
રવીન્દ્ર પારેખ
સંસદના શિયાળુ સત્રના 18મા દિવસે અને બંધારણ સ્વીકૃતિના અમૃત મહોત્સવ નિમિતે ઉજવણી તો ઠીક, હોબાળો થયો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સસદમાં એમ કહ્યું કે ‘આંબેડકર આંબેડકર’નું રટણ ચાલે છે, એટલું જો ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળ્યું હોત ! એ પછી આંબેડકરની સ્તુતિ કરતાં હોય તેમ ગૃહ મંત્રીએ આંબેડકરની ભા.જ.પે. ક્યાં ક્યાં પ્રતિમાઓ કરી તે ઉપરાંત ઘણી વાતો કરી. જેમ કે, આંબેડકર અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવથી, વિદેશનીતિથી, 370મી કલમથી અસંમત હતા, તેથી તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા, પણ તેમને આશ્વસ્ત કરવા વચન અપાયું હતું જે પળાયું ન હતું ને તેમણે રાજીનામું આપ્યું હતું, પણ, વિપક્ષ તો શાહની ‘આંબેડકર, આંબેડકર, આંબેડકર ..’ની વાતે એટલો ઉશ્કેરાયો કે સંસદની અંદર અને બહાર ‘જય ભીમ’ અને ‘માફી માંગો’ના નારાથી વિરોધ વિરોધ કરી રહ્યો. વડા પ્રધાને શાહનો બચાવ કરતાં એ સ્પષ્ટ કર્યું કે કાઁગ્રેસે આંબેડકરનો વારસો ભૂંસવાની કોશિશ કરી છે, એટલું જ નહીં, એસ.સી.એસ.ટી.ને અપમાનિત કરવા રમત પણ રમી છે. પી.એમ.એ શાહની વિગતોથી કાઁગ્રેસ ગભરાઈને નાટક કરવા લાગી છે તેમ પણ કહ્યું.
કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે એમ કહીને વડા પ્રધાને રાતના બાર પહેલાં તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ એવી માંગ કરી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ બાબા સાહેબનું અને બંધારણનું અપમાન વિપક્ષ નહીં સાંખી લે તેવું ઉમેર્યું. બ.સ.પા. પ્રમુખ માયાવતીએ પણ પરખાવ્યું કે ભા.જ.પ. અને કાઁગ્રેસ આંબેડકરને નામે રોટલા શેકવાનું બંધ કરી તેમનું સન્માન કરે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ શાહે, આંબેડકરનું અપમાન કર્યું છે એ વાત દોહરાવી.
પછી તો સામસામે બચાવ ને આરોપોની ઝડી વરસી. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે કાઁગ્રેસનો તો આંબેડકરનું અપમાન કરવાનો ઇતિહાસ છે. આજે તે ઢોંગ કરે છે. કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાજ્યસભામાં કહ્યું કે અમિત શાહનાં નિવેદનની પોતાની તરફેણમાં આવતી ક્લિપનો અંશ બતાવીને, વિપક્ષ દેશને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આંબેડકર હતા ત્યારે તેમનું અપમાન કરવામાં કાઁગ્રેસે કૈં બાકી નથી રાખ્યું. તેમને વર્ષો સુધી ‘ભારત રત્ન’ ન જ અપાયો. તેમને આયોજન કરીને હરાવવામાં પણ આવ્યા. આમ કાઁગ્રેસ આંબેડકરની તરફેણમાં હોય તેમ ભા.જ.પ.ની સામે પડી છે, પણ હકીકત એ છે કે ભા.જ.પ. અને કાઁગ્રેસ આંબેડકરનો વિરોધ કરી ચૂક્યા છે. આ તો દલિતોના મત મળે એ હેતુ છે એટલે બંને આંબેડકર આંબેડકર કરે છે …
આંબેડકર પોતે ગાંધીજીના દલિત વિચારોને સગવડિયા માનતા હતા, પણ આંબેડકરનો દેશના દલિતો પરનો પ્રભાવ એવો હતો કે તેમને અવગણી શકાય એમ ન હતું. આંબેડકર પોતે ભારતની સંવિધાન સભામાં પોતાનું સ્થાન નિશ્ચિત ન કરાવે તો ભારતના કાયદા મંત્રી થવાનું મુશ્કેલ હતું. કાઁગ્રેસ આજે આંબેડકરની આરતી ઉતારે છે, પણ તે વખતે આંબેડકરને સંવિધાન સભામાં જોવા કાઁગ્રેસ બહુ રાજી ન હતી.
ભા.જ.પ.ની તરફેણમાં એક વાત એ છે કે આંબેડકરનાં વખતમાં તેનું અસ્તિત્ત્વ જ ન હતું, પણ આર.એસ.એસ. ને જનસંઘ હતા. એને માટે આંબેડકરનો નકારાત્મક પણ ચોક્કસ મત હતો ને તે તેમણે તીવ્રતાથી વક્તવ્યોમાં ને લેખોમાં પ્રગટ પણ કર્યો છે. 1940માં ‘પાકિસ્તાન ઓર પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ નામક પુસ્તકમાં આંબેડકરે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છા રાખનાર સૌને શત્રુ ગણાવ્યા છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતનો તો 1950માં સરદારે પણ વિરોધ કરેલો છે ને સ્પષ્ટ કહ્યું છે કે ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. એ સંદર્ભે આજની ભા.જ.પ.ની નીતિરીતિ તપાસવાની રહે. વર્ણવ્યવસ્થાનાં મૂળમાં આંબેડકરને ‘મનુસ્મૃતિ’ લાગતાં 1927માં તેની નકલ પણ સળગાવેલી ને તેના હિન્દુવાદીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા. આ બધાંને લીધે સંઘ અને જનસંઘને આંબેડકર સામે એટલો જ વાંધો હોય તે સમજી શકાય એવું છે. કાયદા મંત્રી તરીકે આંબેડકરે હિન્દુ મહિલાઓને સમાન હક આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કરેલું, તેનો પણ તે વખતે સંઘ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કરેલો ને બિલ પસાર ન થતાં આંબેડકરે કાયદા મંત્રી તરીકે રાજીનામું આપેલું. આ સ્થિતિ હોય ત્યાં ભા.જ.પ.ની માનસિકતા આંબેડકર સંદર્ભે કેવી હોય તે કહેવાની જરૂર નથી.
આંબેડકરને નામે ભા.જ.પ.ના થઈ રહેલા વિરોધ બદલ કિરણ રિજિજુએ એ પણ ઉમેર્યું કે હું બૌદ્ધ છું ને મોદીજીએ એક બૌદ્ધને કાયદા મંત્રી બનાવ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પણ અમિત શાહના એ વીડિયોમાં કશું વાંધાજનક લાગ્યું નથી, પણ વિપક્ષોએ ઠેર ઠેર જાહેર વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં પણ શાહનાં આંબેડકર પરનાં નિવેદનનો અમદાવાદ, રાજકોટ, વડોદરામાં વિરોધ થયો છે. મહારાષ્ટ્રના આંબેડકરનું અપમાન થતાં શિવસેના(યુ.બી.ટી.)ના ઉદ્ધવ ઠાકરેએ પણ અમિત શાહ પર પસ્તાળ પાડી છે. એમ લાગે છે કે વિપક્ષોને તક જ જોઈતી હતી ને તેમણે કાગનો વાઘ કરવાનું શરૂ કરી દીધું છે. રાજકારણ કોઈનાં પણ નિવેદનને કેવી રીતે ચગાવી શકાય તેનું જ નામ છે ને વિપક્ષો એ ચગાવી રહ્યા છે.
એ ખરું કે અમિત શાહે આંબેડકરનાં વારંવાર લેવાતાં નામનો આ રીતે ઉલ્લેખ ન કર્યો હોત, તો ચાલે એમ હતું. ધારો કે વધારે વખત નામ લેવાયું તો પણ શું? વડા પ્રધાનનું નામ દીધા વગર ભા.જ.પ.ને ચાલે છે? જો એ ન ચાલતું હોય તો આંબેડકરના ચાહકોને પણ નામ દીધા વગર ન ચાલે એમ બને ને ! જો કે, આમ ભગવાનનું નામ દેવાથી સ્વર્ગ મળ્યું હોત એવું શાહને કેવી રીતે લાગ્યું તે સમજાતું નથી ને જો એ શક્ય હોય તો ભા.જ.પ.ના સભ્યોને પણ એ લાભ મળે એવું, ખરું કે કેમ? એ સાથે જ કોઈ પણ ટિપ્પણીનું એવું અવમૂલ્યન ન થવું જોઈએ કે કોઈ પોતાનો મત ઉચ્ચારે તે સાંભળ્યા વગર જ વિરોધીઓ ખાંડાં ખખડાવવાં લાગે. વિપક્ષો તો આંબેડકરનાં અપમાનનો મુદ્દો આગળ કરીને રાજકીય લાભ લેવા માંગે છે. અમિત શાહે એ નિવેદનમાં એમ પણ કહ્યું કે મંત્રીમંડળમાંથી આંબેડકરનાં જવાથી નહેરુને બહુ ફેર પડે એમ ન હતું. આ પણ સાચું નથી. એ ખરું કે નહેરુ અને આંબેડકર વચ્ચે ઘણા મતભેદો હતા, પણ તેમની પાસે એકબીજાને સમજવાની વૃત્તિ પણ હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ સંવિધાન સભામાં સાથે કામ કર્યું છે. આંબેડકરે તબિયતને કારણે રાજીનામું આપવાની વાત કરી તો નહેરુએ તેમને ટર્મ પૂરી થવા સુધી રોકાઈ જવાનો આગ્રહ કરેલો. આ અંગેનો પત્રવ્યવહાર જિજ્ઞાસુઓએ જોવા જેવો છે. આજે ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જેટલો વિરોધ છે એટલો તે વખતે નહેરુ અને આંબેડકર વચ્ચે ન હતો એ નોંધવું ઘટે.
વિપક્ષની બીજી ચિંતા બંધારણ બદલઈ જવાની છે. કાઁગ્રેસ ભલે આંબેડકરનું અપમાન થયાની વાત આગળ કરીને તકનો લાભ ઉઠાવે, પણ કાઁગ્રેસે કટોકટી વખતે બંધારણમાં કેવાં ચેડાં કર્યાં છે તે દુનિયા જાણે છે, એ સાથે જ કાઁગ્રેસે એના કાર્યકાળમાં આંબેડકર સાથે કેવું વર્તન કર્યું છે તે પણ ઇતિહાસમાં નોંધાયેલું છે જે કોઈથી છૂપું નથી.
સાચું તો એ છે કે વાલને વખાણવા જેવો નથી કે ચણાને ચાખવા જેવો નથી. એથી વધારે મોટું અપમાન કાઁગ્રેસ માટે બીજું કયું હોય કે નહેરુ અને ઇન્દિરા ગાંધીને તેમના કાર્યકાળમાં જ ‘ભારત રત્ન’ મળી જાય ને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને એ સન્માન છેક 1990માં મળે? આજકાલ સંવિધાન સંવિધાન પણ બહુ ચાલી રહ્યું છે, પણ સંવિધાન બચાવવાની જરૂર 1975ના કટોકટી કાળમાં પણ ઊભી થઈ હતી ને સદ્દભાગ્યે ત્યારે જે.પી. જેવા સ્વતંત્ર સંગ્રામમાં ઘડાયેલા નેતા મોજૂદ હતા ને તેમની આગેવાનીમાં જનતાએ સંવિધાનને બચાવ્યું હતું. સંવિધાનમાં કટોકટી વખતે સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ શબ્દો દૂરંદેશી દાખવનાર સંવિધાનકર્તાઓનાં અપમાનથી વિશેષ કૈં ન હતા. આ ફેરફાર પણ એ સંસદે કર્યો જેના વિપક્ષી નેતાઓ જેલમાં સડી રહ્યા હતા. એનો કાર્યકાળ પણ બંધારણને મચડીને પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરી દેવાયો હતો. છે ને કમાલ, એ વખતે બંધારણ મચડનારા આજે સંવિધાનના સંરક્ષક હોવાનો દાવો કરી રહ્યા છે. સત્તા ટકાવી રાખવા સંવિધાન સાથે થયેલો આવો અનાચાર કેવી રીતે ભુલાય?
સંવિધાનમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતાં નંદલાલ બોઝનાં ચિત્રોનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો. એ ચિત્રો બંધારણમાં નથી. આ ચિત્રો નહેરુના અનુરોધ પર બંધારણમાં મુકાયેલાં. બંધારણનાં રક્ષકોને એ આશ્ચર્ય નથી થતું કે બોઝનાં ચિત્રો એમાંથી ગાયબ છે? બોઝે બહુ ભાવપૂર્વક એ ચિત્રો મૂકેલાં. આજના બંધારણ રક્ષકોને એવું નથી થતું કે એ ચિત્રો ફરી બંધારણમાં દાખલ કરીને પ્રાયશ્ચિત કરીએ? એ દુ:ખદ છે કે કહેવાતા રક્ષકોને કે શાસકોને નથી તો બંધારણ માટે કોઈ આદર કે નથી આદર આંબેડકર માટે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ડિસેમ્બર 2024