
હિતેશ રાઠોડ
ભારતની સર્વોચ્ચ અદાલતમાં હમણાં એક ઘટના ઘટી ગઈ. ભારતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ પર સિત્તેર વટાવી ગયેલ એક સિનિયર વકીલે જૂતું ફેંક્યું. આની પાછળનું કારણ જે પણ હોય, પરંતું આ પ્રકારની ઘટના સામાજિક સૌહાર્દ માટે ભયજનક સંકેત છે. ઉચ્ચ પદ પર બિરાજમાન એક વ્યક્તિના અભિપ્રાયનો વિરોધ કરવાનું આ વરવું સ્વરૂપ કોઈપણ સમાજ માટે શરમજનક છે. આ ઘટના પરથી એમ લાગે છે કે કોઈની વાતનો વિરોધ કરવા માટે વ્યક્તિ પાસે કોઈ શબ્દો ન હોય અથવા એની પાસે જે સમજણ છે તેને આધારે તે વિરોધ કરી શકવા સક્ષમ ન હોય ત્યારે તે આવી પાશવી હરકતોનો આશરો લે છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા મંચ પર આ પ્રકારની ઘટના ઘટવી એ ભારતની સભ્યતા અને સંસ્કારિતાની વાતો સામે પણ પ્રશ્નચિહ્ન લગાવે છે. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો રાષ્ટ્રિય સ્તરે પડ્યા. આંતરરાષ્ટ્રિય સ્તરે શું અને કેવા પ્રત્યાઘાતો પડશે એ આગામી સમય કહેશે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે લોકશાહીની દુહાઈ દેતા આપણે લોકશાહીના આધારસ્તંભને સુરક્ષા પણ પ્રદાન કરી શકતા નથી.
આ પ્રકારની ઘટનાના સૂચિતાર્થો શું હોઈ શકે એના પર આપણે સૌએ વિચાર કરવાની તાતી જરૂર છે. આ ઘટનાથી કેટલાક સવાલો થાય છે : આ પ્રકારના કૃત્યો કરીને અથવા તેનું સમર્થન કરીને આપણે કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવા તરફ આગળ ધપી રહ્યા છીએ? આપણે કેવાં અને ક્યા પ્રકારનાં વૈચારિક અને સામાજિક મૂલ્યોનું સમર્થન કરી રહ્યા છીએ? કહેવા ખાતર વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાનું સમર્થન કરતા આપણે આવા કૃત્યો કરીને શું આપણે દંભ નથી આચરી રહ્યા? મનુષ્યની સાચી ઓળખ તેનાં કર્મો છે ત્યારે આ પ્રકારના કૃત્યોથી આપણે આપણી કેવી ઓળખ સાબિત કરવા માગીએ છીએ? બહારથી ઉજળા અને રૂપાળા દેખાતા માનવની આવી કુંઠિત વિચારસરણી અને કૃત્ય વિશે આપણે શું કહીશું? વિશ્વના દેશો ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા અને ધાર્મિક રૂઢિચુસ્તતાઓની સંકુચિત વિચારસરણીના જાળામાંથી બહાર નીકળી વૈશ્વિક મનુષ્ય કલ્યાણ અને માનવ સુખાકારીની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ માનવીય સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલની દિશામાં કરવાને બદલે સામાન્ય માણસની સમજથી પર એવી ધાર્મિક, સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય વગેરે જેવી બાબતોમાં કરીને શા માટે માનવ-શક્તિ અને સમયનો વ્યય કરી રહ્યા છીએ? આ આખી સમસ્યાના મૂળમાં કારણરૂપ ભગવાન વિષ્ણુ અને સનાતન ધર્મ તો મનુષ્ય કલ્યાણ અને મનુષ્ય સુખાકારીની વાત કરે છે, એમના નામ પર આપણે શું કરી રહ્યા છીએ? આ બધા પ્રશ્નોમાં ‘આપણે’ શબ્દનું પ્રયોજન કરવાનો આશય એટલો જ કે સમાજનો એક વર્ગ આ નિંદનીય કૃત્યનું સમર્થન કરી રહ્યો છે. આ ઘટના કોઈ એકલ વ્યક્તિનું એકાંકી કૃત્ય નથી, પરંતું આની પાછળ આ પ્રકારની વિચારસરણી ધરાવતા સમાજના એક બહોળા સમુદાયનું પીઠબળ હોઈ શકે છે.
આ ઘટના સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે, પણ મૂળ વાત છે સદીઓ પુરાણી આપણી સંકુચિત અને રૂઢિગત માનસિકતાની, જેની ચુંગાલમાંથી વકીલ જેવી સમાજની વિદ્વાન વ્યક્તિ પણ બાકાત નથી. મતલબ સાફ છે, આપણી શૈક્ષણિક પ્રણાલિ પણ આપણી સંકુચિત અને રૂઢિચુસ્ત વિચારધારાને બદલવામાં નાકામ રહી છે. આર્થિક અને ભૌતિક વિકાસની રાહમાં આપણે બે ડગલાં આગળ વધ્યા હોઈશું એની ના નહિ, પણ સામાજિક અને વૈચારિક સમૃદ્ધિની બાબતમાં આપણે હજુ અનેક દાયકાઓ પાછળ છીએ અને એ જ વર્ષો જૂની ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. પ્રગતિશીલ વિચારધારા હજી પણ આપણાથી જોજનો દૂર છે. પ્રગતિશીલ સમાજનું નિર્માણ આપણી કલ્પનામાં પણ ક્યાં ય નથી. ધર્મ, વંશ, સમુદાય, પ્રાંત, જ્ઞાતિ, જાતિ અને ભાષાથી પર વ્યક્તિને એક વ્યક્તિ તરીકે ઓળખવાની દૃષ્ટિ આપણે હજી કેળવી શક્યા નથી. ધર્મ, ધર્માંધતા અને ધાર્મિકતાની આડમાં આપણે આપણી નૈસર્ગિક બુદ્ધિનો જરા પણ ઉપયોગ કરતા નથી. ઈશ્વર સત્ય છે અને અત્ર તત્ર સર્વત્ર છે એવી આપણી સમજણ છતાં ઈશ્વરને આપણે મંદિર, તીર્થ અને ધાર્મિક સ્થાનો સુધી સીમિત કરી દઈએ છીએ. ઈશ્વરને મૂર્તિ અને મંદિરમાં શોધવા અને જોવા પ્રયાસ કરી આપણે ઈશ્વરીય સર્જન એવા મનુષ્યની ધરાર અવગણના કરતા હોઈએ તો ઈશ્વર અને ધર્મ વિશેની આપણી સમજ, ધાર્મિક આસ્થા અને આપણી સામાન્ય સમજણ-શક્તિ પર આપણે પુન:વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરની મૂર્તિને ભવ્ય આલિશાન મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા આપણે ભવ્યાતિભવ્ય આયોજન કરી એની આસપાસ વસતા દરિદ્ર મનુષ્યોને ઠેકાણે પાડી દઈ રાતોરાત એમને ઘર-વિહોણા કરી નાખતા હોઈએ તો મંદિરમાં બિરાજમાન ઈશ્વર એમાં કેવી રીતે રાજી રહી શકે! ધાર્મિક શ્રદ્ધાની આડમાં શીલ, સૌમ્યતા અને અનુકંપા ગુમાવી દઈ આપણે આવેશ અને હિંસક વૃત્તિનો શિકાર બની ગયા છીએ. આપણી ધાર્મિક શ્રદ્ધા અને આસ્થામાં શીલ, શિસ્ત, શાણપણ, સમજદારી, અનુકંપા, સહાનુભૂતિ અને લાગણી નથી પણ એક અવિચારી આવેશ અને ઝનૂન છે જેમાં સારાનરસાનો ભેદ પારખવાનો વિવેક નથી. ધર્મ અને ધાર્મિકતા તેમ જ મૂર્તિ અને મંદિર વચ્ચે આપણે માનવતા અને જીવંત મનુષ્યને ભૂલી ગયા છીએ અને એના આવેશમાં આવી જઈ આવા અવિચારી કૃત્યો કરતા જરા ય ખચકાતા નથી, અને હદ તો ત્યારે થાય છે જ્યારે આવા કૃત્યો કર્યા પછી આપણને એનો કોઈ પસ્તાવો, શરમ કે અફસોસ નથી થતા. વળી, જે લોકો આવા કૃત્યોનું સમર્થન કરે છે તેઓ પણ આવા કૃત્યમાં સરખા ભાગીદાર બને છે. આવા કૃત્યોને સમર્થન મળવાથી જ સમાજમાં વૈમનસ્ય ફેલાવતી આ પ્રકારની વિચારધારાને બળ મળે છે. ભારત એ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને વરેલો દેશ છે જેમાં સૌ વ્યક્તિ સમાન છે ત્યારે દેશમાં સામાજિક સૌહાર્દ ખોરવતી, લોકો વચ્ચે તિરસ્કાર, ઘૃણા અને વિખવાદ ફેલાવતી અને બીજાને ઉતારી પાડતી કોઈપણ વિચારધારાને ક્યારે ય કોઈ અવકાશ હોઈ શકે નહીં. કોઈના વિચારો કે અભિપ્રાય સાથે અસહમતિ હોઈ શકે એની ના નહિ પણ એ અસહમતિને આ રીતે વ્યક્ત કરવાની રીત માનવીય તો નથી જ નથી.
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com