. ધારો કે, ઓછા સમય માટે ભરતી થાય તો યુવાનો 24 વર્ષના થતાં સુધીમાં સેનામાંથી બહાર થઈ જાય ને એથી બેકારીમાં જ વધારો થાય.
એમાં કોઈ શક નથી કે સરકાર સુરક્ષાને મામલે સતત જાગૃત છે, પણ દેશમાં નક્સલીઓનું જોર વધતું આવે છે ને તેને ચીનનો સાથ છે તે ય ખરું. નક્સલવાદ હવે માઓવાદ તરીકે ફેલાઈ રહ્યો છે. દર વરસે નક્સલી કમાંડરો યુનિટમાં હજારેક વનવાસી યુવાનોની ભરતી કરે છે ને એમ નક્સલીઓની સંખ્યા વધતી રહે છે. એની સામે કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ નવી ને સશક્ત પેઢીને સૈન્ય અને પોલીસમાં ભરતી કરવાનું શરૂ કર્યું છે. એ જ રીતે મહારાષ્ટ્ર પોલીસે પણ એન્ટિ માઓ સ્કવોડ જેવી વિવિધ પોલીસ ટુકડીઓ તૈયાર કરી છે. ભારતીય લશ્કરી વડાઓએ પણ સરકારને આ લડત સૈન્યને સોંપી દેવાની દરખાસ્ત મૂકેલી છે, પણ રાજ્ય કે કેન્દ્રે એને મંજૂરી આપી નથી.
કેન્દ્ર સરકાર જ કહે છે કે આટલી બેકારી વચ્ચે 80 વિભાગોમાં 9.56 લાખ જગ્યાઓ ખાલી છે. સંરક્ષણ જેવાં સેક્શનમાં 2.43 લાખ ભરતીઓ બાકી છે. એ ગ્રેડ ઓફિસરની 31,694 ખાલી જ્ગ્યાઓમાં ભરતી થઈ નથી. આ આંકડાઓ 1 માર્ચ, 2023 સુધીના છે. ઇસરોમાં એ ગ્રેડ અધિકારીઓની 1,251 જગ્યાઓ ખાલી છે. સ્પેસ મંત્રાલયમાં 3,886, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગમાં 7,002 અને રેલવેમાં 3.16 લાખ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી થઈ નથી. યુ.પી.એસ.સી.માં એ ગ્રેડમાં 50 અને બી ગ્રેડમાં 103 ઑફિસરોની અછત છે.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(GTU)ને 17 વર્ષ થયાં, પણ ચીફ એકાઉન્ટન્ટ મળતા નથી. આ યુનિવર્સિટી સાથે 500થી વધુ કોલેજો સંકળાયેલી છે, કરોડો રૂપિયાનું ફંડ છે, એકાઉન્ટિંગ માટે આઉટ સોર્સિંગ થાય છે, પણ ચીફ એકાઉન્ટન્ટ પરવડતા નથી. એ જ હાલત ગુજરાત યુનિવર્સિટીની પણ છે. અહીં પણ વર્ષોથી ચીફ એકાઉન્ટન્ટ નથી.
ગુજરાતમાં ભરતીની વાતો તો થાય છે, પણ ભરતી થતી નથી અથવા તો ઓછી થાય છે. ગયા જાન્યુઆરીમાં રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 10 વર્ષમાં જુદા જુદા વિભાગોમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવાનું કહ્યું છે. આમ તો દર વર્ષે 40 હજારથી વધુ ભરતીઓની વાત છે. સરકાર કહે છે તેમ દર વર્ષે 15થી 17 હજાર કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તો 40,000ની વાર્ષિક ભરતીનો અર્થ શો તે નથી સમજાતું. દર વર્ષે 40 હજારની ભરતીનો વાયદો સ્વીકારીએ તો 10 વર્ષે એ આંકડો 4 લાખ પર પહોંચે, જ્યારે કુલ ભરતી તો દસ વર્ષે 2.40 લાખની જ કરવાની વાત છે. નથી લાગતું કે વહીવટી વિભાગ મજાક કરે છે?
ગમ્મત કરવામાં તો શિક્ષણ વિભાગ પણ મોખરે છે. 2017થી 54,000 કાયમી શિક્ષકોની ભરતી થતી નથી, પણ જ્ઞાન સહાયકની ફિક્સ પગારની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ થાય છે, તે એટલે કે નિવૃત્તિનો પ્રશ્ન ન આવે ને તેને લગતા લાભો આપવા ન પડે. 5 વર્ષની ટર્મ પૂરી કરે તે સાંસદ કે વિધાનસભ્યને પેન્શન મળે, પણ ત્રીસેક વર્ષની નોકરી કરનાર શિક્ષકને પેન્શન ન આપવું પડે એટલે કામચલાઉ શિક્ષકોથી ચલાવાય છે. આ વર્ષે સરકારની 24,700ની ભરતી કરવાની વાત સ્વીકારીએ તો પણ 30 હજારની ભરતી તો બાકી જ રહે છે. કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી. સાચું તો એ છે કે છેલ્લાં બે વર્ષમાં ફેબ્રુઆરી, 2024 સુધીમાં રોકડી 32 ભરતીઓ જ થઈ છે. એનો સાદો અર્થ એ છે કે ભરતી કેલેન્ડર મૂરખ બનાવવા જ બને છે.
વાત શિક્ષકો પૂરતી જ મર્યાદિત નથી, આચાર્યો, કુલપતિઓની નિમણૂક પણ સરકાર કાયમી ધોરણે ન કરતાં ઇન્ચાર્જ આચાર્યો, ઇન્ચાર્જ કુલપતિઓથી ચલાવે છે. ગુજરાતની 200થી વધુ કોલેજોમાં કાયમી આચાર્યો નથી. ઘણીવાર તો કુલપતિઓ ગુણવત્તાને આધારે નહીં, પણ રાજકીય વગને આધારે મુકાય છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશન(યુ.જી.સી.)ના આદેશ મુજબ યુનિવર્સિટી અને કોલેજમાં નેકની માન્યતા ફરજિયાત છે, પણ ગુજરાતની 83 યુનિવર્સિટીમાંથી 55 યુનિવર્સિટી પાસે નેકની માન્યતા જ નથી. રાજ્યની 2,267 કોલેજોમાંથી 1,767, એટલે કે 78 ટકા કોલેજો પાસે નેકનું જોડાણ નથી. ‘ઇન્ચાર્જ’થી જ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ ચાલે છે. એટલું સારું છે કે ઇન્ચાર્જ મંત્રીઓ કે સરકારથી રાજ્ય ચાલતું નથી. કરક્સરનો ધંધો આમ જ ચાલશે તો એ દિવસો ય દૂર નહીં હોય ! પ્રજા પણ એટલી નિર્લેપ થઈ ગઈ છે કે તેને કૈં હોય કે ન હોય, કોઈ ફરક પડતો નથી.
નકલી દવાઓ, નકલી મસાલાઓ, નકલી દૂધ, નકલી ડ્રગ્સ, નકલી ચોખા પછી હવે નકલી સિમેન્ટ કાલના જ સમાચારમાં સામે આવી છે. સૂરતનાં મગદલ્લામાં અલ્ટ્રા ટેક સિમેન્ટની 300થી વધુ ખાલી ગૂણોમાં નકલી સિમેન્ટ વેચાઈ ગઈ ને બીજી 410 ગૂણો કબજે લેવાઈ છે. આખે આખી સરકારી ઓફિસ નકલી હોય કે જજ, કોર્ટ, પોલીસ, અધિકારી નકલી હોય કે કોઈ લૂંટી જાય તો પ્રજા નિર્લેપ ભાવે જોઈ રહે છે. રાજ્યમાં 4,000 નકલી ડોકટરો હોય કે હોસ્પિટલો બોગસ હોય કે કોઈ હૈયું વેતરી નાખે તો લોકો વેઠી લે છે. આ નકલી ડોકટરો નકલી ડિગ્રી મેળવીને એટલી સ્વસ્થતાથી વેપલો કરતા હોય છે કે અસલીએ સંકોચાઈને રહેવું પડે. ગુજરાતમાં એક પણ શહેર નકલી ડૉક્ટર વગરનું નથી ને સુરત તેમાં મોખરે છે. સુરત પોલીસને સરકારની રજિસ્ટર્ડ સાઇટ પરથી 1,281 નકલી ડોકટરો મળ્યા છે, પણ હાથ લાગ્યા નથી. ડૉક્ટર નકલી હોય એમ જ હોસ્પિટલ પણ નકલી હોયને ! તાજેતરમાં જ નવસારી સાતેમમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે.
એ તો ઠીક, લોકસભામાં સરકારે જ માહિતી આપી છે કે દેશમાં 21 બોગસ યુનિવર્સિટીઓ છે, જેમાં સૌથી વધુ (8) દિલ્હીમાં છે. એ પછી ઉત્તર પ્રદેશમાં 4, આંધ્ર, કેરળ, પશ્ચિમ બંગાળમાં બબ્બે ને કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરીમાં એક એક છે. સદ્દભાગ્યે ગુજરાત એમાં નથી. 2014થી 2024 સુધીમાં 12 યુનિવર્સિટીઓને તાળાં લાગ્યાં છે. નકલી બધું બંધ થાય એ ન્યાયે યુનિવર્સિટીઓ પણ બંધ થાય એ આવકારદાયક છે, પણ સવાલોનો સવાલ એ છે કે આટલો લાંબો સમય એ ચાલે છે ને કોઈને એનો અણસાર નથી આવતો, એ કેવું? બાર યુનિવર્સિટીઓ બંધ તો થઈ, પણ એ જ 2014થી 2024 સુધીમાં બીજી નવ નકલી યુનિવર્સિટીઓ શરૂ થઈ તેનું શું? એનો અર્થ તો એ જ ને કે નકલી પણ અસલીની જેમ જ એવા વિશ્વાસ સાથે શરૂ થાય છે કે તેનો કોઈ વાળ વાંકો ન કરી શકે. આવો વિશ્વાસ રાજકીય પીઠબળ વગર શક્ય નથી.
એ કેવું છે કે કાર્યકાળ પૂરો થવા પહેલાં દેશમાં ચૂંટણીઓ થાય છે, પણ ભરતીઓ કરવાની હોય તો અખાડા જ થાય છે. આ પછી પણ સરકાર અસલી છે કે નકલી એવો સવાલ નથી થતો, કારણ કે નકલી જ હવે અસલી થઈ ગયું હોય ત્યાં સરકાર કેવી હોય એ કલ્પવાનું અઘરું નથી. એટલું છે કે લાભ તો અસલીની રીતે જ લેવાય છે, એમાં કદી કસર થતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ડિસેમ્બર 2024