છેલ્લા બે દાયકામાં ‘વિકાસ’ અને ‘નંબર વન’—એ બે શબ્દો દેશભરમાં કોઈએ સૌથી વધુ સાંભળ્યા હોય તો એ અમદાવાદીઓ છે. પણ આ જ અમદાવાદ અને તેના નાગરિકો કોરોના કટોકટીમાં સપડાયા છે. સમગ્ર ગુજરાતમાં 11 મે સુધીમાં કોવિદ-19 કેસોની કુલ સંખ્યા 8,542 હતી. તેમાં માત્ર અમદાવાદના 6,086 કેસ નોંધાયા. અર્થાત્ ગુજરાતના 71 ટકા કેસ માત્ર અમદાવાદમાં. રાજ્યની લગભગ સાડા છ કરોડની વસ્તીમાં માત્ર એક શહેરમાં 70 ટકાથી વધુ દરદીઓ. યુનાઇટેડ નેશન્સના વર્ષ 2020ના અંદાજ પ્રમાણે અમદાવાદની વસ્તી 78 લાખ છે. વળી, મૃત્યુઆંક જોઈએ તો ગુજરાતમાં 11 મે સુધી 513 વ્યક્તિઓના દુ:ખદ અવસાન થયા. તેમાં માત્ર અમદાવાદના 400 મૃત્યુ છે. અર્થાત્ રાજ્યમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં 77 ટકા માત્ર અમદાવાદમાં.
એ વ્યથિત કરનારું છે કે આપણે કોરોનાના દદરદીઓ અને તેનાથી થતાં મૃત્યુના આંકડાની વાત કરીએ છીએ. જે પરિવારોમાં સભ્યો કોરોનાગ્રસ્ત હશે કે ત્યાં કોઇનું મૃત્યુ થયું હશે તે કેવી પીડા અને વ્યથા અનુભવતા હશે? અમદાવાદ ગુજરાત અને દેશના અન્ય શહેરોની તુલનાએ કેમ કોરોનામાં સપડાયું તેનાં કારણોની તપાસ અનિવાર્ય બને છે. છેલ્લા પંદર દિવસમાં આ અંગે કેન્દ્ર સરકારે બે પ્રતિનિધિમંડળ અમદાવાદ મોકલ્યાં, પણ ‘સબ સલામત’ છે એવી છાપ ઉપસી આવે છે. અમદાવાદના એક નાગરિક તરીકે આ શહેરને દાયકાઓથી સમજવાનો મોકો મળ્યો છે, તેના આધારે અહીં કેટલાંક નિરીક્ષણો રજૂ કરું છું.
સ્વતંત્રતા બાદ અમદાવાદે કુદરતી અને માનવસર્જિત કટોકટીનો અનુભવ કર્યો છે. પૂર, દુકાળ અને સામાજિક સંઘર્ષોનો એક ઇતિહાસ સ્વતંત્રતા બાદનો છે. સાબરમતીમાં પૂર જેવી કુદરતી હોનારતોનો અમદાવાદે સામનો કર્યો છે. બીજી તરફ વર્ષ 1969, 1985, 1992 અને 2002નાં કોમી હુલ્લડોએ આ શહેરને છિન્નભિન્ન કર્યુ છે. વર્ષ 1981 અને 1985માં અનામત-વિરોધી આંદોલનોએ અને વર્ષ 2016માં અનામતતરફી પાટીદાર આંદોલનોએ અહમદશાહે વસાવેલા આ નગરના સામાજિક તાણાવાણા વેરવિખેર કર્યા છે. આવા સમયે વખતોવખત, દિવસો સુધી અમદાવાદીઓએ કરફ્યૂનો અનુભવ કર્યો છે. આવા પડકારો અને તેનો સામનો કરવાનો ઇતિહાસ હોવા છતાં કોરોનાએ અમદાવાદને બૂરી રીતે ઘાયલ કર્યુ.
તાજેતરના અમદાવાદમાં સરકાર અને બીજાના પ્રયત્નો જોતાં એક છાપ એવી ઉપસે છે કે અમદાવાદની નાડ પારખનાર નેતૃત્વનો અભાવ છે અથવા એવા નેતૃત્વનો લાભ લેવામાં ન આવ્યો. અમદાવાદને માત્ર ‘હૉટ સ્પૉટ’ની દૃષ્ટિએ જોવામાં આવ્યું. વાસ્તવમાં આ શહેરનું સામાજિક-આર્થિક વર્ગીકરણ કરીને તેને સમજવાની અને તેનો ઉપચાર કરવાની આવશ્યકતા હતી. કુદરતી અને માનવસર્જિત કટોકટી વખતે અમદાવાદને અત્રે દર્શાવેલા ચાર વિભાગોમાં વિભાજિત કરીને સમજ મેળવવી રહી.
અમદાવાદના ચાર વિભાગ
1: અમદાવાદ રેલવે સ્ટેશનની ઉત્તરે આવેલો શ્રમજીવીનો વિસ્તાર, જ્યાં 80થી વધુ કાપડની મીલો બંધ થતાં મોટા પાયે બેકારી આવી. ત્યાં સ્થળાંતરિતોની વસ્તી પણ છે.
2: રેલવે સ્ટેશન અને સાબરમતી નદી વચ્ચે આવેલું શહેર, જે કોટ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોળોનું અમદાવાદ. ગીચ વસ્તી હિંદુ-મુસ્લિમ પાડોશ.
3: સાબરમતી નદીને દક્ષિણે આવેલું અમદાવાદ, જે સમૃદ્ધ છે. મહદ્ અંશે હિંદુઓની કહેવાતી ઉપલી જ્ઞાતિઓનો પ્રભાવ છે. શૈક્ષણિક સંસ્થાઓ છે.
4: અમદાવાદ શહેરની ફરતે છેલ્લાં 30 વર્ષમાં વિકસેલું નવું અમદાવાદ.
એવું તો શું બન્યું કે અમદાવાદ આજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ અંગેના કેટલાંક કારણો-પરિબળો તપાસીએ.
1. અમદાવાદને લૉક ડાઉન કરતાં પૂર્વે એ જાણવું અનિવાર્ય હતું કે શહેરના શ્રમિકો માત્ર ઘેર બેસીને કેટલા દિવસ સુધી રોજગારી વિના ચલાવી શકશે. એ યાદ રહે કે અમદાવાદ મહદ્ અંશે શ્રમિકો અને સ્વરોજગાર કરનારાઓનું શહેર છે.
2. ‘સ્ટે એટ હોમ’ એ સૂત્ર પર ભાર મૂકાયો, તેની પાછળ સામાજિક અંતર અવશ્ય હતું, પણ એ મહદ્દઅંશે સમૃદ્ધ પરિવારો અને ઉચ્ચ મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને દોહરાવાયું.
3. એક મહિના પૂર્વે જ્યારે 282 કેસ હતા ત્યારે એક કોમ પર દોષારોપણ કરવામાં આવ્યું. આ દોષારોપણમાં લગભગ ત્રણ અઠવાડિયાં ચાલ્યાં ગયાં અને એ દિવસોનાં અન્ય કારણ નજરઅંદાજ થઇ ગયાં.
4. દોષારોપણનો સિલસિલો આગળ ચાલ્યો. સમગ્ર અમદાવાદને શાકભાજી પહોંચાડનારા ફેરિયાઓમાં કોરોના દેખાયો, એટલે નવો શબ્દ ‘સુપર સ્પ્રેડર’ લોકોને કલંકિત કરવા લાગ્યો. ભાજીવાળા અને ત્યારબાદ લારીવાળા એમ સુપર સ્પ્રેડરની યાદી લંબાતી ગઇ. એ પૂર્વે કોરોનાના ફેલાવાને કોમી રંગ અપાઈ ચૂકયો હતો.
5. સમૃદ્ધ અમદાવાદ છે, ત્યાં ગીચતા નથી પણ જે શ્રમિકોનું અમદાવાદ છે કે પછી સાંકડી પોળોનું અમદાવાદ છે ત્યાં વસ્તી ગીચતાને કારણે પણ કોરોના ફેલાય એ સ્વાભાવિક છે. ગુજરાતમાં સુરત પછી સૌથી વધુ ઝૂંપડાવાસીઓ અમદાવાદમાં છે. આ વિસ્તાર પણ ગીચ છે. તેમ જ નહાવા માટે કે હાથ ધોવા માટે પાણી ઘરમાં જ સુલભ હોય એવી શકયતા નથી.
6. અમદાવાદમાં શાકભાજી વેચનારા મોટા ભાગના દેવીપૂજક છે. મુસ્લિમ છે કે પછી પાડોશના રાજ્યના સ્થળાંતરિતો છે. શાક એક એવી જીવનજરૂરિયાતની વસ્તુ છે કે જે સૌને જોઇએ. પરંતુ જીવના જોખમે શાકભાજી વેચનારા પર આપણે ઠીકરાં ફોડયાં. તેમના ગ્રાહકો શું કોરોનાગ્રસ્ત ન હોય?
7. સરકાર અને મ્યુનિસિપલ કૉર્પોરેશન કોરોના-નિયંત્રણની નીતિ બદલતાં રહ્યાં. વહીવટકર્તાઓ બદલાયા, પણ સત્તાસ્થાને બેઠેલાઓએ અમદાવાદના વિદ્યાર્થીઓ અને જ્ઞાતિ સંગઠનો કે અન્ય નાગરિક સંસ્થાઓની ભાગીદારી વિશે ગંભીરતાથી વિચાર્યુ નહીં. ચૂંટણીસમયે કે છેલ્લે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મુલાકાત સમયે લોકભાગીદારીનો જે ઉત્સાહ હતો, એ વર્તમાન મહામારીમાં ન દેખાયો. વિદ્યાર્થીઓ જાહેરમાં ન આવે તે સમજાય એવું ને જરૂરી છે પરંતુ તે સોશિયલ મીડિયાથી સતત જોડાયેલા રહે છે. યુનિવર્સિર્ટીઓએ આવા લાખો વિદ્યાર્થીઓને કોરોનાનિયંત્રણની જાગૃતિમાં જોડવા જોઇતા હતા. આ જ રીતે શહેરનાં જ્ઞાતિસંગઠનો પણ ભૂલાઈ ગયાં.
8. અમદાવાદના જે વિસ્તારોમાં કોરોનાનો એક પણ કેસ ન હતો કે મર્યાદિત કેસ હતા ત્યાં જુદી રણનીતિ અપનાવવાની જરૂરિયાત હતી. ત્યાં જાગૃતિ માટેની વિશેષ ગંભીરતા ન જણાઈ, ટી.વી. અને છાપાઓએ માહિતી આપીને કામ કર્યુ, પણ ‘સુપર સ્પ્રેડર’ વિશે રોજેરોજ પ્રસિદ્ધિ અપાતાં નકારાત્મક વાતાવરણ સર્જાયું.
9. એચ.આઇ.વી. એઇડ્સ રોકથામ વિશેનો મારો અનુભવ સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઇ વિશેષ સમુદાયને ટારગેટ કરવામાં આવે ત્યારે આવા સમુદાયોમાં ભય ફેલાય છે અને તેઓ અન્ડરગ્રાઉન્ડ જતા રહે છે. કરફ્યૂમાં ઢીલ આપી ત્યારે જૂની પરંપરા પ્રમાણે બહેનોને મુક્તિ આપી. તેના કારણે બહેનોમાં પણ ચેપ ફેલાવાની શકયતા વધી ગઈ.
મહામારીનો પ્રભાવ અંતે તો લોકો પર જ હોય છે પણ લોકો સમાન નથી. તેઓની સામાજિક-આર્થિક લાક્ષણિકતાઓની સમજ મહામારીના નિયંત્રણમાં મદદરૂપ થાય છે.
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020