અવસર
વાતની શરૂઆત અલબત્ત રાજીપાથી કરીશું : દસમી એપ્રિલે ક્રાન્તિમાર્તંડ સરદારસિંહ રાણાની વેબસાઈટ રમતી મુકાઈ એ રૂડું થયું; કેમ કે સ્વતંત્રતા સંગ્રામના ખૂટતા ઇતિહાસઅંકોડાની રીતે તેમ પ્રજાકીય કૃતજ્ઞતાથી અભિવ્યક્તિની રીતે આવા ઉપક્રમોની એક ભૂમિકા ખસૂસ છે.
અંગત પણ બિનંગત, બે શબ્દો ટપકાવું છું ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ, સરદારસિંહનું નામ ક્યારે સાંભળ્યું એનું છે. નિમિત્ત ઘણું કરીને ઇન્દુલાલ યાજ્ઞિકના એ ઉદ્ગારોનું હતું કે સરદારસિંહને અંતિમ દિવસોમાં મળવા જવાયું નહીં. વિદેશવાસ દરમિયાન ઇન્દુચાચા એમના સંપર્કમાં આવ્યા હતા, અને પાછળથી હમણેનાં વરસોમાં – વીરાંજલિ યાત્રા અને એવાં આયોજનોથી જેમનું નામ અતિગાજ્યું એ શ્યામજી કૃષ્ણવર્માનું પહેલું અને અદ્યાપિ અધિકૃત ચરિત્ર એમણે લખ્યું એનો પ્રમુખ સ્રોત સરદારસિંહે સાચવેલા દફતરનો હતો. સંયોગવશ આ ગ્રંથ મોડો પ્રકાશિત થયો, સ્વરાજનાં બે-ત્રણ વરસે, પણ વીરાંજલિ યાત્રાનાં તો ખાસા પાંચેક દાયકા પૂર્વે.
સરદારસિંહ પૅરિસ રહ્યે સ્વાતંત્ર્યલક્ષી પ્રવૃત્તિઓની જોડકડી સમા હતા. સ્ટુટગાર્ટની આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં, છેક ૧૯૦૭માં, માદામ કામા સંગાથે એ પણ હતા અને પહેલો ધ્વજ જે ત્યારે બન્યો એમાં સહભાગી હતા.
વેબસાઈટ જોવાનું બનશે ત્યારે વિગતે લખીશું, પણ હમણાં તો એ નિમિત્તે બે’ક સહવિચારના કે ઊહ-અને-અપોહ-મુદ્દા માત્ર કરીશું. હમણાં કૃતજ્ઞતાપૂર્વકના સ્મરણની જિકર કરી, અને એ ઠીક જ છે. સ્વાતંત્ર્ય ચળવળના પ્રધાનરૂપે વિશ્વસ્તરે ઊભરી રહેલ અને નવી ભોં ભાંગતું, રાષ્ટ્રવાદના દાયરામાં નહીં પુરાતું વ્યક્તિત્વ ને કૃતિત્વ ગાંધી ધારાનું છે. પણ તે સિવાયની રીતે સમર્પિત પ્રયાસો એથી વણગાયા રહે એ વાત ન તો ઇતિહાસવસ્તુ તરીકે, ન તો સહૃદય સમીક્ષાવસ્તુ તરીકે ઇષ્ટ છે. ૧૮૫૭નાં પચાસ વરસ બ્રિટિશ સામ્રાજ્યધાની લંડનમાં સાવરકરની પહેલથી ઉજવાયાં અને રાણાજીએ અધ્યક્ષતા કરી, એ જરૂર રોમહર્ષ જગવતી બીના છે.
પણ ક્રાંતિકારી ચળવળનો આદર એક વાત છે, અને તે વિશે મૂલ્યાંકનવિવેક કેળવવો તે બીજી વાત છે. જે ભાવનાપ્રવણ બલિદાની સમર્પણો આવ્યાં, એ આખી ધારામાં ‘વંદે માતરમ્’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ (કહો કે ભગતસિંહ) સુધી પહોંચતાં આર્થિક-સામાજિક કાર્યક્રમને ધોરણે આવેલ ગુણાત્મક પરિવર્તનને જોવાસમજવાની જરૂર છે.
જેમ સ્વતંત્રપણે તેમ સાપેક્ષપણે આ ચિંતવન જરૂરી છે; કેમ કે ઝિંદાદિલ જાનફેસાની માત્રમાં ક્રાન્તિની સમજ સમેટાઈને રહી જાય એ બેહદ બેહદ અપૂરતું લેખાશે. બીજું, સંઘ પરિવાર સહિત કોઈ કોઈ વર્તુળોમાં જે એક વલણ છે કે ગાંધી ધારાને મુકાબલે કથિત ક્રાંતિ ધારાનું વિશેષ મહિમામંડન કરવું, એમાં પ્રધાનતયા કોઈ બૉંબપિસ્તોલગત ખેંચાણ હોય તો તે આર્થિક-સામાજિક કાર્યક્રમની સુધબુધ વગર નકરું ખંડદર્શન બની રહેશે.
અહીં સંઘ પરિવારનો વિશેષોલ્લેખ કરવાનું એક કારણ અલબત્ત એ છે કે વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન એક સમૂળા જુદા ઇતિહાસ અને વૈકલ્પિક વિમર્શ વાસ્તે લાલાયિત ને પ્રવૃત્ત છે. નહીં કે હાલની ઇતિહાસસમજ કે વિમર્શબોધ બાબતે જુદેસર ન જ વિચારી શકાય કે એમાં દુરસ્તીને અવકાશ નથી. જેમ સાતત્ય તેમ શોધન ન હોય તો કહોવાઈ મરીએ. પણ આ આખી પ્રક્રિયા જે સમ્યક્ વિવેક માગી લે છે એને સારુ હુકમરાનોને નથી હોતી ફુરસદ, કે નથી હોતી ફિકરપરવા.
સવિશેષ સહવિચારધક્કો જો કે વાતે લાગેલો છે કે સરદારસિંહ રાણાનું પ્રતિમા-પ્રક્ષેપણ કંઈક સાયાસ, કંઈક અનાયાસ જુદી દિશામાં થઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારે એમને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સિદ્ધાંતકોવિદ કહ્યા તે આનું જ એક અધવધરું નિદર્શન છે. ભાઈ, વાત સીધીસાદી એટલી જ છે કે રાણા પરિવારના હમણેના વંશવારસો સંઘ-જનસંઘ-ભાજપમાં સક્રિય છે. કટોકટીના મહિનાઓમાં સહજેલવાસી દિલાવરસિંહ રાણા આ ક્ષણે જેમ સાંભરે છે, તેમ હમણાં પ્રધાનપણે ઊપસી રહેતું નામ જેમણે ઋષિઋણ ને પિતૃતર્પણની ભાવનાથી આ વેબસાઈટ બનાવડાવવામાં પૂરી શક્તિ કામે લગાડી તે રાજેન્દ્રસિંહ રાણાનું છે. રાજેન્દ્રસિંહ લાંબો સમય ગુજરાત ભાજપના પ્રમુખ હતા તે સુવિદિત છે. આ સૌને પોતાના વિચારધારાકીય પરિવારવડા સરસંઘચાલક મોહને ભાગવતને આવે પ્રસંગે અગ્રતાક્રમે સંયોજવાનું મન થાય તે પણ સહજ છે.
મુદ્દે, આ બધો જોગાનુજોગ જો સંઘવિચાર અને સરદારસિંહ વગેરે સૌ ક્રાંતિકારીઓને સમીકૃત કરી મેલશે તો આપણી ઇતિહાસપ્રૌઢિ બચાડી શીંકે ચડશે. બે સાદા દાખલા આપીને વાત ઊંચી મૂકું. રાણાજીએ પરદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ જોગ જાહેર કરેલી સ્કૉલરશીપ સાથે જેમ શિવાજી અને પ્રતાપનું તેમ અકબરનું પણ નામ જોડ્યું હતું. સ્ટુટગાર્ટની ગૌરવઘટનારૂપ ધ્વજમાં ચાંદનો સમાવેશ કરવામાં એમણે ઔચિત્ય જોયું હતું. એમનાં વિચારવલણોમાં ઉદ્દામ સમાજવાદી ખયાલાત ખાસી હતી.
દરમિયાન, હમણાં તો વેબસાઈટકારોને દિલી અભિનંદન સાથે અહીં અટકું. બાકી વાત, યથાવકાશ યથાસંભવ વેબવિહાર પછી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 16