આકાશના તારાઓમાં શુક્ર, ચંદ્રનો જોડીદાર ગણાયો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં કવિઓ થાક્યા નથી. આ તેજસ્વી તારો સમીસાંજે કે વહેલી સવારે કલાક–બે કલાકથી વધુ દેખાતો નથી. ભાઈ મહાદેવ ભારતના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભા પાથરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા
— સ્વામી આનંદ
મહાત્મા ગાંધી અને મહાદેવભાઇની જોડીને રામકૃષ્ણ પરમહંસ, સોક્રેટિસ અને પ્લેટો, જર્મન કવિ ગટે અને એકરમેન જેવા ઉમદા ગુરુ-શિષ્યો સાથે થઈ શકે, પણ એમ કર્યા પછી પણ અભ્યાસીઓએ નોંધ્યું છે કે મોહન-મહાદેવ જેવો અખંડ અને અવિચ્છિન્ન સંબંધ આમાંના કોઈનો ન હતો. 15 ઑગસ્ટે મહાદેવભાઈની પુણ્યતિથિ છે. એ નિમિત્તે એમને સાદર સ્મરીએ.
સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ વિશેના દીર્ઘ લેખ ‘શુક્રતારક સમા’માં લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’
કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ એક વાર કાકા કાલેલકર વગેરે ગેરસપ્પાનો ધોધ જોવા જતા હતા. મહાદેવભાઈને સાથે આવવા કહ્યું, પણ તેઓ ગાંધીજીના કોઈ કામમાં રોકાયેલા હતા. જ્યારે કાકાસાહેબે ગાંધીજીને મહાદેવભાઈને મોકલવાનું કહ્યું ત્યારે ગાંધીજી સ્મિત વેરતાં બોલ્યા, ‘હું જ એનો ગેરસપ્પા છું.’
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ અતૂટ રહી.
નરહરિભાઈ લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની સંપત લઈને આવ્યા અને કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક” – એવા એ બન્યા.’
ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’. તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની વૈચારિક એકતા એવી હતી કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવે.
આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો.
તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. 1915 જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યારે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા હતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. 1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો, ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. ગાંધીજીએ મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા.
19૦5માં મહાદેવભાઈનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં : ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે, માંહી આવે વિયોગની વાત જો, સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ નારાયણભાઈ લખે છે, ‘વિયોગ છતાં મહાદેવ-દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.’
19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. મહાદેવભાઈને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.
ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથ અને શરદબાબુનાં કેટલાંક પુસ્તકોના અનુવાદ કર્યા. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે. આ ઉપરાંત એમણે ચરિત્રગ્રંથો, અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો અને બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ અને ઘણા અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો આપ્યાં છે. પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજબરોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
ગાંધીજી 1935માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. 1942ના ઑગસ્ટની 9મીથી 15મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં બેસી ગયેલી ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ!’ સંબોધન સરી જતું.
અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઑગસ્ટ 2025