સોશિયલ મીડિયા પર બરફના તોફાન પેઠે કે પછી જંગલના દવની જેમ કહો કે ચાલુ બીજગણિતને ઓળાંડીને વેગે વાઈરલ થયેલી પારુલ ખખ્ખર બાની વાંચી તમે?
એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
‘તમારાં મસાણ ખૂટ્યાં’ ને ‘અમારા ડાઘુ ખૂટ્યા’ એ ધાટીએ હાલની અનવસ્થા, એકંદર ગેરવહીવટ અને બેતમા તંત્ર (નેતૃત્વ) વિશે વાત કરતાં પારુલ છેલ્લી પંક્તિઓમાં એક રીતે પરાકાષ્ટાએ પહોંચે છે :
રાજ, તમારાં દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
પારુલે ‘હોય મરદ’ એમ હાકલ કરી છે, પણ ઘણા બધા મરદોની મર્દાનગી આ ગાળામાં ટ્રૉલબહાદુર તરીકે પ્રગટ થતી માલૂમ પડી છે. ટ્રૉલટ્રૉલૈયાએ બોલાવેલી કથિત ધડબડાટી – ‘કથિત’ એટલા માટે કે એમાં કોઈ ધારાધોરણનો સવાલ અગરાજ છે – કદાચ, એ હકીકતની સાહેદીરૂપ છે કે પારુલની રચનામાં થયેલું અકેકું વિધાન વિગતસિદ્ધ છે, અને એનો હકીકતી પ્રતિવાદ શક્ય નથી.
અંગત રીતે, મને લાગે છે, પારુલે ‘મરદ’ પર ભાર મૂકવાપણું નહોતું. હાન્સ ક્રિશ્ચન એન્ડરસને આ જવાબદારી બાળકને ભળાવી હતી એમાં એક ઔચિત્ય હતું. યશોદાએ બાલકૃષ્ણના મુખમાં માટીનો લોંદો પકડવા કર્યું ત્યારે વિકાસિતે શિશુમુખે બ્રહ્માંડ દેખાયું હતું એવું જે ઋષિવિધાન તે એન્ડરસનની દેખીતી બાળવારતા (ખરું જોતાં પરીકથા) માંહે પ્રગટ થવા કરે છે.
સલિલ ત્રિપાઠીએ આ રચના અંગ્રેજીમાં ઉતારી તો પ્રહર વોરાએ કંઠમાં ! ભાઈ, સલિલ કે પ્રહર કે પ્રકાશ બધા જાણે છે કે અમે કોઈ ગટે નથી અને પારુલ કોઈ કાલિદાસ નથી કે શાકુન્તલ માથે મૂકીને નાચવાનું હોય. પણ ખેવના દેસાઈએ એડ્ગર એલન પોને [Edgar Allan Poe] ટાંકીને કહ્યું છે તે સૌ સમજી શકીએ તો પત્યું :
Words have no power to impress the mind without the exquisite horror of their reality.
If it wasn’t for the horrific reality, those words wouldn't have created the stir.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16