Opinion Magazine
Number of visits: 9446890
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અણસાર ક્યાંક આશાનો’ – સમાલોચના

આશા બૂચ|Opinion - Opinion|20 July 2017

સરૂપ ધુવ લિખિત હિન્દી વાર્તા સંગ્રહ ‘ઉમ્મીદ હોગી કોઈ’નું મોહન દાંડીકર દ્વારા થયેલ ગુજરાતી ભાષાંતર ‘અણસાર ક્યાંક આશાનો’ વાંચ્યું ત્યારથી ઊંઘ હરામ થઇ ગઈ છે.

આગળ કઇં પણ લખતાં પહેલાં સ્પષ્ટતા કરી લઉં કે ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસના ટ્રૈનનો ડબ્બો બાળવાથી 59 લોકોએ જાન ગુમાવ્યાનું નોંધાયું છે, અને એક આધાર મુજબ તે રમખાણોમાં કુલ આશરે 255 હિંદુઓ અને 790 જેટલાં મુસ્લિમ સ્ત્રી-પુરુષ-બાળકોનાં જીવન હોમાયાં છે. તેઓ કોઈ પણ ધર્મના હતા; હતા આખર બધા માનવ અને કોઈ પણ ગુનો આચર્યો ન હોવા છતાં તેમની હત્યા થઇ, જે બિલકુલ નિવારી શકાય તેવી હતી. તે સહુને શ્રધ્ધાસુમન અર્પીને આ લખાણ આરંભીશ.

કોઈ ગુજરાતી તો શું કોઈ ભારતીય પણ જવલ્લેજ હશે કે જે ‘2002ના ગોધરા હત્યાકાંડ’ વિષે કંઈ જાણતો નહીં હોય. પણ આપણે જે એ કહેવાતી હકીકતો જાણતા હતા તે તો છાપાં અને ટેલિવિઝનના સંવાદદાતાઓની કલમ અને કચકડે મઢેલી દાસ્તાન હતી. આજ સુધી જેમનાં સ્વજનોને રહેંસી નાખવામાં આવ્યાં, જેટલાં બચ્યાં તેમને ઘરબાર વિહોણાં બનાવી દેવાયાં એટલું જ નહીં આજ દોઢ દોઢ દાયકા બાદ પણ જેમને ન્યાય મેળવવાથી વંચિત રખાયાં છે, તેવા લોકોના સ્વમુખેથી કહેવાયેલી દર્દનાક કથા કેટલાકે સાંભળેલી હશે? સરૂપ ધ્રુવે 150-175 જેટલા લોકોને રૂબરૂ મળીને સત્યઘટના પર આધારિત વાર્તાઓ લખી છે.

પહેલાં આ પુસ્તકનાં લેખિકા વિષે જાણીએ. ગુજરાતમાં કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સરૂપ ધ્રુવનાં નામ અને કામને જાણતા હશે. તેમનો પરિચય આપતાં એક લબ્ધ પ્રતિષ્ઠિત કવયિત્રી અને નાટ્ય લેખિકા, સામાજિક-રાજનૈતિક ક્ષેત્રોમાં કર્મશીલની ભૂમિકા ભજવનાર તથા ભાષા અને સંસ્કૃિતનાં શિક્ષક એટલું કહું તો તેમને અન્યાય થશે, કેમ કે તેઓની શિક્ષણ તેમ જ લેખન, સંપાદન અને અનુવાદ, સંશોધન, વિવેચન અને નાટક વગેરે ક્ષેત્રોમાંની સિદ્ધિનું માપ કાઢવા સરૂપ ધ્રુવને નિકટથી જાણવાં, વાંચવાં અને સમજવાં જોઈએ. આજે માત્ર તેમના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકમાંથી ઉભરી આવતી હકીકતો પરથી ભારત, ખાસ કરીને ગુજરાત કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે, એ વિષે વાત માંડવી છે.

‘અણસાર ક્યાંક આશાનો’ એક અનોખો વાર્તા સંગ્રહ છે જેમાં ગોધરામાં ઘટેલ દુર્ઘટનાનો ભોગ બનેલાઓની પીડા અને મુશ્કેલીઓ તેમના જ શબ્દોમાં વર્ણવેલી છે. ઉપરાંત એ કમનસીબ પ્રજાજનોનાં જીવનને પુન:સ્થાપિત કરવા મેદાને પડેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓના નિવેદનો પણ સામેલ છે. એ બધાં બયાનો વાંચતાં એક સવાલ ઊઠે છે, પેઢીઓથી સાથે રહેતા આવેલા, એકબીજાના તહેવારોની ઉજવણીમાં ભાગ લેતા, પાડોશી દાવે પરસ્પર સુખ-દુઃખમાં ભાગ પડાવતા, વેપારી-ગ્રાહકના મીઠા સંબંધે બંધાયેલા એવા નિર્દોષ માણસોને વગર કારણે માત્ર તેઓ બીજા ધર્મના છે એમ કહીને લૂંટવા, બાળી નાખવા, બળાત્કાર કરવો અને તેમના જ પૂર્વજોના ઘરમાંથી ધકેલી મુકવા તેમાં માનવતા ક્યાં આવી? આવું બને જ શા કારણે?

માનવ ઇતિહાસમાં કદી ન થઇ હોય તેવી હિજરત ભારતના ભાગલા સમયે ઈ.સ 1947માં થઇ. ગોધરા સ્ટેશને ટ્રૈનના ડબ્બામાં આગ લગાડવામાં આવી અને હિંદુ મુસાફરોએ જાન ગુમાવ્યા તે 2002ની સાલ. સ્વતંત્રતા મળ્યા બાદ સાડા પાંચ દાયકાઓ વીત્યા ત્યારે પણ હજુ કોમી દાવાનળ શમ્યો કેમ નથી, એવી વિમાસણ થાય. અન્ય દેશોમાં આવી દુર્ઘટના બને તો પોલીસ ગુનેગારોને પકડી, પુરાવા એકઠા કરે અને કોર્ટમાં કેઇસ ચાલે એટલે દોષિતોને સજા થાય, જેથી ભોગ બનેલાઓને ન્યાય મળે. પરંતુ અહીં તો તે હિચકારા કૃત્યનો બદલો લેવા ગુજરાતના અનેક ગામોમાં મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવ્યા. તે સમયે પણ લોકો પોતાનું વતન છોડીને ભાગ્યા. 1947 અને 2002ની ઘટનાઓની સંખ્યામાં ફેર, બાકી હિજરત થવી, કાંખમાં છોરુ લઈને વતન છોડીને ભાગવું, ઘર બાળવા, બળાત્કાર કરવા, જાન લેવો એ બધાનું પુનરાવર્તન થયું. આપણે ઇતિહાસ પાસેથી શું શીખ્યાં?

આ કથાઓના પાત્રો કહે છે તેમ સદીઓથી ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એકમેકની સાથે સંપીને રહેતા આવ્યા છે. સવાલ એ થાય કે સામાન્ય પ્રજા એકબીજાના દેવ અને પીરને પૂજતી કે ચાદર ચડાવતી આવી છે તો આમ હિન્દુ – મુસ્લિમ વચ્ચે ઝેર આટલું કેમ પ્રસર્યું? સામૂહિક હત્યાકાંડ જેવી ઘટનાઓ કઇં રાતોરાત નથી બનતી. 2002 પહેલાંના દોઢ બે દાયકાથી જ્યારે એલ.કે. અડવાણીની રથયાત્રા નીકળી, અને રામનામની ઈંટો અયોધ્યા લઇ જવામાં આવી, ત્યારથી કોમી વૈમનસ્યના આંધણ મુકાઈ ગયાં હતાં, ચિનગારી ગોધરા કાંડે મૂકી. 21મી સદી શરૂ થઇ તે પહેલાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં કથાકારો આવીને ધર્મની રક્ષા કાજે વિધર્મીઓને હરાવવાની વાત કરતા અને ધીમે ધીમે વિભાજનનું ઝેર ફેલાતું ગયું. મંદિરો અને રથયાત્રાઓની સંખ્યા વધી, લોકોની નજર અને ભાષા બદલાયાં. એક એવો પ્રચાર કરાયો કે પાંડરવાડામાં પાંડવો રહેતા એટલે તેમાં ‘મિયાં’ ન રહેવા જોઈએ. હવે રાજા રામ થઇ ગયા તેનો ય કોઈ પુરાતત્ત્વીય કે દસ્તાવેજી પુરાવો નથી તો પછી અયોધ્યાની ભૂમિ પર રામ મંદિર હતું તે શી રીતે સાબિત થઇ શકે? આમ છતાં એ કાલ્પનિક પવિત્ર સ્થાનનો ધ્વંસ કરીને મસ્જિદ બનાવાયેલી એવી પ્રચલિત થયેલી માન્યતાને હકીકત ગણાવીને મસ્જિદને જમીનદોસ્ત કરવી એ કઈ સાબિતીને આધારે તે તો ખુદ એ ‘ધાર્મિક’ કાર્ય કરનારાઓને ખબર નથી. તો પાંડરવાડા અને પાંડવો સાથેનો સંબંધ કેવી રીતે સાબિત થાય અને તેમાં ય આજે ત્યાં રહેતા મુસ્લિમોની હકાલપટ્ટી માટે કયો તર્ક કામ આવે, ભલા? વર્તમાનમાં પોતાને મળેલ માનવ જન્મને સાર્થક કરે તેવાં કાર્યો હાથ નથી લાધતાં એટલે  સદીઓ પહેલાંની પૌરાણિક કથાઓ પરથી વેર ઝેરના બાંધેલાં પોટલાં છોડવાનું શરૂ કર્યું. જોવાનું એ છે કે ગોધરાના કિસ્સામાં ખરા ગુનેગારો કોણ છે, તેની જાણ પણ નહોતી પણ ગુજરાતના અસંખ્ય મુસ્લિમોએ તેની કિંમત ચૂકવવી પડી. વર્ષો પહેલાં અમરનાથના યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ગુજરાતના ગામડાંઓની મસ્જિદો બાળી, તે શું એમ વિચારીને કે બધા મુસ્લિમો આતંકવાદી છે? એક જગ્યાએ એક કોમમાં જન્મેલ આતંકીઓ હિંસા આચરે તેની સજા એ કોમના બીજાં ગામના નિર્દોષ સભ્યોને કેમ અપાય? કોઈ એક પટેલ કોઈનું ખૂન કરે તો આખી પટેલ કોમને મારી નખાય છે કે? હિંસા આચરનાર કોઈ પણ સમૂહના લોકો હોય તેમને જરૂર વખોડીએ, બાકી ’જયશ્રી રામ’ના નારા સાથે સંહાર કરનારા ‘અલ્લાહો અકબર’ના ઘોષથી હિંસા કરનારા કરતાં કઈ રીતે જુદા પડે? રામ કે અલ્લાહ કોને મારવાનું કહી ગયા, ભલા?

આ પુસ્તક વાંચતાં અહેસાસ થયા વિના રહે નહીં કે કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફત હોય, બહેનો અને બાળકો જ સહુથી વધુ સહન કરે, અને છતાં તેઓ જ બીજાને વધુ સહારો આપે. આનું શું કારણ? આંખ આગળ પોતાની પત્ની-બહેન-દીકરીને બળાત્કાર કરી મારી નાખે, જીવતા સળગાવી દે છતાં પેલા ફિનિક્સ પક્ષીની માફક એ નફરતની જ્વાળાઓમાંથી આપબળે અને એકમેકની સહાયથી ઊભાં થાય. કેટલાક પરિવારોમાં તો એક જ કુટુંબના અગિયાર કે તેથી વધુ સભ્યોને ગુમાવ્યાં હોય તેવું જાણમાં આવ્યું. તેઓ કહેવાતા અભણ અને લોકવરણનાં બહેનોની બહાદુરી અને ખમીરથી સભર સહાયને સહારે પુન:સ્થાપિત થયાં.

પુસ્તકમાંની કથાઓમાંથી સહુથી વધુ ધ્યાન દોરે તેવી બાબત સ્પષ્ટ ઉભરી આવે તે એ છે કે તત્કાલીન રાજ્ય તંત્ર અને પોલીસ અત્યાચારો કરનારની સાથે કાં તો ભળી ગયા અથવા આંખ આડા કાન કરીને મૂક પ્રેક્ષક બની રહ્યા. રક્ષક જ ભક્ષક બન્યા. સત્તા પર બેઠેલામાંથી કોઈએ આ દુર્ઘટના બની તે અયોગ્ય થયું, એ ગુનાહિત કૃત્ય હતું, તેને માટે હું કે અમે જવબદાર છીએ  તેનો એકરાર કરવો, ગુનેગારોને પકડીને સજા થવી જોઈએ તેમ બને તેની ખાતરી કરવી તેમાનું કેમ કઇં ન કર્યું? ઉપરથી ભોગ બનેલ કોમ અને બીજા સંગઠનો તથા કર્મશીલોએ મુકેલા તહોમતોનો સદંતર અસ્વીકાર કરવો અને પુરાવાઓનો નાશ કરવો, શું સૂચવે છે? દુનિયાનો ઇતિહાસ સૂચવે છે કે ભૂતકાળમાં અનેક સરમુખત્યારોએ પોતાની સત્તા ટકાવી રાખવા આવાં જ પગલાં ભરેલાં. કરુણતા તો જુઓ, જે રાજ્યમાં આવાં ઘૃણિત રમખાણો થયાં ત્યારે મૌન ધરી રાખનાર એ જ રાજ્યના વડાને સમય જતાં પ્રજા જ આખા દેશના વડા બનાવે! હજુ ગઈકાલ સુધી દેશના જે લોકો પોતાના હતા તે અચાનક પારકા થઇ ગયા, તે રાજકારણ અને ધર્મની ચાલને કારણે એવું સ્પષ્ટ ભાસે છે. નહીં તો દુકાનો અને મકાનોમાં લૂંટફાટ કરે કેમ કે એ દુકાનદારો, મજૂરો અને કારીગરો મુસલમાન છે, ગામેગામ પદ્ધતિસરની કતલ થાય, સ્ત્રીઓ પર બળાત્કાર કરે, તેમને નગ્ન કરીને જાહેરમાં ફેરવે; અરે, સગર્ભાનાં ભૃણને પણ ચીરીને આગમાં નાખે એવું શી રીતે બને? અહીં એક ગુજરાતી, હિન્દુ અને એક સ્ત્રી હોવાને નાતે લેખિકા આ ઘટના બનતી અટકાવી ન શકવા બદલ અને ભોગ બનેલાઓને સમયસર સહાય ન કરી શકવા બદલ પસ્તાવો કરે છે, એ વાંચીને હૃદય દ્રવી જાય.

જે ગામડાંઓ અને શહેરોમાં હિંસાનું તાંડવ ખેલાયું ત્યાં લગભ 200-250 કે તેથી ય વધુ વર્ષોથી મુસ્લિમો રહેતા આવ્યા છે. તેઓ જમીનના માલિક છે, તેમની પાસે ઢોર ઢાંખર છે, ખેતી કરવા માટેના ઓજારો બનાવનારા કુશળ લુહારો છે. તેઓ આ સમાજના અભિન્ન અંગ તરીકે જીવતા આવ્યા છે. આથી જ તો જ્યારે ગોધરામાં ટ્રૈનના ડબ્બા મુસલમાનોએ બાળ્યા એવી અફવાઓ ફેલાઈ, ત્યારે “આપણે તો અહીં વર્ષોનો વસવાટ, બધા આપણી પેદાશ વાપરે તો કોઈ આપણને શા સારુ મારે?” એવો વિશ્વાસ ધરાવનારાઓ એક ક્ષણમાં પોતાનામાંથી પરાયા થઇ ગયા એટલે તેમનો જીવ જોખમમાં મુકાયો અને નિર્વાસિત થઇ ગયા. જે લોકોની ભાષા, ખોરાક, રહેણી કરણી અને રસના વિષયો એક તે માત્ર તેમનાં નામ જુદાં હોવાથી મોતને ભેટ્યા! તમારા જ વતનમાં તમે એક ડ્રાઈવર, લોટની ચક્કીના માલિક કે  ખેડૂત તરીકે પેઢીઓથી રહેતા આવ્યા હો ત્યાં અચાનક માત્ર મુસલમાન બની જાઓ અને માથે એક સરખા રંગની પેટ્ટી અને તિલક કરીને આવેલ ટોળાં અચાનક તમારા દુશમન બની જાય તે કેમ સમજાય? 2002માં સમાચાર જાણ્યા ત્યારે અને આજે પણ મનમાં સવાલો ઉપર સવાલો થયા, આ સંહાર કોણે અને શા માટે કરાવ્યો? મહિનાઓ અને વર્ષો વીત્યાં છતાં ન્યાય તો ચોરની માફક લપાતો છુપાતો ફરે છે, તે મળ્યા વિના લોક સમાધાન કેવી રીતે કરે? ગુનેગારો સમાજમાં છુટ્ટા ફરતા હોય ત્યારે નિર્ભય થઈને જીવાય કેવી રીતે? આ પુસ્તકમાં પોતાનાં બયાન આપનારાઓ પાસેથી જાણવા મળે કે મોટી દુકાનો ધરાવતા, દળવાની ઘંટી અને જીપના માલિકોનાં મકાનો અગ્નિકાંડમાં હોમી તેમને પોતાના જ ગામમાંથી જંગલ ભણી દોડાવવા પાછળ એક જ કારણ, તેઓ વહોરા અને ઘાંચી હતા. તેવા નિર્દોષ અસહાય કુટુંબોને દિલથી મદદ કરનારા આદિવાસીઓ જ હતા મોટે ભાગે. કુદરતી આફતો વખતે કહેવાતા સવર્ણો મદદે ન આવે પણ આ મુસલમાનો ત્યારે પણ માનવતા નહોતા ચૂકેલા અને તેવી જ માનવતા આદિવાસીઓએ મુસ્લિમો પ્રત્યે દર્શાવી. વળી જે મુસ્લિમો પોતાના ગામમાં પાછા ગયા તેમને આદિવાસીઓ કે બીજા બિન સવર્ણ હિન્દુઓએ જ ધરપત આપી અને જાનનું જોખમ વહોરીને હિંમતથી સંતાડી રાખ્યા, ધંધા શરૂ કરવામાં મદદ કરી, એટલું જ નહીં પોતાની જમીનમાંથી ભાગ પણ આપ્યો.

આ પુસ્તક માત્ર બહુમતી કોમે કરેલ લઘુમતી કોમ પરના અત્યાચારને જ નથી આલેખતું, પણ તેમાં અનેક સંસ્થાઓ અને અસંખ્ય વ્યક્તિઓએ અદ્દભુત વીરતા અને મક્કમતાથી પોતાના ગામના મુસ્લિમ કુટુંબીઓની રક્ષા કર્યાની વીર ગાથાઓ પણ છે. દરેક ધર્મમાં બીજા ધર્મના લોકો સાથે હળીમળીને રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ધર્મોપદેશની વાતો તો વિચારવાની, સમજવાની અને અમલમાં મુકવાની હોય છે. હદીસમાં કહ્યું છે, તમે જે મુલકમાં રહેતા હો તેને જ તમારું વતન માનો, તેને ઈજ્જત આપો, મહોબ્બ્ત કરો એથી જ તો ગુજરાતના આ મુસ્લિમ નાગરિકો પોતાના ગામ કે શહેરને જ પોતાનું વતન માનનારા હોવાને કારણે પોતે વતનની માટીમાં ભળે તેમ ઈચ્છે છે અને ત્યાં જ ફરી સલામત રહેવા માગે છે. 1947માં આ લોકોએ જ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો માટે તેઓ હજુ અહીં પોતાના દેશમાં વસે છે. આ મુસ્લિમ બહેનોમાં જિજીવિષા જબરી જોવા મળી. ગામમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ હોય, હોળી, દિવાળી કે ઈદ હોય, બધા તહેવારોમાં પેંડા, હલવો, શિરખુર્મા સાથે બેસીને ખાનાર એક બીજાની સામે જાન લેવા તૂટી પડયા, મટન, રોટલા અને સમોસા માગીને ખાનાર છોકરાઓ ચપ્પુ-ધારિયાં લઈને ઉતરી પડયા મારવા, એ અનુભવ્યું હોવા છતાં ફરી કોમી એખલાસ સાધીને અમન ચેનથી રહેવા મક્કમ નીર્ધાર કર્યો છે. આ ઘટનાઓ દરમ્યાન માનવતાથી પ્રેરાઈને ‘વિધર્મીઓ’ને મદદ કરવાના દાખલા ય ઘણા બન્યા; જેમ ભારતના ભાગલા સમયે બનેલા તેમ જ. હિન્દુઓએ મુસ્લિમોની મિલકતને બચાવ્યાના દાખલાઓ પણ છે. પાંડરવાડા ગામમાં ફૈજુચાચાના પ્રયત્નથી મુસ્લિમ બાળકો ફરીને હિન્દુ બાળકો સાથે એ જ સ્કૂલમાં ભણવા લાગ્યા તેમાં એ શાળાના આચાર્ય અને ગામના હિન્દુ મા-બાપના સાથનો ય ફાળો. એ રીતે ભારતની ભૂમિમાં હજુ આપણા વડવાઓનું પુણ્ય અનુકંપા અને ક્ષમાના ઝરણ રૂપે વહેતું રહે છે, ત્યાં સુધી આવી માનવતા મરી નહીં પરવારે એવી શ્રદ્ધા છે. જો કે વિસ્થાપિત થયેલાને પાછા બોલાવ્યા, પણ તેમનો વેપાર ધંધો ન ચાલે તેવું બન્યું. જેમ 1947 વખતે નોઆખલીમાં હિન્દુ – મુસ્લિમ વચ્ચે વિશ્વાસ મેળવવો અશક્ય હતું તેમ 2002માં મદદ કરનારા જ તેમના વિરોધીઓ છે તેમ મુસ્લિમો માને તે સ્વાભાવિક છે.

જાહેર સમાચાર માધ્યમો દ્વારા ન મળે તેવી કેટલીક માહિતી આ પુસ્તકના પાને પાને ભરી પડી છે. જે મુસ્લિમોને મોતને ઘાટ ઉતારી દીધેલા તેમના મૃતદેહોને રફે દફે કરીને દફનાવી દીધેલા. ત્રણ વર્ષને અંતે 27 હાડપિંજર મળ્યાંની સાબિતી મળી છે. અને એ કામ કોઈ સ્વૈચ્છિક સંસ્થા કે સરકારી દફતરે નહોતું કર્યું પણ એકલ દોકલ ઇન્સાન કે જે મોબાઇલ રીપેર કરવાનો ધંધો કરે છે તેના અને તેને મળેલ અન્યોના સાથથી થયું. મૃત વ્યક્તિની ઓળખ માટે ડી.એન.એ. પરીક્ષણ માટે હાઇકોર્ટ ચુકાદો આપે ત્યારે થાય. બાકીનાં પરીક્ષણ માટે કે સ્વજનોને સોંપવા માટે ગુજરાત હાઇકોર્ટે તો કેઈસ જ કાઢી નાખ્યો! સવાલ થાય કે હાઇકોર્ટ નિષ્પક્ષ હશે? આ તે ઇન્સાનિયતનું કબ્રસ્તાન જ કે બીજું કંઈ? આટલું આટલું વીત્યા છતાં કેટલાકે હિંમત કરી વતન પાછા આવ્યા તેમને પૂછ્યું, શા માટે આ જોખમ લીધું? તો કહે, “બાપ દાદાનું ઘર હતું એટલે”. ખરું છે, એ ગામ જેમ જમનાબહેનનું તેમ જ જમીલા બાનુનું પણ છે. હક બંનેનો, એકને મુસલમાન કહી કાઢી મૂકી શકાય, બાળી નાખી શકાય અને તે પણ બીજાનો ભાઈ, પતિ કે પિતા જ કરે! વર્ષોથી હિન્દુઓના કાનમાં પૂજા, મેળા, રેલી વગેરે દ્વારા ધીમું ઝેર રેડાતું આવ્યું, પણ જેને તમે રાતોરાત પારકા બનાવી દીધા એ ભારતીયો પોતાનું વતન છોડીને ક્યાં જાય? એ સમયે ગુજરાતમાં લોકતંત્ર હતું? લોકતંત્રને જીવિત રાખવાની ફરજ બહુમતીની કે લઘુમતી કોમની હોય? બહુમતી કોમ જો સંખ્યાના બળે લઘુમતી કોમ પર અન્યાય કરે, હિંસા આચરે તો પણ કોઈ પોલીસ કે વકીલ-બેરિસ્ટર તેનો વાળ પણ વાંકો ન કરે એવી સ્થિતિ હોય એટલે હવે લોકશાહીને જીવિત રાખવા લઘુમતી કોમના સંકલ્પબળ પર મદાર રાખવો રહ્યો. મૃતદેહોના હાડપિંજરને ખોળી કાઢનાર મોબાઈલ રીપેર કરનાર એક મુસ્લિમ યુવક સાહિત્યમાં અનુસ્નાતક ઉપાધિ ધરાવનાર એક હિન્દુ યુવતીના પ્રેમમાં પડીને શાદી કરે, છોકરી પોતાનું નામ બદલે, પતિના કુટુંબમાં ભળી જાય, તેના સંતાનને જન્મ આપી ઉછેરે અને તે પણ આવા કપરા કાળમાં, એ બતાવે છે કે ઇન્સાન માત્ર ઇન્સાન રહ્યો હોત તો શું થાત.

દરેક હિંસક બનાવો બાદ બને છે તેમ ગુજરાતમાં પણ કેટલાંક ગામના હિંદુઓ માફી માંગવા લાગ્યા. ભોગ બનેલાઓએ ફરિયાદ નોંધાવી ત્યારે તેમનાં ઘર બાળનાર, બહેન-બેટીઓ પર બળત્કાર કરનાર અને મારી નાંખનારના ચહેરા ઓળખાય કેમ કે એક જ ગામના એટલે નામ સુધ્ધાં આપેલ પણ તેમાંની બહુ ઓછી વ્યક્તિની ધરપકડ કરી, તેના પર કામ ચલાવીને દોષિત ઠરાવવામાં આવી છે, એ દુનિયાની સહુથી મોટી લોકશાહીની કેવી કરુણતા? જે લોકો વતન પરત થયા તેમાંના કેટલાક પુરુષો પૈસા મળે એટલે સમાધાન કરી પોતાનો ધન્ધો ફરી શરૂ કરવાની લાલચે સાચા ગુનેગારો સામે કેઈસ દાખલ કરવા હિંમત નહોતા કરતા, તેવે સમયે સ્ત્રીઓ એ લાલચ રોકીને ન્યાય મેળવવા મેદાને પડી. કેઈસ માંડે તો હિન્દુ મરદો ધમકી આપે, છતાં પણ ડર્યા વિના એ સ્ત્રીઓએ અધિકારથી ન્યાય માગ્યો. કોમની સ્ત્રીઓ પર બળત્કાર કરવો એ આવા આંતરિક યુદ્ધની એક યુક્તિ ગણાય છે, જેથી દુશ્મન પક્ષની સ્ત્રીઓ પોતાની નહીં પણ અન્યની કોમના બાળકોને જન્મ આપે જેથી પોતાના સમાજમાંથી જાકારો મળે અને બીજા તો તેને ન જ સ્વીકારે. આ અત્યાચારના ઘાવ ઘણા ઊંડા હોય, તે રૂઝાય પણ નહીં તેવું બને. ગુજરાતની પોલીસે હાથ ઊંચા કરીને સાબિત કર્યું કે સરકાર અને ન્યાયતંત્ર ગુનેગારોના પક્ષે છે. પછી સરકારને આ દુષ્કૃત્યો માટે જવાબદાર ગણાવાય તેમાં શું ખોટું છે?

‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકમાં ફાસિસ્ટ શબ્દનો પ્રયોગ વારંવાર થતો જોવા મળે છે કેમ કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થયેલ યહૂદીઓની સામૂહિક કતલ અને 1995માં સ્રેબ્રેનીત્સામાં થયેલ મુસ્લિમોની સામૂહિક હત્યા સાથે સરખાવી શકાય એવી આ ઘટના છે. તે સમયે આચરાયેલી ક્રૂરતાને કોઈ રીતે વ્યાજબી ઠરાવી શકાય તેમ નથી. રાતોરાત એક વેપારી કે ખેડૂત માત્ર ‘મુસલમાન’ કેમ બની ગયો? તે પણ તેને મારી નાખી શકાય તેટલી હદે અજાણ્યો અને અણગમતો બની ગયો? આમાં હિન્દુ ધર્મની ‘મહાનતા’ ક્યાં છતી થઇ? પડોશમાં રહેતા મુસ્લિમ લોકો વિષે આપણે કેટલું જાણીએ છીએ એ કોઈ દિવસ વિચાર્યું નથી. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વસનારા મોટા ભાગના સામાન્ય મુસ્લિમ પ્રજાજનો ઇસ્લામિક પરંપરાને અનુસરનારા નથી હોતા, તેમને એક જ બીબી હોય, બે જ બાળકો હોય, માંસાહાર પણ વાર તહેવારે જ કરતા હોય, દેશપ્રેમથી ભરપૂર હૃદય હોય અને એકતા વિના વિકાસ નહીં, વિકાસ વિના પ્રગતિ નહીં એવું માનતા હોય, એની કેટલા હિંદુત્વવાદીઓને ખબર છે? આપણી બુદ્ધિની કક્ષા તો જુઓ, રંગોને ધર્મમાં બાંધી દીધા, લીલો મુસલમાનનો, ભગવો હિન્દુનો, પશુમાં ગાય હિન્દુની, બકરી મુસલમાનની, મૂછ હિન્દુની, દાઢી મુસલમાનની. મુસલમાનોનાં ઘર બાળ્યાં, માલ લૂંટયા, દીકરી/બહેન પર બળત્કાર કર્યા, તેમને સળગાવી માર્યાં, ગામમાંથી ધક્કા મારીને કાઢી મુક્યા એ સતત વાંચવા મળે ત્યારે મનમાં રામ મંદિર, અયોધ્યા, બાબરી મસ્જિદ, રામ સેવકો, ગોધરા, ટ્રૈનનો ડબ્બો, હિન્દુ મુસાફરો, ડબ્બાને લાગેલી આગ એ બધા શબ્દો એકબીજા સાથે ટકરાવા લાગે અને ગોધરા તથા અનુગોધરાને એ અત્યાચારો સાથે શો સંબંધ છે તે સવાલનો ઉત્તર કેમે ય કરીને મળતો નથી. બીજો પ્રશ્ન એ થાય કે તેમાં જે સેંકડો માણસો ઘવાયા, બેઘર બન્યા, લૂંટાયા, આબરૂ ગુમાવી, જાન ગુમાવ્યા તેનો શો વાંક હતો, તેમને એમાંની એક પણ ઘટના સાથે શો સંબંધ હતો? હા, એક અફવા હતી કે એ ડબ્બો કેટલાક મુસલમાનોએ સળગાવ્યો એટલે શું ગુજરાતના બધા મુસલમાનોને મારી નાખવાનો પવિત્ર પરવાનો શ્રી રામજીએ આપી દીધો, એમ સમજ્યા? જે મુસ્લિમ પરિવારો દેશના ભાગલા વખતે પાકિસ્તાન જવા માંગતા હતા તેમને ગાંધીજીએ હાથ જોડીને ‘આ તમારો જ દેશ છે, તેને છોડીને શીદને જાઓ?’ એમ કહેવાથી રોકાઈ ગયા તેમની આ હાલત? સવાલ થાય, એનું કારણ શું? જે કોમના લોકોએ ગરીબી વેઠી પણ વતન ન છોડ્યું એવા ઈમાનદાર લોકોને બાળીને ભડથું કર્યા, ફરી પૂછું, કારણ? ઘોર હિંસાની જ્વાળા ગુજરાતને ભરખી ગઈ એ વાતને પંદર વર્ષ થયાં, ભોગ બનેલાઓને થોડું ઘણું વળતર ચુકવ્યું, પણ સરકારે શું કર્યું, ન્યાય અપાવ્યો? તેમને માનવ અધિકારો મળ્યા? આવાં હિચકારી કૃત્યો ધર્મને નામે આચરાય, શા માટે? 500 વર્ષથી ગામમાં વસતા મુસ્લીમોથી હવે જગ્યા ‘ગંદી’ થઇ જાય છે! આ તે કેવો હિન્દુ ધર્મ? ગામે  ગામ નિર્દોષ માણસોને ભગાડયા, બાળ્યા કે કાપ્યા તેમાંના કોઈને સજા ન થઇ, ખરેખર મેરા ભારત મહાન કહેવાય. 2002ની દુર્ઘટના બની તે પહેલાં જ કેટલાંક વર્ષોથી સામાન્ય પ્રજાના દિલ-દિમાગમાં ઇતિહાસ અને સંસ્કૃિતને નામે હકીકતને મારી મચડીને જે કોમ સાથે સદીઓથી સંપીને રહેતા આવ્યા છીએ તેની જ વિરુદ્ધ ભય ઊભો કરવાનું શરૂ થયેલું જેને પરિણામે સેંકડો યુવાનો એક પ્રકારની ફૌજના સૈનિકની જેમ તેમના કહેવાતા નેતા પાછળ વગર વિચાર્યે ખુન્નસથી દોરવાઈને હિંસાને માર્ગે પડ્યા, હત્યાકાંડ અને ધિક્કારકાંડ ચલાવ્યો. આજે દુનિયા આખી આઇ.એસ. અને અલકાયદાવાળા મુસ્લિમ યુવાનો-યુવતીઓના બ્રેઈન વોશ કરે છે એમ માને છે, પણ આ હિન્દુ કથાકારો અને મહાત્માઓએ બ્રેઈન વોશ કરીને આખા દેશનું ગંગા-જમની તહજીબનું પાણી ડહોળી નાખ્યું છે, એ કેટલાને માલૂમ હશે? લઘુમતી કોમ માટે નફરતની લાગણી અને તેમના પ્રત્યેના વ્યવહારમાંથી કેવી નવી પરિભાષાઓ જન્મી, ‘અમારાવાળા’ અને ‘તમારાવાળા’! હું એ નિર્દોષ  લોકોના જાન લેનારા હિંદુઓને જરા પણ ‘અમારાવાળા’ કહેવા તૈયાર નથી.

ગુજરાત અને હવે તો સમગ્ર ભારતના મલિન રાજકારણે પ્રજાનાં દિલમાં કેવી કેવી સંકુચિત માન્યાતાઓ રોપી દીધી છે તે જોઈએ. મુસ્લિમ શાસકો દ્વારા આર્થિક, કલા-સાહિત્ય અને સ્થાપત્ય વગેરે ક્ષેત્રોમાં થયેલ સિદ્ધિનાં મીઠાં ફળ ખાવામાં તત્કાલીન કે સાંપ્રત બિન મુસ્લિમ પ્રજાને કશો વાંધો નહોતો જણાયો. હવે જ્યારે અચાનક ભારતને એક ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવાની ઘેલછા જાગી ઊઠી છે ત્યારે ગામ, શહેર અને લત્તાનાં ‘મુસ્લિમ’ નામ ભૂંસીને ‘હિન્દુ’ નામકરણ કરવાથી શું મુસ્લિમો પોતાનો દેશ છોડીને જતા રહેશે? ઇતિહાસ આ રીતે બદલી શકાય? હું પૂછું છું કે અનુગોધરાની ઘટનાઓ બાદ જે લોકો જીવતાં બચ્યાં તેમાંની સ્ત્રીઓ કોઈને કોઈ રીતે પુનર્વસવાટ પામી, પણ કેટલીક કમનસીબ સ્ત્રીઓને ભાગે દેહવ્યાપાર સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેમના દેહનું શોષણ કરનારાઓ બિનમુસ્લિમ પણ હતા, ત્યારે તેમને એ બહેનો ‘તમારાવાળી’ કે ‘મુસલમાન’ હોવાને કારણે અસ્પૃશ્ય કેમ નહીં લાગેલી હોય? આજે સ્થિતિ એવી છે કે ટેક્સીના ભાડા નિમિત્તે કે નળમાંથી પાણી ભરવાને બહાને કોઈ બે પુરુષો કે સ્ત્રીઓ વચ્ચે બોલાચાલી થઇ જાય તો તે કોમી રમખાણનું રૂપ પકડી લે છે, કારણ કે જીવનને એક માત્ર એક જ આયામથી જોવામાં આવે છે – અને તે છે કોમી ભેદભાવ. પંદરમી સદીમાં હિન્દુઓનું શાસન હતું તેથી હવે ફરી રાષ્ટ્રમાં તેનું પુનરાગમન કરવું છે. જરા વિચારીએ કે અન્ય દેશોમાં વસતા ભારતીયો, ના ‘હિંદુઓ’ કે જે ત્યાં લઘુમતીમાં હોય છે તેમની સાથે આવો ક્રૂર વ્યવહાર કરવામાં આવે તો આપણે શું કહીશું, શું કરીશું?

આ સઘળા જુલમોની કથા વાંચીને મન પૂછે છે, આપણા દેશની ધર્મ નિર્પેક્ષતાના સિદ્ધાંતોનું શું થયું? ગુરુવાર 28/02/2002 જાણે ગુજરાતના નસીબમાં કાળી ટીલી લખાવીને આવી હતી, બધું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો બે ચાર મહિના અગાઉથી ગામની સ્ત્રીઓ વચ્ચે મહેણાં ટોણાં, નાની વાતે ઉશ્કેરાટ ભર્યા વિવાદો થવા, મુસ્લિમોની દુકાનો સળગાવવી અને ‘તમારાવાળાને’ કાઢી મુકવાની વાતો શે થાય? આ બધું કોણ કરતું હતું? કોણ કોણ ચૂપ રહ્યું? સત્તાવાળાઓએ કયાં પગલાં લીધાં? પ્રજા મૂક, પોલીસ નિષ્ક્રિય, તો ગામના મુખીથી માંડીને તત્કાલીન મુખ્યમંત્રીને મોઢે પણ શું તાળાં લાગ્યાં? ભોગ બનેલા મુસ્લિમો તેમના પર જુલમ ગુજારનારાઓને ઓળખતા હતા, જેમના ચહેરા જોયેલા હતા, છતાં જો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી એ પછી ખેંચી લે, અહીં કોઈ તકલીફ થયેલી નહોતી, બધું શાંત હતું, છે અને રહેશે તેમ જાહેર કરે તો પાછા આવવા દેવાની શરતો મુકાઈ, ચોર કોટવાલને દંડે તે આનું નામ. પોતાની જ જનમ ભોમકાને છોડીને આજીવિકા ક્યાં ય રળી ન શકાય એટલે લાચારીથી આ શરતો કબૂલ રાખી પાછા આવેલ મુસ્લિમોના ગ્રાહકો માત્ર પોતાની કોમના જ રહ્યા, એ શું બતાવે છે? રહેઠાણો અલગ, પરસ્પર સંપર્ક નહિવત, અને આમ બીજા સંઘર્ષનાં બીજ રોપાઈ ગયાં. વિચાર આવે કે 1990થી હિન્દુ-મુસ્લિમ વચ્ચેના તનાવની પદ્ધતિસરની ખેતી થવા માંડી તે કઇં શાસક પક્ષ એક જમણેરી વિચારધારા ધરાવતા સંગઠનની રાજકીય પાંખ હોવાનું પરિણામ તો નહોતું? 2002ના કોમી હુલ્લડો પહેલાં ખેડબ્રહ્મા અને એના જેવા બીજા અનેક ગામ-શહેરોમાં મુસલમાનોનો અલગ મહોલ્લો નહોતો, બધા જ સ્વમાનભેર, સંપીને રહેતા, દરેક મુસલમાનના ઘરો વિવિધ જ્ઞાતિઓ વાળા હિન્દુઓની સાથે જ હતા અને પડોશીઓ સાથે મીઠાશ ભર્યા સંબંધો હતા એમ કહીએ તો કોઈ માની ન શકે તેટલી કોમી કડવાશ ત્યાં પ્રસરી ગઈ, તેનું કારણ શું? 1969માં અમદાવાદનાં કોમી રમખાણો સમયે આ સ્થળે કેટલીક દુકાનો બાળવામાં આવેલી, પણ મહોલ્લામાં દીવાલો નહોતી ચણાઈ, જ્યારે 1989 સુધીમાં હવાનો રૂખ બદલાઈ ચુક્યો તે શું સૂચવે છે? ભારત આખાનું અને ખાસ કરીને ગુજરાતના સમાજનું પોત નબળું પડવા લાગ્યું તેથી જ તો રામનામની ઇંટોવાળી યાત્રા આ ગામમાંથી પસાર થઇ અને જાણે રાવણની દુષ્ટ વૃત્તિને જગાડતી ગઈ. 2002ની દુર્ઘટના એ વીસ વર્ષ દરમ્યાન આવેલ બદલાવનો પરિપાક હતી જેને સરકારે ઇંધણ અને હવા બંને પૂરા પાડેલા. જ્યારે નફરત અને ધિક્કારને સરકારની મહોર લાગે ત્યારે તેનું આચરણ કરવું પ્રજા માટે અધિકૃત અને કાયદેસરનું બની જાય, પછી ભલે ને તે અમાનવીય અને અત્યાચારી કેમ ન હોય.

ગોધરા હત્યાકાંડ વખતે આચરાયેલ કેટલાક અત્યાચારો કદાચ અન્ય સમાચાર માધ્યમોથી પ્રકાશમાં તે સમયે ન આવ્યા હોય તેવું ય બને. સરૂપબહેને લીધેલ મુલાકાતોમાંથી જાણવા મળે છે કે મુસ્લિમોને પોતાના રહેણાકનાં ગામથી ભગાડી મુકવામાં આવેલ, રાહત કેમ્પના આશ્રયે રહેતા હોય તેમને તેજાબથી બાળી મૂકેલ, વીજળીના કરંટથી મારી નાખેલ, એક ઓરડામાં ત્રીસેક જેટલાને ખીચડી ખાવાને બહાને પૂરીને બધાને એક સાથે સળગાવી દેવાયા. એ તમામ ઘટનાઓને હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કરાયેલ ઘૃણિત હત્યાઓ સાથે જરૂર સરખાવી શકાય, બંને વચ્ચે તફાવત માત્ર સંખ્યાનો રહે. અંધ, અપંગ અને વૃદ્ધોને ‘તમે ડબ્બો સળગાવવા ગયા હતા’ એમ કહીને કાયદેસર કામ ચલાવ્યા વિના જેલમાં પૂર્યા તે માત્ર તેઓ મુસ્લિમ કોમમાં જન્મ્યા તેને કારણે. ટોપી અને પાયજામા પહેરનાર અને દાઢી રાખનાર એટલે તમે મુસ્લિમ અને તેથી મરવાને લાયક, આ તે કેવી મનોવૃત્તિ? 1947ના ભાગલા સમયે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓએ જે કોઈ એકાદ-બે ફિલ્મ ઉતારી તેને પરિણામે જગતે એ અજોડ સ્થળાંતર અને તેની કારમી પીડાનું દર્શન કર્યું, પણ આ ગોધરાકાંડ વખતે પણ લોકો ખુલ્લા, કાંટાથી ઉઝરડા પામેલા લોહી નિંગાળતા પગે ચાલેલા, બે-ત્રણ દિવસથી પાણીનું ટીપું સુધ્ધાં ન મળ્યું હોય અને ઘાસ ખાઈને જીવતા રહ્યા હોય તેવા ‘એ લોકો’ ઘેટાં-બકરાંની માફક ટ્રકો ભરીને સલામત જગ્યાએ ઠલવાતા રહ્યા તે કેમ કોઈએ કચકડે ન મઢ્યું?

હેવાનિયત શમી પછી સ્વૈચ્છિક સંગઠનોએ વિસ્થાપિત થયેલ લોકોને આશરો અને વતન પરત થયેલ લોકોને આજીવિકાના સાધનો અપાવ્યાં. જે કોમને આ સંહારલીલાનો ભોગ બનવું પડ્યું તેમની જ કોમના લોકોએ ભુખ્યાને અન્ન પૂરું પાડયું, તંબુ તાણીને આશરો આપ્યો, રસ્તામાં જન્મેલા બાળકોને અને તેની માતાઓને સારવાર આપીને ઇન્સાનિયતને બચાવી લીધી, હવે તો એ બહેનો દુનિયા આખીની પીડિત બહેનોને સહાય આપવા સક્ષમ બની ગઈ છે. કેટલાક હિન્દુ લોકોએ મુસ્લિમ લોકોના ઘર પોતાના ઘરની બાજુમાં જ હોવાને કારણે સ્વાર્થે બચાવ્યા, પોતાના વેપાર ધંધાને ભાંગી પડતા રોકવા બચાવ્યા એ ખરું, પણ કેટલાકે તો ખરા અર્થમાં ભાઈચારાના ભાંગીને ભુકા થતા અટકાવવા માનવતાથી પ્રેરાઈને હિંમત દાખવી મુસ્લિમોને તેમના હક દાવે ગામમાં પાછા લાવ્યાના દાખલા પણ છે જેની તમામ લોકોએ નોંધ લેવી રહી. “આમ તો માણસ ખરાબ નથી હોતો, તેને ખરાબ બનાવવામાં આવે છે, અમૃત પીવડાવવાવાળા ઓછા જ મળશે, ઝેરની પરબો ઠેકઠેકાણે મળશે” એવાં અવતરણો ઠેરઠેર સિદ્ધ થતાં માલુમ પડ્યાં. અનેક નેક દિલ હિન્દુઓએ પોતાના ધર્મબંધુઓના કર્તવ્યોનો ભોગ બનેલાઓને માનવતાના ધોરણે દિલ દઈને સહાય કરીને પ્રાયશ્ચિત પણ કર્યું છે તે નોંધવું રહ્યું. કોમી હિંસા અને કોમી ભેદભાવ અટકાવવા અને તેનો વિરોધ કરવા અગણિત સદભાવના રેલીઓ, બાળકો માટે ગીત-નૃત્ય-ચિત્ર-નિબંધ સ્પર્ધાઓ વગેરે યોજવાનું રચનાત્મક કાર્ય સ્વૈચ્છિક સંગઠનોએ જ ઉપાડી લીધું, પણ આ બધું ‘કોમી’ ધોરણે થયું. સમાજને ફરી સુગઠિત કરવા જરૂરી એવાં રચનાત્મક કાર્ય સ્વૈચ્છિક સંગઠનોએ જ ઉપાડી લીધેલાં, એ બધું કઇં થોડું સરકારની તિજોરીમાંથી આવ્યું હોય? એક સવાલનો જવાબ હજુ દોઢ દાયકે પણ નથી મળ્યો, આવા કપરા સમયે ગુજરાતની અને ભારતની સરકાર ક્યાં હતી? સરકારે શાંતિ સ્થાપવા, વેપાર ધંધા અને માનવ મૂડીની નુકસાની ભોગવનારાઓને વળતર આપવા અને બચેલા હતભાગીઓને ન્યાય અપાવવા શું કર્યું? કશું જ નહીં? સમાજ ફરીને બેઠો થાય એવી આશાના અણસાર અનેક નાના મોટાં સંગઠનોના અથાક પ્રયાસોમાં જોવા મળે છે. અને એ સંગઠનોનાં નામ પણ કેવાં? ‘ઉમ્મીદ’, ‘અમન’, ‘ઇન્સાફ’, ‘હિંમત’, ‘આરઝૂ’; જાણે એ નામો સમાજને પૂછે છે, બોલો આ બધામાં કોને વિશ્વાસ છે? હિન્દુ અને મુસ્લિમના વાઘા ઉતારીને બધા ઇન્સાન બનીએ તો બધાને ઇન્સાફ મળશે અને અમન છવાશે એવી એમની આરઝૂ ફળે તેવી દુઆ-પ્રાર્થના।

આપણા ભારતદેશમાં, આપણા ગુજરાતમાં આ ગોઝારી ઘટના બની તેને ખાસ્સો સમય વીત્યા છતાં તેનું દર્દ હજુ દિલને છોડતું નથી, તેવામાં મને 1992-’95 દરમ્યાન બોસ્નિયામાં થયેલ સામૂહિક હત્યાકાંડ વિષે જાણકારી મેળવવા 2016માં સારેયેવો અને સ્રેબ્રેનીત્સા જવાનો મોકો મળ્યો. એ ઘટનાની કેટલીક હકીકતો ‘ગોધરા હત્યાકાંડ’ને કેટલી મળતી આવે છે એ વિચાર મનમાંથી ખસતો નથી. તો આ રહી એ ‘જેનોસાઇડ’ની દાસ્તાન.

140,000 માનવીઓએ યુગોસ્લાવિયાના ભંગાણ બાદ જાન ગુમાવ્યા, 100,000થી વધુ લોકો 1992-95 દરમ્યાન બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનાની લડાઈ દરમ્યાન મરાયા. 30,000 જેટલા લોકો બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનાની લડાઈ 1995માં પૂરી થઈ ત્યારે લાપતા હતા અને સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડમાં 12 વર્ષથી ઉપરનાં બાળકો અને પુરુષોનાં મૃત્યુનો આંક 8372 પર પહોંચ્યો. એ ઘટનાને અને ગોધરાના હત્યાકાંડને શો સંબંધ છે એમ કોઈ પૂછી શકે. કેટલાક વાચકો જાણતા હશે કે યુગોસ્લાવિયામાં ઓટોમન શાસન આવ્યું તે પહેલાં લોકો ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન અને કેથલિક ધર્મ પાળતા હતા. બંને પાંખના ચર્ચની સત્તા માટેની સાઠમારીમાં દળાતા-કચડાતા સામાન્ય લોકોને એ બંનેમાંથી કયા ફાંટાને અનુસરવું તેની મૂંઝવણ થતી હતી, તેવે સમયે ઇસ્લામનો ધ્વજ લઈને ઓટોમન રાજ્ય આવ્યું એટલે એ ગુમનામ પ્રજાએ સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કર્યો અને ત્યારથી માંડીને વીસમી સદીના છેલ્લા દાયકા સુધી કેથલિક્સ, ઓર્થોડોક ક્રિશ્ચિયન્સ અને મુસ્લિમો શાંતિથી સુમેળથી રહેતા આવ્યા, તે તમામ લોકો એક જ જાતિના, એક જ ભૂમિના, એક જ ભાષા બોલનારા અને એક જ સંસ્કૃિતને ચાહનારા લોકો હતા, એટલું જ નહીં, લગભગ 49% લગ્નો આંતરધર્મીય થવા લાગ્યાં.

અગાઉ કહ્યું છે તેમ આવી મોટી ઘટનાઓ કઇં રાતોરાત બનતી નથી હોતી, તો આ હત્યાકાંડ પાછળ શું કારણભૂત હતું? યુગોસ્લાવિયાના વિભાજન બાદ સર્બિયાને ગ્રેટર સર્બિયા બનાવવું હતું, તે છોને તેની સરહદો વધારવા બીજા દેશને હરાવે, પણ આ તો સર્બિયા એટલે મુસ્લિમ વિહોણું રાજ્ય ખપતું હતું. તે પણ કરે તો હરકત નહોતી, એ જ દેશમાં સદીઓથી વસતા આવેલા, એ જ દેશના અંતર્ગત ભાગ રૂપ એ પ્રજાને ‘તમે મુસ્લિમ છો માટે અમને હવે ખપતા નથી, માટે આપેલી મુદ્દત પહેલાં ભલે ને આ તમારો દેશ હોય પણ એ છોડીને બીજે કશે જતા રહો’ એમ કહ્યું હોત તો કમસે કમ તેમના જાન બચી જવા પામ્યા હોત. ઇઝરાયેલમાંથી જુઇશ પ્રજાની હકાલપટ્ટી થયેલી, ભાગલા સમયે ભારત અને નવા બનાવેલ પાકિસ્તાનમાંથી લાખો લોકોને હિજરત કરવી પડેલી. પણ એ બોસ્નિયામાં વસતા સર્બિયન લોકોને તો મુસ્લિમ રક્ત અને તે પણ 12 વર્ષથી ઉપરના તમામ પુરુષ વર્ગના લોહીથી ઓછું કઇં મંજુર નહોતું. અહીં પણ સદીઓથી ત્રણે ય મુખ્ય ધર્મ પાળતા બોસ્નિયન લોકો અંદરોઅંદર લગ્ન કરતા આવ્યા, તેમનાં બાળકોને આ બધા અલગ અલગ ધર્મો છે, એકબીજાની વિરુદ્ધ જઇ શકાય તે ખબર જ નહોતી, તો આ ઝેર કેમ અને ક્યાંથી પ્રસર્યું એ સવાલ થયા વિના ન રહે.

ગ્રેટર સર્બિયા રચવા મુસ્લિમોને નામશેષ કરવા એ જાતની હવા ફેલાવી કે ‘મુસ્લિમોને મારો નહીં તો તેઓ આપણને મારશે.’ ભલા શા સારુ એ લોકો મારશે તમને? એ લોકો પાસે તો સેના પણ નથી, નથી શસ્ત્રો, તમારી સાથે દુષ્મનાવટ નથી, તમે એમને મારવા નીકળ્યા છો, એ લોકો તમને નહીં. બોસ્નિયામાં રહેતી મુસ્લિમ પ્રજાને ‘આપણે તો સદીઓથી શાંતિથી સાથે રહેતા આવ્યા છીએ, એકબીજા સાથે લગ્ન કર્યાં, પોતાનો ધર્મ, તહેવારો બીજાથી જુદા છે એનું ભાન પણ નથી એટલે અહીં તો એવું કશું અજુગતું ન જ થાય’ તેવી ખાતરી. પરંતુ રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા ફીરકાઓએ જે ઝેર રેડ્યું તેને પરિણામે શું બન્યું? અત્યાચાર કરનાર પોતાનો પાડોશી, શિક્ષક કે સાથે કામ કરનારો હતો એવું બન્યું. જેમની ભાષા, ખાણું, રસના વિષયો, અરે સંસ્કૃિત એક હતી, પણ માત્ર નામ જુદાં તેથી મર્યા. ગ્રેટર સર્બિયા અને તે પણ મુસ્લિમ વિહોણી ધરતી બનાવવાના ઓરતાએ લાખોના જાન લીધા. પારકી ધરતીના દુશ્મનો પ્રાણ લે તે જાણ્યું છે, પણ પાડોશી, શિક્ષક, મિત્ર, અરે પોતાના જ ઘરની વ્યક્તિ રાતોરાત દુશમન બને તે કેમ સમજાય? કારણ એક જ; પંદરમી સદીમાં ઓટોમન એમ્પાયરે આવીને એ દેશમાં કબજો જમાવ્યો તેનું વેર અત્યારે વાળવાનું ઝનૂન ચડ્યું, જેમ ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવાની વાતોનો પ્રચાર થાય છે તેમ. સર્બિયન લોકોએ ચોપાનિયા વેંચીને અને લોકોમાં શાબ્દિક પ્રચાર દ્વારા બોસ્નિયન મુસ્લિમો માટે ભય ઊભો કર્યો, us and them એવા બે વિભાજન કર્યા એક જ પ્રજાના જે સદીઓથી એકબીજાની ઓથે જીવતી આવી હતી તેમને જીવથી મારીને એક નવું સામ્રાજ્ય ઊભું કરવાની વાત, એ બ્રેઈન વોશ નહીં તો બીજું શું?

બોસ્નિયામાં નિ:શસ્ત્ર એવી મુસ્લિમ પ્રજાને જુદા જુદા ગામોમાંથી એકત્ર કરીને એક ઠેકાણે રાખ્યા અને ખોરાક-પાણીનો પુરવઠો બંધ કરી, કતલ શરૂ કરી ત્યારે એ લોકોને વિમાસણ થઇ કે પોલીસ અને સરકાર ક્યાં છે? આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ અને સરકારોએ શું કર્યું? હિટલરે યહૂદીઓનો સામૂહિક સંહાર કર્યો તેના પરથી દુનિયા કેમ વહેલી ચેતી ન ગઈ? ઉલટાનું સ્રેબ્રેનીત્સા અને તેની આસપાસના ગામોમાં મુસ્લિમોને એકત્ર કરીને કામચલાઉ વસાહત આપીને યુ.એન. દ્વારા તેને ‘સેઇફ હેવન’ તરીકે જાહેર કરી, થોડા ઘણા સૈનિકો તેમની રક્ષા કાજે મુક્યા જેઓ સર્બિયાના મસ મોટા સૈન્ય સામે કોઈ રક્ષણ પૂરું ન પડી શક્યા. પરિણામે સ્રેબ્રેનીત્સાથી તુલુઝ સુધીની ડેથ માર્ચમાં કુલ 8372 બાળકો, યુવાનો અને વૃદ્ધોની પદ્ધતિસર કતલ કરવામાં આવી, પદ્ધતિસર બળત્કારના કેમ્પમાં અસંખ્ય સ્ત્રીઓ પર જાતીય અત્યાચાર કર્યા અને કેટકેટલી મહિલાઓને બાળકોને જન્મ આપવાની ફરજ પડી છતાં તે દેશની સરકાર કે આંતરરાષ્ટ્રીય સંગઠનો કશું ન કરી શક્યા.

મુનિરા સુબીસિચ નામની મહિલાએ પોતાના પરિવારના 22 સભ્યોને ગુમાવ્યા. કલ્પના કરો કે હજારો સ્ત્રીઓએ પુત્ર, ભાઈ, પતિ અને પિતા ગુમાવ્યા હોય તેમનું જીવન કોના આધારે ટક્યું હશે? આ અમાનવીય અત્યાચારમાંથી બેઠા થવાના પ્રયાસ રૂપે Mothers of Srebrenica નામના સંગઠનનો જન્મ થયો. તેઓએ જ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સાથથી પોતાના કુટુંબની સ્ત્રીઓને હિંમત આપી, સારવાર કરાવી, રોજગારી મેળવવા તાલીમ અપાવી, એટલું જ નહીં પણ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની કચેરીમાં જઈને વીસ વર્ષ બાદ પણ ન્યાય મેળવ્યો અને છેવટ આ હત્યાકાંડ માટે જવાબદાર લશ્કરના અધિકારીઓ અને સરકારી અમલદારોને જેલ ભેગા કર્યા. ગુજરાતના ભોગ બનેલ મુસ્લિમ લોકોના નસીબમાં ક્યારે ન્યાય મેળવવાનું લખ્યું હશે તે રામ જાણે – કે રહીમને ખબર? સ્રેબ્રેનીત્સાના હત્યાકાંડમાં મરાયેલા 8372 બાળકો-પુરુષોમાંથી અત્યાર સુધીમાં 6442 અવશેષોની ડી.એન.એ. પરીક્ષણ કરીને ઓળખ કરી, તેના સ્વજનોને સોંપીને દફન વિધિ કરવામાં આવી છે. ઘણા લોકો પોતાના ગામ-ઘરમાં પાછા ગયા પરંતુ જાતીય હુમલાઓ કરનારા અને ખૂનીઓ  છુટ્ટા ફરે છે, તેથી સલામતી ન અનુભવે. 21 વર્ષે પણ હજુ કેટલીક સ્ત્રીઓ શારીરિક અને માનસિક ઘાવોમાંથી સાજી નથી થઇ. તે સમયની સરકારે ગુનેગારો પકડ્યા નથી અને આ સામૂહિક હત્યાકાંડ બન્યો છે તે જ સ્વીકારતા નથી, તો સમાધાન ન થાય અને તે વિના શાંતિ ન સ્થપાય. કોઈ સર્બીયને આજ સુધી માફી નથી માગી એટલું જ નહીં, આવું તો લડાઈમાં બન્યા કરે, આ કંઈ સામૂહિક માનવ હત્યા નથી થઇ એમ કહીને આજ સુધી તે ગુનો સ્વીકાર્યો જ નથી.

આટલી બધી ક્રૂરતાનો ભોગ બન્યા હોવા છતાં બચી જવા પામેલી સ્ત્રીઓ ઘરના પુરુષો વિના જીવન કેમ વિતાવવું એ જાણે છે, અને અત્યાચાર કરનાર પર બદલો લેવા પોતાની બહેન-દીકરીઓને ઉચ્ચતમ શિક્ષણ આપી, અવૈર અને અહિંસાના પાઠ ભણાવે છે, જેથી આવી હિંસા ફરીને ન સળગી ઊઠે. જેના પરિવારના તમામ પુરુષ વર્ગની બંદૂકની ગોળીએ મારી, નદીમાં ફેંકી દેવામાં આવ્યા હોય કે પછી સેંકડોની સંખ્યામાં એક સાથે દફન કરી, ફરી ત્યાંથી ખોદી કાઢીને અન્ય જગ્યાએ સમૂહમાં દફનાવી દેવાયા હોય કે જ્યાંથી તેમના શરીરના અસ્થીઓના ટુકડા માત્ર મળ્યા હોય તેવી માતા, બહેનો, પત્ની અને પુત્રીઓ ધિક્કારની જ્વાળામાં ભસ્મીભૂત થાય એ સમજી શકાય. તેમના ખાલીપા અને દર્દની કલ્પના પણ કરવી અસંભવ, છતાં એ જ બહેનોએ પોતાની કોમના બાકી જીવિત રહેલાં મરદો અને સ્ત્રીઓને ‘એ ગુના કરનારને સજા અપાવો, પણ તેમની આખી કોમ કે તેમના ધર્મ પ્રત્યે નફરત અને તિરસ્કાર કરી એ લોકોના ખૂન ન વહાવો કેમ કે આગથી આગ નહીં બુઝે’ એવી શીખ આપનારી નારીઓ જ સાચી જગદંબા છે, તેમ તેમને મળીને લાગ્યું. મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાનાં સભ્યો કહે છે, “અમારે વેરનો બદલો વેરથી નથી લેવો, અમને ન્યાય ખપે. ગુનેગારોને પકડી, સજા થાય એ જોઈએ. આ ઘટનાની જાણ દુનિયામાં બધાને થાય જેથી ફરી આવું બીજે ક્યાં ય ન બને એટલું જ જોઈએ. કોઈ પણ ધર્મને નામે હિંસા થાય તે અમને માન્ય નથી.” આથી જ તેના પ્રેસિડન્ટ મુનિરા સુબીસિચ કહે છે, “કોઈ દિવસ રાજકારણીઓ અને કહેવાતા ધાર્મિક આગેવાનોના બહેકાવામાં ન આવી જાઓ.”

સમય જતાં શાંતિ કરાર થતાં જીવન રાબેતા મુજબનું થયું. બોસ્નિયાના મુસ્લિમોનું સરકારમાં પ્રતિનિધિત્વ ખરું પણ સર્બીયનને વિટો વાપરવાની સત્તા આપી તો બોસ્નિયાના મુસ્લિમોની સલામતીની શું ખાતરી? હવે એક જ નિશાળમાં બધાં બાળકો ભણવા લાગ્યાં. પણ, નિશાળના ચોગાનમાં એક રેખા દોરવામાં આવી; મુસ્લિમ અને કેથલિક બાળકોને રમવાના મેદાનની હદ નક્કી થઇ. મુસ્લિમ બાળકો સવારે ભણે, કેથલિક બાળકો બપોરે ભણવા આવે, દરેકને પોતાના ધર્મ પાળતા  શિક્ષક જ ભણાવે, કેવી સુંદર વ્યવસ્થા? જેમ ગુજરાતમાં વતન પરત થયેલ મુસ્લિમ ભાઈ-બહેનોના ગ્રાહકો તેમની કોમમાંથી જ આવવા લાગ્યા તેમ. જોવાનું એ છે કે એ બધા શિક્ષકો એ જ ગામની શાળામાં એક પાટલીએ બેસીને એક બીજાના ધર્મના શિક્ષક પાસે ભણેલા, પણ હવે કહે છે, “એનાથી શું ફેર પડ્યો, વેર ઝેર તો પ્રસર્યાં, તો હવે જુદા જ કાં ન રહીએ? અમે સાથે રહ્યા, જમ્યા, ભણ્યા, અરે, એકબીજા સાથે લગ્ન પણ કર્યાં, પણ શું પરિણામ આવ્યું?”

મારી બોસ્નિયાની મુલાકાત દરમ્યાન હત્યાકાંડનો ભોગ બનેલ પુરુષોના ઘરની બચી જવા પામેલ અને પોતે જાતીય હુમલાઓના ભોગ બનેલ એવી મહિલાઓ, તેમને સારવાર આપતા ડોકટરો, માનસચિકિત્સકો, સામાજિક કાર્યકરો, તેમને વ્યવસાયિક તાલીમ આપીને પગભર કરતી સ્ત્રી સંસ્થાઓ, બ્રિટનના એલચી અને અન્ય કર્મશીલોની વાતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા મ્યુિઝયમ અને આર્ટ ગેલેરીની મુલાકાતો મારફત એકઠી કરેલી માહિતી ઉપરથી એ તમામ ઘટનાઓ ક્યારે અને કેવી રીતે બની તેની જાણકારી મળી, પણ એ શા માટે બની એ સવાલનો કોઈ જવાબ નથી. એક મહિલા અને સહૃદયી માનવી હોવાને નાતે એ નિર્દોષ પ્રજા માટે કશું ન કરી શકવા બદલ શરમથી માથું ઝૂકી ગયું.

હું જાણું છું કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ છ મિલિયન યહૂદીઓની સામૂહિક કતલ, રૂવાંડા, ડારફોર અને બોસ્નિયાના જેનસાઇડમાં માર્યા ગયેલાઓની સંખ્યા ગુજરાતના ગોધરા હત્યાકાંડમાં માર્યા ગયેલ લોકો કરતાં અનેક ગણી મોટી છે. પરંતુ કોઈ એક માનવ સમૂહને પોતાના જ દેશના વતની હોવા છતાં તેના અલગ ધર્મના હોવાને કારણે પોતાની જાતિ કે ધર્મ શુદ્ધ છે તેવા વિચારથી પ્રેરાઈને પૂર્વયોજિત સામૂહિક હત્યા કરવાનું વલણ સરખું જ સાબિત થયું છે. ઉપર ઉલ્લેખ કર્યો એ તમામ દુર્ઘટનાઓ પાછળ જે તે દેશની સરકારોની ચુપકીદી, સીધો કે આડકતરો સાથ, આ ઘટના બની છે તેનો અસ્વીકાર, ગુનેગારોને પકડી સજા કરવા વિષે સેવેલ નિષ્ક્રિયતા અને ભોગ બનેલાઓને ન્યાય ન આપી શકવા જેવી બાબતોમાં ઘણું સામ્ય જોવા મળશે. જો ગુજરાત અને હવે તો સમગ્ર ભારત છેલ્લાં કેટલાંક વર્ષોથી વકરતા કોમવાદી વલણને હવા નાખતું રહેશે અને દેશની હદમાં રહેતા તમામ નાગરિકોને ધર્મ, જ્ઞાતિ, કે જાતિ આધારિત અલગતાવાદી બનાવશે તો આપણે પણ હત્યાકાંડની રીત બદલશું અને ઉપર લખ્યા તે હત્યાઓની સંખ્યાને આંબી જતાં સમય નહીં લાગે. જ્યાં એકહથ્થુ સત્તા અને એક પક્ષીય રાજકારણ પ્રચલિત થાય ત્યાં તમામ પ્રજાજનોની સલામતી જોખમાય, ન્યાય દૂર ભાગે અને સદીઓ સુધી પાછી ન મેળવી શકાય તેવી એકસૂત્રતા હાથમાંથી જતી રહેવા સંભવ છે.

ભારત ભૂમિ એક દા દુનિયા આખીને ઉચ્ચ આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનો માર્ગ બતાવનારી હતી. તેના પાલવ નીચે હર પ્રકારની પ્રજા ઢંકાઇને રહેતી આવી છે, તેણે જ વિશ્વ શાંતિનો મંત્ર આપ્યો છે. આશા છે તેની આ અસ્મિતા ફરી ઉજાગર થશે અને કોમી વેરઝેરના ફળ રૂપી હિંસક તાંડવ એ ભૂતકાળની ઘટના બની જશે.

e.mail : 71abuch@gmail.com

Loading

20 July 2017 admin
← કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …
ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved