‘નહીં !’ બોલતી સીમા એકદમ જાગી પડી. સૂતાં સૂતાં જ હાથ લંબાવી તેણે સ્વિચ ઓન કરી. રૂમમાં, જરા ઝબકીને અજવાળું થયું. બાજુમાં સૂતેલા ધીર તરફ જોયું તો લાગ્યું કે તેનું ‘નહીં!’ ધીરને સંભળાયું નથી. બને કે તે ધીર સુધી પહોંચ્યું જ નહીં હોય ! તેણે આજુબાજુ જોયું. બધું શાંત હતું. વોલ ક્લોકે છમાં પાંચનો સમય દેખાડ્યો. ઉનાળો હોત તો અજવાળું થઈ ગયું હોત, પણ પોષમાં અજવાળું થોડું મોડું જ થતું હતું. તેણે પડખું ફરીને સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ફરી ‘નહીં !’ બોલવાનું આવ્યું તો … તેણે બળપૂર્વક આંખ લાગી ન જાય તેની ફરી કોશિશ કરી, પણ આંખો ઘેરાવા લાગી હતી. તેણે ઊંઘવું ન હતું. ઊંઘ આવે ને ફરી પેલું … સીમા બેડ પર જ બેઠી થઈ ગઈ. સપના પર કોઈનો કાબૂ ન હોય તે, તે બરાબર જાણતી હતી, પણ આ તો તેણે રોકવું જ હતું. આવું કોઈને થતું હશે કે તેને એકલીને જ થતું હતું, તે ય સમજાતું ન હતું. થોડી વાર એમ જ લમણે હાથ દઈને બેસી રહી. ક્યાં સુધી બેસી રહીશ?-જેવું તેણે પોતાને જ પૂછ્યું. જવાબ ન જડ્યો, તો એમ જ ટાચકા ફોડ્યા. તેનો અવાજ થયો તો ધીર આળસ મરડતો પડખું ફરી ગયો. સીમાને ગુસ્સો પણ આવ્યો કે ધીરને હલબલાવી નાખે ને કહે કે પોતાની ઊંઘ હરામ થઈ ગઈ છે ને એ ઘોરે છે? આ એવો સમય હતો કે રાત જતી ન હતી ને સવાર આવતી ન હતી. ક્યાંક ટશર ફૂટી હોય એ જોવા તેણે બેઠાં બેઠાં જ બારી તરફ જોયું. ખસી ગયેલા પડદાને ખૂણે અંધારું જ હતું. પછાડતી હોય તેમ તેણે માથું ઓશીકા પર નાખ્યું ને આંખો મીંચી ગઈ. મીંચાઈ તે સાથે જ તેણે આંખો બળપૂર્વક ખોલી નાખી, કેમ જાણે ફરી બંધ જ કરવાની ન હોય ! તેને થયું પણ ખરું કે આંખો મીંચીને પડી રહે, પણ પડી રહેવાથી આંખો લાગી ગઈને પેલું ફરી દેખાયું તો … ‘ના – ‘જેવું બોલી જવાયું. આ ‘ના’ તો તેને ય સંભળાયું ન હતું, પણ ધીરને સંભળાયું હોય તેમ તે પડખું ફર્યો. તેણે સીમાને જોઈ. ઘેનમાં જ બોલ્યો, ‘કેમ, જાગી ગઈ?’ ‘ક્યારની જાગું છું.’ ‘તો … મને ઉઠાડવો જોઈએને !’‘શું કરું ઉઠાડીને?’‘એટલીસ્ટ તારી સાથે જાગું તો ખરોને !’‘રહેવા દે, મારું તો મારે જ જાગવાનું ને !’‘તારું આ જ દુ:ખ છે. મારું-તારું અટકતું જ નથી.’ ‘કેવી રીતે અટકે? મારા શ્વાસ તું લઈ શકે એમ છે?’‘આપતી હોય તો મારી ક્યાં ના છે?’‘એટલે તું ઈચ્છતો જ નથી કે મારા શ્વાસ પણ હું લઉં !’ ધબ્બો મારતા સીમા હસી પડી. ‘તારા શ્વાસ પણ તું મારી પાસે લેવડાવવા માંગે છે એટલે કહ્યું,’ ધીર બહુ વાગ્યું હોય તેમ ખભો ચોળતા બોલ્યો, ‘મને એમ કે શ્વાસ લેવાનું કામ તો એટલીસ્ટ તું કરશે.’‘શટ અપ ! જાણે પણ છે કે હું શું જોઉં …?’ એકદમ તે અટકી. કૈં કહેવાઈ ન જાય એ રીતે તેણે હોઠ ભીડ્યા. ધીરને લાગ્યું તો ખરું કે તે કૈંક છુપાવી રહી છે. તેણે સીમાને નજીક ખેંચતા પૂછ્યું, ‘કૈં થયું છે?’‘ના’ પણ એટલું બોલતાંમાં તો ઝળઝળિયાં તરી નીકળ્યાં. ધીર આછું હસ્યો અને સીમાનાં ઝળઝળિયાં લૂંછતાં બોલ્યો, ‘સંતાડવું પડે એવું કૈં થયું છે?’ સીમા રડી પડી. ધીરે તેને ખભે હાથ મૂકતાં કહ્યું, ‘રહેવા દે. ન કહે.’ ‘તને ન કહું તો કોને કહીશ?’‘તો, કહે.’‘મારી વાત માનીશને?’ સીમાએ ધીરના દાઢીવાળા ચહેરે હાથ ફેરવતાં પૂછ્યું. ‘કહીશ, તો માનીશને !’‘વાત એમ છે કે મને સપનાં આવે છે.’‘સપનાં જ છેને ! આવે -’ ધીર બોલ્યો તો ખરો, પણ તેને લાગ્યું કે સીમા કૈંક વધારે કહેવા ઈચ્છે છે ને એ વચ્ચે બોલીને અટકાવી રહ્યો છે. તે બેઠો થઈ ગયો ને સીમા કૈં કહે તેની રાહ જોવા લાગ્યો. સીમા કશુંક વિચારતી હતી ને કહેવા શબ્દો ગોઠવતી હતી, પણ શબ્દો બનતા ન હતા. ધીરને સમજાયું નહીં કે તે શું કરે? તેણે ફરીથી સીમાની સામે હાથ હલાવતાં ‘શું વાત છે?’ જેવો ઈશારો કર્યો. સીમા મૂંઝાતી રહી. ‘મને બહુ વિચિત્ર સપનાં આવે છે ! ’‘વિચિત્ર એટલે કેવાં? ભયંકર? ડારનારાં?’’ ના. એક આંખમાં એક-‘ ‘એક આંખમાં એક…?’ ‘સપનું ને બીજીમાં બીજું …’ ‘મતલબ?’ ‘બંને આંખમાં જુદાં સપનાં !’ ‘સમજ્યો નહીં !’ ‘આમ બે આંખ એક દૃશ્ય જુએ તેમ સપનું એક જ -‘ ‘જુએ. રાઇટ !’ ‘પણ મને બે આંખમાં અલગ અલગ સપનાં દેખાય છે.’ ‘તારું ચસકી ગયું છે?’ ‘મને હતું જ કે તું નહીં માને મારી વાત !’ છણકો કરીને સીમા ઊભી થવા ગઈ, તો ધીરે તેને રોકી, ‘માનવા જેવી હોય તો માનુંને !’ ‘ઓકે. ન માન,’ બોલતી સીમા બેડ પરથી ઊતરી ગઈ. ધીર પડખું ફરીને ઓશીકામાં મોં ખોસી ગયો, પણ તેને ઊંઘ ન આવી. સીમા કેવો બકવાસ કરી રહી હતી ! સપનાં, બંને આંખમાં? ને તે અલગ? ધીર બેઠો થઈ ગયો. ‘સવાર સવારમાં બૈરીએ ભેજું ખરાબ કરી નાખ્યું હતું !’ તે બબડ્યો. સીમા કિચન તરફ જવા ગઈ, તો ધીરે ઈશારો કરીને બોલાવી, ‘સાચું કહે, શું થયું છે?’ ‘થયું છે તે તને સાચું નથી લાગતું, તો શું કહું?’ ‘હું તને કહું કે મને બે સીમા દેખાય છે, તો શું કહીશ?’ ‘પિધ્ધડ !’ બોલતાં સીમા જ હસી પડી, ‘એક સીમા બે દેખાવાની વાત નથી, ધીર ! બે સપનાં એક નથી થતાં તેની વાત છે.’ ‘હું સમજ્યો નહીં.’ ‘બે આંખથી એક દૃશ્ય દેખાય છે. અરે ! એક આંખથી પણ દૃશ્ય અડધું નથી દેખાતું, એક જ દેખાય છે. મને પણ એવું જ દેખાય છે, પણ ઊંઘમાં સપનું એક દેખાવું જોઈએ, તેને બદલે-‘ ‘અલગ અલગ દેખાય છે, એમ જ ને !’ ‘હા.’‘મતલબ કે ખુરશી એક આંખમાં અડધી ને અડધી બીજી આંખમાં, એવું?’ ‘ના. સામે પડેલાં ખુરશી-ટેબલ, બે આંખને એક દેખાય છે, એ સપનામાં અલગ પડી જાય છે.’ ધીરને પૂરું સમજાતું ન હતું, પણ તે મથામણ કરતો હતો. સીમા એ કળી ગઈ, એટલે વાત બદલતાં બોલી, ‘જવા દે ! હું તો ગમ્મત કરતી હતી. ચા મૂકું, તું બ્રશ કરી લે.’ ‘તું ન બનાવે તો પણ હું મૂરખ છું જ !’ પછી મજાક કરતો હોય તેમ બોલ્યો, ‘સાચું કહું? તારું તીણું નાક વચ્ચે આવતું હશે, એટલે સપનાં અલગ પડી જતાં હશે.’ ‘નૉનસેન્સ ! એ નાક દિવસે પણ વચ્ચે આવવું જોઈએ ને !’ ‘દિવસે તું નડતી હશે !’ ‘તને ગમ્મત સૂઝે છે?’ ‘તું સરખું કહેતી નથી, તો શું કહું?’ ‘એવું નથી, ધીર ! હું સમજાવી નથી શકતી.’ સીમાને વાત કેમ સમજાવવી તે ન સમજાયું. તેણે ફરી કોશિશ કરી, પણ-*ઘણે વખતે સીમા આજે સ્ટેન્ડ પરના કેનવાસ પર બ્રશ ફેરવી રહી હતી. તેને લાગતું હતું કે આજે તો પેઇન્ટિંગ પૂરું કરી શકશે. ધીર હોય તો તે કૈં કરવા ન દે. તેને પેઇન્ટિંગમાં બહુ રસ પડતો ન હતો. સામેની ભીંત પર એકલા એક જ આંસુનું પેઇન્ટિંગ મૂકેલું, તો એ તેને જ્યોત જેવું લાગેલું. બોલેલો, ‘આંસુ છે તો આંખ પણ હોયને!’ સીમાને હસવું આવેલું. એક પેઇન્ટિંગ તો એણે ધીરની મજાક ઉડાવવા જ ઝડપથી સ્ટ્રોક્સ મારીને તૈયાર કરેલું. એક તરફ એકલી મીણબત્તીઓ જુદી જુદી સાઈઝની દોરેલી ને તેની ઉપર નાની, મોટી સાઈઝની જ્યોત, નમ્બર્સ આપીને દોરેલી ને કહેલું કે કઈ મીણબત્તીની કઈ જ્યોત છે તે કહે. એ નક્કી ન કરી શકેલો. એટલું જ બોલેલો, ‘જ્યોત પણ સાઈઝ પ્રમાણે હોય એ તો મેં તારામાં જ જોયું.’ ધીર સમજાયું તેથી કે ન સમજાયું તેથી બાધાની જેમ હસેલો. સીમાએ તેનું બોલવું બહુ ગણકાર્યું ન હતું, પણ તેણે એક એબસર્ડ કહી શકાય એવું પેઇન્ટિંગ બનાવવાનું મનોમન નક્કી કરી લીધેલું, ત્યાં આ સપનાં…* આજે પહેલી વાર તેનું પેઇન્ટિંગ એક એક્ઝિબિશનમાં મુકાયું હતું, એટલે સીમા રાજીની રેડ હતી. લોકો વધારે વખત તેનાં પેઇન્ટિંગ આગળ થોભીને વિચારતા હતા. ધીર પણ સાથે હતો. તેને પણ એઝ યુઝવલ પેઇન્ટિંગમાં કૈં સમજાતું ન હતું, ત્યાં એક ક્રિટિકે સીધું જ સીમાને પૂછ્યું, ‘મેડમ, તમારાં પેઇન્ટિંગમાં હ્યુમન બોડીને દીવાના શેઇપમાં કેમ મૂકી છે?’ સીમા ક્રિટિકને જાણતી હતી, પણ તે આવું પૂછશે એવું જાણતી ન હતી. તેણે થોડીવારે કહ્યું, ‘માણસ આખી જિંદગી દીવાની જેમ બળતો જ રહે છે ને !’ક્રિટિક આછું હસ્યો, ‘ગુડ ! તો જ્યોત અલગ કેમ? એ તો દીવાની સાથે જ હોય ને?’ ‘હા, પણ માણસ એવો દીવો છે જે હોય ત્યાં જ નહીં, બીજે પણ અજવાળું ફેલાવે છે….’ ‘એક્સેલેન્ટ!’ ક્રિટિક ઊછળી પડ્યો. એ તો ઠીક પણ ધીર તો આભો જ બની ગયો. તેને કલ્પના જ ન નહીં કે તેની સીમા આટલી અસીમ છે. તેને લાગ્યું કે સીમાનાં ચિત્રોમાં વિશેષ અર્થ છે, પણ તેના સુધી કદાચ પહોંચતો નથી. સીમાનું એક ચિત્ર હતું મોરપંખનું. જેમાં કળા કરતો મોર વચ્ચે છે ને તેનાં બધાં પીંછાં આજુબાજુ વેરાયેલાં પડ્યાં છે. એક ચિત્ર એવું હતું, જેમાં આખો બગીચો હતો, પણ એક પણ છોડ પર ફૂલો ન હતાં. ધીરે કહ્યું પણ હતું, ‘ફૂલો વગરનો બગીચો સારો જ લાગે છે, પણ…’ ત્યાં જ સીમાએ કેનવાસ પરથી કપડું હટાવ્યું તો ઢગલો ફૂલો છાબમાં હતાં. ધીર ખુશ થઈ ઊઠ્યો. ફૂલો એટલાં નેચરલ હતાં કે ઉપાડી લેવાનું મન થાય. તે બોલ્યો ય ખરો, ‘આ બગીચામાં હોય તો…’ ‘પણ કોણ રહેવા દે છે, બગીચામાં? એ તો વેચવા મોકલી દેવાય છે.* ‘નહીં !’ બોલતી એ બેઠી થઈ ગઈ. આ ‘નહીં’ ધીરને પણ સંભળાયું. ઊંઘરેટી આંખે જ સીમાને પૂછ્યું, ‘શું થયું?”એ જ સપનું !’ સીમાની આંખો હજી ચકળવકળ થતી હતી. ‘શું જોયું?”એક આંખમાં બોમ્બમારો જોયો ને બીજી આંખમાં યુદ્ધ વિરામ-‘. સીમા એ વાતે ગૂંચવાતી હતી કે આ બંને આંખો જુદું જુદું જુએ તો એક સાથે બંનેને સમજવું કઈ રીતે? વળી આ બધું એકાદ દિવસ હોય તો ધૂળ નાખી, સપનાં તો રોજ જ આવે, ન આવે તો, તો સંતાપ ઓછો, પણ આવે ત્યારે ન રોકાય કે ન ટોકાય. આવવું હોય ત્યારે આવે ને ન આવવું હોય તો ન જ આવે. ઊંઘ ન આવે તો સપનાથી બચી શકાય, પણ ક્યાં સુધી ન ઊંઘવું? સીમા અકળાતી હતી. સપનાં ડરાવતાં જ હતાં, એવું ન હતું. ઘણી વાર તો બંને સપનાં એટલી ઝડપથી વીતતાં કે કશું સમજવાનો અવકાશ જ ન રહેતો. એવે વખતે ધીરને હલબલાવીને પૂછવાનું મન થતું, પણ અત્યારે એ જાગતો હતો. એણે યુદ્ધવિરામનું કહ્યું તો ધીર બેઠો થઈ ગયો. ‘બીજું કૈં જોયું?’ ‘હા, મને એક આંખમાં આગ દેખાઈ ને એક આંખમાં રેલનાં પાણી ભરાયાં. થયું પણ ખરું કે રેલનાં પાણી આગ હોલવશે, પણ એક આંખમાંથી પાણી બીજી આંખમાં જાય તો હોલવાય ને !’ ‘તો ફાયર બ્રિગેડને ફોન કર…’ ‘તને મશ્કરી સૂઝે છે?’ ‘તો બતાવને મને, આગ ક્યાં છે? પાણી ક્યાં છે?’ ‘તું સપનામાં આવે તો બતાવુંને !’ ‘એ જ વાત છે ને ! તારા સપનામાં તું મને લઈ જઈ શકે એમ છે? નહીંને ! ધાર કે તું લઈ જાય, તો પણ એ સપનું ત્યાં જ અટકેલું હશે એની ખાતરી છે? જેના પર કોઈનો કાબૂ નથી, તે સપનાંને રોકવામાં હું તારી શું મદદ કરી શકું, એ જ સમજાતું નથી. મને લાગે છે, ડો. ભણસાળીને બતાવીએ.’ સીમા જાણતી હતી કે ધીર આશ્વાસન જ આપી રહ્યો છે. તેણે આંખો લૂંછી.ધીરે પ્રેમથી સીમાને નજીક ખેંચી, ‘હું તારી વાતો સમજું જ છું એવું નથી, પણ મને લાગે છે કે તારે બધું અલગ કરીને જોવા અંગે વિચારવું જોઈએ. હું કોઈ ઉકેલની રીતે નથી કહેતો, પણ માણસ કોડિયું હોય તો જ્યોત એની સાથે પણ હોય ને ! ફૂલો છાબડીમાં ભલે હોય, એકાદ ડાળી પર પણ હોયને ! આંખો અલગ સપનાં નથી જોતી, પણ બધું અલગ કરીને જોતી આંખો એક કરીને જોતી થાય તો કદાચ-‘ સીમા વિચારમાં પડી ને પડેલી જ રહી ….
પ્રગટ : આ ‘અનહદ’ વાર્તા “નવનીત-સમર્પણ”ના સપ્ટેમ્બર, 2025ના અંકમાંથી સાદર
000
e.mail : ravindra21111946@gmail.com