Opinion Magazine
Number of visits: 9504556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપુન કૌન? જીવરામ જોષી. લેખક બચ્ચા …

મનીષ મેકવાન|Opinion - Opinion|6 June 2018

જીવરામ જોષીને તમે કયારે ય મળ્યા હતા? ગુજરાતી સાહિત્યમાં છકોમકો, મિયાં ફુસકી, છેલછબો અને અડુકિયો-દડુકિયો જેવી સાહસિક, બાળમાનસને ફટ્ટ કરતાંકને મોટા કરી દે તેવી વાર્તાઓના લખનારને તમે કદાચ ઓળખતા હશો! કદાચ, ભૂલી પણ ગયા હો! ડોરેમોન અને શિંનચેન જોનારી ઈંગ્લિશ સ્પીકિંગ જનરેશનને તો સ્વાભાવિકપણે મિયાંફુસકીની ખબર ન હોય, છકોમકો વાંચવાના તેના નસીબ ન હોય. પણ ડોરેમોન જોઈને આંખોને સ્ટ્રેસ આપતી વર્તમાન પેઢીના ડેડાઓને તો કદાચ મિયાં ફુસકીનાં કારસ્તાનોની ખબર હશે!

નથી ખબર? 

તમે કદાચ ભૂલી ગયા લાગો છો! યાદ કરો, તમે સરકારી સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને વાંચતા હતા. ઉનાળાના વેકેશનમાં તમારા ઘરે આવતાં છાપાંની પૂર્તિમાં ચિત્રો સાથે તેમની વાર્તા છપાતી તે તમે રસપૂર્વક વાંચી જતાં. તમે કોઈ વખત તેમને મળ્યા પણ હશો! ટીવી પર જોયા હશે કાં કોઈ કાર્યક્રમમાં. પણ જવા દો. તમે તો સામાન્ય વાચક છો. ગુજરાતી સાહિત્યમાં ‘સૃષ્ટિ' ઊભી કરનારાઓ અને તેની ‘પરબ' બાંધનારાઓ જો તેમને ભૂલી જતાં હોય તો તમે શું ચીજ છો? જીવરામ જોષીએ એનીડ બ્લાઇટન કે જે કે રોલિંગની જેમ ઈંગ્લિશ ભાષામાં લખ્યું હોત તો બહુ મોટા લેખક ગણાતા હોત! પૂરી દુનિયા તેમને યાદ કરતી હોત!

નકશામાં પણ જેનું સ્થાન નથી તેવા સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગરણી નામના ગામમાં જન્મેલા જીવરામ જોષીનું જીવન પણ તેમની બાળવાર્તાઓના નાયક જેવું સાહસથી ભરપૂર હતું. ધરમાનંદ કૌસંબીના પુસ્તકમાં કાશીનું વર્ણન વાંચીને બાળ જીવરામ એટલો એક્સાઈટ થઈ ગયો કે ગંગાનો ઘાટ જોવા ઘરમાંથી પગપાળા ભાગી ગયેલો. ત્યાં જઈને ફક્કડ સાધુઓની ટોળીમાં ભળી ગયો. ત્યાં ગાંધીજીના અસહકારના આંદોલનમાં જોડાયો. બ્રિટિશ સરકારે એક પછી કેસ કરવા માંડ્યા અને જીવરામ જોષી ફસાવા માંડ્યા. એક દિવસ જેલમાંથી છૂટીને પાછા ઘરે આવ્યા. ભાવનગરના સોનગઢ ગામે રહ્યા અને ત્યાં બાળકો માટે લખવાનું શરૂ થયું.

ગુજરાતી જનસામાન્યની ત્રણ-ત્રણ પેઢી છકોમકો અને મિયાં ફુસકી-તભા ભટ્ટની વાર્તાઓ વાંચીને મોટી થઈ છે. ‘અપુન કૌન, મિયાં ફુસકી સિપાઈ બચ્ચા' જેવો સંવાદ એક સમયે શેરીઓ-મહોલ્લાઓમાં રમી ખાતાં બાળકો વચ્ચે સાવ સામાન્ય હતો. નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી જેવા રાજનેતાઓથી લઈને શાળાશિક્ષણ પામેલા ગુજરાતીમાં ભણનારા કોઈએ પણ જીવરામ જોષીને વાંચ્યા ન હોય તેમ ન બને! કેશુભાઈએ એક જાહેર કાર્યક્રમમાં એકવાર કહેલું કે, ‘તેમનું બાળકુતૂહલ જીવરામ જોષીની વાર્તાઓ વાંચીને સંતોષાતું રહેતું હતું.' જીવરામ જોષીના પાત્રોની વારંવાર મોજ માણવી ગમતી હોવાનો એકરાર માધવસિંહભાઈ એકથી અનેકવાર જાહેરમાં કરી ચુક્યા છે. જીવરામ જોષીનાં પાત્રો પર તૈયાર થયેલી ઓડિયો-વીડિયો કેસેટ બજારમાંથી મંગાવીને તે જોતા.

ભારતમાં કોઈપણ બાળ સાહિત્યકારનાં પુસ્તકો લાખો નકલોમાં વેચાયાં હોય તેવી ઘટના જીવરામ જોષી સાથે એક સમયે બનતી હતી. આખી જિંદગી કલમ અને શબ્દના જોરે એ જીવ્યા અને તેમાંથી જ કમાયા-ધમાયા. 500 જેટલાં પુસ્તકોમાંથી જે કંઈ કમાયા તેમાંથી નવરંગપુરા જેવા પોશ એરિયામાં મસમોટો બંગલો પણ તેમણે ખરીદેલો. ફ્ક્ત કલમથી કમાઈને આવડી મોટી જાગીર સર્જનારો કોઈ એક ગુજરાતી લેખક ગુજરાતી સાહિત્યના આખ્ખેઆખ્ખા ઇતિહાસમાં અદ્યાપિ જન્મ્યો નથી.

જીવરામ જોષીનો મિજાજ એ હતો કે તે ક્યારે ય બીજા સાહિત્યનું અનૂદિત અવતરણ ગુજરાતીમાં ન કરતા. ‘કેવળ અનુવાદ કરેલું વાચન આપવું તેમાં માતૃભાષાનું માન વધતું નથી પણ ઘટે છે,' એમ તે માનતા. એડગર રીસના ટારઝન જેવાં પાત્રોને ઝંખતા ગુજરાતી બાળકો માટે એટલે જ તેમણે ‘છેલછબો' સર્જ્યો. આ આખી કહાની ‘ઝગમગ'માં છપાઈ. 1953માં જ્યારે તેનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું, ત્યારે વિક્રમ થઈ ગયો. એક જ સપ્તાહમાં આ વાર્તાની 15,000 કોપી વેચાઈ ગઈ. ગુજરાત સમાચારનું ‘ઝગમગ' તેમનું ફલક અને દરિયો. તત્કાલીન તંત્રી ઈન્દ્રવદન ઠાકોરે તે વખતે પહેલીવાર જીવરામ જોષીને દર સોમવારે બાલતરંગ નામે એક આખું પાનું બાળસાહિત્ય માટે આપી દીધેલું. 

ગુજરાતી દૈનિકપત્રમાં આ ઘટના ફક્ત ઐતિહાસિક નહીં અભૂતપૂર્વ પણ હતી. ગુજરાત સમાચારના હસ્તાંતરણ પછી શાંતિલાલ શાહે બાળ સાપ્તાહિક ‘ઝગમગ' શરૂ કર્યું અને ભારતભરના આ પ્રથમ બાળ મેગેઝીને તમામ રેકોર્ડ કરી નાંખ્યા. જીવરામ જોષી ઘેરઘેર જાણીતું નામ થઈ ગયા. એક તબક્કો એવો પણ આવ્યો કે મુખ્ય વર્તમાન પત્ર ગુજરાત સમાચાર કરતાં ‘ઝગમગ'નું સરક્યુલેશન વધી ગયું. ‘ઝગમગ' છોડ્યા પછી જીવરામ જોષીએ રસરંજન, રસવિનોદ, ચમક અને છુકછુક નામનાં બાળસામાયિકો પ્રકાશિત કર્યા. અલબત્ત, ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં જીવરામ જોષીના આ પ્રદાનની ઝાઝી નોંધી લેવાઈ નથી.

નોંધ તો તેમના જાણીતાં કેરેક્ટરની પણ ક્યાં લેવાઈ છે?

એ કાશીમાં રહેતા ત્યારે નરસિંહ ટોલા નામના મહોલ્લામાં મંદિરની પાછળ એક મિયાં રહે. નામ અલી મિયાં. ઘોડાગાડી ચલાવે. સ્વભાવે રમૂજી, શરીરે દુબળા-પાતળા. અલી મિયાંમાંથી તેમણે મિયાં ફુસકીનું સર્જન કર્યું. કૌમી એકતાની મિસાલ માટે તભા ભટ્ટ નામના પાત્રને ફિટ કર્યું. છકોમકોની પ્રેરણા વડોદરાથી અમદાવાદ ટ્રેનમાં આવતા હતા ત્યારે થયેલી. છાપાંમાં એક લંબુ માણસની જાહેરાત જોઈને તેમને ઠીંગા સાથે સરખામણી કરવાની ઈચ્છા થઈ અને તેમાંથી છકોમકો વાર્તાનો જન્મ થયો. શૌર્ય, પ્રમાણિકતા, સાહસિક્તા અને સંવાદિતા તેમના તમામ કથાનકોનું કેન્દ્ર અને કેન્દ્રીય બળ રહ્યાં છે. જીવરામ જોષીની વાર્તાઓમાં ખોટી – કંટાળાજનક ઉપદેશાત્મકતા નથી એટલે જ તેઓ સફળ અને સ્મરણીય રહ્યા છે. તેમની વાર્તામાં રહેલા વિનોદીતત્ત્વને બાળકો સહજ નિર્દોષતાથી માણી શકે છે અને સહજ ચાતુર્ય અને માનવસહજતા તેમની વાર્તાઓની ખૂબી છે.

મિયાં ફુસકીનું કેરેક્ટર આજે પણ એડગર બરો રીસના ટારઝન, ઈયાન ફ્લેમિંગના જેમ્સ બોન્ડ, આર્થર કોનન ડોયલના શેરલોક હોમ્સ, દેવકીનંદન ખત્રીના ચંદ્રાકાંતા, તારક મહેતાના ટપુ કે આર.કે. લક્ષ્મણના કોમન મેનની જેમ જીવંત અને રસાળ લાગે છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કોઈને ગમાડતા તુંડમિજાજી ચંદ્રકાંત બક્ષી ખુદ જીવરામ જોષીના ભાવક હતા. ‘ગુજરાતી ભાષામાં કખગ જીવતા હશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાંફુસકી જીવતા રહેશે,' એવું ક્યાંક તેમનાથી લખાઈ(કે કહેવાઈ) ગયેલું. અને એ સાચ્ચા હતા. ટ્રેજેડી એ હતી કે પૂરી જિંદગી જે લેખક બાળ સાહિત્યમાં દધિચી બનીને કામ કરતો રહ્યો તેને સાહિત્યની સંસ્થાઓએ માન, અકરામ અને ઈનામ આપવામાં અન્યાય કર્યે રાખ્યો હતો.

સૌજન્ય : ‘ક્રૉસ કન્કેશન’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 5 જૂન 2018

Loading

6 June 2018 admin
← હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં જોડકાં ગીતોમાં પુરુષ અવાજ પ્રભાવી કેમ લાગે છે?
જ્ઞાન… જ્ઞાન… જ્ઞાન…. →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved