Opinion Magazine
Number of visits: 9562584
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપૂર્વ આશ્ચર્ય : મુંબઈનું એરપોર્ટ

કનુ સૂચક|Opinion - Opinion|6 November 2019

શાળાજીવનમાં આબુ દેલવાડાના પ્રવાસ સમયે નખી તળાવના ઘાટ પર બેસાડી અમારા સહાયક શિક્ષકે એક વાત કહી; ‘જે કવિતા અભ્યાસક્રમમાં તમે શીખો છો તે કવિતા, “સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.” શ્રી ઉમાશંકર જોશીએ કદાચ આ જ સ્થળે બેસી લખી હશે.’

અભિધામાં પણ આ પંક્તિનું ઉરસૌંદર્ય મનને મધુર આનંદથી તરબોળ કરી દે છે. અભિપ્રેત અર્થવ્યાપને અંશત: પામવાની ઘટના બની આબુ-દેલવાડાના અનુપમ શિલ્પો જોઈને. ત્યાંના એક મંદિરમાં ગુંબજને વારંવાર ઊંચી ડોક કરીને જોતાં પણ સંતોષ થતો ન હતો, ત્યારે મિત્ર ગફૂર પરમારે કહ્યું, ‘સૂચક! ફર્સ પર ચત્તા સૂઈ જઈને જો!’ આનંદની એ પળોએ સમજના દરવાજા પર જાણે દસ્તક પડી. કાવ્ય, શિલ્પ અને ચિત્રોમાં લાઘવનો મહિમા છે. ભાવક સ્વયંસમજના ભાવવિશ્વનો વિસ્તાર ન કરે ત્યાં સુધી તેને દર્શન તો પ્રસન્ન કરશે જ પરંતુ ઉરઝરણમાં આનંદની સતત વહેવાની પ્રક્રિયાનું સાફલ્ય નહીં મેળવે. આ પ્રાસ્તાવિક જે વાત કરવી છે તેના અનુસંધાન માટે છે.

ઘર આંગણે, કાવ્ય સમાન ચિત્રો અને શિલ્પોની વાત કરવી છે. આપણું શહેર મુંબઈ, કયારે ય સૂતું નથી. પૂર્ણ ભારતનો એ ધબકાર છે. મુંબઈની મધ્યમાં જ ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટૃીય એરપોર્ટ’ આવેલું છે. તેમાંથી વર્ષે પચાસ લાખથી વધુ લોકો દિવસરાત પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા નિશ્ચિત કરેલા પ્રવેશદ્વાર તરફ દોટ મૂકે છે. અહીં આંખને વિરામ આપે તેવો કલાબ્ધિ શાંત સ્વરૂપે પ્રસરેલો છે. પરંતુ આંખ ઠેરવી આ અપૂર્વ આનંદની ઉપલબ્ધિ માણવાનો પ્રવાસીઓ પાસે સમય જ નથી. વિખ્યાત ચિત્રકારો, શિલ્પીઓ, હસ્તકારીગરી અને સાંસ્કૃતિક વિરાસતની સાત હજારથી વધુ કૃતિઓને આપણી સાથે સંવાદ કરવો છે. તેની મૌન વાચાને ઉકેલવા એ આમંત્રણ આપે છે. આ કલા સંગ્રહસ્થાનની પરિકલ્પના કરનાર વિશ્વકર્માની દૃષ્ટિમાં આપણી ઉતાવળ અને પળોજણ ધ્યાન બહાર નથી. અને એટલે જ આ કૃતિઓને આપણે જે કંઈ વિધિઓ કરવાના હોઈએ ત્યાં સઘળે અને સાથે રહે તેવું કુશળ આયોજન કર્યું છે. લગભગ સાડા ત્રણ કિલોમીટર ચોકડી આકારના વિસ્તારમાં, એંસી હજાર ચોરસ ફૂટમાં ગોઠવેલી કલાકૃતિઓનો આ કલાપ્રવાસ ‘જય હે’ યોજનાને મૂર્ત સ્વરૂપ આપનાર રાજીવ શેઠી એક ઉત્તમ કલાકાર, કલાઆયોજક અને વિશ્વખ્યાત કલાસંગ્રહ પ્રદર્શનના પ્રાયોજન નિષ્ણાંત પણ છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

રાજીવ શેઠી માને છે કે ભારત સ્વયં કલાનું મહાન સંગ્રહસ્થાન છે. આપણે કલાની કાલ અને આજમાં સતત રહીએ છીએ. આપણે T2 વિમાન સ્થળના કલાપ્રવાસ પહેલાં આ માન્યતા પાછળના આધારને જાણીએ.

આદિ માનવયુગમાં ગુફાઓમાં વસતાં લોકોએ પથ્થરોને કેન્વાસ બનાવી પથ્થરોને જ તીક્ષ્ણ ધારની પીંછીઓ બનાવી કરેલાં રેખાંકનો મધ્યપ્રદેશમાં ભીમબેટકા ગુફાઓમાં મળ્યાં છે. આ અને અન્ય સ્થાપત્ય ઇતિહાસની રસમય દીર્ઘ ગાથા અહીં પ્રસ્તુત નથી. ઉલ્લેખનું કારણ એટલું જ કે ભારતના જનજીવન સાથે કલા સતત અને રોજબરોજમાં ઓતપ્રોત રહી છે. ઘરના આંગણા-ઉંબરથી માંડી શયનખંડ સુધી પરિપેક્ષ્યને અનુરૂપ ચિત્રો અને શિલ્પોની સજાવટ સાથેનો ઘરોબો ભારતની સંસ્કૃતિની ઓળખ છે. એરપોર્ટનું કલા સંગ્રહસ્થાન આદિથી આધુનિક કલાનું પ્રતિનિધિત્વ કરે છે. કલાકૃતિ એ માત્ર સર્જકની જ પરખ નથી, પરંતુ જે તેને પસંદ કરે છે તેની પણ છે. સંગ્રહસ્થાન વિશાળ જનસમૂહના વૈવિધ્યને દર્શાવે છે અને તેથી તેની ગોઠવણી કરનાર કલાવિદ્દ, ઇતિહાસ જાણકાર અને કુશળ યોજક ઉપરાંત કૃતિને યથોચિત સ્થાને મૂકવા કુશળ નિયોજક પણ હોવાનું જરૂરી છે. રાજીવ શેઠીના મન પ્રસન્ન કરી દેતા એ સામર્થ્યનું દર્શન મુંબઈના એરપોર્ટ પર થાય છે. સમાજ અને સંસ્કૃતિના અનુબંધ અને સ્થિત્યાંતરોની નોંધવહી સમાન આ સંગ્રહ છે. ઉતાવળ અને અધિરાઈથી પસાર થતાં કલારસિકો તો પળભર જરૂર રોકાશે, પરંતુ કલાકૃતિનો આ અપાર વૈભવ કોઈ પણ આબાલવૃદ્ધની આંખને પણ આનંદનો અનુભવ કરાવશે.

એકસોથી વધુ કલાકારો અને એક હજારથી વધુ કસબીઓએ રચેલી લગભગ સાત હજાર કૃતિઓનું આ અભૂતપૂર્વ સંગ્રહસ્થાન આપણી વિવિધરંગી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કઈ રીતે કરે છે તે આ આયોજનને નાની રૂપરેખાથી તપાસીએ. આપણે ભારતીયો પ્રસંગાનુસાર કોઈને કોઈ વિધિ કરતાં હોઈએ છીએ. પ્રવાસે જતાં ઉંબરા પર શુભેચ્છાઓ અને આવકારની વિધિ સામાન્ય છે. એરપોર્ટ પર તો આ બંન્ને રોજબરોજની ઘટના છે. એટલે પ્રવેશમાં “ભારતના ઉંબરે” વિભાગ ‘જય હે’ આપણાં સ્વાગતમાં ધાર્મિક વિધિવિધાનની કલાકૃતિઓથી દીપમંડિત છે. જે અર્ધવર્તુળના વક્ર ગૂંચળામાં ગોઠવાયેલી કૃતિઓ દ્વારા કલાકારો અને કસબી કારીગરોની પારંપરિક અને આધુનિક માન્યતાઓની અભિવ્યક્તિ છે. વિચારપૂર્વક માળામાં મણકાઓની જેમ તેની ગોઠવણી કરી છે જેથી પ્રવાસીઓ એ વર્તુળમાંથી પસાર થાય ને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવગાનનો આનંદ લઈ શકે. પ્રાયોજક અપેક્ષા રાખે છે કે ઘરનો ઉંબર ઓળંગી દૂર જતાં પ્રવાસી તેમની મનમંજૂષામાં આપણી ઉત્તમ વિરાસતને સ્મૃતિમાં રાખે અને વર્તનથી પ્રસાર કરે અને ગૌરવપૂર્વક પ્રચાર કરે. વિદેશની

મુસાફરી કરી વતનમાં પ્રવેશ કરવા ઉંબરેથી અંદર આવે ત્યારે પણ તેના સ્વાગતમાં ઊણપ તો ન જ રખાય ને! એટલે દ્વિતીય વિભાગની રચનામાં એ ધ્યાન રખાયું છે. આગમનના રસ્તા પર ખાસ આ સંગ્રહસ્થાન માટેની કલાકૃતિઓ મૂકવામાં આવી છે. મુંબઈના નકશા મુજબ શ્રેણીબંધ પૃષ્ઠ પછી પૃષ્ઠ ખૂલતાં હોય તે રીતે ગોઠવવામાં આવી છે. હવે પ્રવાસી પોતાનો સામાન યાંત્રિક પટ્ટા પર સરકતો આવે ત્યાં જવા આતુરતાપૂર્વક જાય તે રસ્તા પર ભારતના કાપડકલાનાં વિવિધ રૂપો, હસ્તકલાનો કસબ અને ખરીદીને ઘેર લઈ જઈ તેવી વસ્તુઓ અંગે માર્ગદર્શક નોંધ છે.

અહીં પ્રદર્શિત કલાકૃતિઓમાં અનેક ખ્યાતિપ્રાપ્ત કલાકારોની કૃતિઓ છે. દરેક કલાકૃતિની વિગતો દરેક ઈચ્છુકોને મળી શકે તેમ છે એટલે તે અહીં અપ્રસ્તુત છે. આમાં થોડાં નામોમાં ગુલામ મોહમદ શેખ, મીઠુ સેન, ડેસમોન્ડ લઝેરો, અમીતવા દાસ, રિયાસ કોમુ, પારવથી નાયરના નામ લઈ શકાય.  શેઠીએ આ સંગ્રહસ્થાનની પરિકલ્પના કરી તેને GVK વાઈસ ચેરમેન સંજય રેડીનો સક્રીય સાથ મળ્યો. ભારતની હજારો વર્ષ પુરાણી લોકસંસ્કૃતિનું વૈવિધ્ય , કલાવૈભવ, હસ્તઉદ્યોગ અને જનવસ્તી- સમાજને સાંકળતી આ વિધાનું એક સ્થળે પ્રદર્શન અનુપમ છે. જે કલાકૃતિઓની પસંદગી થઈ છે તેની ગોઠવણીમાં શેઠીની કલાપરખ અને દીર્ઘદૃષ્ટિનો પરિચય છે.

ઘણાં સમીક્ષકો અને પ્રસાર માધ્યમો આ સ્થળ પસંદગીની મર્યાદા દર્શાવતા કહે છે કે આંતરરાષ્ટૃીય ટિકિટ ખરીદ્યા પછી જ લોકો તે જોઈ શકે છે. આવા પ્રદર્શનનો હેતુ બહુપ્રમાણીય કલા બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાનો અને જનસમાજના મનમાં સચવાય રહે તે હોય છે. આપણી વિશ્વોત્તમ વેદવાણી શ્રુતિથી જળવાઈ અને પોથી સુધી પહોંચી છે. આ એરપોર્ટની વિશેષતા એ છે કે લાખો લોકોનું અહીં આવાગમન થાય છે. આ સ્થળની જાળવણી જે રીતે થાય છે તે આવાં અમૂલ્ય કલાધનની જાળવણી માટે પણ યોગ્ય છે. આ તદ્દન નવો પ્રયોગ નથી. આમસ્ટરડમ એરપોર્ટ, ફ્રાન્સના Toulouse ટુલુઝ એરપોર્ટ, Paris પેરિસ એરપોર્ટ પર, સાઉથ કોરિયાના એરપોર્ટ પર પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમ જ ન્યુ દિલ્હી એરપોર્ટ પર પણ એમ.એફ. હુસેન, પરેશ મૈટી, સીમા કોહલી અને સતીશ ગુપ્તા જેવાં વિખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આમ છતાં મુંબઈના એરપોર્ટ પરનું સંગ્રહસ્થાન અતિ વિશાળ પરિમાણ, અદ્ભૂત આયોજન અને પ્રયોજનની દૃષ્ટિથી અનુપમ છે. પરિશ્રમ અને પરિકલ્પનાનું સંતર્પક પરિણામ છે. આ પ્રદર્શનમાં મૂકાયેલી એકેએક કૃતિ, તેના સર્જક – ચિત્રકાર, શિલ્પિઓની માહિતિ આપતા વીડિયો અને નોંધો ઉપલબ્ધ છે પરંતુ પ્રચાર અને પ્રસાર પૂરાં નથી. ઉદ્ઘાટન સમયે અખબારોએ લેખ લખ્યા હશે પરંતુ ઘટના બની અને સ્મૃતિશેષ થયા જેવું જ.

પ્રાયોજક શેઠીએ એક પ્રત્યક્ષીકરણ સમયે જણાવ્યું કે ‘આ પ્રકલ્પ આયોજનથી અમલીકરણ સુધી સંપૂર્ણત: ભારતીય છે.’ પૌરાણિકથી આધુનિક ભારતીય સંસ્કૃતિના દરેક પાસાનું આ કલાત્મક પ્રતિનિધિત્વ કરે છે. દૃશ્ય કલાકૃતિ કવિતા નથી, પરંતુ તેમાં સંગોપિત અવ્યક્તનો અપ્રતિમ મહિમા સમાન જ છે. આ કૃતિઓ પાસે ઇતિહાસ છે. કથા છે. સંવાદ અને સંવેદના છે. આ મૌન અભિવ્યક્તિ આપણે ઉકેલવાની છે. ભારતનું પોત સ્વયં એક વિશાળ ચિત્ર છે, જેમાં ભાષા, ધર્મ, જાત – પાતના ભાતીગળ રંગો છે. અમૂર્ત – અવ્યક્ત ભારતીયતાનું ગૌરવ આ સંચિત કલાની જાળવણીમાં અને તેના સંવર્ધનમાં છે. આપણે કરીશું જ એ શ્રદ્ધા.

[પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2019; પૃ.101-106]

Loading

6 November 2019 admin
← વલ્લભ નાંઢાની વાર્તા : ’આયેશા’
બ્રાહ્મણોએ પોતાનું ઉચ્ચ સ્થાન કેમ ગુમાવ્યું ? →

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved