નિર્વાચિત (ખરું જોતાં, હજુ શપથછેટા એથી પદનામિત) અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો રંગપ્રવેશ એક રીતે પરંપરાજુદેરો અનુભવાય છે એમ જ કહેવું જોઈશે; કેમ કે એમની ફતેહજાહેરાતને અમેરિકામાં એક છેડેથી બીજે છેડે એમ સર્વત્ર વિરોધદેખાવોથી વધાવવાનો સિલસિલો પહેલી કાચી મિનિટથી આ લખાય છે ત્યાં સુધી સળંગ ચાલુ છે. ભારતીય મૂળનાં કમલા હેરિસે સેનેટમાં ચુંટાઈને વિક્રમ સર્જ્યા બદલ અભિનંદનો સબબ આભાર માનવા સાથે સોશિયલ મીડિયા પર શતસહસ્ત્ર સમર્થકો અને ચાહકો જોગ સંદેશમાં એ હકીકતની નોંધ લીધી છે કે આ પ્રમુખીય પરિણામે લાખો સાથી-અમેરિકનોમાં પોતે જાણે કે આવી રહેલા દિવસોમાં અસહાય બની રહેશે એવી ભીતિ જગવી છે.
ચૂંટણીપ્રચારની ડમરી આછરી ગઈ અને પરિણામ પણ આવી ગયું. તે પછી ચુંટાયેલ પ્રતિભા સામે તત્કાળ વિરોધદેખાવોનો સિલસિલો જાહેર જીવનની ગરિમા વિષયક પ્રશ્નો જગવે છે, એવું જે એક સામાન્ય નિરીક્ષણ શક્ય છે તે ટ્રમ્પાયન સંદર્ભે સદ્યગ્રહ્ય ન લાગતું હોય તો એનુંયે એક ચોક્કસ લૉજિક ખસૂસ છે. કારણ, ટ્રમ્પનો આખો પ્રચાર વિભાજક એવી વિષાક્ત તરજ પર હતો. એક પછી એક સમુદાય – અશ્વેતો (આફ્રિકન અમેરિકન), હિસ્પાનિક (ક્યુબન, મેક્સિકન, પ્યુએર્ટોરિકન આદિ સ્પેિનશ સાંસ્કૃિતક મૂળકૂળના લોકો) પરદેશથી કામઠામ જોગ આવતા લોકો (ઇમિગ્રન્ટ્સ); ટૂંકમાં, ગોરાઓ સિવાયના સઘળા-ને એ નિશાન કરતા ગયા. બેહદ ધ્રુવીકૃત પ્રચાર કરતા ગયા. તેથી આ બધાં બાણજૂથો ટ્રમ્પના વિજયની ક્ષણે ખુલ્લંખુલ્લા વિરોધમિજાજમાં બહાર આવ્યાં છે. એમની સંખ્યા, ટ્રમ્પની વિજયી સરસાઈ છતાં ઓછી નથી. વ્યક્તિગત મતની દૃષ્ટિએ ટ્રમ્પ પાછળ છે. પણ બહુમતી બેઠકોને ધોરણે જે તે રાજ્યની સઘળી બેઠકોનો મતભાર ટ્રમ્પની તરફેણમાં જતાં એ વિજયી બન્યા છે. પૂર્વે પણ આવા કિસ્સા નથી નોંધાયા એમ નથી. પણ ઓછા વ્યક્તિગત મતે વિજયી બનેલા કોઈ પૂર્વપ્રમુખનો ચૂંટણીપ્રચાર આવો વિભાજક, વિઘાતક ને વિષાકત નહોતો. વિરોધદેખાવોના હાલના સિલસિલાના સગડ એમાં પડેલા છે.
ભારતછેડેથી આ બધું ચર્ચવા સારુ આરંભે જ જેમ કમલા હેરિસનો સંદેશ ઉતાર્યો તેમ એક બીજા અંતિમ જેવો હરખપદૂડો સૂર પણ ઉતારવા જેવો છે. ઉત્તર પ્રદેશમાં લગભગ ચૂંટણીપ્રચારની રીતે આ દિવસોમાં રાજનાથ સિંહ શું બોલ્યા છે, સાંભળોઃ
“અમરિકા જો દુનિયા કા સબસે તાકતવર દેશ માના જાતા હૈ, વહાં રાષ્ટ્રપતિ કા ચુનાવ હો રહા થા. એક મિસિસ ક્લિન્ટન થી ઔર એક મિ. ટ્રમ્પ. ટ્રમ્પ કાર્ડ – તાશવાલા ટ્રમ્પ કાર્ડ નહીં. મિ. ટ્રમ્પ. મિ. ટ્રમ્પને ચુનાવ કૈસે લડા હૈ? ટ્રમ્પને અપને અમરિકા મેં કહા હૈ કિ અગર મૈં અમરિકા મેં રાષ્ટ્રપતિ બન જાતા હૂં તો અમરિકા મેં જો શ્રી નરેન્દ્ર મોદી કી નીતિયાં હૈં ઉન્હીં નીતિયોં કે આધાર પર કામ કરુંગા. ઉસ ટ્રમ્પ કો વિજય હાંસિલ હુઈ હૈ.”
ભારતીય મૂળનાં યશસ્વી સેનેટર કમલા હેરિસને જે વિજય ઘટનામાં શતસહસ્ત્ર સાથી નાગરિકો (મોટા ભાગની બિનગોરી લઘુમતીઓ)માં ઝળુંબતી ભયલાગણી વંચાય છે એ વિજયઘટનામાં રાજનાથ સિંહને ટ્રમ્પ નમોને અનુસર્યા અને અનુસરશે એવા ખયાલવશ શેર લોહી ચડે છે, અને જાણે નાચું નાચું એવી થનગન-થિરકનનો અહેસાસ જાગે છે. ટ્રમ્પ અને નમોને એકશ્વાસે સંભારાય છે ત્યારે બીજું શું કહીશું, સિવાય કે ધ કૅટ ઈઝ આઉટ ઑફ ધ બૅગ! તમે જુઓ કે કોમી ધ્રુવીકરણ જગવતા વિભાજક પૂર્વરંગ પછી આવી પડેલું સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’નું છે, જેમ વિજય જાહેરાત પછી ટ્રમ્પના પહેલા જાહેર ઉદ્ગારો એ મતલબના છે કે હું સઘળા (રિપીટ, સઘળા) અમેરિકનોનો પ્રમુખ છું.
નમો અને ટ્રમ્પ, કોણ કોને અનુસર્યું એ ગૌરવચર્ચામાં ન જઈએ તે જ ઠીક; કેમ કે ટ્રમ્પની ફતેહનાં આગોતરાં એંધાણ ચોમ્સ્કીએ છેક ૨૦૧૦માં પારખ્યાં હતાં. હજુ ઓબામાની બીજીવારની (૨૦૧૨ની) ચૂંટણી આઘી હતી અને ટ્રમ્પ જે રીતે બોલતાચાલતા હતા એ જોઈને ચોમ્સ્કીએ કહ્યું હતું કે હું બધાંને બધ્ધેબધ્ધું આપીશ એ મતલબનું વિધાન (પોતાનું દરેકે દરેક વિધાન એકમેકનો છેદ ઉડાડતું હોય એની લગારે પરવા વગર) કરીને સૌને આકર્ષતા, પોતાને તારણહાર સુપર હીરો તરીકે રજૂ કરતા કથિત કરિશ્માતી નેતાઓ આગળ ચાલતાં પોતે તો નાશ પામે જ છે, પણ આ પ્રક્રિયામાં લોકોનો તો છેવટે ખોડો જ નીકળી જાય છે. આ અવલોકન સાથે ચોમ્સ્કીએ ત્યારે એમ પણ કહ્યું હતું કે હવેના દિવસોમાં આપણે રિપબ્લિકન પ્રમુખ માટે તૈયાર રહેવાનું છે જે તમને એક ગોરા પુરુષ તરીકે પીડિત-પદાક્રાન્ત લઘુમતીની લાગણી જગવી શકે અને આ લાગણીનો ઉગાર લશ્કરસજ્જ રાષ્ટ્રીય અભિમાનમાં છે એમ સમજાવી શકે અને ઘરઆંગણે સામાન્ય માણસોના અધિકારોને કચડવામાં સાર્થકતા શોધી શકે.
ચોમ્સ્કીનો હવાલો આપતી વેળાએ, તંત્રીએ સાથી-વાચકને એમની પ્રતિભા અને ભૂમિકાનો આછો પણ ખયાલ આપવો જોઈએ, એમ સમજીને સાદી માહિતીરૂપે કહું કે એ આપણા સમયના શીર્ષસ્થ ભાષાવિજ્ઞાની અને માનવહિતચિંતકો પૈકી છે. ખાસ કરીને, વિયેટનામમાં અમેરિકી યુદ્ધસંડોવણીના વારાથી એમની પ્રતિભા એક પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ તરીકે ઊભરી છે. સોવિયેત રશિયાની બંધ દુનિયામાં એચ-બોમ્બના જનક સાખારોવ જેમ ઉત્તરોત્તર માનવ અધિકારના હામી તરીકે ઊપસી આવ્યા હતા એમ અમેરિકાની મૂડીવાદી ઘેરાબંધ વ્યવસ્થામાં ચોમ્સ્કીની હાજરી છે. ‘સલામતી’નાં કારણોસર (વસ્તુતઃ ‘રહસ્ય’ જાળવણીસર) જેમ સાખારોવનું નામ સોવિયેત ડિરેક્ટરીમાં નહોતું તેમ ભલે જુદા કારણસર પણ અમેરિકાના મોટા મીડિયા સહિત સઘળે તમને ચોમ્સ્કી પર એક પડદા જેવું જણાશે. પણ માઉસકૃપાએ ગુગલે ચડી એક પ્રભાવક સમાંતર ધારાના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ચોમ્સ્કીનાં કદ ને કાઠી વૈશ્વિકથી ઓછાં નથી. એમના જેવા સમર્થોત્તર ભાષાવિજ્ઞાની (સંસ્કૃત પરંપરામાં અક્ષરશઃ અનુત્તમ-ઇનકમ્પેરેબલી ‘ધ બેસ્ટ’) આવા તેવા વિરોધમાં શક્તિ નહીં વેડફતાં એકાન્તિક જ્ઞાનસાધનામાં જ શીદને મોક્ષ ન શોધે, એવી સરળભોળી બલકે નિરીહ નુક્તેચીનીનો એમનો જવાબ કદાચ એવો જ હશે જેવો જૈફ બર્ટ્રાન્ડ રસેલે – તમે ગણિત ને ફિલસૂફી છાંડીને નિઃશસ્ત્રીકરણનાં નિદર્શનોમાં શીદ શક્તિ વેડફો છો એવા સવાલનો આપ્યો હતો : ભાઈ, મનુષ્યનું અસ્તિત્વ જ નહીં રહે તો ‘જ્ઞાન’નું શું થશે.
વસ્તુતઃ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રભાવક ઉદય આપણે જે અમેરિકાને ઓળખતા અને ચાહતા, કદરબૂજ કરતા થયા એની સામે પડકારરૂપ છે. થોરો સાથેની ગાંધીગોત્રની દોસ્તીદિલ્લગી માનો કે પળવાર વિસરી પણ જઈએ – પણ મનુકુળ ઇતિહાસમાં લિંકન ઘટના તો કદાપિ વિસરી ન વિસરાય એવી છે. બંને બાજુએ ગોરા ખ્રિસ્તીઓ અશ્વેત સમુદાયની ગુલામી વિ. મુક્તિના મુદ્દે સામાસામે જંગે ચડ્યા અને લિંકન મુક્તિદાતા રૂપે ઉભર્યા. ખ્રિસ્તી સંસ્કાર અને અમેરિકિયતની એ શગ ઘટના હતી. હજુ સાડા પાંચ દાયકા પરનાં જ એ કેનેડીવચનો કર્ણપટે મંજુલ રવ જગવે છે કે આપણે પરદેશી નાગરિકોનો દેશ છીએ. અમેરિકાના પહેલા કાળા પ્રમુખ એવી ટીકાત્મક પણ હુલામણી ઓળખ રળનાર ક્લિન્ટન અને ટિ્વન ટાવર્સ તરસનહસ થયા પછી પણ પ્રમુખ બની શકતા, મુસ્લિમ મધ્યનામધારી ને વળી અશ્વેત પિતાના પુત્ર બરાક હુસેન ઓબામા, એ તો હજુ હમણેની હાલ પણ ચાલુ બીના છે. આ લિંકન-ઓબામા પરંપરા સામે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં ઊભા છે? જે એક સર્વ સમાવેશી ઉદાર માનવ્યે મંડિત અમેરિકિયત વિકસતી અનુભવાતી હતી એના એન્ટિથીસિસ જેવા એ છે. નવી દુનિયાને જેનો ખપ છે અને અમેરિકાની જે આગવીઅનેરી ઓળખ હોઈ શકે છે એના એન્ટિથીસિસ જેવી ટ્રમ્પની ચૂંટણીફતેહ આ ક્ષણે સામે આવે છે.
નહીં કે લિંકન, કેનેડી, ક્લિન્ટન, ઓબામા (વચલાં વર્ષોમાં એફડીઆર) આ સૌની કોઈ મર્યાદાઓ નહોતી. ઇતિહાસવસ્તુ તરીકે તે જરૂર નિરૂપી શકીએ અને તવારીખની તેજછાયાને અનુલક્ષીને ટીકાટિપ્પણ પણ નિઃસંકોચ કરી શકીએ. બલકે કરીએ પણ ખરાં. પણ આ સૌ મહાન અમેરિકી પ્રમુખોએ નવી દુનિયાનાં મૂલ્યો અને વૈશ્વિક પરિમાણોની કદરબૂજ સાથે અમેરિકી રાષ્ટ્ર-રાજ્યનો મેળ પાડવાની આવડે એવી કોશિશ કરેલી છે. બૃહદારણ્યકના ઋષિએ જેની ‘ક્ષુરસ્ય ધારા’ કહેલી છે અને રાજકીય નિરીક્ષકો જેને તંગ દોર પરની નટચાલ કહી શકે એવી એમની ગતિરીતિ રહી છે. ગતિ પણ, નિયતિ પણ.
વાતનો બંધ વાળતાં, અગર તો નવપ્રસ્થાનબિંદુએ પહોંચતાં, એક મુદ્દો ટ્રમ્પની તરફેણમાં નહીં પણ ટ્રમ્પ ઘટનાને સમજવાની રીતે કરવો જોઈએ. અને તે એ કે બિનગોરી ને બીજી લઘુમતીઓનો મોટો હિસ્સો હિલેરીની સાથે રહ્યા છતાં એનું પ્રમાણ ઓબામાને અગાઉ મળેલ મતો કરતાં ઓછું હતું એ હકીકત છે. દેખીતી રીતે જ, એનો અર્થ એ થયો કે સુશાસનનો સુખાનુભવ ઓછો થયો છે. ટ્રમ્પ હો કે ઓબામા અગર હિલેરી, હર કોઈ પ્રમુખે – પ્રમુખપદવાંછુએ સુશાસનની બાલાશ તો જાણવી રહે જ.
અમેરિકી લોકમતે આ બધું ઓળાંડીને અમેરિકિયત – એક સર્વસમાવેશી ઓળખ-ની ઇતિહાસગતિને અનિરૂદ્ધ જારી રાખવાપણું છે. ખબર નથી, નમો ટ્રમ્પ ગાગાલગા મંડળીને આ વાનું પકડાશે કે નહીં.
નવેમ્બર ૧૨, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 01, 02 અને 17