ક્યાંક નવટાંક, નવટાંક હેરોઇન મળી આવે ત્યારે હાકલા, પડકાર કરતું મીડિયા, ડ્રગ દો મુઝે ડ્રગ એમ તાબોટા પાડતા અર્ણવભાઈ ગોસ્વામી સહુ કોઈ અદાણીના મુંદ્રા પોર્ટમાં ત્રણ ટન હેરોઇન મળી આવ્યું છે, ત્યારે મોં પર માસ્ક લગાવીને બેસી ગયાં છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કે કોઈ છપ્પનની છાતીએ પણ એક નાનકડો ઉદ્દગાર સુધ્ધાં કાઢ્યો નથી કેમ કોઈ બોલતું નથી કે એક એક જવાબદારને છોડીશું નહીં. શું આ નાનીસૂની ઘટના છે? ૨૧,૦૦૦ હજ્જાર કરોડનું આ હેરોઇન ભારતમાં ફરી વળશે તો? પણ ભાઈબંધની સંડોવણી હોય ત્યાં મૌન રહેવાની ભા.જ.પ.ની સંસ્કૃતિ છે. આતંકવાદીઓનો મિત્ર અને છવ્વીસમી જાન્યુઆરી ટાણે જ ધડાકા કરવા કાશમીરથી રવાના થયેલો, પુલવામાનો ડી.એસ.પી. શેરે કાશ્મીરનો જેને ભા.જ.પે. પુરસ્કાર આપેલો એ દેવેન્દ્રસિંહ પકડાયો ત્યારે પણ આ રાષ્ટ્રવાદી પક્ષ મૌન થઈ ગયેલો. બાકી તો ભાઈબંધ ન હોત તો શહેરે શહેરે ઠાઠડી બાળી હોતા! ન ગદ્દાર કહેવાયો કે ન મુર્દાબાદ.
અફઘાનિસ્તાનમાં અફરાતફરી થઈ ત્યારે જ મને શંકા પડેલી કે એમનાં આ અફીણઉદ્યોગનો વારસદાર કોણ બનશે? પણ એ ભારતનો જ સપૂત હશે એવી કલ્પના ન હતી. એમ કહેવાય છે કે આ એક ખેપ પકડાઈ છે, બાકીની પાંચ તો પકકડાઈ પણ નથી. કુલ પંચોતેર હજાર કરોડનું અફીણ આવ્યું છે! અદાણીપોર્ટ પરથી પકડાયેલાં આ હેરોઇનનો બચાવ કરતાં ભક્તો મોદીભકતમાંથી અદાણીભક્ત પણ બની ગયાં. ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ચોરીનો માલ પકડાય તો ગાંધી પરિવાર જવાબદાર ગણાય? અરે! ભાઈ ભારત સરકાર તો ગણાય ને? અદાણી પોર્ટ સંપૂર્ણપણે એની માલિકીનું છે. આ ખાલી અદાણીપોર્ટ એવું નામ માત્ર નથી. પર્યાવરણના નિયમો સરેઆમ ભંગ કરી દરિયાના ભાગ ઉપરાંત ૩,૫૦૦ એકર જમીન ૨૮/૯/૨૦૦૦ના રોજ કેવળ ૪ કરોડ, ૭૬ લાખમાં આપી છે. શું આ પાણીના ભાવે આપેલી જમીન ન ગણાય? આ ભ્રષ્ટાચાર વિશે ત્યારે રંજય ગુહાએ વિસ્તૃત લેખ કર્યો હતો. ઈ. ૨૦૧૨-૧૩ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગુજરાતના મુંદ્રા પોર્ટને ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ બનાવવા માટે ગુજરાત મત્સ્યઉદ્યોગ તરફથી અધધધ કહી શકાય એવી છૂટછાટો આપવામાં આવી હતી. એ જ વર્ષે પાંચ સંસદસભ્યોની બનેલી સમિતિ જેના અધ્યક્ષપદે જાણીતા પર્યાવરણવિદ્દ સુનીતા નારાયણ હતા એમણે પર્યાવરણને થયેલી ગંભીર ક્ષતિઓનો અહેવાલ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. એ અહેવાલના આધારે ભારતની સુપ્રીમ કોર્ટ ઈ. ૨૦૧૩માં, તાત્કાલિક અદાણી પોર્ટ બંધ કરી દેવા ભારત સરકારને આદેશ આપ્યો હતો. ૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેથી સુપ્રીમનો આદેશ અભરાઈ પર ચડી ગયો. સૈયા ભયે કોટવાળ પછી ડર શાનો? એટલું જ નહીં ઈ. ૨૦૧૮માં અદાણીનો પોર્ટવાળો ધંધો ફૂલેફાલે એ માટે ભારતના શિપિંગ કાયદાઓ પણ મોદી સરકારે બદલી નાંખ્યા!
અદાણીની મૂળ કુંડળી તપાસો તો માલૂમ પડશે કે દાણચોરીથી જ શ્રીગણેશ કરેલાં છે. તેથી અજબો રૂપિયાની કમાણીવાળી હેરોઇનમાં એ ન લલચાય એ જ જલદીથી ગળે ન ઉતરે. હેરોઇનકાંડની દાળમાં અદાણી જેવું કંઈક કાળું છે. બીજી તરફ અફઘાનિસ્તાનનું અર્થતંત્ર અલ્લાહ નહીં અફીણ ચલાવે છે. આખા યુરોપ-અમેરિકાને ડ્રગ્સ અફઘાનિસ્તાન પૂરાં પાડે છે. મોટા મોટા ડ્રગ્સલોર્ડ અફઘાનિસ્તાનમાં છે. એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરજાઈના ભાઈ અફઘાનિસ્તાનનાં મોટાં ડ્રગલોર્ડ છે. જેની ઓબામાને ય ખબર હતી છતાં આંખ આડા કાન થયા છે. ગયા મહિને કાબુલ પર કબજો મેળવ્યા પછી તાલિબાનના પહેલા સંવાદદાતા સંમેલનમાં પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે અફીણની ખેતી નિયંત્રિત કરવામાં આવશે અને વિકલ્પો માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગવામાં આવશે એ વાત જણાવી છે. તાલિબાન શાસનમાં અફીણની ખેતી સામે ફતવો જાહેર કરાયેલો તેથી આ વાત સાચી છે. તેમ છતાં ઇ. ૨૦૦૦માં ત્યાં અફીણનું ઉત્પાદન ૧૮૦ મેટ્રિક ટન હતું. જે અમેરિકન શાસન દરમ્યાન ઇ. ૨૦૧૭માં ૯,૯૦૦ મેટ્રિક ટન બન્યું. અફઘાનિસ્તાન અફીણનો અડ્ડો બની જાય એ માટે કોને વધુ રસ છે તે આ આંકડાઓ જ સ્વયં બોલે છે! દુનિયાને પૂરાં પડાતા અફીણમાં ૭૦થી ૯૦ ટકા અફઘાનિસ્તાનના અફીણનો હિસ્સો છે અફીણના અભ્યાસી ગ્રેટ એનપીટર્સે લખેલું કે અફીણ અફઘાનિસ્તાનની જીવાદોરી છે. અમેરિકન શાસન દરમ્યાન અફઘાનિસ્તાનમાં ૩૪ પ્રાંતમાંથી ૨૨ પ્રાંતમાં અફીણનું ઉત્પાદન થાય છે. આશરે ૨૫ લાખ અફઘાનોને નિયમિત અફીણની ટેવ છે.
તાલિબાનોની સામે આ વખતે આ મોટો પડકાર છે. અફઘાનિસ્તાનમાંથી અફીણ ખતમ કરવું પડશે. નહીંતર, અફીણ અફઘાનિસ્તાનને ખતમ કરી દેશે. મૂળ વાત એ છે કે અમેરિકાએ પોતાના શાસન દરમ્યાન અફીણ ઉત્પાદનની સમસ્યા તરફ ધ્યાન આપ્યું નથી. અમેરિકા સેનાના અધ્યક્ષ ટોમી ફેકસે કહેલું કે એ અમારું કામ નથી. અમે અહીં એમના માટે નથી આવ્યાં! બુશ શાસનમાં ઇરાકના નિષ્ણાત અમેરિકી ડોનાલ્ડ રમઝલ્ટે આ અંગે નીતિ બનાવવા માટે અમેરિકી સરકારને પત્ર લખેલો. ઇ. ૨૦૦૦માં મુલ્લા ઉમ્મરે જ્યારે અફીણ સામે ફતવો જાહેર કરેલો ત્યારે ૨૦૦૦-૨૦૦૧માં ૯૦% ઉત્પાદન ઘટી ગયું હતું. તાલિબાની ફતવા સામે અફીણ ઊગાડવાની હિમ્મત કોણ કરે? આ ફતવાના કારણે જ અમેરિકાના હુમલા વખતે પ્રજાએ તાલિબાનોને સાથ પણ નહતો આપ્યો. પણ પછી અમેરિકાએ બે દાયકા લગી ડ્રગ્સલોર્ડ્ને સાચવી લીધાં! પુનઃતાલિબાન આવવાથી શું થશે એ કહેવું અઘરું છે, પરંતુ અબજો-કરોડોના વ્યવસાયના વેપારીઓ ચિંતિત છે. નશીલાં દ્રવ્યોના ભાવ બે-ત્રણ ગણા વધી ગયાં છે. આખા યુરોપમાં, અમેરિકામાં હજ્જારો લોકો નશીલાં દ્રવ્યોની લતના કારણે પ્રતિવર્ષ મારે છે. પણ એની દાણચોરી, એમાંથી નફો રળવાનો મોકો ખોળતાં ઉદ્યોગપતિઓ અફઘાનિસ્તાનમાંથી અફીણ ઉઠાવી ઉઠાવીને ભાગ્યાં છે. જેમાંની એક ખેપ મુંદ્રા પકડાઈ છે. વહાણમાં રહેતાં સાત જણને પકડી ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તપાસ ઊંડી થવી જોઈએ. ભારતમાં વિવિધ સ્થળે હેરોઇનનો ઉપયોગ થઈ રહ્યો છે. ધર્મઝનૂનમાં જો અફીણનો નશો ભળે તો ભારતને બીજું અફઘાનિસ્તાન થતાં વાર નહીં લાગે : સરકારનું વલણ જાણે નવટાંક અફીણ પકડાયા જેવું છે તે અત્યારે તો આઘાતજનક ઘટના છે. ગંદા હૈ પર ધંધા હૈ કહીને જો અદાણી એમાં-સંડોવાયા હોય તો મોદી સરકારે ભાઈબંધી બાજુ પર મૂકી આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 07