૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં જેમનું બાળપણ વીત્યું હશે તેવા કોઈ પણ ગુજરાતીને માટે ગિજુભાઈનું નામ અજાણ્યું હોય જ નહીં. લગભગ એ સમયે જ ગિજુભાઈની બાળવાર્તાઓની નાની નાની પુસ્તિકાઓ શ્રેણીસ્વરૂપે પ્રસિદ્ધ થતી હતી અને લખતાંવાંચતાં શીખેલાં બાળકો પર એની મોહિની એવી છવાઈ ગઈ હતી કે ગિજુભાઈએ રજૂ કરેલાં પાત્રો એમને જીવતાંજાગતાં મિત્રો જ લાગતાં. એમાં આવતાં જોડકણાં મોંએ થઈ જતાં અને વાર્તાઓ તો એક એવા નિરાળા દેશમાં લઈ જતી કે જ્યાં માબાપનો ઉપદેશ અને શિક્ષકોની શિસ્તનો વાયરોયે ન વાય.
આમ જોવા જઈએ તો વળા(ચિત્તળ, જિ. અમરેલી)માં ૧૫ નવેમ્બર, ૧૮૮૫માં જન્મેલા ગિરજાશંકર ભગવાનજી બધેકા શાલેય શિક્ષણ પતાવીને ભાવનગરની શામળદાસ કોલેજમાં ગયા પણ ડિગ્રી મળે એની રાહ જોયા વગર કમાણી કરવા આફ્રિકા ગયા, પરંતુ વતનનો સાદ એવો પ્રબળ કે પાછા મુંબઈમાં આવીને વકીલ થયા. વઢવાણમાં વકીલાત પણ કરવા માંડી પરંતુ વિધિના લેખ જુદા હતા. વસોના સુપ્રસિદ્ધ કેળવણીકાર મોતીભાઈ અમીનના સંપર્કમાં તેઓ આવ્યા અને એમની પાસેથી મેડમ મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો મળ્યાં તે વાંચીને એમની જીવનનૌકાને સાચી દિશા સાંપડી.
બાળકોને ઓળખવાં, તેમને માટે યોગ્ય કેળવણી શોધવી અને તે માટેની સંસ્થાઓ ઊભી કરવી એ એમના રસનો વિષય બન્યો. પછી તો કુદરતી રીતે જ સાહિત્ય તરફ વળ્યા અને પુસ્તકો દ્વારા માત્ર પ્રત્યક્ષ સંપર્કમાં આવનાર બાળકો જ નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતી વંચાતું કે બોલાતું હોય તેવાં તમામ સ્થળોમાં બાળકોના માનીતા અને વહાલસોયા મિત્ર બની ગયા.
તેઓ જ્યારે કોઈક પ્રસંગે સાન્તાક્રૂઝ આવ્યા ત્યારે મેં એમને પહેલી વાર જોયા હતા. લાંબી, હોઠની બે બાજુ જરા ઢળતી મૂછો, ગોરો વાન અને ચશ્માંના કાચ પાછળથી દેખાતી એમની સ્નેહભીની આંખો. જોતાંવેંત એક નૈસર્ગિક આત્મીયતા બંધાઈ જાય. ઓહો ! આ તો આપણા ગિજુભાઈ ! એમની બાળવાર્તાઓ એટલે આપણો આગવો ખજાનો !
વળી નસીબજોગે મેં એક વાચનખોર બાળક તરીકે ઠીક ઠીક નામ મેળવેલું એટલે કોઈએ મને એમની સમક્ષ ધરી. બે સમોવડિયા વચ્ચે જામે એવી સરસ ગોષ્ઠી મંડાઈ. એ જેટલા પ્રશ્નો પૂછે તેના હું ફટાફટ જવાબ આપું અને એ માથું હલાવે – ક્યારેક વિરોધ કરે, ક્યારેક સંમતિ દર્શાવે. આ અત્યંત આનંદજનક પ્રસંગે મેં એકાએક એમને કહ્યું, ‘પણ ગિજુભાઈ ! તમે તો સાવ કેવા છો !’
‘કેમ ? તને નથી ગમતો ?’
‘ગમો તો છો, પણ આવું કેવું કરો છો ?’
‘શું કરું છું ?’
‘બધી ચોપડીઓ કાળા ને કાળા અક્ષરમાં કેમ છાપો છો ?’
‘કાગળ તો સફેદ હોય છે ને બહેન, શાહી તો કાળી જ હોય !’
‘બીજા લોકો છો ને કાળી શાહીથી છાપે, તમે તો અમારા ગિજુભાઈ છો.’
‘એટલે મારે શું કરવું જોઈએ ?’
‘ઓહોહો, કેટલા બધા રંગો હોય છે આપણી પાસે ! તમે એવી ચોપડી છાપો ને, જેનું એક પાનું લાલ રંગમાં હોય, બીજું લીલામાં, ત્રીજું પીળામાં એમ જુદા જુદા રંગમાં કેમ નથી કરતા ?’
ગિજુભાઈ થોડી ક્ષણો મારી સામે જોઈ રહ્યા. પછી પૂછ્યું, ‘તને એવી ચોપડી વાંચવાની ગમે ?’
‘હા – બહુ જ ગમે.’
અમારો સંવાદ સાંભળનાર વડીલ શ્રોતાઓમાંથી કોઈએ મને ટપારી, ‘એ બેબી, ગિજુભાઈને આમ હેરાન ના કરાય. ખસ હવે. એમને બહુ કામ હોય.’
ઘરમાંથી સભ્ય વર્તન શેને કહેવાય એ તો જાણવા મળ્યું હતું એટલે હું તરત ખસી ગઈ અને જરાક શરમાઈ પણ ગઈ – તોયે ગિજુભાઈ મનમાંથી ખસ્યા નહોતા
અને જુઓ, કમાલની વાત ! બેએક મહિના પછી ટપાલમાં મારે માટે એક નાનકડું પુસ્તક આવ્યું. શીર્ષક હતું ‘વાઘોનું વન’ અને એનાં પૃષ્ઠ જુદા જુદા રંગની શાહીમાં છપાયેલાં હતાં !
એ હતી મારા ગિજુભાઈની ભેટ. આવડા મોટા બાળકેળવણીકાર, લેખક, અનેક સંસ્થાઓ અને યોજનાઓના ઘડવૈયા, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા – એ.એસ. નીલની ‘રખડુટોળી’ પણ ગુજરાતી બાળકોને સુલભ કરી આપનાર અત્યંત વ્યસ્ત મહાનુભાવ એવા ગિજુભાઈએ એક નાનકડી છોકરીની ઘેલી ઈચ્છા યાદ રાખીને પૂરી કરી એ પ્રસંગ કંઈ જેવોતેવો ગણાય ?
મારા સદ્દભાગ્યનું એ સંભારણું – એનો રોમાંચ આજે પણ મને આનંદના મહાસાગરમાં લીન કરે છે.
સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 18-19