‘અને લોકો ઘર તરફ વળ્યાં’
અને લોકો ઘર તરફ વળ્યાં
એમણે ચોપડાં ફંફોસ્યાં ને ગીતો સાંભળ્યાં
અને આરામ ફરમાવ્યો ને કસરત કરી
ચિતર્યું, ભરતગૂંથણ કર્યું ને રમ્યાં
અને એમને પલ્લે જીવતરની નવી ભાત પડી
આ તો જડબેસલાક બંધ
કોઈકે વળી અંતર્યામી થવું મુનાસિબ માન્યું
એટલે યુ નોવ? યોગા કર્યાં …
ને પૂજનઅર્ચન ને કીર્તન કર્યાં
ને પૂર્ણ શરણાગતિ કિરતાર ભણી …..
કોઈક વળી નર્તન તરફ વળ્યાં
કેટલાકે પડછાયા સાથે ઘરોબાનો પ્રયત્ન કર્યો
કેટલાકે ઘરને ધારી ધારીને નીરખ્યું
તો કેટલાકે દાદાદાદીના ઓરડે અડ્ડો જમાવ્યો
કેટલાક નવેસરથી પ્રેમ કરતાં શીખ્યાં
આમ લોકોએ કાંઈક જુદી રીતે વિચારવાનો રસ્તો શોધ્યો
તેથી લોકો આંદોલિત થયાં
પણ લોકોની ગેરહાજરીમાં
જેઓ અજ્ઞાત રહી જીવ્યાં
ભયાવહ, અક્કલમઠા ને સાવ લાગણીવિહીન
સ્વાર્થી, સ્વ કેન્દ્રિત ને બુદ્ધિના બેલ
એમને ન લાદ્યું અખાનું જ્ઞાન પણ છેલ્લે તો …
OMG!
ધરતીમાતા પણ આંદોલિત થઈ રહી
અને અંતે ઘાત ટળી
ત્યારે લોકોએ અરસપરસને ખોળ્યાં
અને
દિવંગતો માટે આંસુ સાર્યાં
પણ હવે એમણે નવી પસંદગી ખોળી લીધી છે …
એમને આતમજ્ઞાન લાધ્યું છે ને
નવા પ્રદેશનાં સપનાં દીઠાં છે
ને એમને દિવ્યદ્રષ્ટિ જડી છે
ત્યારે
નૂતનમાર્ગે ગતિ કરી
ધરણીને પુણ્યસલિલા બનાવવાં કટિબદ્ધ ને પ્રતિબદ્ધ બન્યાં છે
જેમ તેઓ પણ આપદ્ કાલથી
પાઠ ભણીને સન્માર્ગે શરણાગત થયાં તેમ …
[મને મારા દીકરા આનંદે મોકલ્યું ને મમ્મીને મળ્યું ઘરકામ સાથે આ કામ પણ]